હોમપેજએક્સપ્લેઇનરઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે હૂતીઓ કૂદી પડ્યા, સાઉદી પર કેમ કર્યો હુમલો? મધ્ય-પૂર્વનું...

ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે હૂતીઓ કૂદી પડ્યા, સાઉદી પર કેમ કર્યો હુમલો? મધ્ય-પૂર્વનું યુદ્ધ કઈ રીતે બદલાઈ રહ્યું છે ‘પ્રોક્સી વૉર’માં– સમજો

આ હુમલાએ સાબિત કરી દીધું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની આ લડાઈ હવે માત્ર બે દેશો પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે આખા મધ્ય પૂર્વના ઊર્જા માળખાને હોમી દેનારું એક મોટું પ્રોક્સી યુદ્ધ બની ચૂક્યું છે.

- Advertisement -

મધ્ય-પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ પહેલેથી બાખડી રહ્યાં છે ત્યારે યમનના સશસ્ત્ર જૂથ હૂતીએ પણ ઝંપલાવ્યું છે. તાજેતરમાં હૂતીઓએ સાઉદી અરબના દક્ષિણી વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કર્યા. અબ્હા, જિઝાન અને નજ્રાન વગેરે શહેરોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાઓમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે. આ બનાવથી સાઉદી અરેબિયા અને હૂતીઓ વચ્ચે લાંબા સમયથી શાંત રહેલો સંઘર્ષ ફરીથી ભડકી ઊઠ્યો છે.

આ ઘટનાને માત્ર બે પાડોશીઓ વચ્ચેની સ્થાનિક લડાઈ તરીકે જોવી ભૂલભરેલી ગણાશે, કારણ કે આ હુમલા મધ્ય પૂર્વમાં ચાલતી મોટી રાજકીય અને સૈન્ય ખેંચતાણનો જ ભાગ છે. ફેબ્રુઆરી 2026માં ઈરાન સામે શરૂ થયેલા સૈન્ય અભિયાન બાદ, ઈરાન સમર્થિત જૂથો અમેરિકા અને તેના મિત્ર દેશો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આમ, આ હુમલો એ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા બહુસ્તરીય શક્તિ સંઘર્ષની જ એક સીધી અસર છે.

શું છે સાઉદી-હૂતીનો ઇતિહાસ

યમન અને સાઉદી અરેબિયા વચ્ચેની આ પૂરી વાર્તાને સમજવા માટે સૌપ્રથમ ‘હૂતી’ આતંકી સંગઠનને જાણવું જરૂરી છે. કટ્ટરપપંથીઓ અન્સાર અલ્લાહ તરીકે ઓળખાતા આ હૂતી જૂથને ઉત્તર યમનમાંથી ઊભરેલું એક શિયા આંદોલન ગણાવે છે. વર્ષ 2014માં આ આતંકીઓએ યમનની રાજધાની સના પર કબજો જમાવીને ત્યાંની મૂળ સરકારને સત્તા ઉખાડી ફેંકી હતી. ત્યારબાદ 2015માં સાઉદી અરેબિયા આ યુદ્ધમાં ઉતર્યું અને જોતજોતાંમાં આ સ્થાનિક લડાઈ સાઉદી અને ઈરાન વચ્ચેનું ‘પ્રોક્સી યુદ્ધ’ બની ગઈ.

- Advertisement -

સાઉદી અરેબિયા માટે હૂતીઓ માત્ર સરહદ પારની રાજકીય મુસીબત નહોતા, પરંતુ સુરક્ષા માટે પણ એક સીધો ખતરો હતા. યમન અને સાઉદીની સરહદો એકબીજા સાથે જોડાયેલી છે અને સમય જતાં હૂતીઓએ પોતાની મિસાઇલ અને ડ્રોન ક્ષમતા ખૂબ વધારી દીધી. આ આતંકી સંગઠનને ઈરાન તરફથી હથિયારો અને ટેકનિકલ મદદ મળતી હોવાના દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે થતો રહ્યો છે, જેને કારણે સાઉદીની ચિંતાઓમાં સતત વધારો થતો ગયો.

વર્ષ 2015થી 2022 સુધી બંને પક્ષો વચ્ચે અત્યંત વિનાશક લડાઈ ચાલી. સાઉદીના હવાઈ હુમલા અને હૂતીઓના ડ્રોન જવાબોએ યમનની પ્રજાને એક ભારે માનવતાવાદી કટોકટીમાં ધકેલી દીધી. જોકે, 2022માં UNની મધ્યસ્થીથી બંને વચ્ચે એક યુદ્ધવિરામ થયો, જેથી હિંસા પર થોડા સમય માટે બ્રેક લાગી અને સરહદ પર લાંબા સમય સુધી એક પ્રકારની શાંતિ સ્થપાઈ રહી.

