અદાણી માનહાનિ કેસમાં જેલમાં બંધ ‘પત્રકાર’ રવિ નાયરને વચગાળાની કોઈ રાહત નહીં, ગુજરાત હાઇકોર્ટે અનામત રાખ્યો ચુકાદો

અદાણી સમૂહે દાખલ કરેલા માનહાનિ કેસમાં સમન્સ સ્કીપ કરવા બદલ જેલમાં મોકલવામાં આવેલા ‘પત્રકાર’ રવિ નાયરને કોઈ પણ વચગાળાની રાહત આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે, જે આવતા બુધવારે (30 સપ્ટેમ્બર) સંભળાવવામાં આવશે. દરમ્યાન રવિ નાયર જેલમાં જ રહેશે.

મામલો અદાણી માનહાનિ કેસનો છે. નાયરે અદાણી જૂથને ટાર્ગેટ કરીને લખેલા અમુક લેખો અને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે ઉદ્યોગસમૂહે ગાંધીનગરના માણસાની કોર્ટમાં માનહાનિ કેસ દાખલ કર્યો હતો. ફેબ્રુઆરી 2026માં કોર્ટે નાયરને દોષી ઠેરવીને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ આદેશ નાયરે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે તેને જરૂર પડ્યે હાજર રહેવાની શરતે જામીન આપ્યા હતા.

દરમ્યાન 3 સપ્ટેમ્બરના રોજ કોર્ટે રવિ નાયરને હાજર રહેવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ તે હાજર રહ્યો ન હતો. વારંવાર કહેવા છતાં હાજર ન રહેતાં કોર્ટે નોન બેલેબલ વૉરન્ટ ઇસ્યુ કર્યું હતું. આખરે નાયર તાજેતરમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યો અને સમન્સ પડકારતી અરજી દાખલ કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવીને તેને જેલમાં મોકલી આપ્યો હતો.

જેલભેગા થયા બાદ નાયરના વકીલોએ સેશન્સ કોર્ટનો આ નિર્ણય હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જે મામલે હવે સુનાવણી ચાલી રહી છે. કોર્ટે અદાણી સમૂહ અને ગુજરાત સરકારને પણ નોટિસ મોકલીને જવાબ માગ્યા હતા. બંને પક્ષોએ જવાબ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે હવે નિર્ણય અનામત રાખ્યો છે, જે અઠવાડિયા પછી સંભળાવવામાં આવશે. ત્યાં સુધી નાયર જેલમાં રહેશે અને કોઈ વચગાળાની રાહત મંજૂર કરવામાં આવી નથી.

સુનાવણી દરમ્યાન કોર્ટે એ પણ કહ્યું કે વૉરન્ટનું અમલીકરણ થઈ ચૂક્યું છે એ સંજોગોમાં હવે નાયર તેને પડકારી શકે એમ નથી. બીજું, તેણે સેશન્સ કોર્ટ સમક્ષ નિયમિત જામીનની અરજી કરી હતી એ બાબતની જાણ હાઇકોર્ટને કરવામાં આવી ન હતી.

નાયરના વકીલોએ કોર્ટને કહ્યું કે 8 સુનાવણીમાંથી તે ટ્રેનમાં હાજર રહ્યો હતો અને એક સુનાવણીમાં તેને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ પણ આપવામાં આવી હતી. જેથી છ મહિનાથી હાજર ન રહેતો હોવાની ગાંધીનગર સેશન્સ કોર્ટની વાતમાં તથ્ય નથી.

જ્યારે અદાણી જૂથ તરફથી હાજર વકીલોએ કહ્યું કે નાયર માત્ર બેલ બોન્ડ માટે જ કોર્ટમાં હાજર થયો હતો. વધુમાં જણાવ્યું હતું કે નાયર સતત અદાણી કંપનીઓને ટાર્ગેટ કરતો રહ્યો છે અને અન્ય એક કેસમાં પણ તેની સામે અમદાવાદમાં FIR દાખલ થઈ છે. ઉપરાંત તેણે રક્ષણ મેળવવા માટે કેરળ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે જામીનની અરજી પર સુનાવણી 1 ઑક્ટોબરના રોજ સુનિશ્ચિત કરી છે, જેથી તેને કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય ઓછામાં ઓછો 1 ઑક્ટોબર સુધી લાગુ રહેવો જોઈએ.