અપ્રમાણસર મિલકતના કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ જેલહવાલે, ACB કરી રહી છે તપાસ

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના (GAS) સસ્પેન્ડેડ ક્લાસ-1 અધિકારી કેતકી વ્યાસને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવાના કેસમાં જેલ હવાલે કરવામાં આવ્યાં છે. અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપ્યાં છે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે વ્યાસના આગોતરા જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેમના બહેનના ઘરેથી તેમની અટકાયત કરીને ACBને કસ્ટડી સોંપવામાં આવી હતી.

મીડિયા અહેવાલો મુજબ ACBની તપાસમાં સામે આવ્યું છે કે કેતકી વ્યાસે હોદ્દાનો દુરુપયોગ કરીને 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023 સુધીના 11 વર્ષના સમયગાળામાં તેમની જ્ઞાત આવક કરતાં 68.84% વધુ એટલે કે આશરે ₹3.56 કરોડની બિનહિસાબી મિલકતો વસાવી હતી. આ અંગે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે કેતકી વ્યાસે પોતાની મોટાભાગની અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકતો વિરમગામ ખાતે રહેતા પોતાના માતા-પિતાના નામે ખરીદી હતી. તેમના માતા-પિતા કર્મકાંડ (પૂજા-પાઠ) અને નાનો બુકસ્ટોલ ચલાવતા હોવા છતાં તેમનાં ખાતાંમાં કરોડો રૂપિયાના મોટા વ્યવહારો મળી આવ્યા હતા, જેનો કોઈ યોગ્ય નાણાકીય સ્ત્રોત દર્શાવી શકાયો નથી.

નોંધનીય છે કે મોટા-પિતા સિવાય પરિવારના 24 બેન્ક ખાતાંમાં આવી મોટી રકમો જમા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ માતા-પિતાના નામે રહેલા 6 બેન્ક લોકર્સ પણ જપ્ત કર્યાં છે, જેની તપાસ બાકી છે. નોંધનીય છે કે કેતકી વ્યાસના પતિ પણ પોલીસ વિભાગમાં પોરબંદર ખાતે DySP તરીકે ફરજ બજાવે છે.

વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં જોડાયેલાં કેતકી વ્યાસ મામલતદાર, નાયબ મામલતદાર અને એડિશનલ કલેક્ટર રહી ચૂક્યાં છે. તેમની પાસે અમદાવાદના બોડકદેવના શિવાલિક લીગસી ખાતે ફ્લેટ, સાયન્સ સિટી રોડ પર ફ્લેટ, ત્રાગડમાં બંગલો અને વિરમગામમાં ઘણી નાની-મોટી દુકાનો તથા ઢગલો વાહનો હોવાનું ખૂલ્યું છે. ACBના અધિકારીઓના જણાવ્યા મુજબ કેસ મોટેભાગે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત હોવાથી આરોપીના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. જેથી કોર્ટે સીધાં જેલ મોકલી આપ્યાં હતાં.

હની ટ્રેપ કેસમાં સામે આવ્યું હતું નામ

અત્રે ઉલ્લેખનીય છે કે કેતકી વ્યાસનું નામ સૌપ્રથમ ઑગસ્ટ 2023માં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવી હનીટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવ્યું હતું. તે સમયે આણંદના નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવતાં કેતકી વ્યાસે અન્ય સાથીદારો સાથે મળીને કલેક્ટરની ચેમ્બરમાં જ સ્પાય કેમેરા ગોઠવી એક મહિલા મારફતે હનીટ્રેપ રચી વિડીયો ઉતાર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ વિડીયોના આધારે કલેક્ટરને ધમકાવી વિવાદિત જમીનોની ફાઈલો ક્લિયર કરાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

હનીટ્રેપ કાંડ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યાં હતાં અને ત્યારબાદ ધરપકડ પણ થઈ હતી. તે કેસમાં જામીન પર મુક્ત થયા બાદ ACBએ તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો નવો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જે કેસમાં ફરી જેલભેગા થવાનો વારો આવ્યો છે.