રામ મંદિર કેસ: સીસીટીવીમાં દાનપેટીની રકમની ચોરીની 105 ઘટનાઓ કેદ થઈ, 25 સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે SIT

અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દાનપેટીમાંથી થયેલી ચોરી મામલે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં જાણવા મળ્યું છે કે મંદિર પરિસરમાં દાનની ગણતરી દરમિયાન ચોરીની 105 ઘટનાઓ CCTV કેમેરામાં કેદ થઈ હતી. 23 જૂનના રિપોર્ટમાં 70 ઘટનાઓનો ઉલ્લેખ હતો, જેમાં હવે વિસ્તૃત તપાસ બાદ વધારો થયો છે. રિપોર્ટ અનુસાર દાનની ગણતરી વખતે કર્મચારીઓ કપડાં, ખિસ્સા અને બૂટમાં રોકડ રકમ છુપાવતા હતા.

સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે SITની તપાસ પૂર્ણ થવાના આરે છે અને 25 સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. ધરપકડના 90 દિવસ પૂર્ણ થતા હોવાથી આરોપીઓને ડિફોલ્ટ જામીન ન મળે તે માટે ચાર્જશીટ સમયસર દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક મેજિસ્ટ્રેટને કાયદા મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

આરોપીઓની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી

દાન ચોરીના આ કેસમાં FIR નોંધાયા બાદ કુલ 8 આરોપીઓ અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નૂની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

SIT રિપોર્ટ અનુસાર મંદિરમાં આવતા કિંમતી સામાન અને દાનની નોંધણી માટે ખાસ સોફ્ટવેરના માધ્યમથી રિસીપ્ટ જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ આ કિંમતી સામગ્રી અને દાનને સુરક્ષિત રીતે SBIના લોકરમાં રાખવામાં આવે છે, જે અંગેના તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે. જેથી આ ચોરી દાનપેટીમાં આવતી રકમની ગણતરી દરમ્યાન થઈ હતી. ચડાવાની રકમ સુરક્ષિત છે. નોંધનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 173 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યાં છે.

સુનાવણી દરમિયાન અરજદારોએ SIT રિપોર્ટની નકલ માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ મામલાને સેશન્સ કોર્ટના અધિકારક્ષેત્ર પૂરતો મર્યાદિત રાખવા માંગે છે અને જો જરૂર જણાશે તો આગળ બીજા આદેશો આપવામાં આવશે.

ટ્રસ્ટના વહીવટી માળખામાં મોટા ફેરફારો

દાન ચોરીનો વિવાદ સામે આવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતપોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં હતાં. ત્યારબાદ ટ્રસ્ટના સંચાલનને પારદર્શક બનાવવા માટે નવું વહીવટી માળખું તૈયાર કરાયું છે.

ટ્રસ્ટની વ્યવસ્થા સુધારવા માટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પદભાર સાંભળતાંની સાથે જ વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સિસ્ટમ બનાવવા માટે કામગીરી શરૂ કરી છે.