હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભય પેદા કરનાર ભીમાસુરથી પણ ભયંકર શું હતું? નિઃશસ્ત્ર રાજા સુદક્ષિણની સામે...

ભય પેદા કરનાર ભીમાસુરથી પણ ભયંકર શું હતું? નિઃશસ્ત્ર રાજા સુદક્ષિણની સામે માટીમાંથી પ્રગટેલું શિવનું ભીમનાથ સ્વરૂપ

જ્યાં એક નિઃશસ્ત્ર ભક્તની અડગ શ્રદ્ધામાંથી પ્રગટેલું શિવ તત્વ આપણને સમજાવે છે કે સૃષ્ટિમાં સૌથી પ્રચંડ શક્તિ એ નથી જે બીજાને પોતાના આગળ ઝુકાવે, સૌથી પ્રચંડ શક્તિ એ છે, જેની સામે આખું અસ્તિત્વ પોતાની મર્યાદા ઓળખીને પોતાની ગતિમાં રહે.

- Advertisement -

‘ભીમ’ નામ સાંભળતાં જ મનમાં પ્રચંડતા, ઉગ્રતા અને ભયની છબી ઊભી થાય છે. પરંતુ જ્યારે આ જ શબ્દ શિવ સાથે જોડાય છે ત્યારે તેનો અર્થ બદલાઈ જાય છે. શિવનું ભીમનાથ સ્વરૂપ માત્ર કોઈ ભયંકર દૃશ્ય કે અસુરના સંહાર સાથે જોડાયેલું નથી. તેમાં એવી પરમ સત્તાનો સંકેત છે, જેની સામે પ્રચંડમાં પ્રચંડ બળ પણ પોતાની મર્યાદા ઓળખી લે છે.

આ સ્વરૂપ સુધી પહોંચવા માટે ભીમાશંકરની કથા આપણને એક અદભૂત વિરોધાભાસમાંથી પસાર કરે છે. એક તરફ છે ભીમાસુર. તપસ્યાથી પ્રાપ્ત અતુલ બળનો માલિક, જેને પોતાની શક્તિ પર એટલો વિશ્વાસ છે કે દેવોને હરાવ્યા પછી સમગ્ર જગતને પોતાના વશમાં કરવા નીકળે છે. બીજી તરફ છે રાજા સુદક્ષિણ. રાજ્ય ગુમાવેલું, શસ્ત્રવિહોણું અને કેદમાં રહેલું એક એવું પાત્ર, જેના હાથમાં દુનિયાને પડકારવાનું કંઈ નથી, છતાં જે પોતાના આરાધ્ય શિવ પરથી વિશ્વાસ ગુમાવતું નથી.

એક પાસે બળ છે, બીજાની પાસે ભક્તિ. એક પોતાને સર્વશક્તિમાન માને છે, બીજો પોતાની નિઃસહાયતામાં પણ શિવનો આશ્રય છોડતો નથી. આ બે છેડાઓ જ્યાં મળે છે ત્યાં માટીના એક શિવલિંગમાંથી પ્રગટે છે શિવનું ભીમનાથ સ્વરૂપ અને ત્યાંથી ભીમાશંકરની કથા માત્ર ભીમાસુરના વધની વાત રહેતી નથી, તે પ્રચંડ બળની પાછળ રહેલી પરમ સત્તા સુધી લઈ જતી એક ગહન આધ્યાત્મિક કથા બની જાય છે.

- Advertisement -

પિતાના મૃત્યુમાંથી જન્મેલો વેર

ભીમની કથા સમજવા માટે તેની પાછળની ઘટના જાણવી જરૂરી છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતા મુજબ ભીમ કુંભકર્ણ અને કર્કટીનો પુત્ર હતો. કુંભકર્ણનો રામના હાથે વધ થઈ ચૂક્યો હતો. કર્કટી સહ્ય પર્વત પર પોતાના પુત્ર સાથે રહેતી હતી. ભીમ જ્યારે મોટો થયો ત્યારે તેણે એક દિવસ પોતાની માતાને પૂછ્યું કે તેના પિતા કોણ હતા અને તેઓ ક્યાં છે.

માતાએ તેને જે વાત કહી, તે ભીમના જીવનની દિશા નક્કી કરી ગઈ. કુંભકર્ણ રામના હાથે માર્યો ગયો હતો. પોતાના પિતાના મૃત્યુની વાત સાંભળીને ભીમના મનમાં શોક કરતાં વેર વધુ પ્રબળ બન્યો. તેને લાગ્યું કે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવો જોઈએ. પરંતુ એ માટે માત્ર ક્રોધ પૂરતો નહોતો. તેને એવી શક્તિ જોઈતી હતી કે જે તેને અજેય બનાવી દે.

ભીમે બ્રહ્માને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા શરૂ કરી. એક પગ પર ઊભો રહી, હાથ ઊંચા રાખીને અને સૂર્ય તરફ દૃષ્ટિ સ્થિર કરીને તેણે લાંબા સમય સુધી તપ કર્યું. શિવપુરાણમાં તેની તપસ્યાની અવધિ એક હજાર વર્ષ કહેવામાં આવી છે. તપની ઉગ્રતાથી દેવો પણ વ્યાકુળ થયા. અંતે બ્રહ્મા ભીમની સામે પ્રગટ થયા અને તેને વરદાન માગવા કહ્યું.

ભીમે અતુલ બળ માગ્યું. તેને એવું બળ જોઈએ હતું, જેની સામે કોઈનું બળ ટકી ન શકે. બ્રહ્માએ તેની ઇચ્છા પૂર્ણ કરી. અહીંથી ભીમના જીવનમાં એક નવી શક્તિ આવી, પરંતુ તેની સાથે એક નવી મુશ્કેલી પણ જન્મી, એ શક્તિનો અહંકાર. તપસ્યા માણસને ઊંચો ઉઠાવી શકે છે, પરંતુ પ્રાપ્ત થયેલી શક્તિનો ઉપયોગ કઈ દિશામાં થાય છે તે જ આખી સાધનાની કસોટી બની જાય છે. ભીમ માટે વરદાન અંતિમ સિદ્ધિ બની ગયું. તેને લાગ્યું કે હવે તેને રોકનાર કોઈ નથી.

વરદાનથી વધ્યો અહંકાર

અતુલ બળ મળ્યા પછી ભીમે દેવોને પડકાર્યા. ઇન્દ્ર સહિતના દેવો તેની સામે ટકી શક્યા નહીં. તેણે અનેક દેવોને પરાજિત કર્યા અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. આ વિજયોએ તેના મનમાં રહેલા અહંકારને વધુ બળ આપ્યું. હવે તેને પોતાની શક્તિની કોઈ મર્યાદા દેખાતી નહોતી. જે પણ તેની સામે ઊભું થાય તેને બળથી ઝુકાવી દેવું, એ જ તેની રીત બની ગઈ.

આ જ ક્રમમાં તેની નજર કામરૂપના રાજા સુદક્ષિણ પર પડી. સુદક્ષિણ શિવના ભક્ત હતા. ભીમ સાથે તેમનું યુદ્ધ થયું અને ભીમની પ્રચંડ શક્તિ સામે રાજા પરાજિત થયા. તેમનું રાજ્ય છીનવાઈ ગયું અને તેમને કેદ કરી દેવામાં આવ્યા. એક રાજા માટે આ માત્ર પરાજય નહોતો. સત્તા ગઈ, રાજ્ય ગયું, સ્વતંત્રતા ગઈ. જે વ્યક્તિ ક્યારેક પોતાના રાજ્યમાં આજ્ઞા આપતી હતી, તે હવે બીજાની આજ્ઞાથી કેદમાં રહેતી હતી. પરંતુ ભીમને કદાચ એ ખબર નહોતી કે મનુષ્ય પાસેથી બહારની સત્તા છીનવી શકાય છે, અંદરનો આશ્રય નહીં.

કેદખાનામાં માટીનું શિવલિંગ

સુદક્ષિણે કેદમાં પણ શિવની ઉપાસના શરૂ કરી. તેમણે પોતાના હાથથી માટીનું શિવલિંગ બનાવ્યું. તેની પૂજા કરી. જપ કર્યા. ધ્યાન કર્યું. તેમનાં પત્ની દક્ષિણાએ પણ તેમની સાથે આ ઉપાસનામાં પોતાને જોડ્યાં. કેદની દીવાલોની બહાર ભીમનું સામ્રાજ્ય હતું. અંદર એક નાનકડું માટીનું શિવલિંગ હતું. પરંતુ સુદક્ષિણ માટે એ માટી નહોતું. એ તેમનો આશ્રય હતો.

રાજા પાસે ભીમ સામે લડવા માટે તલવાર નહોતી. પોતાના રાજ્યને પાછું મેળવવા માટે સૈન્ય નહોતું. કેદમાંથી બહાર નીકળવા માટે કોઈ માર્ગ નહોતો. છતાં શિવની ઉપાસના છોડવાનો વિચાર પણ તેમના મનમાં આવ્યો નહીં. આ પ્રસંગ ભીમાશંકરની કથાને એક સામાન્ય દેવ-અસુર સંઘર્ષથી અલગ બનાવે છે. ભીમે પણ તપસ્યા કરી હતી. સુદક્ષિણે પણ સાધના કરી હતી. બંનેમાં એકાગ્રતા હતી. બંને કોઈક રીતે પરમ શક્તિ સાથે જોડાવા માગતા હતા. પરંતુ તેમની દિશા જુદી હતી. ભીમે શક્તિ માગી જેથી દુનિયા તેની સામે નમી જાય. સુદક્ષિણે શિવનો આશ્રય લીધો જેથી દુનિયા તેની સામે ઊભી રહે તો પણ તેનું મન ન ડગે.

તલવાર માટીના શિવલિંગ સુધી પહોંચી

ભીમને જ્યારે ખબર પડી કે કેદમાં રહેલો સુદક્ષિણ હજુ પણ શિવની ઉપાસના કરે છે ત્યારે તેનો ક્રોધ ભડકી ઊઠ્યો. તેને આ ઉપાસના પોતાના માટે પડકાર જેવી લાગી. તે કેદખાનામાં પહોંચી ગયો. સામે સુદક્ષિણ હતા. નિઃશસ્ત્ર અને તેમની સામે હતું માટીનું શિવલિંગ. ભીમે સુદક્ષિણને ઉપાસના બંધ કરવાની ધમકી આપી. પરંતુ રાજા પોતાના આરાધ્યથી વિમુખ થયા નહીં. ભીમનો ક્રોધ વધતો ગયો. તેણે તલવાર ઊંચી કરી.

પરંતુ આ વખતે નિશાન રાજા નહોતા. નિશાન હતું શિવલિંગ. ભીમે તલવારથી માટીના શિવલિંગ પર પ્રહાર કરવા હાથ ઉઠાવ્યો અને એ જ ક્ષણે કથાનું સ્વરૂપ બદલાઈ ગયું. જે શિવલિંગને ભીમ માત્ર માટીનો ઢગલો માનતો હતો, તેમાંથી શિવ પ્રગટ થયા. શિવનું આ પ્રાગટ્ય સામાન્ય સ્વરૂપમાં નહોતું. તેઓ ભીમેશ્વર સ્વરૂપે પ્રગટ્યા. ભીમ અને શિવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભીમે પોતાની તમામ શક્તિ કામે લગાડી. શસ્ત્રોનો પ્રહાર કર્યો. પરંતુ શિવ સામે તેની શક્તિ ધીમે-ધીમે નિષ્ફળ થતી ગઈ.

અંતે ભીમ અને તેની સેના શિવના પ્રચંડ સ્વરૂપ સામે ટકી શક્યા નહીં. તેમનો સંહાર થયો. દેવો અને ઋષિઓએ શિવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી કે તેઓ આ સ્થાન છોડીને ન જાય. ભક્તની રક્ષા માટે પ્રગટેલા શિવે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં જ સ્થિર થયા. આ રીતે ભીમેશ્વર તરીકે તેમનું સ્વરૂપ પ્રસિદ્ધ થયું અને દ્વાદશ જ્યોતિર્લિંગ પરંપરામાં આ સ્થાન ભીમાશંકર તરીકે ઓળખાયું.

ભીમ અને શિવ વચ્ચેનું અંતર

અહીંથી ભીમાશંકરની કથા પોતાના સૌથી રસપ્રદ ભાગમાં પ્રવેશે છે. ભીમ પ્રચંડ હતો. શિવ પણ પ્રચંડ સ્વરૂપે પ્રગટ્યા. ભીમ ભય પેદા કરતો હતો. શિવનું સ્વરૂપ પણ ભયાનક હતું. તો પછી બંને વચ્ચેનો તફાવત શું? તફાવત ‘શક્તિ’માં નહોતો. તફાવત શક્તિના કેન્દ્રમાં હતો. ભીમને શક્તિ મળતાં પોતાનું ‘હું’ મોટું થતું ગયું. તેણે પ્રાપ્ત બળને પોતાની સત્તાનો આધાર બનાવ્યો. તેને લાગ્યું કે જે શક્તિ તેને મળી છે, એ જ તેની સર્વોચ્ચ ઓળખ છે. શિવના ભીમનાથ સ્વરૂપમાં એવી કોઈ વ્યક્તિગત દાવેદારી નથી. ત્યાં પ્રચંડતા છે, પરંતુ અહંકાર નથી. સંહાર છે, પરંતુ સ્વાર્થ નથી. બળ છે, પરંતુ કોઈને પોતાના આગળ નમાવવાની ઇચ્છા નથી.

ભીમનું બળ બીજાને ભયભીત કરે છે. શિવનું ભીમ સ્વરૂપ ભયના મૂળને જ પોતાની સામે ઊભું કરે છે. આ તફાવતને સમજીએ ત્યારે ‘ભીમાશંકર’ નામ માત્ર એક પુરાણપ્રસંગનું નામ રહેતું નથી. તે પ્રચંડતાના બે અલગ અર્થો વચ્ચેનો ભેદ બતાવતું નામ બની જાય છે.

જેની સામે પ્રકૃતિ પણ પોતાની મર્યાદામાં રહે

તૈત્તિરીય ઉપનિષદમાં બ્રહ્મના સ્વરૂપને સમજાવતો એક ગહન મંત્ર આવે છે.

‘ભીષાસ્માદ્ વાતઃ પવતે । ભીષોદેતિ સૂર્યઃ ।
ભીષાસ્માદગ્નિશ્ચેન્દ્રશ્ચ । મૃત્યુર્ધાવતિ પંચમ ઇતિ ॥’

અર્થાત્, તેની મહિમાથી વાયુ વહે છે, સૂર્ય ઉદય પામે છે, અગ્નિ અને ઇન્દ્ર પોતપોતાનું કાર્ય કરે છે અને મૃત્યુ પણ પોતાની ગતિએ દોડે છે.

અહીં ‘ભય’નો અર્થ સામાન્ય ડર નથી. ઉપનિષદ જે તરફ સંકેત કરે છે તે છે પરમ સત્તાનો એવો બોધ, જેના કારણે સમગ્ર સૃષ્ટિ પોતાની મર્યાદા અને વ્યવસ્થામાં રહે છે. સૂર્ય પોતાની ગતિથી ચાલે છે. વાયુ પોતાની ગતિથી વહે છે. અગ્નિ પોતાનું કાર્ય કરે છે. મૃત્યુ પણ પોતાના નિયમથી આગળ વધે છે. આ બધાની પાછળ કોઈ એક એવી પરમ સત્તા છે, જે પોતે કોઈ એક શક્તિનો ભાગ નથી, પરંતુ તમામ શક્તિઓના અસ્તિત્વની પૃષ્ઠભૂમિ છે.

ભીમાસુરની કથા આ વિચારને જાણે એક જીવંત પ્રસંગમાં મૂકે છે. ભીમને પોતાની શક્તિ પર ગર્વ હતો. તેણે દેવોને હરાવ્યા અને પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. તેને લાગ્યું કે બળની કોઈ મર્યાદા નથી. પરંતુ ભીમાશંકરમાં શિવનું પ્રાગટ્ય બતાવે છે કે કોઈ પણ પ્રાપ્ત શક્તિ અંતિમ નથી. શક્તિથી ઉપર પણ કંઈક છે. બળથી ઉપર પણ કંઈક છે અને એ ‘કંઈક’ કોઈ બીજી શક્તિ નથી, જેને ભીમ જેવી બીજી શક્તિ સાથે તોલી શકાય. એ તો એ પરમ સત્તા છે, જેનાથી બધી શક્તિઓ પોતાની ગતિમાં રહે છે.

સુદક્ષિણ પાસે જે હતું, તે ભીમ પાસે નહોતું

આ આખી કથામાં સુદક્ષિણનું પાત્ર કદાચ સૌથી શાંત છે. તેઓ કોઈ ચમત્કાર કરતા નથી. ભીમ સામે યુદ્ધ નથી કરતા. પોતાની શક્તિનો દેખાડો પણ કરતા નથી. તેઓ માત્ર શિવને છોડતા નથી. આ નાનકડી વાત જ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે. ભીમ પાસે બ્રહ્માનું વરદાન હતું. સુદક્ષિણ પાસે માટીનું શિવલિંગ હતું.

ભીમ પાસે શસ્ત્ર હતું. સુદક્ષિણ પાસે જપ હતું. ભીમે આખી દુનિયાને પોતાની શક્તિ સામે નમાવવાનો પ્રયાસ કર્યો. સુદક્ષિણે પોતે શિવ સામે નમીને પોતાની અંદરનું કેન્દ્ર અડગ રાખ્યું. આથી કથાનો અંત ભીમના પરાજયમાં થાય છે, પરંતુ ભીમાશંકરનો અર્થ ત્યાં પૂરો થતો નથી. કથા આપણને એ વિચાર સુધી લઈ જાય છે કે બાહ્ય શક્તિ અને આંતરિક સ્થિરતા એક જ વસ્તુ નથી.

મનુષ્ય પાસે કેટલું બળ છે એ એક પ્રશ્ન છે. પરંતુ એ બળનો માલિક કોણ બની બેઠો છે, એ બીજો અને વધુ મહત્વનો પ્રશ્ન છે. ભીમે બળને પોતાનું સ્વરૂપ માની લીધું. એટલે બળ તેની સાથે અહંકાર પણ લઈને આવ્યું. સુદક્ષિણે પોતાના અસ્તિત્વને શિવના ચરણોમાં રાખ્યું. એટલે નિઃસહાયતા પણ તેમની ભક્તિને તોડી શકી નહીં અને જ્યારે ભીમે એ ભક્તિના આધારને તોડવા માટે માટીના શિવલિંગ પર તલવાર ઉઠાવી ત્યારે શિવ એ જ માટીમાંથી પ્રગટ્યા.

આ દૃશ્ય ભીમાશંકરની આખી કથાનો સાર કહી જાય છે. શિવને કોઈ બહારથી લાવીને સ્થાપિત કરવામાં આવ્યા નહોતા. તેઓ ભક્તિના આશ્રયમાં પહેલેથી જ હાજર હતા. ભીમનો પ્રહાર માત્ર એ ઉપસ્થિતિને પ્રગટ કરનાર ક્ષણ બન્યો. એટલે ભીમાશંકરમાં ‘ભીમ’નો અર્થ માત્ર ભીમાસુર નથી અને ‘ભીમનાથ’નો અર્થ માત્ર ભીમનો સંહાર કરનાર શિવ પણ નથી. અહીં ભીમ એક એવી પ્રચંડ શક્તિનું પ્રતીક બની જાય છે જે પોતાને અંતિમ માને છે અને શિવનું ભીમનાથ સ્વરૂપ એ પરમ પ્રચંડતાનું સ્મરણ કરાવે છે, જેના આગળ દરેક સીમિત બળને પોતાની મર્યાદા સ્વીકારવી પડે છે.

ભય પેદા કરનાર ભીમાસુરથી પણ ભયંકર શું હતું?

એ કોઈ બીજું બળ નહોતું. એ હતું શિવનું એ ભીમ સ્વરૂપ, જેની સામે ભીમનું અતુલ બળ પણ ક્ષણમાં નાનું પડી ગયું. ભીમાશંકર આ જ પરમ બળનું સ્મરણ કરાવતું જ્યોતિર્લિંગ છે. જ્યાં એક નિઃશસ્ત્ર ભક્તની અડગ શ્રદ્ધામાંથી પ્રગટેલું શિવ તત્વ આપણને સમજાવે છે કે સૃષ્ટિમાં સૌથી પ્રચંડ શક્તિ એ નથી જે બીજાને પોતાના આગળ ઝુકાવે, સૌથી પ્રચંડ શક્તિ એ છે, જેની સામે આખું અસ્તિત્વ પોતાની મર્યાદા ઓળખીને પોતાની ગતિમાં રહે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં