ભરૂચની હિંદુ ડૉક્ટર યુવતીને ભગાડી ગયો વડોદરાનો ફૈઝલ, પોલીસ સામે રજૂ કર્યું બનાવટી મેરેજ સર્ટિફિકેટ: સરકારી રેકોર્ડમાં નોંધ જ નહીં, ધરપકડ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન સામે જંબુસરની હિંદુ BHMS ડૉક્ટર યુવતીને ભગાડી લઈ જવા અને ત્યારબાદ પોલીસ સમક્ષ બનાવટી મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનો ગંભીર કેસ સામે આવ્યો છે. યુવતીના પરિવારની ફરિયાદ બાદ જંબુસર પોલીસે ફૈઝલની ધરપકડ કરી છે. સૌથી ગંભીર બાબત એ છે કે યુવક પક્ષે રજૂ કરેલા મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરાવવામાં આવતાં સંબંધિત સરકારી કચેરીએ લેખિતમાં સ્પષ્ટ કર્યું કે યુવક-યુવતીનાં નામે તેમના રેકોર્ડમાં કોઈ લગ્ન નોંધાયેલાં જ નથી અને આવું પ્રમાણપત્ર કચેરીએ જારી કર્યું નથી. 

7 મેના રોજ ઘરેથી નીકળી હતી ડૉક્ટર યુવતી

વિગતો અનુસાર જંબુસરની આ યુવતી BHMSનો અભ્યાસ પૂર્ણ કરીને વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 7 મેના રોજ તેણે પરિવારને ફોન કરીને પોતે કોર્ટ મેરેજ કરી લીધાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારના જણાવ્યા અનુસાર તે સમયે યુવતી સોનાનો આશરે 6 તોલાનો હાર પણ સાથે લઈ ગઈ હતી. યુવતી ઘરે પરત ન ફરતાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો.

પરિવારની શોધખોળ દરમિયાન ફૈઝલ મજીદ દિવાનનું નામ સામે આવ્યું હતું. યુવતીના પરિવારને જાણ થઈ હતી કે યુવક પક્ષ તરફથી તેના અને યુવતીના લગ્ન થઈ ગયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાને સમર્થન આપવા માટે જંબુસર પોલીસ સમક્ષ લગ્નનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રમાણપત્રની સત્યતા અંગે શંકા ઊભી થતાં તેની સત્તાવાર ખરાઈ કરવામાં આવી હતી.

સબ-રજિસ્ટ્રાર કચેરીએ કહ્યું- આવું કોઈ પ્રમાણપત્ર જારી જ નથી કર્યું

યુવતીના પિતાએ વડોદરાની લગ્ન નોંધણી અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરાવી હતી. કચેરીના સક્ષમ અધિકારીએ તપાસ કર્યા બાદ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકોર્ડમાં ફૈઝલ દિવાન અને યુવતીના નામે કોઈ લગ્ન નોંધાયેલા નથી. એટલું જ નહીં, આ કચેરી દ્વારા આવું કોઈ મેરેજ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું નથી.

આ લેખિત જવાબ બાદ મામલો માત્ર યુવતીને ભગાડી લઈ જવાનો ન રહેતાં બનાવટી દસ્તાવેજ રજૂ કરવાનો પણ બની ગયો. જંબુસર પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે ફૈઝલ મજીદ દિવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે આ સર્ટિફિકેટ ક્યાંથી તૈયાર થયું, કોણે બનાવ્યું અને તેને પોલીસ સમક્ષ કોણે રજૂ કર્યું હતું તેની તપાસ કરી રહી છે.

યુવતીની માતાએ લગાવ્યો ‘લવ જેહાદ’નો આરોપ

આ સમગ્ર ઘટનાને લઈને યુવતીની માતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આરોપ છે કે તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી, તેનું બ્રેનવોશ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને પરિવારથી દૂર લઈ જવામાં આવી. પરિવાર આ સમગ્ર ઘટનાને ‘લવ જેહાદ’ સાથે જોડીને તપાસની માંગ કરી રહ્યો છે.

પરિવારે યુવતીને સુરક્ષિત રીતે પરત લાવવા તથા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે (VHP) પણ હસ્તક્ષેપ કર્યો છે અને સમગ્ર પ્રકરણ તથા બનાવટી દસ્તાવેજોના નેટવર્કની તપાસ માટે SIT રચવાની માંગ સાથે વડા પ્રધાનને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસની કાર્યવાહી ફૈઝલ મજીદ દિવાનની ધરપકડ સુધી પહોંચી છે અને બનાવટી મેરેજ સર્ટિફિકેટ અંગે પણ તપાસ ચાલી રહી છે. યુવતી ક્યાં છે અને તેની સ્થિતિ શું છે, તેમજ આ સમગ્ર ઘટનામાં અન્ય લોકોની ભૂમિકા છે કે નહીં, તે અંગે તપાસ આગળ વધશે.