હોમપેજરાજકારણટીએમસીનાં નામ-નિશાન ફ્રીઝ થયા બાદ ફરી ધૂણ્યું રાહુલ ગાંધીનું 'વોટ ચોરી'નું ભૂત,...

ટીએમસીનાં નામ-નિશાન ફ્રીઝ થયા બાદ ફરી ધૂણ્યું રાહુલ ગાંધીનું ‘વોટ ચોરી’નું ભૂત, પણ જે ફ્રેમવર્ક હેઠળ કાર્યવાહી થઈ એ બન્યું હતું 1968માં

રાહુલ ગાંધી લખે છે, "પહેલાં શિવસેના, પછી એનસીપી અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે એક જ પેટર્ન– ભાજપ અને ચૂંટણી પંચ મળીને એક પાર્ટી તોડે છે અને ત્યારબાદ તેનું ચૂંટણી ચિહ્ન આંચકી લેવામાં આવે છે."

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં દોઢ દાયકા સુધી શાસન કરી ચૂકેલી તૃણમૂલ કોંગ્રેસને હવે અસ્તિત્વ ટકાવવાનાં ફાંફાં છે. મમતા બેનર્જીની આ પાર્ટી વિધાનસભા ચૂંટણી હારી તેની સાથે પાર્ટીની અંદર જ ગડમથલો શરૂ થઈ ગઈ અને એક પછી એક ભાગલા પડતા ગયા. વિધાનસભામાં બે જૂથ પડ્યાં પછી 28માંથી 20 સાંસદો પણ છૂટા પડીને NDA સાથે થઈ ગયા. હવે રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે તે પહેલાં ચૂંટણી પંચે ટીએમસીનાં મૂળ નામ-નિશાન ફ્રીઝ કરી દીધાં છે અને બે જૂથોને અલગ-અલગ નામ અને નિશાન આપી દીધાં છે.

બળવાખોર ધારાસભ્યોનું જૂથ હવે ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ તરીકે ઓળખાશે. જ્યારે મમતા બેનર્જી જૂથ મમતા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ કહેવાશે. મમતા જૂથનું નિશાન ફૂટબૉલ ખેલાડી, જ્યારે ડેમોક્રેટિક જૂથનું નિશાન પરબિડીયું (કવર) હશે. આ જ નામ અને નિશાન સાથે હવે બંને જૂથ બે બેઠકો પર પેટાચૂંટણી લડશે.

મમતા જૂથ માટે જોકે બીજી એક સમસ્યા એ છે કે નંદિગ્રામ બેઠક પરથી તેમનાં ઉમેદવાર સંચિતા પ્રધાને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું છે. તેઓ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને પણ મળ્યાં હતાં. અધિકારી વિધાનસભા ચૂંટણી બે બેઠકો પરથી (નંદિગ્રામ અને ભવાનીપુર) લડ્યા અને બંને બેઠકો પરથી જીતી ગયા હતા. પછીથી તેમણે નિયમો અનુસાર એક બેઠક ખાલી કરવાની હોવાથી નંદિગ્રામ ખાલી કરી. એટલે અહીં ચૂંટણી થઈ રહી છે. ભાજપે અહીંથી હાસિરીની રથને ઉમેદવાર બનાવ્યાં છે, જેઓ શુભેન્દુના પૂર્વ પીએ ચંદ્રનાથ રથનાં માતા છે. રથની મે 2026માં બંગાળ ચૂંટણીનાં પરિણામો બાદ હત્યા કરી નાખવામાં આવી હતી.

- Advertisement -

ઉમેદવારે નામ પરત ખેંચી લીધા બાદ મમતા બેનર્જીએ હવે નંદિગ્રામ બેઠક પર કોંગ્રેસને સમર્થન આપવાની ઘોષણા કરી છે. બીજી એક બેઠક રેજીનગર પર પણ પેટાચૂંટણી થશે. આ બેઠક ટીએમસીમાંથી છૂટા પડીને નવી પાર્ટી બનાવનાર હુમાયુ કબીરે બનાવી હતી. તેઓ પણ બે બેઠકો પર ચૂંટણી લડીને જીત્યા હતા જેથી એક બેઠક ખાલી કરી અને ત્યાં ચૂંટણી થશે.

