કાશીનું નામ સાંભળતાં જ મનમાં એક નગરી ઊભી થાય છે, પરંતુ એ નગરીને માત્ર નકશા પર શોધી શકાય નહીં. ગંગાના કિનારે વસેલી વારાણસીનું એક ભૂગોળ છે, તેના ઘાટો છે, તેની ગલીઓ છે, તેના મંદિરો છે. પરંતુ શાસ્ત્રોમાં જે કાશી મળે છે તે આ બધાથી મોટી છે. ત્યાં સમયનો પ્રશ્ન આવે છે, સૃષ્ટિનો પ્રશ્ન આવે છે, કર્મનો પ્રશ્ન આવે છે અને અંતે આત્માનો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ બધાની મધ્યમાં એક જ નામ અચળ રહે છે, એ છે વિશ્વનાથ.
કાશી અને વિશ્વનાથને અલગ કરીને જોવાનો પ્રયત્ન કરો તો કાશીનું સૌથી વિશિષ્ટ સ્વરૂપ હાથમાંથી સરકી જાય. અહીં મંદિર માત્ર નગરીમાં આવેલું નથી, નગરીનું આધ્યાત્મિક કેન્દ્ર જ વિશ્વનાથ બની જાય છે. ગંગા વહે છે, જીવન પોતાની ગતિએ ચાલે છે, મૃત્યુ સામે ઊભું રહે છે અને આ બધાની વચ્ચે શિવ સ્થિર છે. તેથી કાશીની યાત્રા અંતે કોઈ એક મંદિર સુધી પહોંચવાની યાત્રા નથી રહેતી. તે માણસને એ પ્રશ્ન સુધી લઈ જાય છે કે જે બધું સતત બદલાઈ રહ્યું છે, તેની પાછળ એવું શું છે જે ક્યારેય બદલાતું નથી? આ પ્રશ્નનો જવાબ કાશીના જ બીજા એક નામમાં જ છુપાયેલો છે. અવિમુક્ત.
શિવે જ્યારે કાશી રચી
કાશીની વાત ગંગાના તટથી શરૂ થતી નથી. તેની શરૂઆત તો સૃષ્ટિના પ્રારંભિક તબક્કામાં થાય છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં સૃષ્ટિની શરૂઆતનું વર્ણન કરતા પહેલાં જ્ઞાન અને આનંદસ્વરૂપ, શાશ્વત અને વિકારરહિત પરમ સત્તાનું સ્મરણ આવે છે. એ જ સત્તા સગુણ સ્વરૂપે શિવ તરીકે પ્રગટે છે. શિવ અને શક્તિનું પ્રાગટ્ય થાય છે અને પ્રકૃતિ તથા પુરુષની રચના થાય છે. પરંતુ પ્રકૃતિ અને પુરુષ સામે એક પ્રશ્ન ઊભો થાય છે કે તપ કરવા માટે સ્થાન ક્યાં છે?
ત્યારે શિવ પાંચ ક્રોશ સુધી વિસ્તરેલી, તેજના સારથી યુક્ત એક સુંદર નગરીનું સર્જન કરે છે. આકાશમાં પ્રગટેલી આ નગરીમાં શ્રીહરિ વિષ્ણુ તપ કરવા બેસે છે. તેમની તપસ્યાથી જળપ્રવાહો ફેલાય છે અને સમગ્ર વિસ્તાર જળથી ભરાઈ જાય છે. એ જ સમયે વિષ્ણુના કાનમાંથી પડેલી મણિ મણિકર્ણિકા તરીકે પ્રસિદ્ધ થાય છે. જળ પર તરતી એ નગરીને શિવ પોતાના ત્રિશૂળ પર ધારણ કરે છે. ત્યારબાદ બ્રહ્માની ઉત્પત્તિ થાય છે અને સૃષ્ટિનું વિસ્તરણ શરૂ થાય છે.
આ પ્રસંગમાં કાશીનું સ્થાન અચાનક ઊંચું થઈ જાય છે. તે સૃષ્ટિમાં પછીથી ઉમેરાયેલું કોઈ પવિત્ર સ્થાન નથી. સૃષ્ટિના વિસ્તરણની સાથે જ તેનું અસ્તિત્વ જોડાયેલું છે. શિવે તેને રચી, શિવે તેને ધારણ કરી અને આગળ જતાં શિવે જ તેને મુક્તિ તરફ જતાં જીવ માટેનું ધામ બનાવ્યું. એટલે કાશીનો સંબંધ માત્ર ભૂમિ સાથે નથી, તેનો સંબંધ સૃષ્ટિના મૂળ પ્રશ્ન સાથે છે.

