કાઠિયાવાડના કોઈ ગામના પાદરે વહેલી સવારના સમયે ઊભા રહો તો ધૂળથી અડધો ઢંકાયેલો, વર્ષોના તાપ અને વરસાદથી કાળાશ પામેલો કોઈ પથ્થર નજરે પડશે. તેની ઉપર ક્યાંક ઘોડા પર બેઠેલો માણસ કોતરાયેલો હશે, હાથમાં તલવાર હશે, ઉપર સૂરજ અને ચંદ્ર હશે અને નીચે સમયના ઘસારા વચ્ચે ઝાંખા પડી ગયેલા થોડાક અક્ષરો હશે.
બહારથી જોનાર માટે એ કદાચ રસ્તાની બાજુમાં પડેલો એક જૂનો પથ્થર જ હશે, પરંતુ કાઠિયાવાડની ધરતી પર ઉછરેલા કોઈ વૃદ્ધને પૂછશો તો એ પથ્થર અચાનક નામ પામશે, માણસ પામશે અને એની સાથે એક એવી વાર્તા પણ બહાર આવશે જે કદાચ ત્રણ-ચાર પેઢીથી કહેવાતી આવી હશે.
‘આ અમુકનો (નામ સાથે) પાળિયો છે’ એટલું કહીને વૃદ્ધ કદાચ આગળ વધશે, પણ એ એક વાક્યની પાછળ કોઈ ધિંગાણું હશે, કોઈ ઘરનું ઉજડેલું આંગણું હશે, કોઈ માતાની રાહ હશે, કોઈ નવવધૂની અધૂરી જિંદગી હશે, કોઈ ઘોડાની ટાપનો છેલ્લો રણકાર હશે અને એવી કોઈ સાંજ હશે જેમાં માણસ પાછો ન આવ્યો હોય, માત્ર એની સવારી એકલી ગામમાં પાછી ફરી હોય.
એ પથ્થર એટલે પાળિયો.
સૌરાષ્ટ્રની બહારના માણસ માટે કદાચ આ શબ્દ જ અજાણ્યો હોય, પરંતુ કાઠિયાવાડ અને કચ્છનાં ગામડાંમાં પાળિયો માત્ર પથ્થર નથી. પાળિયો એટલે કોઈના મૃત્યુને ભૂલાઈ જવા ન દેવાનો ગામનો પોતાનો રસ્તો. કોઈ વીર ધર્મના ધિંગાણામાં ખપી ગયો હોય, કોઈ માણસ ગાયોની કે બહેન-દીકરીઓની રખેવાળી કરતા મરી ગયો હોય, કોઈ ખલાસી દરિયે ગયો અને પાછો ન આવ્યો હોય, કોઈ સ્ત્રીની સ્મૃતિ સાચવવાની હોય, કોઈ લોકગાથામાં અમર થયેલા પાત્રને પેઢીઓ સુધી યાદ રાખવાનું હોય કે કોઈ પ્રાણી માણસ પ્રત્યેની વફાદારીમાં જીવ આપી ગયું હોય, આવી અસંખ્ય સ્મૃતિઓને પથ્થરમાં સ્થાન મળ્યું છે.
આથી પાળિયા સમજવા એટલે માત્ર એક પ્રાચીન સ્મારકની વાત સમજવી નહીં, પરંતુ કાઠિયાવાડ અને કચ્છના એ લોકજીવનમાં ઊતરવું, જ્યાં માણસ મરી જાય પછી પણ તેની વાત મરતી નહોતી.
કાઠિયાવાડની માટી પાસે પોતાની વાતોને યાદ રાખવાની એક રીત હતી. કાગળ ઓછો હતો, પુસ્તકો દરેક ઘરમાં નહોતાં, ફોટોગ્રાફ તો દૂરની વાત હતી. પરંતુ કોઈ માણસે પોતાની જિંદગીમાં એવું કંઈ કર્યું હોય જેને ગામ ભૂલવા ન માગતું હોય તો એની યાદ માટે પથ્થર ઊભો કરી શકાય એવો રસ્તો હતો.
પથ્થર પર સૂરજ અને ચંદ્ર કોતરી શકાય, જાણે એની કીર્તિ આકાશના આ બે સાક્ષી જેટલી લાંબી રહે એવી મનોકામના હોય. મધ્યમાં માણસની આકૃતિ કોતરી શકાય, તેના હાથનું શસ્ત્ર, તેની સવારી અને તેનો પહેરવેશ કોતરી શકાય અને નીચે જેટલું કહી શકાય એટલું નામ, સ્થળ, સમય કે ઘટનાની નોંધ કરી શકાય. બાકીનું જે રહી જાય, એ ગામની જીભે જીવતું રહે.
એટલે જ પાળિયો ગુજરાતનો માત્ર શિલ્પ નથી, લોકસ્મૃતિનું પથ્થરનું પુસ્તક છે.
