
તાજેતરમાં અયોધ્યા રામ મંદિરની દાન ચોરીનો મામલો ભારે વિવાદમાં છે. આ વિવાદ વચ્ચે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક પ્રેસ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાનાં રાજીનામાં સોંપ્યાં છે. ટ્રસ્ટે બંનેનાં રાજીનામાં મળ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આગામી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
વધુમાં ટ્રસ્ટે કહ્યું કે ભગવાન શ્રીરામના તમામ ભક્તોના પ્રતિનિધિ તરીકે તેઓ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે પ્રતિબદ્ધ છે. મંદિર સાથે જોડાયેલી કોઈપણ ગેરરીતિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ભક્તોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
ટ્રસ્ટે ખાસ કરીને ભક્તોને વિશ્વાસ અપાવ્યો છે કે જેમણે મંદિરને ચાંદીની ઈંટો, આભૂષણો અથવા અન્ય કિંમતી વસ્તુઓ વ્યક્તિગત રીતે અર્પણ કરી છે, તે તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ તમામ દાનનો યોગ્ય હિસાબ અને દસ્તાવેજી નોંધ પણ ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે, તેથી ભક્તોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के कोषाध्यक्ष पूज्य स्वामी गोविन्द देव गिरी जी महाराज का वक्तव्य
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 27, 2026
Statement by the Treasurer of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Pujya Swami Govind Dev Giri Maharaj pic.twitter.com/I8goCrrEt9
દાનપેટીમાં આવેલા નાણાંમાં ગેરરીતિના મામલે ટ્રસ્ટે જણાવ્યું કે ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ પ્રશાસને SITની રચના કરી હતી. SITના પ્રાથમિક અહેવાલના આધારે ટ્રસ્ટે FIR નોંધાવી છે અને હાલમાં સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
ટ્રસ્ટે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવશે. જે લોકો દોષી સાબિત થશે તેમની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી અન્ય લોકો માટે પણ તે ચેતવણીરૂપ બને. સાથે જ ટ્રસ્ટે દાવો કર્યો કે કોઈ પણ અસામાજિક મનસૂબા ધરાવતા વ્યક્તિને સફળ નહીં થવા દેવામાં આવે.
અંતમાં ટ્રસ્ટે લોકોને અફવાઓ અને ભ્રામક માહિતીથી સાવચેત રહેવાની અપીલ કરી છે. ટ્રસ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સત્ય ચોક્કસ બહાર આવશે, હાલનું સંકટ દૂર થશે અને ભગવાન શ્રીરામ પ્રત્યે ભક્તિનો પ્રવાહ સતત યથાવત રહેશે. સાથે જ ટ્રસ્ટે ભક્તોને ધીરજ અને વિશ્વાસ જાળવી રાખવા અપીલ કરી છે.