ચૌદ લોકનું સર્જન થઈ જાય છે. જીવ આવે છે. કર્મ શરૂ થાય છે. જન્મ અને મૃત્યુનું ચક્ર ગતિ પકડે છે. ત્યારે શિવની સામે બીજો પ્રશ્ન આવે છે કે કર્મના બંધનમાં બંધાયેલા જીવો પરમ સત્તા સુધી કેવી રીતે પહોંચશે? એ પ્રશ્નના જવાબમાં કાશીનું બીજું સ્વરૂપ સામે આવે છે. કાશીને જ્ઞાન આપનારી, કર્મનો નાશ કરનારી અને મુક્તિને પ્રકાશિત કરનારી ભૂમિ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. અવિમુક્ત લિંગની સ્થાપના થાય છે. કાશી હવે માત્ર શિવે રચેલી નગરી નથી રહેતી, તે જીવ અને મુક્તિ વચ્ચેનું પવિત્ર ક્ષેત્ર બની જાય છે.
જેને પ્રલય પણ લઈ જઈ શકતો નથી
સમય બધું બદલે છે. સૃષ્ટિ ઊભી થાય છે, વિસ્તરે છે અને અંતે લય પામે છે. પરંતુ કાશી માટે શિવપુરાણ એક એવી વાત કહે છે જે તેના સમગ્ર સ્વરૂપને અલગ જ ઊંચાઈ આપે છે. બ્રહ્માનો દિવસ પૂર્ણ થાય છે ત્યારે બીજી રચનાઓનો નાશ થાય છે, પરંતુ કાશીનો નાશ થતો નથી. શિવ તેને પોતાના ત્રિશૂળ પર ધારણ કરે છે. સર્જનનું નવું ચક્ર શરૂ થાય ત્યારે કાશી ફરી પોતાના સ્થાન પર આવી જાય છે. એટલે કાશીનું અસ્તિત્વ કોઈ એક યુગ પર આધારિત નથી. સમયના ચક્રમાં જે બધું આવે છે અને જાય છે, તેની વચ્ચે કાશી શિવ સાથે જોડાયેલી રહે છે.
આ જ છે ‘અવિમુક્ત’નો પ્રથમ અર્થ. જેને છોડવામાં આવ્યું નથી. શિવપુરાણમાં અવિમુક્તેશ્વર કાશીમાં સદૈવ સ્થિર રહે છે. કાશી કર્મના બંધનને દૂર કરનારી અને મુક્તિ આપનારી ભૂમિ તરીકે વર્ણવાય છે. એટલું જ નહીં, અહીં પ્રાપ્ત થતી મુક્તિમાં ‘સાયુજ્ય’ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સાયુજ્ય એટલે એવી મુક્તિ, જેમાં જીવ પરમ સત્તા સાથે એકત્વ પામે છે.
કાશીની આ વિશેષતા સમજ્યા પછી ‘વિશ્વનાથ’ નામ પણ માત્ર એક ઉપાધિ રહેતું નથી. જે નગરીને શિવ સૃષ્ટિના આરંભમાં રચે છે, જેને પ્રલયમાં પોતાના ત્રિશૂળ પર ધારણ કરે છે અને જેને જીવના કર્મબંધનથી મુક્તિનું ક્ષેત્ર બનાવે છે, ત્યાં શિવનું સ્વરૂપ પણ કોઈ એક સીમિત સ્થાનના દેવતા તરીકે રહી શકે નહીં. તેઓ વિશ્વનાથ છે. સમગ્ર અસ્તિત્વના નાથ.
વિશ્વનાથ: એક નામમાં સમાયેલું વિરાટ તત્વ
‘વિશ્વનાથ’ શબ્દમાં બે શબ્દો છે. વિશ્વ અને નાથ. પરંતુ આ નામને માત્ર ‘વિશ્વના સ્વામી’ તરીકે સમજવાથી તેનો અર્થ પૂરો થતો નથી. વિશ્વ શું છે અને તેનો આધાર શું છે, એ પ્રશ્ન પૂછતાં આપણે ફરી કાશીના મૂળ સુધી પહોંચી જઈએ છીએ. શિવપુરાણમાં કાશીના વર્ણનની શરૂઆત જ જ્ઞાન અને આનંદસ્વરૂપ, શાશ્વત પરમ સત્તાથી થાય છે.