પાળિયો એટલે એક નહીં, આખી દુનિયા
પાળિયો કહીએ એટલે આંખ સામે તરત ઘોડા પર બેઠેલો તલવારધારી વીર ઊભો થઈ જાય છે, પરંતુ આ તો એની દુનિયાનો માત્ર એક ચહેરો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્મારક પથ્થરોની એક આખી પરંપરા વિકસેલી છે અને એમાં દરેક પથ્થરનું પોતાનું કામ, પોતાનો અર્થ અને પોતાનો ઇતિહાસ છે.
ક્યાંક સીધો, સપાટ પથ્થર હોય છે જેને પાળિયો કહેવામાં આવે છે. ક્યાંક કોતરકામ વગર ઊભી કરાયેલી સ્મારક ખાંભી હોય છે. પાળિયાની આસપાસ કે તેની સાથે જોડાયેલા નાના પથ્થરોને થેસા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પથ્થરોના ઢગલા જેવા સ્મારકોને ચાગીયા કહેવામાં આવે છે.
પછી આવે છે સુરાપુરા અને સુરધન જેવા ભેદ, એક તરફ બીજાના જીવન, ગામ, મંદિર કે ગૌધનને બચાવતાં યુદ્ધમાં ખપી ગયેલા વીરની સ્મૃતિ તો બીજી તરફ અકસ્માત, હત્યા, આત્મહત્યા કે અન્ય રીતે થયેલા અસાધારણ મૃત્યુની યાદ. પથ્થરનું સ્વરૂપ કદાચ સાદું હોય, પરંતુ એની પાછળ મૃત્યુનો સંજોગ બદલાતાં એની ઓળખ પણ બદલાઈ જાય છે.

આ દુનિયામાં ઘોડલિયાના પાળિયા પણ છે, સતીના પાળિયા પણ છે, દરિયામાં ખોવાઈ ગયેલા ખલાસીઓના પાળિયા પણ છે અને એવી લોકગાથાઓ સાથે જોડાયેલા પાળિયા પણ છે જેમની વાર્તા પથ્થરથી વધારે લોકોના કંઠે જીવતી રહી છે. પ્રાણીઓ માટે ઊભાં કરાયેલાં સ્મારકોમાં ઘોડા, શ્વાન, ઊંટ અને હાથી જેવા જીવ પણ આવે છે.
ગામની સીમ, ખેતરની ધાર કે ગામ બહાર જમીનના રખેવાળ તરીકે ઊભેલાં ક્ષેત્રપાળનાં સ્મારકો આ પરંપરાને મૃત્યુની યાદથી આગળ લઈ જઈને ધરતીની રખેવાળી સુધી પહોંચાડે છે. એટલે પાળિયાને એક જ અર્થમાં બાંધી દેવો એ કાઠિયાવાડની આ પથ્થરની ભાષાને અડધી જ વાંચવા જેવું છે.
પાળિયો એટલે સ્મૃતિને પથ્થરમાં બાંધી દેવાની રીત
પાળિયા, પાળિયો અને ખાંભી જેવા શબ્દો પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રચલિત રહ્યા છે. ગામના પાદરે, સીમ પાસે, યુદ્ધ કે ધિંગાણાની જગ્યાએ, મૃત્યુના સ્થળે અથવા ક્યારેક મંદિર અને પૂજાસ્થળોની નજીક આવાં સ્મારકો ઊભા કરવામાં આવ્યાં હતાં.
કેટલાક પાળિયા સીધા સપાટ પથ્થર જેવા હોય છે, કેટલાક ઊંચી ખાંભી જેવા હોય છે અને કેટલાકની ઉપર છત્રી બાંધવામાં આવેલી જોવા મળે છે. રાજવી પરિવાર સાથે જોડાયેલા પાળિયાઓ પર તો ક્યારેક છત્ર પણ ઊભું કરવામાં આવતું, જાણે પથ્થરમાં સચવાયેલી સ્મૃતિને પણ રાજવી ગૌરવની છાંયડી આપવામાં આવી હોય.
પાળિયાની રચના પણ નિહાળો તો એક આખી ભાષા દેખાય છે. ઉપર સૂરજ અને ચંદ્ર હોય છે, વચ્ચે ઘણી વાર એ વ્યક્તિની આકૃતિ હોય છે જેના માટે પાળિયો ઊભો કરવામાં આવ્યો છે અને નીચે શિલાલેખ હોય છે. ઘોડા પર બેઠેલો વીર હોય તો એની સવારી એના જીવનનો પરિચય આપે છે, હાથમાં તલવાર કે ભાલો હોય તો એની વીરગાથાનો સંકેત આપે છે અને વસ્ત્રો તથા શસ્ત્રો તે સમયના સમાજનું ચિત્ર દોરી આપે છે.

ક્યાંક બંદૂક દેખાય છે તો ખબર પડે છે કે પાળિયો પાછળના સમયનો છે, ક્યાંક ઊંટ કે હાથી દેખાય છે તો એ સમયની સવારી અને સામાજિક સ્થિતિની ઝાંખી મળે છે. પથ્થર પર કોતરાયેલા આ આકારો જાણે કહેતા હોય છે કે જેને આપણે આજે માત્ર નામથી ઓળખીએ છીએ, એ માણસ ક્યારેક આ જ ધરતી પર ઘોડા પર સવાર થઈને ફરતો હતો, શસ્ત્ર ધારણ કરતો હતો, લોકો વચ્ચે જીવતો હતો અને પોતાના સમયની કોઈ મોટી ઘટના સાથે જોડાયેલો હતો.
