IIT બૉમ્બે કેસ: પોલીસને સોંપાયા CCTV ફૂટેજ, પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી નીચે નમીને ખિસ્સામાં કશુંક જોતો દેખાયો, પ્રોફેસરે બહાર મોકલ્યો

IIT બૉમ્બેમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં હવે CCTV ફૂટેજ સામે આવ્યા હોવાનું કહેવાય છે. સાહિલ વાકોડેએ હોસ્ટેલ જઈને અંતિમ પગલું ભર્યું તે પહેલાં તે મધ્ય-સત્ર પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે પરીક્ષાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે જેમાં 12:30થી 12:45 વચ્ચે વિદ્યાર્થી નીચે નમીને ખિસ્સામાંથી કશુંક ચીજ કાઢતો અને તેની તરફ જોતો જોવા મળે છે. ત્યારબાદ પ્રોફેસર તેને બહાર જવા માટે કહે છે.

રિપોર્ટ અનુસાર, IIT કેમ્પસના વર્ગખંડો અને લોબીમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે. ઘટનાના દિવસના ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું કે 1 વાગ્યે પેપર પૂરું થાય એ પહેલાં 12:30થી 12:45 વચ્ચે સાહિલ નીચે નમીને ખિસ્સામાંથી કોઈ ચીજ કાઢીને તેમાં ડોકિયું કરતો જોવા મળે છે. ત્યારબાદ પ્રોફેસર તેની પાસે જઈને પૂછપરછ કરે છે અને ત્યારબાદ તેને બાજુ પર લઈ જઈને વર્ગખંડની બહાર લઈ જાય છે, જેથી અન્ય વિદ્યાર્થીઓને અડચણ ન આવે.

ત્યારબાદ સાહિલ વર્ગખંડની બહારના કેમેરામાં પણ દેખાય છે. લગભગ 1:25 વાગ્યે તે હોસ્ટેલના રૂમમાં જતો જોવા મળે છે. ત્યારબાદ તે રૂમમાંથી બહાર આવતો નથી અને સાંજે રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવે છે.

આ ફૂટેજ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. જે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને પણ સોંપાશે, જેઓ વિગતવાર તપાસ કરશે.

સોમવારે (21 સપ્ટેમ્બર) ક્રાઈમ બ્રાન્ચે સાહિલના હોસ્ટેલ રૂમમાં તપાસ કરી હતી. પોલીસને હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. ક્રાઈમ બ્રાન્ચે હજુ સુધી કોઈને સમન્સ પણ પાઠવ્યું નથી અને હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે. હાલ પવઈ પોલીસ પાસેથી તમામ દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે, જ્યાં પહેલાં FIR નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે અલગથી FIR દાખલ કરશે. દરમ્યાન સીસીટીવી ફૂટેજ વગેરે ચકાસવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે સાહિલ વાકોડેના પિતાની ફરિયાદ પર મુંબઈ પોલીસે પ્રોફેસર અને ડીન સૂર્યનારાયણ દૂલા અને અન્ય અમુક વ્યક્તિઓ વિરુદ્ધ હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાના આરોપસર FIR દાખલ કરી છે અને એસસી/એસટી એક્ટની કલમો લગાડવામાં આવી છે.

સાહિલ વાકોડેએ શુક્રવારે (18 સપ્ટેમ્બર) હોસ્ટેલ રૂમમાં આપઘાત કર્યો હતો. ત્યારબાદ કેમ્પસમાં પ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં. બીજા દિવસે IIT બૉમ્બેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરીક્ષામાં એઆઈ ચેટબોટની મદદથી જવાબ લખતો પકડાઈ ગયો હતો.

પ્રદર્શનકારીઓએ પછીથી આ જાણકારી સાર્વજનિક કરવાને સાહિલનું અપમાન ગણાવ્યું અને સંસ્થા સમક્ષ માફીની માંગ કરી. બીજા દિવસે સંસ્થાએ યુ-ટર્ન લઈને જૂનું નિવેદન પરત ખેંચી લીધું હતું. પરંતુ સાહિલના અમુક સાથી વિદ્યાર્થીઓએ પણ ચોરીની ઘટનાની પુષ્ટિ કરી હતી અને હવે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.