સગુણ શિવમાંથી શક્તિ, પ્રકૃતિ અને પુરુષનું વિસ્તરણ થાય છે અને ત્યાંથી સમગ્ર સર્જન આગળ વધે છે. એટલે વિશ્વનાથનો અર્થ વિશ્વથી અલગ ઊભેલા કોઈ શાસક સુધી સીમિત નથી. વિશ્વ જે પરમ સત્તામાંથી પ્રગટે છે અને જેના વિના તેનું અસ્તિત્વ શક્ય નથી, તે પરમ તત્વ સાથે વિશ્વનાથનું સ્વરૂપ જોડાય છે. છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય અહીં ખૂબ સ્વાભાવિક રીતે યાદ આવે છે- ‘સદેવ સોમ્યેદમગ્ર આસીદેકમેવાદ્વિતીયમ્।’ એટલે કે, ‘શરૂઆતમાં આ સમગ્ર અસ્તિત્વ એક જ સત્તા હેઠળ હતું, દ્વિતીય કંઈ નહોતું.’
કાશી વિશ્વનાથમાં આ વિચાર કોઈ સૂત્ર બનીને પુસ્તકનાં પાનાં પર પડ્યો નથી. તે ઉપાસનાના કેન્દ્રમાં ઊભો છે. સમગ્ર વિશ્વને ધારણ કરનાર પરમ તત્વ એક ભૌતિક શિવલિંગમાં પૂજાય છે. જેનું કોઈ સીમિત સ્વરૂપ નથી, તેને એક નિશ્ચિત કેન્દ્રમાં અનુભવી શકાય છે. જે અનંત છે, તેની સામે માણસ પોતાની મર્યાદા લઈને ઊભો રહી શકે છે. આ જ કારણ છે કે કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ સ્વરૂપ કાશીથી અલગ વિચારવું મુશ્કેલ છે. અહીં શિવ મંદિરના ગર્ભગૃહમાં છે અને કાશી જાણે એ ગર્ભગૃહને ચારેબાજુથી વિસ્તારી દે છે.
પાર્વતીનો પ્રશ્ન અને કાશીનું હૃદય
કાશીના મહાત્મ્યને સમજવા માટે એક પ્રસંગ ખાસ ધ્યાન ખેંચે છે. માતા પાર્વતી શિવને કાશી અને વિશ્વેશ્વરના મહાત્મ્ય વિશે પૂછે છે. જવાબમાં શિવ વારાણસીને પોતાનું રહસ્યમય ધામ કહે છે અને તેને મુક્તિનું કારણ ગણાવે છે. અહીં સિદ્ધો શિવસાધના કરે છે, ઇન્દ્રિયોને જીતેલા સાધકો પાશુપત યોગનું અનુસરણ કરે છે અને શિવની ઉપાસના તથા જ્ઞાન બંનેને સ્થાન મળે છે. પછી શિવ એક મહત્વની વાત કહે છે. જે ભક્ત છે અને જે સંપૂર્ણ જ્ઞાની છે, તે જ્યાં મૃત્યુ પામે ત્યાં પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એટલે કાશીનું મહાત્મ્ય સમજવાનો અર્થ બીજા બધા માર્ગોને નકારવાનો નથી. કાશીની વિશેષતા એ છે કે અહીં મુક્તિનો પ્રશ્ન પોતે જ તીર્થના હૃદયમાં આવીને બેસે છે.
આ જ કારણથી કાશીને માત્ર મૃત્યુ સાથે જોડવી યોગ્ય નથી. જીવન અહીં એટલું જ મહત્વનું છે. માણસ જીવતો હોય ત્યારે શું કરે છે, શું જાણે છે, પોતાના અસ્તિત્વને કેવી રીતે જુએ છે, આ બધું મુક્તિના પ્રશ્ન સાથે જોડાય છે. કાશી માણસને મૃત્યુ યાદ અપાવે છે, પરંતુ અંતે મૃત્યુથી પણ મોટો પ્રશ્ન પૂછે છે કે જેને મૃત્યુ આવે છે તે કોણ છે? આ પ્રશ્ન કાશીને સામાન્ય તીર્થથી અલગ કરે છે.
અવિમુક્તનો બીજો દ્વાર
આ પ્રશ્નનો સૌથી ઊંડો પ્રતિધ્વનિ જાબાલ ઉપનિષદમાં મળે છે. અત્રિ યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે આ અનંત અને અવ્યક્ત આત્માને હું કેવી રીતે જાણી શકું? યાજ્ઞવલ્ક્યનો જવાબ છે, ‘એ અનંત, અવ્યક્ત આત્મા અવિમુક્તમાં પ્રતિષ્ઠિત છે અને અવિમુક્તની ઉપાસના કરવી જોઈએ.’ અત્રિ ફરી પૂછે છે કે અવિમુક્ત ક્યાં છે? જવાબ આવે છે કે વરણા (વરુણા) અને નાશી (અસ્સી) વચ્ચે.
નોંધનીય છે કે કાશીના ઉત્તરમાં વરુણા (વરણા) નદી અને દક્ષિણમાં અસ્સી (નાસી) નદી આવેલી છે અને આ બંને નદીઓ વચ્ચેનો વિસ્તાર વારાણસી તરીકે ઓળખાય છે. ‘વારાણસી’ નામની વ્યાખ્યા પણ સામાન્ય રીતે વરુણા અને અસ્સી, આ બે નદીઓના નામ સાથે જોડવામાં આવે છે. જાબાલ ઉપનિષદમાં આ જ સંદર્ભ ‘વરણા’ અને ‘નાસી’ નામોથી આવે છે, જ્યાં આ બંને નામોને માત્ર ભૌગોલિક ઓળખ તરીકે નહીં, પરંતુ આંતરિક આધ્યાત્મિક અર્થ સાથે પણ સમજાવવામાં આવ્યાં છે.
પરંતુ તરત બહારના ભૂગોળથી અંદરના અર્થ તરફ ગતિ થાય છે. વરણા એ ઇન્દ્રિયોથી ઉત્પન્ન દોષોને રોકનારી અને નાશી એ ઇન્દ્રિયોથી ઉત્પન્ન પાપોને નષ્ટ કરનારી તરીકે ઉપનિષદોમાં સમજાવવામાં આવે છે. પછી અવિમુક્તનું સ્થાન ભ્રૂ અને નાસિકાના સંગમસ્થાન સાથે જોડાય છે, જેને પરલોક અને દ્યૂલોકના સંધિસ્થાન તરીકે વર્ણવવામાં આવે છે. આ એક જ સંદર્ભ કાશીના અર્થને અંદર સુધી લઈ જાય છે.
વરણા અને નાસી બહારની બે નદીઓના નામ છે, પરંતુ ઉપનિષદ એ જ નામોને મનુષ્યની આંતરિક સાધના સાથે જોડે છે. એટલે અવિમુક્ત માત્ર ત્યાં નથી જ્યાં માણસ પગથી જઈ શકે. અવિમુક્ત એ ચેતનાની એ અવસ્થા પણ છે જ્યાં ઇન્દ્રિયોથી આવતા પ્રવાહ પર નિયંત્રણ આવે, અંદરના દોષો ધીમે-ધીમે ક્ષીણ થાય અને ધ્યાન પોતાના મૂળ તરફ વળે. બહારની કાશી સુધી પહોંચવા માટે યાત્રા કરવી પડે છે. અંદરની કાશી સુધી પહોંચવા માટે જ્ઞાન જોઈએ અને બંને યાત્રાઓનું કેન્દ્ર એક જ છે. એ છે અવિમુક્ત.
ગંગા વહે છે, વિશ્વનાથ સ્થિર છે
કાશીના ઘાટોનું સૌંદર્ય માત્ર તેના દૃશ્યમાં નથી. ત્યાં જીવન અને મૃત્યુ એકબીજાથી છુપાતા નથી. ગંગા સામે માણસ જન્મનો ઉત્સવ પણ જુએ છે અને મણિકર્ણિકા ઘાટ પર દેહના અંતિમ સંસ્કારની અગ્નિ પણ. એક તરફ આરતીના પ્રકાશમાં ભક્તિ છે, બીજી તરફ મણિકર્ણિકાની અગ્નિમાં દેહનો અંત છે. આ બંને વચ્ચે વિશ્વનાથ સ્થિર છે. કાશીના આધ્યાત્મિક સ્વરૂપને સમજવાનો આ સૌથી સીધો રસ્તો છે. જે આવે છે તે જાય છે. જે બને છે તે બદલાય છે. દેહ બદલાય છે, સંબંધો બદલાય છે, ઓળખ બદલાય છે, સમય બદલાય છે. ગંગા પણ દરેક ક્ષણે નવી છે. પરંતુ આ બધાની વચ્ચે માણસ એક એવા તત્વની શોધ કરે છે જે પરિવર્તનનો વિષય નથી. એ જ શોધ તેને વિશ્વનાથ સુધી લઈ જાય છે.