આ રીતે એક પાળિયો જોવો એટલે પથ્થર જોવો નહીં, પણ એ પથ્થરમાંથી માણસને પાછો જીવતો કરવો અને એ જ પાળિયાની સૌથી મોટી સિદ્ધિ છે.
જ્યાં કાઠિયાવાડની ધૂળમાં ધર્મનું ધિંગાણું થયું હતું
કાઠિયાવાડની લોકસ્મૃતિમાં વીરતાની વાત આવે ત્યારે શબ્દો કરતાં પહેલાં દૃશ્યો ઊભાં થાય છે. ગામની સીમ બહાર ધૂળ ઊડતી હોય, ઘોડાની ટાપ સંભળાતી હોય, દૂરથી કોઈ મલેચ્છોનું ટોળું ગાયોનું ધણ હાંકી જતું દેખાતું હોય અને ગામમાંથી કોઈ માણસ માથે ફાળિયું બાંધીને તલવાર કે ભાલો લઈને નીકળી પડતો હોય. એની પાછળ બીજા બે-ચાર માણસો જોડાતા હોય અને થોડી વારમાં વાત ધર્મની રક્ષાના ધિંગાણામાં ફેરવાઈ જતી હોય. એ જમાનામાં સીમ માત્ર ખેતરની રેખા નહોતી, એ ગામની ઇજ્જત, એની સંપત્તિ અને એની સલામતીની રેખા હતી.
આવી અથડામણમાં કોઈ પાછો ફરતો, કોઈ ઘાયલ થતો અને કોઈ ખપી જતો. જે માણસ પાછો ન આવ્યો એના ઘરની વાટ જોતી આંખો કદાચ થોડા દિવસો પછી સમજતી કે હવે એ દરવાજેથી એ માણસ નહીં આવે. પરંતુ ગામ એને એટલી સરળતાથી ભૂલી જતું નહીં. જ્યાં એની છેલ્લી લડાઈ થઈ હોય અથવા ગામના પાદરે, ત્યાં એની યાદમાં પાળિયો ઊભો થતો. પથ્થર પર એ ઘોડા પર બેઠેલો દેખાતો, હાથમાં શસ્ત્ર દેખાતું અને ઉપર સૂરજ-ચંદ્ર કોતરાતા. કોઈને કદાચ એની આખી જિંદગી ખબર ન હોય, પરંતુ ગામ એટલું જરૂર જાણતું કે ‘આ અમારો વીર હતો, મરજીવો હતો, જે ગાયો માટે, દેવાલયો માટે, બહેન-દીકરીઓની આબરૂ માટે ખપી ગયો હતો.’
કાઠિયાવાડના અનેક વીર પાળિયા આ જ લોકસ્મૃતિમાંથી ઊભા થયા છે. ભુચર મોરી જેવા યુદ્ધસ્થળોના પાળિયા હોય કે સોમનાથ નજીક હમીરજી ગોહિલ અને અન્ય વીરોનાં સ્મારકો હોય, પથ્થરોની આ હાર આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર રાજાઓના ગાદી-તખ્તનો નથી. ક્યારેક કોઈ સામાન્ય માણસનું ધર્મનું ધિંગાણું પણ આખા ગામની યાદમાં એટલું મોટું બની જાય છે કે સદીઓ પછી પણ તેની ખાંભી સામે કોઈ ઊભું રહીને એનું નામ લઈ શકે.
ગાયો માટે નીકળેલો માણસ અને પાદરે ઊભેલી ખાંભી
આ ધરતી પર ગાય અને પ્રાણીઓનું સ્થાન માત્ર પશુધન જેટલું નહોતું. ગામડાના જીવનમાં ગાય એટલે ઘરનું ધન, ખેતરનું બળ, દૂધનો આધાર અને પરિવારની રોજીરોટી. કોઈનું ઢોર હાંકી જવામાં આવે તો વાત માત્ર માલની ચોરી સુધી સીમિત રહેતી નહોતી. એ આખા ઘરની કમર તૂટવા જેવી ઘટના હતી. આથી ઢોરધનની રખેવાળી કરવી પણ માણસ માટે મોટી જવાબદારી હતી. બીજું કે ગાયને માતા માનવાની ટેક. એ જ માતાઓના ધણને કોઈ મલેચ્છો હાંકી લઈ જાય અને તેની વ્હારે ચડનારા વીરો જ્યારે ધિંગાણામાં કામ આવી જાય ત્યારે જઈને તેમને પાળિયો થવાનો અવસર મળે.
એટલે જ ગાયને બચાવતાં ખપી ગયેલા વીરોના પાળિયા પણ આ પરંપરામાં જોવા મળે છે અને સ્ત્રીઓ, ગામો અને મંદિરોની રક્ષા માટે જીવ આપી ગયેલા મરજીવાઓના પાળિયા પણ જોવા મળે છે. કલ્પના કરો કે ગામની સીમ પર કોઈ ઘોડેસવાર પોતાના ગૌધનને બચાવવા નીકળ્યો હશે, ધિંગાણું થયું હશે અને એ પાછો નહીં ફર્યો હોય. એ માણસના ઘરમાં એ દિવસ પછી ઘણું બદલાઈ ગયું હશે, પરંતુ ગામની યાદમાં એનું નામ વધુ ઊંડું ઉતર્યું હશે. એની ખાંભી પર કદાચ ઘોડો કોતરાયો હશે અને તલવાર પણ, પેઢીઓ પછી કોઈ બાળક એ પથ્થર જોઈને પૂછશે કે આ કોણ છે અને કોઈ વૃદ્ધ કહેશે કે ‘ગાયો બચાવતાં ખપી ગયેલો આપણો વીર હતો.’

આ એક વાક્યમાં આખું જૂનું ગામડું છુપાયેલું છે. માણસ પોતાનો જીવ બચાવીને ઘરે આવી શકે તેમ હતો છતાં ગૌધન છોડીને આવ્યો નહીં. એના માટે કદાચ એ ગાય કોઈ બીજાની નહોતી, આખા ગામની હતી, ધર્મની હતી. એટલે એના મૃત્યુ પછી ઊભેલો પાળિયો પણ માત્ર એક પરિવારનો સ્મારક રહ્યો નહીં, આખા ગામની સામૂહિક સ્મૃતિ બની ગયો.
પાળિયાના પથ્થરમાં સ્ત્રીની પણ વાત છે
પાળિયાની દુનિયા માત્ર તલવાર, ઘોડા અને ધિંગાણાની નથી. તેમાં સ્ત્રીઓની સ્મૃતિ પણ એટલી જ ઊંડે કોતરાયેલી છે. વીરગત પાછળ સતી થયેલી અથવા જૌહર સાથે જોડાયેલી સ્ત્રીઓની યાદમાં ઊભા કરાયેલા પાળિયાઓમાં ઘણી વાર વળેલો જમણો હાથ જોવા મળે છે. ક્યાંક માત્ર હાથ કોતરાયેલો હોય છે, ક્યાંક મોર કે કમળ જેવાં પ્રતીકો હોય છે અને ક્યાંક આખી સ્ત્રીની આકૃતિ જોવા મળે છે. કેટલાક સ્મારકોમાં કમંડળ અને જપમાળા ધરાવતી સ્ત્રીનું નિરૂપણ પણ જોવા મળે છે.
આ પથ્થરો સામે ઊભા રહીએ ત્યારે આપણને માત્ર એક વ્યક્તિનું મૃત્યુ દેખાતું નથી. એક આખો સામાજિક સમય દેખાય છે. જે સમાજે આ સ્ત્રીની યાદને પથ્થરમાં સાચવી, એની માન્યતાઓ શું હતી, સ્ત્રીના જીવન અને મૃત્યુને તે કેવી રીતે જોતો હતો, કઈ ઘટના પછી આ સ્મારક ઊભું થયું, આ બધું સમજવાની દિશા પણ આ પાળિયા બતાવે છે.
આજે આપણે એ સમયથી ઘણા દૂર છીએ, તેથી એ સમયની પરંપરાઓને સમજતી વખતે પોતાના આજના માપદંડો સાથે તરત ચુકાદો આપવાની જગ્યાએ પથ્થર જે યુગની વાત કરે છે એને એ યુગના સંદર્ભમાં વાંચવો પડે. કારણ કે પાળિયો કોઈ એક વિચારધારાનો ઘોષણાપત્ર નથી, એ ભૂતકાળની જીવતી નિશાની છે.
કાઠિયાવાડ જ્યાં પૂરું થાય છે, ત્યાંથી દરિયાની વાત શરૂ થાય છે
કાઠિયાવાડની ધરતીનો એક છેડો દરિયામાં જઈને ઓગળી જાય છે, પરંતુ ગુજરાતની લોકસ્મૃતિમાં દરિયો પણ જમીનથી અલગ નથી. માંડવીથી પોરબંદર, ઓખાથી વેરાવળ સુધીના બંદરોમાં પેઢીઓથી ખલાસીઓ દરિયો ખેડતા આવ્યા. કોઈ વેપાર લઈને દૂર ગયો, કોઈ માલસામાન લઈને પાછો ફર્યો અને કોઈનું વહાણ ક્ષિતિજની પેલે પાર ગયું પછી ફરી ક્યારેય દેખાયું નહીં.
દરિયો માણસને ઘણી વાર જમીન પણ આપતો નથી.
કોઈ ખલાસી દરિયામાં ખોવાઈ જાય તો એની માટી કઈ? એની સમાધિ ક્યાં? ઘરના લોકો શોક ક્યાં કરે? જે માણસને દરિયાએ પોતાના ખોળામાં લઈ લીધો હોય અને કિનારે એની લાશ પણ પાછી ન મોકલી હોય, એની યાદ ક્યાં રાખવી? ગુજરાતે આ સવાલનો જવાબ પણ પથ્થરમાં આપ્યો.

ખલાસીઓની યાદમાં ઊભા થયેલા કેટલાક પાળિયાઓ પર જહાજની આકૃતિ જોવા મળે છે. પથ્થરની છાતી પર કોતરાયેલું એ નાનકડું વહાણ કદાચ આજના માણસને બહુ નાનું લાગશે, પરંતુ એમાં આખા પરિવારનું જીવન બંધાયેલું હોય છે. કોઈ સ્ત્રી માટે એ એના પતિનું છેલ્લું નિશાન હશે, કોઈ બાળક માટે પિતાની યાદ હશે અને કોઈ વૃદ્ધ મા માટે દરિયે ગયેલા દીકરાની છેલ્લી ઓળખ હશે.
જહાજ પાછું આવ્યું નહીં, માણસ પાછો આવ્યો નહીં, પરંતુ પથ્થર પાછો આવ્યો અને એ પથ્થર સદીઓ સુધી ઊભો રહ્યો.
જ્યારે પથ્થરમાં લોકકથા વસે
બધા પાળિયાઓની પાછળ સરકારી દસ્તાવેજ કે લખાયેલો ઇતિહાસ મળે એવું નથી. ઘણા પાળિયાઓની જિંદગી ગામની બોલચાલમાં છે. પેઢીઓથી કોઈ એક વૃદ્ધ પોતાના પૌત્રને વાત કહે છે, પૌત્ર આગળ પોતાના બાળકને કહે છે અને થોડા સમય પછી એ માણસનું નામ માત્ર પરિવારનું નામ રહેતું નથી, ગામની લોકસ્મૃતિનું નામ બની જાય છે.
આ રીતે અનેક પાળિયા લોકસાહિત્ય સાથે જોડાયા છે. સંતો, ભક્તો, પ્રેમકથાઓ, મિત્રતા, વિરોધ, બલિદાન અને દેહત્યાગની ગાથાઓ પથ્થર સાથે ગૂંથાઈ છે. ભાણવડ નજીક ભુતવડનો વીર માંગડાવાળો હોય કે અન્ય લોકગાથાઓ સાથે જોડાયેયાં સ્મારકો, પાળિયાએ વાર્તાને માત્ર સાંભળતી રાખી નથી, એને સ્થળ પણ આપ્યું છે.

કોઈ વૃદ્ધ કહે કે, ‘આ પાળિયો અમુકનો છે’ ત્યારે એની પાછળની વાત કદાચ સો ટકા દસ્તાવેજી પુરાવાથી સાબિત ન થાય, પરંતુ એ વાત પેઢીઓ સુધી કેમ જીવતી રહી એ પોતે લોકઇતિહાસનો વિષય છે. લોકસ્મૃતિની પોતાની રીત હોય છે, એ કાગળના દફતરમાં નહીં, માણસના કંઠમાં અને ગામના પાદરે જીવતી રહે છે.
એટલે પાળિયો અને લોકકથા વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે. એક પથ્થર ઇતિહાસને જગ્યા આપે છે અને ઇતિહાસ પથ્થરને અવાજ આપે છે.
માણસનો સાથી માણસ ન હોય તોપણ સ્મૃતિમાં જગ્યા મળે
પાળિયાની દુનિયાની સૌથી હૃદયસ્પર્શી વાતોમાંની એક એ છે કે માણસે પોતાની યાદ માત્ર માણસો સુધી સીમિત રાખી નહોતી. ઘોડા, ઊંટ, હાથી અને શ્વાન જેવાં પશુઓની સ્મૃતિ સાથે જોડાયેલા પાળિયા પણ જોવા મળે છે.
જૂના કાઠિયાવાડમાં ઘોડો માત્ર સવારી નહોતો. વીરનો સાથી હતો. ધિંગાણામાં માણસની સાથે દોડતો, ઘાયલ માલિકને લઈને પાછો ફરતો અને ઘણી વાર યુદ્ધના અંત સુધી એની બાજુમાં રહેતો. ઊંટ રણ અને લાંબી મુસાફરીનો ભરોસો હતો, હાથી રાજવી અને યુદ્ધજીવન સાથે જોડાયેલો હતો અને શ્વાન તો ગામની વાડ, ઢોર અને ઘરનો રાત-દિવસનો રખેવાળ હતો.
આવા સંબંધોમાં માત્ર ઉપયોગિતાનો હિસાબ નહોતો. માણસે જે જીવ સાથે જીવન વહેંચ્યું હોય, એની વફાદારીને પણ સ્મૃતિ મળવી જોઈએ એવી ભાવના હતી. તેથી કોઈ ઘોડો માલિક સાથે ખપી ગયો હોય, કોઈ શ્વાને માલિક કે ઢોરની રખેવાળી કરતા જીવ આપ્યો હોય કે કોઈ અન્ય પ્રાણી માનવજીવન સાથે એટલું જોડાઈ ગયું હોય કે એની ગેરહાજરી ઘર માટે ખાલીપો બની ગઈ હોય તો એની યાદ પણ પથ્થરમાં કોતરાતી હતી.
