
નેપાળના રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. 27 ઑગસ્ટની સવારે મળેલા નેપાળ સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 165 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 826 લોકો હજુ ગુમ છે. નેપાળ પોલીસના સવારે 8:15 વાગ્યાના બુલેટિન મુજબ ગુમ લોકોમાં 44 નેપાળી સેનાના જવાનો, 28 પોલીસકર્મીઓ અને 13 સશસ્ત્ર પોલીસ દળના જવાનોનો સમાવેશ થાય છે.
પૂરના સૌથી વધુ અસરગ્રસ્ત રસુવા અને આસપાસના વિસ્તારો ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ચિતવન, ગોરખા, તનહુન અને નવાલપરાસી સુધી નદીના પ્રવાહ સાથે મૃતદેહો મળી આવ્યા છે. માત્ર ચિતવનમાંથી 65 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ધાદિંગમાંથી 27, નુવાકોટમાંથી 12 અને ગોરખામાંથી 20 મૃતદેહ મળી આવ્યા છે. અસરગ્રસ્ત નદીકાંઠાના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે સુરક્ષાદળો અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે.
579 પ્રવાસીઓનો હજુ સંપર્ક નથી
આ વિનાશક પૂરમાં પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ પણ મોટી સંખ્યામાં ફસાયા છે. નેપાળ સરકારના આંકડા મુજબ 579 પ્રવાસીઓનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમાં 466 વિદેશી નાગરિકો અને 113 નેપાળી નાગરિકો છે. આ યાદીમાં ભારત સહિત અનેક દેશોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
ભારતીય નાગરિકોને લઈને અલગથી સામે આવેલા નેપાળ ટૂરિઝમ બોર્ડના અગાઉના આંકડા મુજબ 133 ભારતીયો લાપતા હતા. તેમાં મોટી સંખ્યામાં કૈલાશ-માનસરોવર યાત્રા માટે જતા યાત્રાળુઓ હોવાની માહિતી છે.
કૈલાશ-માનસરોવર જતાં માર્ગ પર આવેલા વિસ્તારોમાં જ આ વિનાશક પૂર ત્રાટક્યું હોવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓની સ્થિતિ અંગે ચિંતા વધી છે. ભારતીય અધિકારીઓ નેપાળ સરકાર અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.
બચાવ કામગીરી પૂરજોશમાં
નેપાળમાં ગુમ થયેલા લોકોની શોધ માટે હેલિકોપ્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા અને પુલો ધોવાઈ જવાથી અનેક સ્થળો સુધી જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ છે. તેથી સેનાના હેલિકોપ્ટર દ્વારા લોકોને બહાર કાઢવા તેમજ રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 104 લોકોને બચાવી લેવાયા હોવાની માહિતી નેપાળ ન્યુઝે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને ટાંકીને આપી છે.
ભારતે પણ નેપાળ માટે રાહત સામગ્રી મોકલી છે. ભારતે 10 ટન માનવતાવાદી સહાય અને જરૂરી દવાઓ નેપાળ મોકલી હોવાનું જણાવાયું છે.
પૂરનું કારણ ભૂકંપ નહીં
આ દરમિયાન પૂર કેવી રીતે આવ્યું તે અંગેની તસવીર પણ વધુ સ્પષ્ટ થઈ રહી છે. શરૂઆતમાં તિબેટ વિસ્તારમાં નોંધાયેલા 4.4ની તીવ્રતાના કંપનને સંભવિત કારણ માનવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકન જિયોલોજિકલ સરવેના વિશ્લેષણ બાદ સ્પષ્ટ થયું કે શરૂઆતમાં નોંધાયેલું કંપન પરંપરાગત ભૂકંપ નહોતું. હિમનદીના બરફ અને પથ્થરનો વિશાળ જથ્થો ધરાશાયી થઈને નદીમાં પડ્યો અને તેના કારણે ભારે કાટમાળ સાથેનો પ્રવાહ સર્જાયો હતો.
સેટેલાઇટ તસવીરોના પ્રાથમિક વિશ્લેષણમાં રસુવાગઢી સરહદથી આશરે 20 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં લ્હેન્દે નદી વિસ્તારમાં બરફ અને પથ્થરના ધરાશાયી થવાનાં સંકેતો મળ્યાં છે. આ જ ઘટનાએ નદીનો પ્રવાહ રોકીને ત્યારબાદ અચાનક વિશાળ જળપ્રવાહ સર્જ્યો હોવાની શક્યતા છે.
હાલમાં સૌથી મોટો પડકાર 826 ગુમ લોકોને શોધવાનો છે. મૃતદેહો સતત મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. બીજી તરફ તિબેટના ગ્યિરૉંગ વિસ્તારમાં પણ અલગથી મોટી જાનહાનિ અને લોકો ગુમ થયાના અહેવાલો છે, જોકે નેપાળ અને ચીનના આંકડા પરસ્પર ઓવરલેપ થાય છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