આમ તો જોકે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ ભલે INDI ગઠબંધનનો હિસ્સો રહ્યાં હોય પરંતુ મમતાનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારે તેમણે કોંગ્રેસ તરફ ઝાઝું જોયું ન હતું. કોંગ્રેસ પણ પછીથી મમતાને બહુ પૂછવા માટે જતી ન હતી. લોકસભા ચૂંટણીમાં પણ બંગાળમાં મમતાએ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કર્યું ન હતું અને વિધાનસભા ચૂંટણી પણ બંને એકબીજા સામે લડ્યાં હતાં. રાહુલ ગાંધીએ મમતા બેનર્જી વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. પરંતુ હવે બંનેની હાલત ખરાબ થતી જોઈને બંને મજબૂરીનાં માર્યાં એકબીજા સાથે આવ્યાં છે.

ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસનાં નામ અને નિશાન ફ્રીઝ કરી દીધા બાદ રાહુલ ગાંધીને તકલીફ થઈ અને તેમણે X પર એક પોસ્ટ કરી દીધી.

રાહુલ ગાંધી લખે છે, “પહેલાં શિવસેના, પછી એનસીપી અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે એક જ પેટર્ન– ભાજપ અને ચૂંટણી પંચ મળીને એક પાર્ટી તોડે છે અને ત્યારબાદ તેનું ચૂંટણી ચિહ્ન આંચકી લેવામાં આવે છે.”

ત્યારબાદ રાહુલે એક બાલિશ પ્રશ્ન કર્યો કે જ્યારે આખી પાર્ટી ચોરી થઈ શકે તો કરોડો ભારતીયોના વોટ ચોરી થવા કોઈ આશ્ચર્યજનક વાત નહીં હોય. વોટ ચોરી, સરકાર ચોરી અને હવે પાર્ટી ચોરી– આ આપણા લોકતંત્રના પતનનાં પ્રતીક બની ગયાં છે. આગળ કહ્યું કે ચૂંટણી પંચની જવાબદારી જનાદેશની રક્ષા કરવાની હોય છે પરંતુ તેઓ એ જ શક્તિઓની મદદ કરી રહ્યા છે જે જનતાના નિર્ણયો જ પલટાવી દે છે.

આગળ રાહુલ લખે છે કે આ લડાઈ માત્ર મમતા બેનર્જીની નથી પરંતુ દરેક રાજનીતિક પક્ષ અને મતદારની છે જે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છે છે.

રાહુલ ગાંધી આજથી નહીં પણ ઘણા સમયથી ચૂંટણી પંચની પાછળ પડ્યા છે અને સારું છે કે તેમને કોઈ વધુ ગંભીરતાથી લેતું નથી બાકી જાતજાતના આરોપો તેઓ લગાવતા રહે છે. તેમને જે કંઈ ગોખવવામાં આવે એ પછીથી આવીને જાહેરમાં બોલી દે છે. ઇકોસિસ્ટમ આ આરોપો પર હોબાળો મચાવે છે પણ ફેક્ટચેક થઈ જાય એટલે જૂઠાણું લાબું ટકી શકતું નથી.

અહીં પણ હકીકત એ છે કે ચૂંટણી પંચે નિયમો અનુસાર જ કાર્યવાહી કરી છે. 1968નો ચૂંટણી પંચનો ‘પોલિટિકલ પાર્ટીઝ એન્ડ ઈલેક્શન સિમ્બોલ્સ’ આદેશ જોઈએ તો તેમાં પાર્ટીઓમાં ભાગલા પડે અને જૂથો પડી જાય ત્યારે શું કરવું તેનું ચોક્કસ માળખું આપવામાં આવ્યું છે.

1968ના આદેશનો ખંડ 15

આ આદેશનો ખંડ 15 કહે છે કે જો કોઈ રાજકીય પાર્ટીમાં જૂથ પડી જાય અને પાર્ટી પર દાવો માંડવામાં આવે તો ચૂંટણી પંચ તમામ તથ્યો અને રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીને ધ્યાનમાં લઈને, બંને જૂથના પ્રતિનિધિઓને સાંભળીને યોગ્ય નિર્ણય કરશે અને ચૂંટણી પંચનો નિર્ણય તમામ જૂથોને માન્ય રહેશે.