જોકે વર્ષ 2023માં ગાઝા યુદ્ધ શરૂ થતાં જ રાતા સમુદ્ર વિસ્તારમાં ચિત્ર ફરી બદલાવા લાગ્યું. હૂતીઓએ ઈરાન સમર્થિત ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’નો ભાગ બનીને ઇઝરાયલ અને તેની સાથે જોડાયેલા વેપારી જહાજો પર હુમલા શરૂ કર્યા. આના કારણે વૈશ્વિક શિપિંગ કંપનીઓને પોતાના દરિયાઈ માર્ગો બદલવાની ફરજ પડી, અને પરિણામે યમનનો આ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય સુરક્ષા તથા વૈશ્વિક વેપાર માટે ચિંતાનો મોટો મુદ્દો બની ગયો.

ઇઝરાયેલ-ઈરાન-અમેરિકાનું યુદ્ધ શરૂ થતાં હૂતીઓને મળી ગયું મોકળું મેદાન 

ત્યારબાદ 2026માં જ્યારે ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે શાંત પડેલો સાઉદી-હૂતી સંઘર્ષ ફરી સપાટી પર આવ્યો. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં વોશિંગ્ટનનું મુખ્ય લક્ષ્ય ઈરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતાઓને નબળી પાડવાનું હતું. પરંતુ આ પરિસ્થિતિનો લાભ લઈને ઈરાન સમર્થિત આતંકી સંગઠનોને પ્રદેશમાં પોતાનો પ્રભાવ વધારવાની તક મળી ગઈ.

અહીંથી જ આ ખતરનાક ‘પ્રોક્સી વોર’નો નવો તબક્કો શરૂ થાય છે. જ્યારે પણ ઈરાન પર અમેરિકાનું સીધું લશ્કરી દબાણ વધે છે ત્યારે તેહરાન પોતાના સહયોગી જૂથોની મદદથી મધ્ય પૂર્વમાં નવા મોરચા ખોલી દે છે. તાજા અહેવાલો મુજબ, ઈરાન હવે હૂતીઓ અને ઈરાકી મિલિશિયાઓ સાથે મળીને ગલ્ફ દેશો પર દબાણ વધારી રહ્યું છે, જેથી આ યુદ્ધનું નુકસાન માત્ર ઈરાન પૂરતું સીમિત ન રહેતાં આખા પ્રદેશમાં ફેલાઈ જાય.

આ આખી વ્યૂહરચનામાં સાઉદી અરેબિયા ઈરાન અને તેના સહયોગીઓ માટે સૌથી મોટું નિશાન બની ગયું છે. સાઉદી અરેબિયા એ અમેરિકાનો ગલ્ફ વિસ્તારમાં સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને વિશ્વનો અગ્રણી ઊર્જા ઉત્પાદક દેશ છે. જો સાઉદીની ઓઇલ રિફાઇનરીઓ, બંદરો કે દરિયાઈ માર્ગો અસુરક્ષિત બને તો તેની આંચ માત્ર સાઉદીને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઊર્જા બજાર અને અર્થતંત્રને લાગી શકે છે.

‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ અને ‘બાબ અલ-મંદેબ’નો દરિયાઈ માર્ગ

આ યુદ્ધમાં હવે સૌથી મહત્વનો ભૌગોલિક ક્ષેત્ર ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ અને ‘બાબ અલ-મંદેબ’નો દરિયાઈ માર્ગ બની ગયો છે. પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતી હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્રને એડનના અખાત સાથે જોડતો બાબ અલ-મંદેબનો માર્ગ–આ બંને દરિયાઈ દ્વાર એકસાથે આ યુદ્ધના ભારે દબાણ હેઠળ આવી ગયા છે.

ઈરાનની સૈન્ય પ્રવૃત્તિઓને કારણે હોર્મુઝના માર્ગે થતું તેલનું પરિવહન પહેલેથી જ ખોરવાઈ ગયું છે. યુદ્ધ પહેલાં આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં તેલના ટેન્કરો પસાર થતાં હતાં, પરંતુ તાજેતરમાં જહાજોની અવરજવર તળિયે પહોંચી ગઈ છે. અહેવાલો મુજબ, સપ્ટેમ્બરના પ્રારંભમાં દસ દિવસની સરેરાશ અવરજવર ઘટીને પ્રતિદિન માત્ર 10 જહાજોની રહી ગઈ હતી, જે છેલ્લા કેટલાક મહિનાઓનું સૌથી નીચું સ્તર છે.

