
મણિપુરમાં વસ્તી ગણતરી પહેલાં રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC) અપડેટ કરવાની માગને લઈને વિરોધ ઉગ્ર બની રહ્યો છે. ‘કેમ્પેઈન ફોર જસ્ટ એન્ડ ફેર ડિલિમિટેશન’ (JFD) દ્વારા આપવામાં આવેલા 48 કલાકના બંધના બીજા દિવસે રાજ્યના ખીણ વિસ્તારોમાં રેલીઓ, રસ્તારોકો અને રાજકીય નેતાઓનાં પૂતળાં બાળવાની ઘટનાઓ સામે આવી છે. વધતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર સરકારે 20થી 22 ઑગસ્ટ સુધી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મણિપુરના શિક્ષણ વિભાગ દ્વારા 19 ઑગસ્ટે જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન મણિપુર, કાઉન્સિલ ઑફ હાયર સેકન્ડરી એજ્યુકેશન મણિપુર, સીબીએસઈ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ બંધ રહેશે. આ ઉપરાંત કૉલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ આ આદેશ લાગુ પડશે. સરકારી, સરકારી સહાયિત અને બિનસહાયિત, તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ 20, 21 અને 22 ઑગસ્ટે બંધ રહેશે.
‘NRC પછી વસ્તી ગણતરી’ની માગ
હાલના વિરોધનું મુખ્ય કારણ આગામી વસ્તી ગણતરી પહેલાં NRC અપડેટ કરવાની માગ છે. JFDનું કહેવું છે કે મણિપુરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં રાજ્યમાં કોણ ભારતીય નાગરિક છે અને કોણ ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસ્યું છે, તેની ઓળખ જરૂરી છે. સંગઠન આ માટે NRCને પહેલા અપડેટ કરવાની માગ કરી રહ્યું છે અને આ માગ સાથે જ ‘NRC પછી વસ્તી ગણતરી’ના સૂત્ર સાથે આંદોલન ચલાવી રહ્યું છે.
Manipur Government declares the closure of all government schools and universities from Thursday, 20th of August, 2026, to Saturday, 22nd of August, 2026, amid the law and order situation in the state. pic.twitter.com/J3BNmpOwl4
— Organiser Weekly (@eOrganiser) August 20, 2026
મણિપુરમાં વસ્તી અને સીમાંકનનો મુદ્દો પણ આ વિરોધ સાથે જોડાયેલો છે. JFDની માગ માત્ર NRC પૂરતી સીમિત નથી, સંગઠનનું કહેવું છે કે રાજ્યમાં વસ્તીગણતરીના આંકડા ભવિષ્યના મતવિસ્તાર સીમાંકન માટે પણ મહત્વપૂર્ણ બનશે. તેથી વસ્તી ગણતરી પહેલાં નાગરિકોની ઓળખ અને વસ્તી અંગેનો વાસ્તવિક આંકડો સ્પષ્ટ હોવો જોઈએ.
આ દરમિયાન મણિપુરના મૈતેઈ અને નાગા સંગઠનો તરફથી વસ્તી ગણતરી પહેલાં NRCની પ્રક્રિયા હાથ ધરવાની માગ કરવામાં આવી રહી છે. બીજી તરફ કુકી સંગઠનો આ માગનો વિરોધ કરી રહ્યા છે અને કોઈ પૂર્વશરત વિના વસ્તી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે.
વિસ્થાપિત લોકોને પરત વસાવ્યા બાદ જ ગણતરીની માગ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના મૂળ નિવાસસ્થાનથી વિસ્થાપિત થયા છે. વિરોધ કરી રહેલા સંગઠનોની એક મહત્વની માગ એવી પણ છે કે આંતરિક રીતે વિસ્થાપિત લોકોને તેમના મૂળ વિસ્તારોમાં પરત વસાવ્યા બાદ જ વસ્તી ગણતરી કરવામાં આવે. તેમનો તર્ક છે કે લોકો પોતાના મૂળ ઘરમાં પરત ન ફર્યા હોય ત્યારે કરવામાં આવતી ગણતરી રાજ્યની વસ્તીની વાસ્તવિક સ્થિતિ દર્શાવી શકશે નહીં.
આ માગને લઈને મણિપુરના ખીણ વિસ્તારોમાં વિરોધ વધુ તીવ્ર બન્યો છે. ઇમ્ફાલ ઈસ્ટના ખુરાઈ લામલોંગ ખાતે બુધવારે (19 ઑગસ્ટ) પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંઘ અને ગૃહમંત્રી ગોવિંદાસ કોન્થૌજમનાં પૂતળાં બાળ્યાં હતાં. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે વિસ્થાપિત લોકો પોતાના મૂળ વતન પરત ન ફરે ત્યાં સુધી વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવે.
ઇમ્ફાલમાં રેલીઓ, અનેક સ્થળે પ્રદર્શન
JFDના બંધ દરમિયાન મણિપુરના અનેક ખીણ જિલ્લાઓમાં સામાન્ય જનજીવનને અસર થઈ છે. ઇમ્ફાલ વેસ્ટના સિંગજામેઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને આશરે બે કિલોમીટર સુધી કૂચ કરીને પોતાની માગના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર અને થૌબલમાં પણ વિવિધ સ્થળોએ રસ્તારોકો કરવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ ખાનગી વાહનો અને સુરક્ષા જવાનોને રોકવામાં આવ્યા હતા અને તેમને પરત ફરવા માટે કહેવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન વિવિધ સ્થળોએ રાજકીય નેતાઓનાં પૂતળાં પણ બાળવામાં આવ્યાં હતાં.
JFDએ હવે 20 ઑગસ્ટથી સરકારી કચેરીઓના બહિષ્કારનું પણ આહ્વાન કર્યું છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવવાના વિરોધથી આગળ વધીને સરકારી વહીવટી કામગીરીને પણ આંદોલનના દાયરામાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વસ્તી ગણતરીની તૈયારીઓને પણ અસર
આ વિરોધની અસર વસ્તી ગણતરીની તૈયારીઓ પર પણ પડી રહી છે. થૌબલમાં વસ્તી ગણતરીના સુપરવાઇઝર, ગણતરીકારો અને ક્ષેત્રિય તાલીમાર્થીઓ માટેનું તાલીમ સત્ર રદ કરવામાં આવ્યું છે. ઇમ્ફાલ વેસ્ટમાં પણ પ્રથમ તબક્કાની વસ્તી ગણતરી માટે ગણતરીકારો અને સુપરવાઇઝરોની તાલીમ 28 ઑગસ્ટથી શરૂ થવાની હતી, જેને હાલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી છે.
આમ, મણિપુરમાં NRCનો મુદ્દો હવે માત્ર રાજકીય માગ પૂરતો રહ્યો નથી. વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં NRC અપડેટ કરવાની માગને લઈને રસ્તા પર ઉતરેલું આંદોલન હવે શાળા-કૉલેજ બંધ થવા, સરકારી કચેરીઓના બહિષ્કાર અને વસ્તી ગણતરી સાથે જોડાયેલી તાલીમ અટકવા સુધી પહોંચી ગયું છે.
હાલ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 20થી 22 ઓગસ્ટ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ JFD અને તેની સાથે જોડાયેલા સંગઠનો ‘NRC પછી વસ્તી ગણતરી’ની માગ પર અડગ છે. મણિપુરમાં હવે સવાલ માત્ર વસ્તી ગણતરી ક્યારે થશે તેનો નથી, પરંતુ તે પહેલાં NRC અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેનો પણ છે.

