
જેના મૃત્યુના કેસની તપાસ છ વર્ષ બાદ ફરીથી ખુલી છે એ પૂર્વ સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે.
2020માં મુંબઈમાં એક ઈમારતના 14મા માળેથી નીચે પટકાવાથી દિશા સાલિયાનના મૃત્યુ બાદ સતીશ સાલિયાને બૉમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને ઘટનાને અકસ્માત ગણાવનાર મુંબઈ પોલીસની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. તાજેતરમાં હાઇકોર્ટે આ મામલે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા બાદ એજન્સીએ FIR દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જેમાં આદિત્ય ઠાકરેનું પણ નામ છે.
સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે તેઓ તેમની પુત્રીને ન્યાય મળે એ માટે લડી રહ્યા છે પરંતુ આદિત્ય ઠાકરે સતત તેમની ઉપર ‘રાજકીય સાધન’ બનવાના અને બીજાના ઈશારે નેતાઓને હેરાન કરતા હોવાના આરોપ લગાવતા રહે છે.
નોટિસમાં કહ્યું કે આ આરોપો તદ્દન ખોટા, પાયાવિહોણા અને બદનક્ષીભર્યા છે અને કોઈ પણ આધાર-પુરાવા વગર માત્ર મલિન ઇરાદા સાથે લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર પુત્રીના મૃત્યુ કેસની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તેની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં આદિત્ય ઠાકરેએ એક X પોસ્ટમાં કહ્યું હતું કે તેમનું નામ જાણીજોઈને કોઈ પુરાવા વગર ચરિત્ર હનનના ઉદ્દેશ્યથી દિશા સાલિયાન કેસ સાથે જોડવામાં આવી રહ્યું છે પરંતુ પોતે ક્યારેય દિશાને મળ્યા ન હતા કે ન કોઈ પરિચય હતો. તેમણે કહ્યું કે આખું એક કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય તેમની છબી ખરડવાનો છે.
સીબીઆઇની FIRમાં ઠાકરેનું નામ
સીબીઆઇએ નોંધેલી FIRમાં આદિત્ય ઠાકરે, તેમના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, મુંબઈ પોલીસના અમુક અધિકારીઓ– વગેરેનાં પણ નામ છે અને આરોપ છે કે તેમણે કેસને રફેદફે કરવામાં ભૂમિકા ભજવી હતી. આ તમામ આરોપોની હવે તપાસ કરવામાં આવશે.
દિશા સાલિયનનું મૃત્યુ 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પરથી પડી જવાના કારણે થયું હતું. મુંબઈ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને પછીથી એવું ઠરાવ્યું હતું કે દિશા ક્યાં અકસ્માતે પડી ગઈ હતી અથવા તેણે આપઘાત કરી લીધો હતો પરંતુ તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.
પરિવાર પોલીસની તપાસથી સંતુષ્ટ ન હતો અને આરોપ એવા પણ હતા કે તેમને ADR એટલે કે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપવામાં આવ્યા ન હતા. ત્યારબાદ દિશાના પિતાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીએ આપઘાત નહતો કર્યો પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી અને આમાં અમુક હાઈપ્રોફાઈલ માણસો પણ સંકળાયેલા હોવાના કારણે કેસ દબાવી દેવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરના રોજ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. સીબીઆઇએ તાજેતરમાં જ મુંબઈ પોલીસ પાસેથી કેસના તમામ કાગળો મેળવીને ઔપચારિક રીતે તપાસ શરૂ કરી છે.

