
યમનમાં ફરી ભડકેલા યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ હવે સાઉદી અરેબિયા પરસતત હુમલા કરી રહ્યા છે. મંગળવારે (15 સપ્ટેમ્બર) સ્થિતિ એટલી ગંભીર બની કે સાઉદી અરેબિયાના મક્કા, જેદ્દાહ અને તાઈફ વિસ્તારમાં થોડા સમય માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કરાયું. મક્કા માટે આ પ્રકારનો એલર્ટ પ્રથમ વખત જાહેર થયો હોવાનું કહેવાય છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા, બારીઓ-બાલ્કની અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ ખતરો ટળી ગયો હોવાનું સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત મક્કાની દક્ષિણમાં હૂતી ડ્રોનને સાઉદી એર ડિફેન્સ દ્વારા અટકાવીને નષ્ટ કરવામાં આવ્યાની છે. સાઉદી નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તા તૂર્કી અલ-મલિકીએ જણાવ્યું કે ડ્રોન મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તેને તોડી પાડવામાં આવ્યું. તેમણે મક્કાની સુરક્ષાને ‘રેડ લાઇન’ ગણાવી અને હૂતી હુમલાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવાની ચેતવણી આપી છે.
હૂતી પક્ષે જોકે મક્કાને નિશાન બનાવ્યાનો ઇનકાર કર્યો છે. હૂતી નેતૃત્વ સાથે જોડાયેલા એક પ્રવક્તાએ સાઉદીનો દાવો ખોટો ગણાવ્યો છે. એટલે મક્કાને નિશાન બનાવવાનો ઇરાદો હૂતી તરફથી સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો નથી. બીજી તરફ સાઉદી ગઠબંધનનો દાવો છે કે ડ્રોન મક્કા તરફના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્ર નજીક સુધી પહોંચી ગયું હતું.
આ પહેલી વખત નથી જ્યારે હૂતી હુમલો મક્કાની દિશામાં આવ્યો હોય. 2017માં પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી, જેને સાઉદી એર ડિફેન્સે મક્કાથી દૂર અટકાવી હતી. હવે લગભગ નવ વર્ષ બાદ ફરી મક્કા નજીક હવાઈ ખતરો ઊભો થયો છે. ઘટનાને પગલે સાઉદીએ મક્કા ઉપરાંત જેદ્દાહ અને તાઈફમાં પણ સુરક્ષા એલર્ટ જાહેર કર્યા હતા.
સાઉદી પર હૂતી હુમલાઓનો સિલસિલો
મક્કા સુધી પહોંચેલા આ જોખમ પહેલાં જ હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયાનાં અનેક શહેરો અને મહત્વપૂર્ણ ઠેકાણાંને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના હુમલાઓમાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ થયો છે. સાઉદીના જણાવ્યા પ્રમાણે એક હુમલામાં 13 લોકો ઘાયલ થયા હતા, જ્યારે અગાઉના હુમલાઓમાં 70થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો આવ્યા હતા. હૂતી હુમલાઓમાં સાઉદીના ઊર્જા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે.
હૂતી સંગઠને તાજેતરના કેટલાક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે અને તેને યમનમાં સાઉદીની કાર્યવાહીનો જવાબ ગણાવ્યો છે. બીજી તરફ સાઉદી અરેબિયા હૂતી હુમલાઓને પોતાના નાગરિકો, શહેરો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેના હુમલા ગણાવી રહ્યું છે. યમનમાં હૂતી અને સાઉદી દળો વચ્ચે લડાઈ ફરી ઉગ્ર બન્યા બાદ આ સંઘર્ષ હવે સાઉદીની સરહદ સુધી વધુ સ્પષ્ટ રીતે પહોંચી ગયો છે.
હૂતી આતંકીઓએ યમનના પશ્ચિમ કિનારે પણ પોતાનું નિયંત્રણ વધાર્યું છે. રેડ સી અને બાબ અલ-મંદેબ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની હાજરીને કારણે આ સંઘર્ષ માત્ર સાઉદી-યમન સરહદ પૂરતો સીમિત રહ્યો નથી. બાબ અલ-મંદેબ વૈશ્વિક સમુદ્રી વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી હૂતી નિયંત્રણના વિસ્તરણથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઊર્જા પુરવઠા અંગે પણ ચિંતા વધી છે.
મક્કા ડિફેન્સ પેક્ટ છતાં પાકિસ્તાનનું ‘હમણાં નહીં’
આ આખી સ્થિતિમાં પાકિસ્તાનની ભૂમિકા પણ ચર્ચામાં છે. ઑગસ્ટમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર કર્યો હતો. આ કરારની જોગવાઈ મુજબ ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય સામેનો હુમલો માનવામાં આવે છે.
હૂતી હુમલાઓ વધ્યા બાદ પાકિસ્તાન પર સાઉદીની મદદ માટે આગળ આવવાનું દબાણ પણ ઊભું થયું હતું. પાકિસ્તાને હૂતી હુમલાઓની નિંદા કરી અને ઈરાનને તેના યમન સ્થિત હૂતી સાથીઓને નિયંત્રણમાં રાખવા ચેતવણી પણ આપી હતી. પરંતુ જ્યારે મક્કા ડિફેન્સ પેક્ટ હેઠળ પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી અંગે સવાલ થયો ત્યારે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારે આવી કોઈ લશ્કરી કાર્યવાહી ચર્ચામાં નથી અને ‘સમય આવશે ત્યારે’ કરાર હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
અર્થાત, સાઉદી પર હુમલાઓ સતત વધી રહ્યા છે, ખતરો હવે મક્કા સુધી પહોંચી ગયો છે અને સાઉદી તરફથી મક્કાની સુરક્ષાને ‘રેડ લાઇન’ ગણાવીને જરૂરી પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. બીજી તરફ મક્કા ડિફેન્સ પેક્ટમાં સામેલ પાકિસ્તાન હજુ ‘સમય આવશે ત્યારે કાર્યવાહી કરીશું’ કહી રહ્યું છે. આ જ કારણસર સાઉદી માટે બનાવાયેલા નવા સંયુક્ત સંરક્ષણ કરારની વાસ્તવિક અસર અંગે સવાલો ઊભા થયા છે.
હાલની સ્થિતિમાં સૌથી મોટો બદલાવ એ છે કે હૂતી-સાઉદી સંઘર્ષ હવે માત્ર યમનની સરહદ કે સાઉદીના દક્ષિણ ભાગ સુધી સીમિત રહ્યો નથી. મક્કા જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તાર સુધી હવાઈ ખતરાની સ્થિતિ ઊભી થઈ છે.

