દાનચોરી કેસમાં રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લીન ચિટ, SITએ સોંપ્યો અંતિમ અહેવાલ: રિપોર્ટ

અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીના પૈસાની ગણતરી દરમ્યાન થયેલી ચોરી મામલે તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) અંતિમ અહેવાલમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લીન ચિટ આપી હોવાનું કહેવાય છે.

13 જૂનથી સમગ્ર મામલાની તપાસ કરતી SITએ પોતાનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સોંપી દીધો છે. સરકારના ગૃહ વિભાગે રિપોર્ટનો અભ્યાસ કરીને એક નકલ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને પણ સોંપી દીધી છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

સરકાર કે ટ્રસ્ટ તરફથી હજુ સુધી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ મીડિયા અહેવાલોમાં રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો છે કે તપાસમાં ચંપત રાય અને ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ અપાઈ છે. વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.

ચંપત રાય અને અનિલ મિશ્રાએ અગાઉ ટ્રસ્ટમાંથી રાજીનામાં ધરી દીધાં હતાં. ત્યારબાદ મળેલી ટ્રસ્ટની બેઠકમાં બંનેના ત્યાગપત્ર સ્વીકારી લેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને ટ્રસ્ટમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે નિમણૂકો કરવામાં આવી હતી. સાથે ટ્રસ્ટે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે ચોરી દાનપેટીમાં આવતી રકમની ગણતરી દરમ્યાન થઈ હતી અને ચડાવાની રકમ અને ચીજવસ્તુઓ તમામ યથાવત છે.

જૂનમાં SITએ શરૂ કરી હતી તપાસ

મામલાની શરૂઆત જૂનમાં થઈ હતી. રામ મંદિરમાં દાનમાં આવતી રકમની ગણતરીમાં ગેરરીતિ અને ઉચાપતના આરોપો બાદ ટ્રસ્ટની ભલામણ પર રાજ્યની યોગી સરકારે એક SITની રચના કરી હતી. SITએ 13 જૂનના રોજ તપાસ શરૂ કરીને પંદર દિવસમાં પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો હતો.

પ્રાથમિક અહેવાલના આધારે ટ્રસ્ટે એક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ તમામની ધરપકડ પણ થઈ હતી.

આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, કરુણેશ પાંડે, રામશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામશંકર યાદવ (ટિન્નૂ) સામેલ છે. તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. સાથે અજાણ્યા આરોપીઓનાં પણ નામ છે, જેથી તપાસમાં અન્યોનાં નામ ખુલે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.

પ્રાથમિક રિપોર્ટ સોંપ્યા બાદ SITએ પોતાની તપાસ ચાલુ રાખી અને સમયાંતરે એક્સટેન્શન પણ આપવામાં આવ્યું. તાજેતરમાં SITએ પોતાની તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપી દીધો હતો. હવે ટ્રસ્ટ આગળની કાર્યવાહી કરશે. બીજી તરફ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે અને કોર્ટ પણ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે.