
હિંમતનગરના મોતીપુરામાં મંગળવારે (18 ઑગસ્ટ) જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવતા મુસ્લિમ આગેવાનોના માઠું લાગી આવ્યું છે. તેમણે કોંગ્રેસ કાર્યાલયમાં કથા કરવાનો વિરોધ નોંધાવ્યો છે અને કોંગ્રેસના બહિષ્કારની વાતો ચાલુ કરી દીધી છે. તેમણે આ કાર્યક્રમને ‘મુસ્લિમોના ઈમાનને ડેમજ કરતો કાર્યક્રમ’ ગણાવી દીધો છે.
આ સાથે તેમણે આ કાર્યક્રમનો વિરોધ કરતી પત્રિકાઓ પણ વાયરલ કરી છે, જેમાં જિલ્લા પ્રમુખનું રાજીનામું માંગતા વિવાદ ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, નઈમ બેગ મિર્ઝા, પૂર્વ પ્રમુખ અશોક પટેલ વગેરેની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથા પ્રસાદ સાથે ઉદ્ઘાટન કરાયું હતું.
‘કોંગ્રેસ સેક્યુલર પાર્ટી, લાગણી દુભાઈ’- મુસ્લિમ આગેવાનો
આ મામલે ખાદીમ લાલપુરી દ્વારા કોંગ્રેસ સેક્યુલર પાર્ટી હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટનમાં સત્યનારાયણની કથા રખાતા લાગણી દુભાઈ હોવાની અને ‘ઈમાન ડેમેજ’ થયું હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ આવા કાર્યક્રમથી મુસ્લિમ સમાજના તાલુકા ડેલિગેટ, કોર્પોરેટ, સરપંચ વગેરેને બહિષ્કાર કરવા અપીલ કરતી તથા સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પ્રમુખને દૂર કરવાનો અનુરોધ કરતી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. અશરફ દાત્રોલિયા, નિસાર શેખ જેવા પીઢ કોંગ્રેસીઓએ પોતાની પત્રિકા બનાવી બહિષ્કારને ટેકો આપ્યો હતો, જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો.
દરમ્યાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોઈને ગેરસમજ ઊભી થઈ હોય તો કોંગ્રેસ તમામ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો ભેદભાવ રાખ્યા વગર તમામને સાથે રાખી ચાલવાજી વાત કરી હતી. વધુમાં સમાધાનની વાત પણ કરવામાં આવી હતી.

