
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશનના VIP વેટિંગ રૂમમાં સુવિધાઓ અને જાળવણીને લઈને એક કાનૂની અને વહીવટી વિવાદ સામે આવ્યો છે. VIP રૂમમાં આવેલા સોફા પર માંકડ હોવાનું જણાવીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રેલવે મેનેજરને પત્ર લખીને સોફા બદલવા માટે અને પેસ્ટ કન્ટ્રોલ કરાવવા માટે સૂચના આપી હતી. પરંતુ તેનું પાલન ન થતાં હવે નોટિસ ફટકારવામાં આવી છે અને મેનેજર વિરુદ્ધ ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ની કાર્યવાહી કેમ શરૂ કરવામાં ન આવે તેનો જવાબ માગ્યો છે. નોટિસમાં જણાવવામાં આવ્યું કે VIP રૂમમાં સુવિધાઓ ન હોવાના કારણે મુસાફરી કરતા ન્યાયાધીશોએ ગાડીમાં જ બેસીને રાહ જોવી પડે છે.
મીડિયા અહેવાલ અનુસાર, મે 2026માં એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે (રેલવે) નાંદેડ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરને (DRM) પત્ર લખ્યો હતો. આ પત્રમાં સ્ટેશનના VIP રૂમમાં પેસ્ટ કન્ટ્રોલ કરાવવા તેમજ જૂના સોફા બદલીને નવા સોફા મૂકવા અંગેની સૂચના આપવામાં આવી હતી.
હવે ફરી એક નોટિસ મોકલવામાં આવી છે. આ શૉ કોઝ નોટિસ મુજબ, 19 સપ્ટેમ્બર સુધીમાં અગાઉ આપેલી સૂચનાઓનું પાલન થયું નહોતું. નોટિસ અનુસાર સોફામાં માંકડની સમસ્યા યથાવત રહેવાને કારણે મુસાફરી કરતી વખતે VIP રૂમનો ઉપયોગ કરવાને બદલે ન્યાયાધીશોએ પોતાની ગાડીઓમાં બેસીને રાહ જોવી પડી હતી.
નોટિસમાં જણાવવામાં આવ્યું કે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચના 15થી વધુ ન્યાયાધીશો અવારનવાર રેલવે મારફતે મુસાફરી કરે છે અને આ સ્ટેશનના VIP વેટિંગ રૂમનો ઉપયોગ કરે છે. નોટિસમાં જણાવ્યા મુજબ, મે મહિનામાં મોકલાયેલા પત્ર અંગે સમયસર સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર મળ્યો નહોતો.
આ બાબતને ધ્યાનમાં રાખીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે DRM નાંદેડ ડિવિઝન પાસે સ્પષ્ટતા માંગી છે. અગાઉના નિર્દેશોનું પાલન ન થવા બદલ ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ્સ એક્ટ’ (અદાલતની અવમાનના) હેઠળ કાર્યવાહી શા માટે ન કરવી તે અંગે જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
નોટિસમાં સંબંધિત અધિકારીને 30 સપ્ટેમ્બર, 2026ના રોજ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે તો નિયમાનુસાર આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
પ્રક્રિયાના ભાગરૂપે આ નોટિસની એક નકલ દક્ષિણ મધ્ય રેલવેના જનરલ મેનેજરને પણ માહિતી અર્થે મોકલવામાં આવી છે. આ ઉપરાંત ઔરંગાબાદના RPF ઇન્સ્પેક્ટરને આ નોટિસ સંબંધિત અધિકારી સુધી પહોંચાડીને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