આ વાત આપણને જૂના સમાજની એક ખૂબ નરમ બાજુ બતાવે છે. કાઠિયાવાડની ધીંગી ધરતી તલવાર અને ધિંગાણાને જેટલી જગ્યા આપે છે, એટલી જ વફાદારીને પણ આપે છે. જે જીવ સાથ છોડતો નથી, એને મૃત્યુ પછી પણ માણસ ભૂલતો નથી.
પાળિયાની આસપાસ પણ એક આખું જીવન જીવતું હતું
પાળિયો ઊભો થયા પછી તેની વાર્તા પૂરી થતી નહોતી. અનેક સ્થળોએ પેઢીઓથી તેની સાથે ધાર્મિક અને લોકઆસ્થાની રીતો જોડાઈ. ખાસ દિવસોએ પાળિયાને પાણી કે દૂધથી ધોવામાં આવે, કંકુ કે સિંદૂર ચોળવામાં આવે, ફૂલ ચડાવવામાં આવે, તેલનો દીવો કરવામાં આવે અને ક્યારેક ધજા પણ ચડાવવામાં આવે. શ્રાવણ, ભાદરવો કે કારતકના શુભ દિવસો હોય, વ્યક્તિની જન્મ કે મૃત્યુતિથિ હોય કે કોઈ કુટુંબની પોતાની માન્યતા હોય, પાળિયો ફરી સ્મૃતિના કેન્દ્રમાં આવી જાય.

આ વિધિ પાછળ કોઈ બહુ મોટું મંદિર હોવું જરૂરી નથી. ઘણી વાર ગામના પાદરે ઊભેલા એક પથ્થર પાસે જ બે હાથ જોડાઈ જાય છે. કોઈ વૃદ્ધ આવીને માથું નમાવે છે, કોઈ સ્ત્રી કંકુ ચોળે છે અને કોઈ બાળકને કદાચ પહેલી વાર કહેવામાં આવે છે કે ‘આ આપણા પૂર્વજ છે.’
આ રીતે પાળિયો સદીઓ જૂનો હોવા છતાં મ્યુઝિયમની વસ્તુ બનીને રહેતો નથી. તે લોકજીવનમાં ફરી ફરીને જીવતો થાય છે.
પાળિયો ઇતિહાસકાર માટે પણ એક ખુલ્લું પુસ્તક છે
પાળિયાની સૌથી મોટી કિંમત કદાચ એ છે કે તે લોકસ્મૃતિની સાથે ઇતિહાસના સંશોધક માટે પણ અનેક દરવાજા ખોલે છે. પથ્થર પર કોતરાયેલા શિલાલેખમાંથી નામ, સ્થળ અને સમય જાણી શકાય છે, આકૃતિઓમાંથી વસ્ત્રો, શસ્ત્રો અને વાહનો વિશે માહિતી મળે છે. કોતરણીની રીતમાંથી સમયગાળાનો અંદાજ આવે છે અને ભાષા તથા લિપિમાં થયેલા ફેરફારો ભાષાના ઇતિહાસને સમજવામાં મદદરૂપ બને છે.
આ પથ્થરો આપણને એ સમયના સમાજ વિશે પણ ઘણું કહે છે. કોણ વીર ગણાયો, કોની સ્મૃતિ સચવાઈ, સ્ત્રીને કઈ રીતે દર્શાવવામાં આવી, કયા પ્રાણીઓ માણસના જીવનમાં મહત્વનાં હતાં, કયાં શસ્ત્રો વપરાતાં હતાં અને લોકો પોતાની સામૂહિક યાદને કઈ રીતે સાચવતા હતા, આ બધું પાળિયાની દુનિયામાંથી બહાર આવે છે.
કચ્છના ખાવડા વિસ્તારમાં મળેલા પ્રાચીન સ્મારકો આ પરંપરાને સદીઓ પાછળ લઈ જાય છે. ધાણેટી જેવાં સ્થળોના પાળિયાઓ બારમી સદી સુધીની તારીખો અને સ્મૃતિઓ સાચવે છે. પંદરમી સદી પછી પાળિયા મોટી સંખ્યામાં બન્યા અને કચ્છ-કાઠિયાવાડના વિવિધ વિસ્તારોમાં આ પરંપરાએ વધુ ઊંડા મૂળ નાખ્યાં.
વિચાર કરો કે એ સમયના કોઈ માણસે પથ્થર પર નામ કોતરાવ્યું હશે ત્યારે કદાચ તેને ખબર પણ નહીં હોય કે સદીઓ પછી કોઈ અજાણ્યો માણસ એ જ અક્ષરો વાંચવાનો પ્રયાસ કરશે. એને એટલું જ ખબર હશે કે પોતાનો માણસ ભૂલાઈ ન જાય. એટલું જ પૂરતું હતું.
ઇતિહાસની બહારનું ગુજરાત
ઇતિહાસના પુસ્તકોમાં સામાન્ય રીતે રાજાઓ, યુદ્ધો, ગાદીઓ, સંધિઓ અને રાજવંશોની વાતો વધારે મળે છે. પરંતુ પાળિયા એક બીજું ગુજરાત બતાવે છે, એ ગુજરાત જ્યાં કોઈ રાજા નહીં, ગામનો માણસ ઇતિહાસનું કેન્દ્ર બને છે.
એ માણસ કદાચ ખેડૂત હતો. ઘોડેસવાર હતો. કદાચ ખલાસી હતો. કદાચ ઢોરનો રખેવાળ હતો. કદાચ કોઈ લોકગાથાનો નાયક હતો. કદાચ કોઈ સ્ત્રી હતી, જેના જીવનની વાત પેઢીઓએ પોતાના રીતે સાચવી. કદાચ એક શ્વાન હતો, જેને તેના માલિકે પોતાના પરિવાર જેટલો જ માન્યો હતો.
પાળિયો આ બધાને એક જ ધરતી પર ઊભા કરે છે. રાજાના સ્મારકની બાજુમાં સામાન્ય માણસની ખાંભી ઊભી રહી શકે છે, કારણ કે મૃત્યુ પછી સ્મૃતિને દરબારી પદવીની જરૂર નથી હોતી. ગામ માટે જે માણસ મોટો હતો, એની યાદ માટે ગામે પોતાનો પથ્થર ઊભો કર્યો.
આથી પાળિયા આપણને ગુજરાતનો એ ઇતિહાસ બતાવે છે જે રજવાડાની કચેરીમાં લખાયો નહોતો, પરંતુ ગામની સીમ પર જીવાયો હતો.
કાઠિયાવાડની માટીનું પોતાનું દફતર
કાઠિયાવાડમાં પવન ફૂંકાય ત્યારે ધૂળ ઊડે છે અને ધૂળ સાથે ઘણી જૂની વાતો પણ જાણે હવામાં તરતી હોય એવું લાગે છે. કોઈ દરબાર ગઢની વાત કહે, કોઈ દરબારની, કોઈ બહારવટિયાની, કોઈ સંતની, કોઈ પ્રેમીની અને કોઈ વીરની. પરંતુ આ બધાની વચ્ચે ગામના પાદરે ઊભેલો પાળિયો સૌથી શાંત સાક્ષી છે.
એ પોતાનું નામ બોલાવતો નથી. એ પોતાની ગાથાનો ઢંઢેરો પીટતો નથી. એ બસ ઊભો રહે છે. વરસાદ આવે તો ભીંજાય છે. ઉનાળો આવે તો તપે છે. પવન આવે તો એની આજુબાજુની ધૂળ ઉડે છે. ક્યારેક કંકુનો ચાંદલો એની છાતી પર ચડી જાય છે, ક્યારેક ધજા એની ઉપર ફરકે છે અને ક્યારેક વર્ષો સુધી કોઈ તેની તરફ નજર પણ કરતું નથી.

પણ એ રાહ જુએ છે. કદાચ કોઈ બાળક એક દિવસ પૂછશે કે ‘આ કોણ છે?’ અને કોઈ વૃદ્ધ કહેશે કે, ‘આ? બહુ જૂના વખતનો માણસ હતો, જે ધરમ માટે ખપી ગયો હતો.’ એ પછી વાર્તા શરૂ થશે. એ માણસ ગાય બચાવતાં ખપી ગયો હશે. કદાચ ઘોડા પર સવાર થઈને ધીંગાણે ગયો હશે. કદાચ દરિયામાં વહાણ લઈને ગયો અને પાછો નહીં આવ્યો હોય.
કદાચ કોઈ લોકગાથાનો નાયક હશે. કદાચ કોઈ સ્ત્રીની અધૂરી જિંદગી એની પાછળ ઊભી હશે. કદાચ કોઈ વફાદાર શ્વાન કે ઘોડાની સ્મૃતિ હશે. પરંતુ જે પણ હશે, એક વાત નક્કી છે કે કોઈક સમયે કોઈએ નક્કી કર્યું હતું કે આ જીવન ભૂલાવું નહીં અને એ માટે એ પથ્થર ઊભો થયો હશે.
પાળિયો એટલે મૃત્યુ પછી શરૂ થતી જિંદગી
માણસ મરે ત્યારે એની દેહયાત્રા પૂરી થાય છે, પરંતુ સ્મૃતિની યાત્રા ત્યાંથી શરૂ થઈ શકે છે. પાળિયો એ યાત્રાનો પથ્થર છે. કોઈનું શરીર માટીમાં ભળી ગયું, કોઈનો મૃતદેહ દરિયામાં ઓગળી ગયો, કોઈ ધિંગાણામાં ક્યારેય પાછો મળ્યો નહીં, પરંતુ તેની યાદ માટે ઊભો કરેલો પથ્થર ગામની સીમ પર રહી ગયો.
પેઢીઓ બદલાઈ ગઈ. જે લોકોએ એને પોતાની આંખે જોયો હતો તેઓ ગયા. જે લોકોએ એની સાથે વાત કરી હતી તેઓ ગયા. જે ઘરમાં એ માણસ જન્મ્યો હતો એ ઘર પણ કદાચ હવે રહ્યું નહીં હોય. પણ પાળિયો રહ્યો. એના ઉપરનો ઘોડો કદાચ ઘસાઈ ગયો હશે, તલવારનો આકાર ઝાંખો પડી ગયો હશે, અક્ષરોમાંથી કેટલાક ખોવાઈ ગયા હશે, છતાં ગામની સ્મૃતિમાં એ માણસનું નામ ટકી ગયું હશે.
આ જ પાળિયાની અમરતા છે. એ માણસને પાછો જીવતો કરી શકતો નથી, પરંતુ એને ભૂલાતો અટકાવી શકે છે અને માણસ માટે કદાચ આનાથી મોટી અમરતા બીજી શું હોય કે સદીઓ પછી પણ કોઈ અજાણ્યો માણસ એની ખાંભી સામે ઊભો રહીને પૂછે કે ‘આ કોણ હતો?’
પથ્થરમાં કોતરાયેલું કાઠિયાવાડ
આજે કાઠિયાવાડ બદલાઈ ગયું છે. ગામની સીમ સુધી પહોંચતા કાચા રસ્તાની જગ્યાએ પાકા રસ્તા આવી ગયા છે. ઘોડાની ટાપની જગ્યાએ મોટરસાયકલનો અવાજ સંભળાય છે. જે ગૌધનને બચાવવા માટે ક્યારેક તલવાર ખેંચાતી હતી એની જગ્યાએ હવે ટ્રેક્ટર ખેતરમાં દોડે છે. જૂના બંદરોની ચહલપહલ બદલાઈ ગઈ છે અને દરિયો ખેડનારા વહાણોની જગ્યાએ વિશાળ જહાજો ઊભાં થયાં છે.
પરંતુ ગામના પાદરે કોઈ પાળિયો હજી ઊભો હોય તો સદીઓ એકબીજાની બાજુમાં ઊભી દેખાય છે. આજનો માણસ એની બાજુમાંથી પસાર થાય છે. પાળિયો એને કંઈ પૂછતો નથી.
પણ જો એ એક ક્ષણ માટે અટકે, પથ્થર પર હાથ ફેરવે અને કોતરાયેલો ઘોડો જુએ તો કદાચ એને સમજાશે કે આ પથ્થર કોઈ કારીગરની કળા કરતાં ઘણો મોટો છે. આ કોઈના જીવનનું છેલ્લું નિશાન છે. કોઈ પરિવારની સૌથી મોટી ખોટ છે. કોઈ ગામની ગૌરવગાથા છે. કોઈ લોકગીતની પંક્તિ છે. કોઈ વૃદ્ધની યાદ છે. કોઈ બાળકને સંભળાવવામાં આવતી વાર્તા છે.

અને આખરે એ ગુજરાતની સામૂહિક યાદ છે. આથી પાળિયા વાંચવા એટલે માત્ર ભૂતકાળમાં ડોકિયું કરવું નહીં. એ સમજવું કે ગુજરાતના માણસે પોતાના વીરને કેવી રીતે યાદ રાખ્યો, પોતાના મૃતકને કેવી રીતે સન્માન આપ્યું, પોતાની સ્ત્રીની સ્મૃતિને કેવી રીતે પથ્થરમાં મૂકી, દરિયામાં ખોવાયેલા ખલાસીને કેવી રીતે યાદ કર્યો, ગાય-ઢોર માટે ખપી ગયેલા માણસને કેવી રીતે ગામની સીમ પર ઊભો રાખ્યો અને પોતાના વફાદાર પશુને પણ કેવી રીતે ભૂલ્યો નહીં.
કાઠિયાવાડની ધરતી પર ઊભેલા આ પથ્થરો એટલા માટે જ માત્ર પાળિયા નથી. એ લોકો છે, જેમને સમય લઈ ગયો પણ તેમની સ્મૃતિ રહી ગઈ. એ વાર્તાઓ છે, જેને કાગળ મળ્યો નહીં પણ પથ્થર મળ્યો. એ ગાથાઓ છે, જે ઇતિહાસના મોટા ગ્રંથોમાં કદાચ બે લીટી પણ ન બની, પરંતુ ગામડાની જીભે સદીઓ સુધી પોતાનો સૂર જાળવી રાખ્યો.
કદાચ એ જ કારણ છે કે આજે પણ કાઠિયાવાડના કોઈ પાદરે સાંજ પડતી હોય, સૂરજ ઢળતો હોય અને પાળિયાની છાયા ધીમે-ધીમે લાંબી થતી હોય ત્યારે એવું લાગે કે પથ્થર ખરેખર પથ્થર નથી. એ કોઈ ઊભેલો માણસ છે. પોતાના ગામની સીમ તરફ જોતો. પોતાના લોકોની રખેવાળી કરતો અને જાણે સદીઓથી એક જ વાત કહેતો– મને ભૂલતા નહીં. કારણ કે હું એકલો નથી. મારી સાથે આ ધરતીનો એક આખો ઇતિહાસ ઊભો છે.
‘અમે અમથા નથી ખોડાણા,
ખાંડા તણા ખેલ ખેલાણા,
ધર્મ ધિંગાણે માથા મુકાણા,
એટલે અમે સિંદુરે રંગાણા.’