આ બધાની વચ્ચે ઈરાને હોર્મુઝની આસપાસ ‘એક્સક્લુઝન ઝોન’ જાહેર કરવાની ધમકી આપી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, અમેરિકન નૌકાદળની ઘેરાબંધીવાળી લાઇન તરફથી આવતાં કે પસાર થતાં જહાજો પર હુમલા કરવામાં આવી શકે છે. આ ચેતવણીને કારણે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો માટે જોખમ અત્યંત વધી ગયું છે અને વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા ઘેરી બની છે.

ઈરાન-હૂતીની 2 આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ બંધ કરવાની યોજના

આ સમગ્ર ચિત્રમાં હૂતી બળવાખોરોની ભૂમિકા પરિસ્થિતિને વધુ ખતરનાક બનાવે છે. જો ઈરાન હોર્મુઝ પર દબાણ લાવે અને હૂતીઓ બાબ અલ-મંદેબ પર હુમલા ચાલુ રાખે તો ગલ્ફથી લઈને લાલ સમુદ્ર સુધીના બંને આંતરરાષ્ટ્રીય માર્ગો એકસાથે ઠપ્પ થઈ જાય. સાઉદી અરેબિયા માટે આ સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, કારણ કે હોર્મુઝ બંધ થાય ત્યારે તે પોતાના તેલની નિકાસ માટે રાતા સમુદ્રના વૈકલ્પિક માર્ગો પર જ નિર્ભર રહે છે.

આ જ કારણથી 8 સપ્ટેમ્બરના હૂતીઓના હુમલાઓને ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે. હૂતીઓએ દક્ષિણ સાઉદી અરેબિયાના અબ્હા, જિઝાન, નજ્રાન અને ખામિસ મુશાયત જેવા મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઊર્જા સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને 73 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, જિઝાન સ્થિત દરરોજ આશરે 4 લાખ બેરલની ક્ષમતા ધરાવતી સાઉદીની એક મોટી રિફાઇનરીને પણ આ હુમલામાં આંચ આવી છે.

આ હુમલા બાદ ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે. ભારતે ખાસ કરીને સામાન્ય નાગરિકો અને આર્થિક સ્થાપનોને નિશાન બનાવવાની ઘટનાઓને અસ્વીકાર્ય ગણાવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના હુમલા સમગ્ર પ્રદેશની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે તેમજ ‘બાબ અલ-મંદેબ’ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગે વેપારી જહાજોની મુક્ત અને અવિરત અવરજવર માટે ગંભીર ખતરો ઊભો કરે છે.

હૂતીઓએ આ કાર્યવાહીને સાઉદી અરેબિયાના આક્રમણ સામેનો વળતો જવાબ ગણાવતા દાવો કર્યો છે કે તેમણે માત્ર સાઉદીના ઊર્જા અને ઔદ્યોગિક કેન્દ્રોને જ નિશાન બનાવ્યાં છે. બીજી તરફ, રિયાધે આ હુમલાઓને દેશના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર ગણાવીને કડક સૈન્ય જવાબ આપવાની ખુલ્લી ચેતવણી આપી છે. પરિણામે, બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ ફરી એકવાર 2015થી 2022ના ભયાનક યુદ્ધકાળ જેવી જ આક્રમક અને તંગ બની ગઈ છે.

આ હુમલા પહેલાં જ યમનની ધરતી પર અંદરોઅંદરની હિંસાનું પ્રમાણ વધી રહ્યું હતું. સાઉદી અરેબિયા સમર્થિત યમન સરકારના સૈન્ય દળોએ હૂતીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં નવી લશ્કરી કામગીરી શરૂ કરી દીધી હતી, જેના જવાબમાં હૂતીઓએ પણ મોરચો ખોલી દીધો હતો. 7 સપ્ટેમ્બરે હૂતીઓએ સાઉદી પર ઉત્તર યમનની એક જેલ પર હવાઈ હુમલો કરવાનો આરોપ મૂકીને સાત લોકોના મોતનો દાવો પણ કર્યો હતો.

આ સમગ્ર સ્થિતિ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે 8 સપ્ટેમ્બરનો સાઉદી પરનો આ હુમલો કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. એક તરફ યમનમાં સરકારી દળો અને હૂતીઓ વચ્ચેનો જંગ ગરમ થઈ રહ્યો હતો, બીજી તરફ હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન અને અમેરિકા વચ્ચે દરિયાઈ તણાવ ચરમસીમાએ હતો. આ તમામ ઘટનાઓ અને હૂતીઓ દ્વારા સાઉદીના શિપિંગ પર નાકાબંધીની ઘોષણા– આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.

