
દિલ્હીમાં એક 21 વર્ષીય હિંદુ યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. મુસ્કાન નામની આ યુવતી ભાડાના ફ્લેટમાં રહેતી હતી. જ્યાંથી તેની ચાકુ વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યાનો આરોપ ઈમરાન નામના શખ્સ વિરુદ્ધ લાગ્યો છે, જે જિમ ટ્રેનર છે.
ઘટના દિલ્હીના તિલક નગર વિસ્તારની છે. મુસ્કાન અહીં એક ભાડાના ફ્લેટમાં એકલી રહેતી હતી. પોતે વિદ્યાર્થિની હતી અને પાર્ટટાઇમ મોડેલિંગનું કામ કરતી હતી. બુધવારે (26 ઑગસ્ટ) સાંજે તેના ફ્લેટમાં તેને ચાકુ મારવામાં આવ્યું હતું. ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવી પરંતુ બચાવી શકાઈ ન હતી. ડૉક્ટરો અનુસાર તેના શરીર પર ચાકુના અનેક ઘા મારવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદીગઢ રહેતી મુસ્કાનની મોટી બહેને મુસ્કાનના એક મિત્ર અમનને જાણ કરી હતી. ત્યારબાદ અમન મુસ્કાનના ઘરે પહોંચ્યો હતો, પણ ત્યાં સુધીમાં મુસ્કાનને લઈને એમ્બ્યુલન્સ ઉપડી ચૂકી હતી. જોકે હોસ્પિટલ જતાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો.
અમન અનુસાર મુસ્કાનની બહેને તેને જણાવ્યું હતું કે ઈમરાન ઘણા સમયથી મુસ્કાનને હેરાન કરતો હતો અને ભૂતકાળમાં તેણે મુશ્કેલી ઊભી થાય તેવાં કારસ્તાન કર્યાં હતાં, જેથી ઘટના પછી સીધી શંકા ઈમરાન પર ગઈ હતી.
પોલીસ હાલ જિમ ટ્રેનર ઇમરાનને શોધી રહી છે. મુસ્કાન તેના જ જિમમાં જતી હતી અને બંને લગભગ એક-દોઢ વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર યુવતીના માતા-પિતાને તેની ઈમરાન સાથેની મિત્રતા વિશે કોઈ જાણકારી ન હતી.
પાડોશીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમણે ઘણી વખત ઈમરાનને વિસ્તારમાં આવતો-જતો જોયો હતો. પોલીસે પછીથી સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા અને યુવતીનાં ડિવાઇસની પણ તપાસ કરી હતી. પોલીસે ઇમરાન જે જિમમાં કામ કરે છે તેની પણ મુલાકાત લીધી અને તેના પરિવાર અને મિત્રોની પણ પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે હાલ જુદી-જુદી ટીમ બનાવીને ઈમરાનની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતક અને આરોપી બંને જુદા-જુદા સમુદાયનાં હતાં. હાલ હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આરોપીની શોધખોળ ચાલી રહી છે.