શિવપુરાણમાં કાશીનું મહાત્મ્ય કર્મ અને મુક્તિ સાથે જોડાયેલું છે. કર્મના બંધનમાં બંધાયેલો જીવ સતત પોતાની જ રચેલી ગતિમાં ફરતો રહે છે. એક કર્મ બીજા કર્મને જન્મ આપે છે, ઇચ્છા બીજી ઇચ્છાને જન્મ આપે છે અને ‘હું’ની આસપાસ ઊભી થતી ઓળખ માણસને ફરી ફરી એ જ ચક્રમાં ખેંચે છે. મુક્તિનો અર્થ માત્ર કોઈ સુખદ લોકમાં પહોંચવું નથી, આ બંધનના મૂળમાંથી બહાર આવવું છે. આથી વિશ્વનાથની ઉપાસના અંતે માણસને દુનિયાથી ભાગવા માટે નહીં, પરંતુ પોતાના ‘હું’ને ઓળખવા માટે ઊભો કરે છે.
કાશીથી નીકળ્યા પછી કાશી ક્યાં રહે છે?
એક સમયે યાત્રાળુ કાશી છોડે છે. ગંગા પાછળ રહી જાય છે. ઘાટો પાછળ રહી જાય છે. વિશ્વનાથનું મંદિર પણ આંખોથી દૂર થઈ જાય છે. પરંતુ જો કાશી માત્ર એક સ્થળ હોત તો યાત્રા ત્યાં જ પૂરી થઈ જાત. અવિમુક્તનો અર્થ તેને આગળ જવા દેતો નથી. જાબાલ ઉપનિષદ અનંત અને અવ્યક્ત આત્માને અવિમુક્ત સાથે જોડે છે. એટલે કાશીમાંથી બહાર નીકળ્યા પછી પણ અવિમુક્તનો પ્રશ્ન માણસની અંદર રહી શકે છે. જે આત્મા અનંત છે, અવ્યક્ત છે અને જેને ઓળખવાનો પ્રશ્ન ઉપનિષદ ઉઠાવે છે, તેની શોધ કોઈ એક ઘાટ પર પૂરી થતી નથી. તેથી કાશી એક અનોખી યાત્રા છે. માણસ બહારથી અંદર આવે છે. ગંગા સુધી પહોંચે છે, વિશ્વનાથ સુધી પહોંચે છે, મણિકર્ણિકા સુધી પહોંચે છે અને અંતે પોતાના સુધી પહોંચવાનો પ્રશ્ન સામે આવે છે.
પુરાણમાં કાશી પ્રલયમાં પણ શિવના ત્રિશૂળ પર અડગ રહે છે. ઉપનિષદમાં અવિમુક્ત અનંત અને અવ્યક્ત આત્મા સાથે જોડાય છે. બંનેને સાથે મૂકીએ ત્યારે કાશીનો અર્થ સ્પષ્ટ થવા લાગે છે. જે નાશ પામે છે તે કાશીનું અંતિમ સ્વરૂપ નથી, જે અવિનાશી છે તેની શોધ જ તેની યાત્રાનો અંતિમ સંકેત છે અને ત્યાં વિશ્વનાથ ઊભા છે.
વિશ્વના નાથ તરીકે નહીં માત્ર, પરંતુ વિશ્વને જોનારી ચેતનાના અંતિમ આધાર તરીકે. કાશી એટલા માટે પ્રાચીન નથી કે તે બહુ જૂની છે. કાશી એટલા માટે અવિમુક્ત છે કે તેની આધ્યાત્મિક દૃષ્ટિ માણસને સતત બદલાતી દુનિયામાંથી એ તત્વ તરફ વાળે છે, જે બદલાતું નથી. ગંગા વહે છે. પેઢીઓ પસાર થાય છે. ઘાટો પર દીવા પ્રગટે છે અને બુઝાય છે. જીવન આવે છે અને વિદાય લે છે. પરંતુ વિશ્વનાથ સ્થિર રહે છે.
અને કદાચ કાશીની આખી યાત્રા આ એક જ અનુભૂતિ સુધી પહોંચે છે કે બહાર જે અવિરત બદલાઈ રહ્યું છે તેની વચ્ચે, અંદર જે ક્યારેય બદલાતું નથી તેને ઓળખી લેવું. એ જ અવિમુક્ત છે. એ જ કાશીનું હૃદય છે અને એ જ અનંત આત્મતત્વ તરફ લઈ જતો વિશ્વનાથનો પ્રકાશ છે.