સાઉદી બમણા સંકટમાં

સાઉદી માટે સૌથી મોટો વ્યૂહાત્મક ભય એ છે કે હવે તેને બે દિશામાં સુરક્ષા સંકટનો સામનો કરવો પડી શકે છે– પૂર્વમાં ઈરાન અને દક્ષિણ-પશ્ચિમમાં હૂતી હુમલા. ખાસ કરીને જિઝાન અને લાલ સમુદ્રનો વિસ્તાર સાઉદીના ઊર્જા નિકાસ માળખા માટે મહત્વપૂર્ણ છે. હોર્મુઝમાં મુશ્કેલીના કારણે સાઉદી સહિતના ગલ્ફ દેશો વૈકલ્પિક રૂટ અને બંદરોનો ઉપયોગ કરીને નિકાસ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ જ બાબત હૂતીઓ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ઈરાન અને હૂતીઓ મળીને દરિયાના બંને દરવાજા એકસાથે બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે. જો બંને રસ્તા બંધ કે જોખમી થઈ જાય તો વિશ્વમાં તેલનો પુરવઠો અટકી જાય.

આવા વાતાવરણમાં સતત તેલના ભાવ વધી રહ્યા છે. રોઇટર્સે 8 સપ્ટેમ્બરે નોંધ્યું હતું કે મધ્ય પૂર્વમાંથી તેલની નિકાસ યુદ્ધ પહેલાંની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી છે, જોકે વૈકલ્પિક માર્ગો, વધારાના ઉત્પાદન અને નબળી વૈશ્વિક માંગને કારણે તેલનો પ્રતિ બેરલ ભાવ 100 ડોલરથી ઉપર પહોંચી ગયો છે. પરંતુ બજારની સૌથી મોટી સમસ્યા પુરવઠાની હાલની અછત કરતાં ‘આગળ શું થશે’ તેની અનિશ્ચિતતા છે.

અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી સંઘર્ષ શરૂ

અહીં અમેરિકા પણ મહત્વપૂર્ણ ખેલાડી છે. પાછલા દિવસોમાં અમેરિકન દળોએ ઈરાનના તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા બાદ તેહરાને અમેરિકન જહાજો અને હોર્મુઝ નજીકના અન્ય જહાજો સામે કાર્યવાહી કરી છે. ઈરાને જોર્ડનમાં અમેરિકન બેઝ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો પણ કર્યો અને હોર્મુઝ નજીક અનેક જહાજોને નિશાન બનાવ્યાં. આ સીધી અમેરિકા-ઈરાન અથડામણ હવે હૂતી મોરચા સાથે જોડાઈ રહી છે.

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ તાજેતરનો નથી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની શરૂઆતનું મૂળ કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા અને તેના મિત્ર દેશોનો આરોપ છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા કેળવી રહ્યું છે, જ્યારે ઈરાનનો દાવો છે કે તેનો કાર્યક્રમ માત્ર વીજળી અને શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.

2015માં આ મુદ્દે કરાર થયો હતો, પરંતુ 2018માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ અમેરિકા તેનાથી અલગ થઈ ગયું. ત્યારબાદ ટ્રમ્પની સરકાર ગઈ જોકે વર્ષ 2025માં ફરીથી ટ્રમ્પની સરકાર આવી અને તેમણે મોટા નિર્ણયો લેવાના શરૂ કર્યા. આ જ નિર્ણયોના ભાગ રૂપે ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમોનો મુદ્દો ફરીથી ઉઠાવવાનું શરૂ કર્યું, જેના પગલે ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ શરૂ થઈ ગયું.

આ યુદ્ધના કારણે વિશ્વના ક્રૂડ ઓઇલના બજારો પર ભારે અસર પડવા લાગી કારણ કે આ યુદ્ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સીધી અસર કરતું હતું. જોકે વિશ્વના ઘણા દેશોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો અને બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. જોકે આ દરમિયાન પણ બંને દેશો એકબીજા પર સહમતી ન દર્શાવવાના આરોપો લગાવતા રહ્યા અને અંતે ઈરાનના યુરેનિયમ ભંડાર પર સર્વસંમતિ ન સધાઈ. આખરે 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઑપરેશન એપિક ફયુરી શરૂ કરીને ઈરાનની પરમાણુ તથા મિસાઇલ સુવિધાઓ પર ભારે હવાઈ હુમલા કરી દીધા.

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને પણ ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર પલટવાર શરૂ કર્યો. થોડા સમયની શાંતિ પછી પણ મૂળ વિવાદનો કોઈ ઉકેલ ન આવ્યો. હવે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે અમેરિકાએ ઈરાનની કમર તોડવા માટે તેની તેલ નિકાસ પર સંપૂર્ણ બંધી લગાવવાના પ્રયાસો શરૂ કર્યા અને તેના પાંચ તેલ ટેન્કરો નાશ કર્યાં. આનાથી ગુસ્સે ભરાયેલા ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઇલો દાગી અને દરિયાઈ રસ્તાઓ પર હુમલા તેજ કરી દીધા.

આ લડાઈ હવે માત્ર પરમાણુ કાર્યક્રમ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે તેલ અને દરિયાઈ માર્ગોની વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. ઈરાન પાસે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ નામનો અત્યંત મહત્વનો દરિયાઈ રસ્તો છે, જ્યાંથી આખા વિશ્વનું મોટા ભાગનું તેલ પસાર થાય છે. અમેરિકન દબાણ સામે તેહરાને આ રસ્તેથી પસાર થતાં આશરે 10 જેટલાં વેપારી જહાજોને નિશાન બનાવીને વૈશ્વિક તેલ પુરવઠામાં મોટી હલચલ મચાવી દીધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ $100 પ્રતિ બેરલને વટાવી ગયા છે.

હૂતીઓની એન્ટ્રી અને સાઉદી પર નિશાન

આ આખા વિવાદમાં યમનના ‘હૂતી‘ આતંકીઓની એન્ટ્રી ઈરાનના સાથી તરીકે થઈ છે. યમનમાં સત્તા કબજે કરનાર હૂતી સંગઠન ઈરાન સમર્થિત ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’નો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે પણ અમેરિકા ઈરાન પર લશ્કરી કે આર્થિક દબાણ વધારે છે ત્યારે હૂતીઓ યમનમાંથી બીજો મોરચો ખોલીને અમેરિકા અને તેના મિત્ર દેશો પર વળતો પ્રહાર કરી દે છે.

હૂતીઓ માટે સાઉદી અરેબિયાને નિશાન બનાવવું સૌથી સરળ અને વ્યૂહાત્મક છે. સાઉદી અરેબિયા અમેરિકાનો ગલ્ફ વિસ્તારમાં સૌથી ખાસ મિત્ર છે અને યમન સરહદે હૂતીઓનો જૂનો દુશ્મન પણ છે. સાઉદી પર હુમલો કરવાથી હૂતીઓને બેવડો ફાયદો થાય છે: એક તો પોતાના જૂના વિરોધી સાઉદી પર દબાણ આવે છે અને બીજું, અમેરિકાના સૌથી મોટા સાથીને યુદ્ધમાં ઢસડીને અમેરિકા પર પરોક્ષ રીતે મોટો આર્થિક પ્રહાર કરી શકાય છે.

આ લડાઈને સમજવા દરિયાઈ નકશો મનમાં રાખવો જરૂરી છે. એક તરફ ઈરાન ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ માર્ગ રોકીને અરબી સમુદ્ર તરફનો રસ્તો બંધ કરી શકે છે, તો બીજી તરફ યમનના હૂતીઓ ‘બાબ અલ-મંદેબ’ માર્ગ રોકીને લાલ સમુદ્ર તરફનો વેપાર ઠપ્પ કરી શકે છે. ઈરાન અને હૂતીઓ મળીને દરિયાના આ બંને મુખ્ય દરવાજા બંધ કરીને સમગ્ર વિશ્વના તેલ પુરવઠા અને વૈશ્વિક વેપારની ગરદન દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ જ માસ્ટરપ્લાનના ભાગરૂપે 8 સપ્ટેમ્બરે હૂતીઓએ સાઉદી અરેબિયાના અબ્હા, જિઝાન અને નજ્રાન જેવા શહેરો પર મિસાઇલ અને ડ્રોનથી મોટા હુમલા કર્યા. જિઝાનની વિશાળ તેલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું અને 73 લોકો ઈજાગ્રસ્ત થયા. આ હુમલાએ સાબિત કરી દીધું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની આ લડાઈ હવે માત્ર બે દેશો પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે આખા મધ્ય પૂર્વના ઊર્જા માળખાને હોમી દેનારું એક મોટું પ્રોક્સી યુદ્ધ બની ચૂક્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં