ચૂંટણી પંચ પહેલેથી ચર્ચામાં રહ્યું છે ત્યારે તેના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય બે કમિશનરોની નિમણૂક કઈ રીતે થાય, પસંદગી કોણ કરે અને આ પ્રક્રિયામાં સરકારની ભૂમિકા કેટલી હોય– આ પ્રશ્ન સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જોકે નિરાકરણ હજુ આવ્યું નથી. સુપ્રીમ કોર્ટમાં ખંડિત ચુકાદો આવ્યો અને હવે મામલો પાંચ જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મામલો 2023ના ચીફ ઈલેક્શન કમિશનર એન્ડ અધર કમિશનર્સ (એપોઇન્ટમેન્ટ, કન્ડિશન ઑફ સર્વિસ એન્ડ ટર્મ્સ ઑફ ઓફિસ) એક્ટનો છે, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
23 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ચુકાદો આપ્યો. 2023ના કાયદાને ઉપલી બેન્ચ સમક્ષ મોકલવા બાબતે બે જજો વચ્ચે મતભેદ સર્જાયો હતો, જેમાં જસ્ટિસ દીપાંકર દત્તા આ કેસને પાંચ જજોની બેન્ચ સમક્ષ મોકલવાની વિરુદ્ધમાં હતા જ્યારે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા સમર્થનમાં હતા. છતાં વધુ સમય ન બગડે તે માટે બંને જજોએ સહમતી સાધીને આ મામલો સીધો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમક્ષ પાંચ જજોની બંધારણીય બેન્ચ રચવા માટે મોકલી આપ્યો છે.
અહીંથી એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે– સુપ્રીમ કોર્ટે 2023ના કાયદાને ગેરબંધારણીય જાહેર નથી કર્યો. આજે કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે આ કેસની આગળની સુનાવણી બે જજોની બેન્ચ કરશે કે પાંચ જજોની બંધારણીય બેન્ચ. હવે પાંચ જજોની બેન્ચ આ સમગ્ર મામલે આગળ નિર્ણય કરશે.
Supreme Court delivers split verdict over whether challenge to 2023 law governing appointment of CEC and Election Commissioners should be heard by a Constitution Bench.
— Bar and Bench (@barandbench) September 23, 2026
– Justice Dipankar Datta held that Anoop Baranwal had already settled the constitutional principles of free… pic.twitter.com/XxXwdffb2h
આખો વિવાદ શરૂ ક્યાંથી થયો?
આ આખો મામલો સમજવા માટે થોડાં વર્ષ પાછળ જવું પડશે. ભારતના બંધારણના આર્ટિકલ 324માં ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ સ્વતંત્રતા પછી લાંબા સમય સુધી દેશમાં ચીફ ઈલેક્શન કમિશનર અને અન્ય ઈલેક્શન કમિશનર્સની નિમણૂક માટે સંસદે કોઈ સ્પષ્ટ અને વિગતવાર કાયદો બનાવ્યો નહોતો.
વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ‘અનૂપ બરનવાલ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસ દરમિયાન ઉઠ્યો. આ કેસમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ નિમણૂક માટે નવો કાયદો ન લાવે ત્યાં સુધી એક સમિતિ આ નિમણૂકો કરશે, જેમાં વડા પ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સામેલ રહેશે.
સરળ ભાષામાં સમજીએ તો, સુપ્રીમ કોર્ટે આપેલા અગાઉના વચગાળાના માળખામાં સરકાર તરફથી વડા પ્રધાન, વિપક્ષ તરફથી લોકસભામાં વિપક્ષ નેતા અને એક તટસ્થ સભ્ય તરીકે CJI સામેલ હતા. પરંતુ 2023ના નવા કાયદા પછી આ સમિતિમાં વડા પ્રધાન, વડા પ્રધાન દ્વારા પસંદ કરવામાં આવેલા કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો. આ જ ફેરફાર સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર છે.
Despite differing on whether a larger bench was necessary, the two judges concurred that the matter should be placed directly before the CJI for constitution of a five-judge bench. The judges noted the constitutional significance of the challenge and its implications for the…
— ANI (@ANI) September 23, 2026
આ કાયદા સામે મુખ્ય વાંધો શું
આ કાયદાને પડકારતી અરજીઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને કોંગ્રેસ નેતા જયા ઠાકુર જેવા અરજદારો સામેલ છે. અરજદારોની મુખ્ય દલીલ એ છે કે સિલેક્શન કમિટીમાં વડા પ્રધાન અને તેમના દ્વારા જ નામાંકિત કરાયેલા એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોવાથી સરકારને આ સમિતિમાં 2 સભ્યોનો સ્પષ્ટ બહુમત મળે છે, જ્યારે વિપક્ષના નેતા માત્ર 1 જ સભ્ય તરીકે રહે છે.
અરજદારોના મતે આ પ્રકારનું માળખું ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવી એ બંધારણના મૂળભૂત માળખાનો મહત્વનો ભાગ છે. તેથી ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા એવી હોવી જોઈએ જેમાં સરકારના પક્ષપાતની કોઈ શંકા ન રહે. જોકે, આ માત્ર અરજદારોની દલીલો છે અને સુપ્રીમ કોર્ટે હજુ સુધી આ બાબતે પોતાનો અંતિમ નિર્ણય આપ્યો નથી.
કેન્દ્ર સરકારનું શું કહેવું છે
આ મામલે કેન્દ્ર સરકારનું માનવું છે કે ભારતીય બંધારણ સંસદને CEC અને ECની નિમણૂક માટે કાયદો બનાવવાની પૂર્ણ સત્તા આપે છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે આ કેસમાં બંધારણના આર્ટિકલ 324ના અર્થઘટન સાથે જોડાયેલા મહત્વના કાયદાકીય પ્રશ્નો ઊભા થાય છે. તેથી આ બાબતની સુનાવણી પાંચ જજોની મોટી બંધારણીય બેન્ચ સમક્ષ જ થવી જોઈએ.
કેન્દ્રએ એવી પણ દલીલ કરી છે કે વર્ષ 2023ના ‘અનૂપ બરનવાલ’ કેસમાં સુપ્રીમ કોર્ટે CJIવાળી જે સમિતિ બનાવી હતી તે કોઈ કાયમી વ્યવસ્થા નહોતી, પરંતુ સંસદ કાયદો ન બનાવે ત્યાં સુધીની માત્ર એક કામચલાઉ વચગાળાની વ્યવસ્થા હતી. હવે જ્યારે દેશની સંસદે કાયદો પસાર કરીને નવી પસંદગી સમિતિ નક્કી કરી દીધી છે ત્યારે બંધારણીય દૃષ્ટિએ સંસદે બનાવેલ આ કાયદાનું અને સંસદના કાયદાકીય અધિકારોનું સન્માન કરવું જોઈએ.
કોર્ટે શું કહ્યું?
23 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસમાં અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. જસ્ટિસ દત્તાનું માનવું હતું કે આ મામલાને પાંચ જજોની મોટી બેન્ચ પાસે મોકલવાની કોઈ જરૂર નથી. તેમના મતે અગાઉના ‘અનૂપ બરનવાલ’ કેસમાં ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે જે સિદ્ધાંતો નક્કી થયા હતા તેના આધારે બે જજોની બેન્ચ પણ આ નવા કાયદાની માન્યતા તપાસી શકે છે.
જસ્ટિસ દત્તાએ નવી સિલેક્શન કમિટીની રચના પર ગંભીર સવાલો ઉઠાવતા પ્રાથમિક ચિંતા વ્યક્ત કરી હતી કે, સમિતિમાં સરકારના બે પ્રતિનિધિઓ અને વિપક્ષના માત્ર એક જ પ્રતિનિધિ હોવાથી સરકારનો પ્રભાવ વધી જાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી પંચ માત્ર સ્વતંત્ર હોય એટલું પૂરતું નથી, પરંતુ તે સામાન્ય જનતાને પણ તટસ્થ અને સ્વતંત્ર દેખાવું જરૂરી છે.
આ વાત સરળતાથી સમજાવવા માટે તેમણે ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો રમનારી ટીમ જ પોતાના માટે અમ્પાયર પસંદ કરે તો તે અમ્પાયર ભલે ગમે તેટલો સાચો નિર્ણય આપે તોપણ લોકોના મનમાં તેની નિષ્પક્ષતા સામે શંકા રહી જાય છે. અહીં મુદ્દો માત્ર ચુકાદો સાચો કે ખોટો હોવાનો નથી, પરંતુ પસંદગી પ્રક્રિયા પરના લોક-વિશ્વાસનો છે. આ જ કારણે તેમણે સમિતિમાં કેન્દ્રીય મંત્રીના સમાવેશ સામે પ્રશ્નો ઊભા કર્યા હતા.
બીજી તરફ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો અભિપ્રાય સાવ અલગ હતો. તેમનું માનવું હતું કે આ કાયદામાં બંધારણના આર્ટિકલ 324ના અર્થઘટન સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો કાયદાકીય પ્રશ્ન સામેલ છે. તેથી બંધારણના આર્ટિકલ 145(3) મુજબ આ કેસની સુનાવણી પાંચ જજોની મોટી બંધારણીય બેન્ચ દ્વારા જ થવી જોઈએ. આમ, બે જજોની બેન્ચમાં કેસને મોટી બેન્ચ સમક્ષ મોકલવો કે નહીં તે પ્રાથમિક પ્રશ્ન પર જ મતભેદ સર્જાયો હતો.
સામાન્ય નિયમ મુજબ જ્યારે બે જજો વચ્ચે મતભેદ થાય ત્યારે કેસ પહેલાં ત્રણ જજોની બેન્ચ પાસે જાય છે, પરંતુ પરંતુ અહીં બંને જજોએ વિચાર્યું કે આવું કરવાથી માત્ર ‘કઈ બેન્ચે કેસ સાંભળશે?’ તે નક્કી કરવામાં જ નકામો સમય બગડે તેમ હતો.
આથી બંને જજોએ પોતાના અલગ મતો છતાં સમજદારીપૂર્વક નક્કી કર્યું કે આ મામલો સીધો CJI સમક્ષ મોકલવો, જેથી તેઓ પાંચ જજોની બંધારણીય બેન્ચ રચી શકે. એટલે કે આ નિર્ણય ‘કાયદો યોગ્ય છે કે ખોટો’ તેનો અંતિમ ચુકાદો નથી, પરંતુ હવે પાંચ જજોની મોટી બેન્ચ આ કાયદાની બંધારણીય માન્યતા પર વિગતવાર સુનાવણી કરીને અંતિમ નિર્ણય લેશે.
આગળ શું થશે?
હવે આ મામલો CJI સમક્ષ જશે અને તેઓ પાંચ જજોની એક મોટી બંધારણીય બેન્ચની રચના કરશે. ત્યારબાદ આ બેન્ચ અરજદારો અને કેન્દ્ર સરકારની દલીલો વિગતવાર સાંભળશે. આ સુનાવણીમાં મુખ્ય પ્રશ્ન એ રહેશે કે સંસદે 2023માં બનાવેલો નવો સિલેક્શન કમિટીનો કાયદો બંધારણના નીતિ-નિયમો સાથે સુસંગત છે કે નહીં.
તેની સાથે જ 2023ના ‘અનૂપ બરનવાલ’ ચુકાદાની મર્યાદા પણ નક્કી થશે. કોર્ટ એ તપાસશે કે તે ચુકાદામાં CJIવાળી કમિટી માત્ર સંસદ કાયદો બનાવે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા હતી, કે પછી તેમાં ચૂંટણી પંચની સ્વતંત્રતા જાળવવાનો એવો કોઈ મૂળભૂત બંધારણીય સિદ્ધાંત હતો જેને નવી કમિટીએ પણ અનુસરવો પડે.


