સમસ્યાઓના સમાધાન માટે કાયદાઓ બને છે. પરંતુ કાયદાઓના નિશ્ચિત ઉદ્દેશોથી આગળ વધીને તેનો દુરુપયોગ થાય ત્યારે શું કરવું અને તેનો ઉપાય શું તેનો જવાબ ભારતીય ગણતંત્ર પાસે સાત દાયકા પછી પણ નથી. એક નહીં અનેક કાયદાઓમાં આ સમસ્યા જોવા મળશે.
શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી) એક્ટ, જે સામાન્ય બોલચાલમાં એસસી/એસટી એક્ટ કહેવાય છે, તેના દુરુપયોગના કિસ્સાઓ શોધવા જશો તો ઘણા મળશે. બહુ દૂર જવાની પણ જરૂર નહીં પડે. તમારી આસપાસ નજર કરશો તોય મળી રહેશે.
આઈઆઈટી બૉમ્બેમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો. કેમ્પસમાં પ્રદર્શનો શરૂ થયાં. સંસ્થાની જવાબદેહી નક્કી કરવાની, પારદર્શિતા સુનિશ્ચિત કરવાની માંગ થઈ. બીજા દિવસે સંસ્થાએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને સંવેદના વ્યક્ત કરી અને સાથે એક જાણકારી આપતાં કહ્યું કે ઘટના બની તેના થોડા કલાક પહેલાં વિદ્યાર્થી પરીક્ષામાં એઆઈ ચેટબોટની મદદથી જવાબો લખતો પકડાઈ ગયો હતો. પણ સંસ્થાએ હજુ સુધી કોઈ શિક્ષાત્મક પગલાં કે બીજી કાર્યવાહી શરૂ નહતી કરી.
પ્રદર્શન કરનારાઓએ આ બાબત ધ્યાને ન લીધી. ઉપરથી આ વિગતો સાર્વજનિક કરવાને વિદ્યાર્થીનું અપમાન ગણાવ્યું. માંગ એવી કરી કે સંસ્થા માફી માગે. સંસ્થાના ડાયરેક્ટરે ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરીને અઢાર મુદ્દાની માંગણી પર હસ્તાક્ષર કરી આપ્યા એમાં એક આ માંગણી પણ હતી. બીજા દિવસે આઈઆઈટીએ જૂનું નિવેદન પરત ખેંચી લીધું અને માફી માગી લીધી.
યાદ રહે, આઈઆઈટીએ એવું નહતું કહ્યું કે તેમના અગાઉના નિવેદનમાં કોઈ તથ્યાત્મક ખામી હતી કે તેમાં જણાવવામાં આવેલી ઘટના નહતી બની. પણ સંસ્થાએ કહ્યું કે ઘટના કઈ પરિસ્થિતિમાં બની અને અગાઉ શું બન્યું હતું એ બધું તપાસને આધીન છે અને સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક સંસ્થા તરીકે નિષ્કર્ષ પર પહોંચી જવું અયોગ્ય હતું એટલે તેઓ નિવેદન પરત ખેંચીને માફી માગે છે.
આ તરફ કેમ્પસમાં ચાલતા પ્રદર્શનમાં સંગઠનો જોડાયાં, પ્રદર્શન મોટું થયું. બીજા દિવસે મૃતક વિદ્યાર્થી સાહિલના માતા-પિતાએ જ્ઞાતિગત ભેદભાવનો આરોપ લગાવી દીધો. જે અધ્યાપકે તેને પરીક્ષા ચોરી કરતાં પકડ્યો હતો તેમની સામે એસટી/એસસી એક્ટ હેઠળ FIR થઈ. સંસ્થાએ વિદ્યાર્થીઓ સામે નમતું મૂકીને અધ્યાપક સૂર્યનારાયણ દૂલાને ડીન ઑફ સ્ટુડન્ટ્સની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા. જોકે તેઓ અધ્યાપક તરીકે કામગીરી ચાલુ રાખશે.
તાજા સમાચાર એવા છે કે કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચને સીસીટીવી ફૂટેજ હાથ લાગી ચૂક્યા છે. મામલો તપાસ હેઠળ છે એટલે હાલ ફૂટેજ સાર્વજનિક ન થાય એ સ્વાભાવિક છે, પણ તપાસ કરનારાઓને ટાંકીને મીડિયાએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે 1 વાગ્યે પેપર પૂરું થાય એ પહેલાં 12:30થી 12:45 વચ્ચે વિદ્યાર્થી નીચે નમીને ખિસ્સામાંથી કશુંક કાઢીને તેના તરફ જોતો દેખાયો હતો. ત્યારબાદ અધ્યાપકે તેની પૂછપરછ કરી અને અન્યોને ડિસ્ટર્બન્સ ન થાય એ માટે બહાર મોકલી આપ્યો હતો.
બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે ન્યાયની માંગ કરનારા પ્રદર્શનકારીઓ આ સીસીટીવી ફૂટેજ વિશે ચર્ચા કરી રહ્યા નથી, ન કોઈએ ફૂટેજ સાર્વજનિક કરવાની માંગ કરી છે. તેમણે જે અઢાર મુદ્દા પ્રશાસન સમક્ષ રજૂ કર્યા હતા તેમાં સાહિલ પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હતો એ હકીકત સાર્વજનિક કરવા બદલ સંસ્થાની માફીની માંગ કરવામાં આવી હતી. સાથે જે અધ્યાપકે કાર્યવાહી કરી તેમની સામે એક્શન લેવાની માંગ કરવામાં આવી. પરિવારને વળતર આપવાની અને વિદ્યાર્થીઓ માટે અન્ય અમુક બદલાવો કરવાની માંગ કરવામાં આવી. સંસ્થાએ કહ્યું છે કે તેઓ આ તમામ બાબતો પર વિચાર કરશે.
આ તરફ પ્રોફેસર દૂલાના સમર્થનમાં આઈઆઈટી બૉમ્બેનું ફેકલ્ટી ફોરમ આવ્યું છે. મદ્રાસ આઈઆઈટીના અધ્યાપકોએ પણ પ્રોફેસરને સમર્થન જાહેર કર્યું છે. ઘણુંખરું સોશિયલ મીડિયા પણ અધ્યાપકના સમર્થનમાં છે. પણ એફઆઈઆરમાં પેલું નામ ચડી ગયું એનું શું!
અધ્યાપકનું કામ હતું પરીક્ષા લેવાનું. નિયમો કહે છે કે પરીક્ષામાં ચોરી ન કરી શકાય. નિયમોનું પાલન થાય એની જવાબદારી પરીક્ષા લેનારની છે. તેમણે એ જ કર્યું. છતાં તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થઈ ગયો!
વિદ્યાર્થીના માતા-પિતાએ અધ્યાપકો વિરુદ્ધ જ્ઞાતિગત ભેદભાવ અને હેરાનગતિના આરોપ લગાવ્યા એ ફરિયાદ આખરે FIR માટેનો આધાર બની. પણ ક્રાઈમ બ્રાન્ચની અત્યાર સુધીની તપાસ કહે છે કે પ્રોફેસર સામે આત્મહત્યા દુષ્પ્રેરણા કે જ્ઞાતિગત ભેદભાવ અને હેરાનગતિનો એક પણ પુરાવો મળ્યો નથી. વિદ્યાર્થીના મિત્રો કહે છે કે તેની સાથે જ્ઞાતિગત ભેદભાવ જેવું કશું થતું ન હતું કે ન આઈઆઈટી બૉમ્બેના એસસી/એસટી સેલમાં સાહિલે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી.
જો એ તર્ક વાપરવામાં આવે કે સાહિલનું મૃત્યુ કઈ રીતે થયું એ તપાસનો વિષય છે અને પહેલેથી કોઈ નિષ્કર્ષ ન આપવો જોઈએ (એ હકીકત છતાં કે સીસીટીવી વગેરે પુરાવાઓ છે) તો આ તર્ક પ્રોફેસર દૂલાના કેસમાં ક્યાં જાય છે? પ્રોફેસરને કોઈ પુરાવા વગર માત્ર આરોપોને આધારે જ્ઞાતિગત ભેદભાવ કરનારા કઈ રીતે ઘોષિત કરી શકાય એ પણ એક પ્રશ્ન છે. જ્યારે આના તેમની વિરુદ્ધ કોઈ પુરાવા પણ નથી.
એસસી/એસટી એક્ટના દુરુપયોગનો આ પ્રથમ કિસ્સો નથી. અંતિમ પણ નહીં હોય. આંખ સામે હકીકત દેખાતી હોવા છતાં FIR થઈ ગઈ. અંગ્રેજીમાં આ પરિસ્થિતિ માટે એક શબ્દ છે– પેરાડોક્સ. જે હેતુ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ જ વિપરીત પરિણામનું કારણ બને.
સ્પષ્ટ વિરોધાભાસ એ છે કે સામાજિક ભેદભાવો દૂર કરવા માટે અને અંતર ઘટાડવા માટે કાયદાઓ બનાવવામાં આવ્યા. તેને સમયાંતરે મજબૂત પણ બનાવાયા. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને દુરુપયોગ અટકાવવા માટે કાયદા હળવા કર્યા તો સંસદે નિર્ણય પલટાવ્યો. પરંતુ આવા કિસ્સાઓ બનતા રહેશે તો આ અંતર કઈ રીતે ઘટશે?
આ દુરુપયોગ ન થાય એ જોવાની જવાબદારી કોની?
સિસ્ટમની, સમાજની કે બંનેની?