આ જ ફ્રેમવર્ક હેઠળ આવી કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ચૂંટણી પંચ પાર્ટીનાં મૂળ નામ અને નિશાન ફ્રીઝ કરી દે છે. આ વખતે પણ એવું જ થયું છે.

એવું પણ નથી કે ભૂતકાળમાં આવું થયું નથી. શિવસેના અને એનસીપીના કિસ્સામાં બની ચૂક્યું છે. શિવસેના તૂટી ત્યારે નામ અને નિશાન ફ્રીઝ કરી દેવાયાં હતાં અને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથને અલગ નામ અને નિશાન અપાયાં હતાં. યોગ્ય સુનાવણી અને કાર્યવાહી બાદ એકનાથ શિંદે જૂથને મૂળ નામ-નિશાન આપવાનો આદેશ અપાયો હતો, જે મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે.

આ જ રીતે એનસીપીમાં પણ બે જૂથ પડી ગયા બાદ કાર્યવાહી થઈ હતી. એટલું જ નહીં રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીને લઈને ભાઈ પશુપતિનાથ પારસ અને પુત્ર ચિરાગ પાસવાન વચ્ચે વિખવાદ થયો ત્યારે પણ ચૂંટણી પંચે પાર્ટીનાં નામ અને નિશાન ફ્રીઝ કરી દીધાં હતાં. કારણ કે આ પ્રક્રિયા છે.

આ માળખું ભાજપની સરકાર દરમ્યાન બનાવવામાં આવ્યું નથી. આજે પણ 1968નો જ આદેશ ઉપયોગમાં લેવામાં આવે છે અને તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવે છે.

એક હકીકત એ પણ છે કે ભૂતકાળમાં કોંગ્રેસમાં પણ જૂથો ઊભાં થયાં ત્યારે પાર્ટીનાં નિશાન ફ્રીઝ થયાં હતાં અને એ આ જ ફ્રેમવર્ક હેઠળ થયાં હતાં, જેની ઉપર હાલ રાહુલ ગાંધી સવાલ ઉઠાવી રહ્યા છે.

1969માં કોંગ્રેસમાં બે જૂથ પડી ગયાં, જેમાંથી એકનાં નેતા ઇન્દિરા ગાંધી હતાં અને બીજાના જગજીવન રામ. બંનેએ પાર્ટી પર દાવો માંડ્યો. ત્યારે ચૂંટણી ચિહ્ન બે બળદ હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1971માં આ ચિહ્ન ફ્રીઝ કરી દેવામાં આવ્યું અને ઈન્દિરા ગાંધી જૂથને ગાય અને વાછરડાનું ચિહ્ન અને અન્ય જૂથને ચરખાનું ચિહ્ન આપવામાં આવ્યું.

1978માં કોંગ્રેસમાં ફરીથી ભાગલા પડ્યા. ઇમરજન્સી પછી યોજાયેલી 1977ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી કોંગ્રસ અને બીજુ એક જૂથ પડ્યું. ત્યારે ગાય અને વાછરડાના ચિહ્ન પર વિખવાદ થયો. પછીથી ચૂંટણી પંચે એ ચિહ્ન પણ ફ્રીઝ કરીને ઈન્દિરા જૂથને હાથનું ચિહ્ન આપ્યું જે હાલ કોંગ્રેસ ઉપયોગમાં લે છે. ત્યારે કોંગ્રેસ (આઈ) કહેવાતી, પણ પછીથી પાર્ટી ફરી મજબૂત બની અને બીજું જૂથ હતું-નહતું થઈ ગયું એટલે ફરી કોંગ્રેસ જ કહેવાવા માંડી.

અહીં આ ચર્ચાનું પ્રયોજન માત્ર એટલું કે વિખવાદ થાય ત્યારે ચૂંટણી ચિહ્નો ફ્રીઝ કરવાનો ધારો મોદી સરકારે પાડ્યો નથી કે હમણાં જ આ નવું સંશોધન કરવામાં આવ્યું હોય એમ નથી. આ ભૂતકાળમાં નક્કી થયેલા માળખાના આધારે થાય છે અને એ માળખું છેક 1968માં બન્યું હતું જ્યારે રાહુલ ગાંધીના બાપ-દાદાઓ શાસન કરતા હતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં