
‘સ્કૂલ ઠીક કરો’ નામનું કેમ્પેઇન ઉપાડ્યા બાદ રાજસ્થાનના એક ગામની શાળામાં ‘નિરીક્ષણ’ કરવાના નામે પહોંચી ગયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકા અને તેના સાથીદારોને ગામલોકોએ તગેડી મૂક્યા હતા. મુદ્દો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ રાંકાએ ભાજપ પર આરોપ લગાવવાના ચાલુ કરી દીધા છે.
CJPના કાર્યકરો નિરીક્ષણના નામે રાજકારણ કરવા આવી રહ્યા હોવાની જાણ થતાં જ રામપુરા ગામના લોકોએ સવારથી જ મુખ્ય રસ્તાઓ પર ઘેરાબંધી કરી દીધી હતી. ગામમાં પ્રવેશતી ગાડીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને સ્થાનિક લોકોનું કહેવું હતું કે CJPના લોકો ગામમાં આવીને માત્ર રાજકારણ કરવા માગે છે, જેને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે રામપુરા-કંકરપુરા ગામની આ સરકારી પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી તેને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી છે. શાળાના છતની પટ્ટીઓ તૂટી જતાં નીચે લોખંડની એન્ગલ લગાવવામાં આવી છે. હાલમાં બાળકોનો અભ્યાસ બગડે નહીં તે માટે શાળાને 50 મીટર દૂર એક અન્ય મકાનમાં શિફ્ટ કરવામાં આવી છે, જ્યાં બાળકો ટીનશેડ નીચે અભ્યાસ કરી રહ્યાં છે.
ગામના લોકોનો આક્રોશ એ વાતને લઈને હતો કે શાળાની ભૌતિક સ્થિતિ સુધારવા માટે સ્થાનિક સ્તરે અને સરકાર પ્રયાસો કરી રહી છે. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ શાળા માટે સરકારે ₹12.50 લાખ મંજૂર કરી દીધા છે અને ટૂંક સમયમાં જ તેનું સમારકામ શરૂ થઈ જશે. જો જરૂર પડશે તો ગામના લોકો પોતાના ખર્ચે પણ શાળા બરાબર કરી લેશે, પરંતુ નિરીક્ષણના નામે ડ્રામા કરવા આવતા કોઈ પણ બહારી વ્યક્તિને ગામમાં ઘૂસવા દેવામાં આવશે નહીં.
બીજી તરફ, CJPના કો-કન્વીનર આશુતોષ રાંકાએ કહ્યું છે કે શિક્ષણ વિભાગ શાળાની ખરાબ સ્થિતિ છુપાવવા માટે તાનાશાહી કરી રહ્યો છે. આગળ કહ્યું કે, “જ્યાં સુધી રાજસ્થાનની તમામ સરકારી શાળાઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી અમારું ‘શાળા ઠીક કરો’ અભિયાન ચાલુ રહેશે.”
આ ઘટના અંગે શાળા બહાર ધરણાં પર બેઠેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળાની સ્થિતિ છેલ્લા એક વર્ષથી જર્જરિત છે અને વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ હવે CJPના લોકો આ ગંભીર સમસ્યા પર માત્ર પોતાનું રાજકારણ કરવા આવ્યા છે. ગ્રામજનોએ વિરોધ દર્શાવતા પ્લેકાર્ડ સાથે ગામમાં રેલી પણ કાઢી હતી અને ચેતવણી આપી હતી કે તેઓ CJPના લોકોને ગામમાં પ્રવેશવા નહીં દે.
નોંધનીય છે કે આ અગાઉ પણ CJP દ્વારા વિવિધ શાળાઓમાં નિરીક્ષણના નામે કરાતા નાટકોને કારણે શિક્ષણ વિભાગે સામાન્ય જનતા અને મીડિયાના પ્રવેશ પર કડક નિયમો લાગુ કર્યા હતા. આ નિયમો છતાં પક્ષના લોકો પબ્લિસિટી સ્ટંટ કરવા માટે અલગ-અલગ જગ્યાએ પહોંચી રહ્યા છે. જયપુરમાં બીજી શાળામાં પણ મુલાકાત લેવાનો તેમનો પ્લાન હતો, પરંતુ રામપુરા ગામમાં થયેલા સખત વિરોધ અને ધક્કામુક્કી બાદ તેમની મુલાકાતનો ફિયાસ્કો થઈ ગયો હતો.
સ્થાનિક નેતાઓએ CJPની આ કામગીરી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો CJPના લોકોને ખરેખર શિક્ષણ કે બાળકોની ચિંતા હોય તો તેમણે ઝારખંડમાં જઈને પરિસ્થિતિ સુધારવી જોઈએ, જ્યાં મહિનાઓથી શાળાઓની હાલત ખરાબ છે અને બાળકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજસ્થાનના શાંત વાતાવરણમાં આવીને પ્રસિદ્ધિ મેળવવાના તેમના તમામ પ્રયાસોને જનતાએ નિષ્ફળ બનાવી દીધા છે.
મહત્વનું છે કે CJPના સ્થાપક અને નેતાઓએ ઑગસ્ટ મહિનામાં જ ‘શાળા ઠીક કરો’ના નામે એક ઝુંબેશ શરૂ કરી હતી. જોકે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવાના બહાને સરકારી વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવવાના અને રાજકીય લાઈમલાઈટ મેળવવાના આ પ્રયાસને હવે સામાન્ય જનતા પણ સમજી ગઈ છે.

