હોમપેજક્રાઈમ1990માં કાશ્મીરી હિંદુ પિતા-પુત્રની ઇસ્લામી આતંકીઓએ કરી હતી હત્યા, 36 વર્ષે ખૂલ્યો...

1990માં કાશ્મીરી હિંદુ પિતા-પુત્રની ઇસ્લામી આતંકીઓએ કરી હતી હત્યા, 36 વર્ષે ખૂલ્યો કેસ: જાણો શું છે મામલો

સમય બદલાતા હવે આ જૂના અને દબાવી દેવાયેલા કેસો બહાર આવી રહ્યા છે. વર્ષ 2026માં જમ્મુ- SIAની કાર્યવાહીથી એટલું સ્પષ્ટ છે કે વર્તમાન વ્યવસ્થામાં આતંકવાદીઓ કે તેમના મદદગારોને બક્ષવામાં નહીં આવે. દાયકાઓ સુધી જે કેસો પર ધૂળ જામી ગઈ હતી તેને ખોલીને SIA હવે નવેસરથી પુરાવા એકત્ર કરી રહી છે.

- Advertisement -

જમ્મુ-કાશ્મીરમાં 1990ના દાયકામાં ઇસ્લામી જેહાદીઓ અને આતંકવાદીઓએ હિંદુઓ અને કાશ્મીરી પંડિતો પર આચરેલા ભયાનક નરસંહાર અને અત્યાચારોના અનેક ઘા આજે પણ તાજા છે. તે કાળી રાતોમાં અનેક કાશ્મીરી પંડિતોએ પોતાના સગા-સંબંધીઓને ગુમાવ્યા હતા, પરંતુ ન્યાયની રાહ જોતા જોતા દાયકાઓ વિતી ગયા. આવી જ એક અત્યંત ક્રૂર ઘટના કાશ્મીરી પંડિત કવિ-લેખક સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ અને તેમના પુત્ર વિરેન્દ્ર કૌલની હત્યાની છે.

લગભગ 36 વર્ષ જૂના આ ડબલ મર્ડર કેસની FIR હવે ફરી એકવાર તપાસના કેન્દ્રમાં આવી છે. FIR નંબર 45/1990 સાથે જોડાયેલા આ કેસમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા 12 ઑગસ્ટ 2026ના રોજ જમ્મુ-કાશ્મીરમાં 9 સ્થળોએ દરોડા પાડીને મોટું સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી દાયકાઓથી ધૂળ ખાતી ફાઇલ અને ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા આચરવામાં આવેલો પિશાચી ગુનો ફરીથી ચર્ચામાં આવ્યો છે.

સર્વાનંદ કૌલ અને તેમના પુત્રની અમાનુષી હત્યા

સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ માત્ર એક સામાન્ય કવિ કે લેખક નહોતા, પરંતુ તેઓ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, સમાજસુધારક અને માનવતાના પુરસ્કર્તા હતા. તેમણે કાશ્મીરી, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી જેવી અનેક ભાષાઓમાં મહારત હાંસલ કરી હતી. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પિત કૌલ સાહેબે પવિત્ર ભગવદ્ ગીતા, રામાયણ અને રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’નો કાશ્મીરી ભાષામાં અનુવાદ કરીને સાહિત્ય જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

- Advertisement -

1990ની શરૂઆતમાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામી આતંકવાદ ચરમસીમા પર હતો, ત્યારે મસ્જિદોમાંથી કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડી દેવા, ઇસ્લામ કબૂલવા માટેની ધમકીઓ આપવામાં આવતી હતી. ટાર્ગેટેડ કિલિંગ, મહિલાઓ સાથે અમાનુષી વર્તન, બળાત્કાર અને અપહરણની ઘટનાઓના કારણે લાખો કાશ્મીરી પંડિત પરિવારો પોતાનું ઘરબાર છોડીને પલાયન કરવા મજબૂર બન્યા હતા.

પરંતુ, પોતાની માતૃભૂમિ પ્રત્યે અગાધ પ્રેમ ધરાવતા સર્વાનંદ કૌલ ‘પ્રેમી’એ આતંકવાદીઓના ભય સામે નમતુ ન જોખ્યું અને પોતાનું વતન છોડીને જવાનો ઇનકાર કરી દીદો. તેઓ પોતાના ઘર અને વતનમાં જ રહ્યા, જે બાદમાં ઇસ્લામી જેહાદીઓની બર્બરતાનો ભોગ બન્યા. એપ્રિલ 1990ના અંતમાં રાત્રિના અંધારામાં સશસ્ત્ર જેહાદી આતંકવાદીઓ તેમના ઘરે ત્રાટક્યા હતા.

અહેવાલ મુજબ 30 એપ્રિલ 1990ના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના શાલી ગામમાં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ના ઘરે પહોંચ્યા અને તેમનું અપહરણ કર્યું હતું. તે સમયે સર્વાનંદ કૌલની ઉંમર 67 વર્ષ હતી. કંઈક અજુગતું થઈ રહ્યું હોવાની આશંકા થતાં તેમના નાના પુત્ર વિરેન્દ્ર કૌલે પણ પિતાને એકલા ન જવા દેવાની વિનંતી કરી અને તેમની સાથે જવાની મંજૂરી માગી. ત્યારબાદ આતંકવાદીઓ બંને પિતા-પુત્રને સાથે લઈ ગયા. બે દિવસ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા અને તેમના શરીર પર અત્યંત ગંભીર અત્યાચારના નિશાન હતા. તેમના હાથ-પગ તોડી નાખવામાં આવ્યા હતા, વાળ ખેંચીને ઉખેડવામાં આવ્યા હતા અને શરીરના કેટલાક ભાગોની ચામડી કાપીને તેને બાળી નાખવામાં આવી હતી. આ રીતે 67 વર્ષીય કવિ, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ તથા તેમના યુવાન પુત્ર વિરેન્દ્ર કૌલની અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ તે સમયના કાશ્મીરી પંડિતો અને હિંદુઓમાં ભય અને આઘાતની લાગણી વધુ ઘેરી બનાવી હતી.

પૂરતા ‘પુરાવા’ ન મળતા ‘untraced’ ગણી કેસ બંધ

આ ભયાનક નરસંહાર અંગે અનંતનાગના ડોરૂ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 45/1990 નોંધવામાં આવી હતી. કૌલના પરિવારેક કેટલાક વર્ષો બાદ દાવો કર્યો હતો કે પોલીસે તપાસ શરૂ કરી હતી અને અને કેટલાક શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી પણ કરી હતી. કેટલાક રેકોર્ડ અનુસાર આ કેસમાં 8 શંકાસ્પદો હોવાનું પણ કહેવાયું છે. જોકે, આ તમામ લોકોના નામ અને હત્યામાં તેમની ચોક્કસ ભૂમિકા અંગે વિશ્વસનીય જાહેર રેકોર્ડમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી.

અંતે, તે સમયે કાશ્મીરમાં વ્યાપ્ત આતંકવાદી વાતાવરણ અને તત્કાલીન સિસ્ટમની નિષ્ફળતાને કારણે આ કેસને ‘untraced’ (અજ્ઞાત/ન મળી આવેલા) તરીકે બંધ કરી દેવામાં આવ્યો હતો. આનો સીધો અર્થ એ હતો કે તત્કાલીન તંત્રે પુરાવા અને આરોપીઓને શોધવાના પ્રયાસો પડતા મૂકી દીધા હતા અને નિર્દોષ પંડિતોના લોહીનો હિસાબ માગવાવાળું કોઈ નહોતું.

આ કેસનો ઉલ્લેખ 1991માં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ‘સોના બેગમ વિ. સ્ટેટ’ નામના એક કેસમાં પણ જોવા મળ્યો હતો. જેમાં મોહમ્મદ અયુબ શબનામ નામના એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયતને હાઇકોર્ટે કાયદાકીય પ્રક્રિયાના આધારે રદ કરી હતી. તત્કાલીન નબળી તપાસ પ્રણાલીને કારણે આતંકવાદીઓ અને તેમના મદદગારો ખુલ્લા ફરતા રહ્યા અને પીડિત પરિવાર ન્યાય માટે ભટકતો રહ્યો.

CBI તપાસથી લઈને NHRC સુધી માંગ

પરંતુ, પોતાના સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારે ક્યારેય હિંમત ન હારી. સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ના પરિવારજનોએ આતંકવાદીઓ અને તેમના આકાઓને સજા અપાવવા માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈ ચાલુ રાખી. તેમણે વિવિધ માનવાધિકાર સંસ્થાઓથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા તપાસ કરાવવાની સતત માગણીઓ કરી હતી.

આખરે પરિવારના પ્રયાસોને થોડી આશા મળી અને 2012માં આ કેસમાં વળાંક આવ્યો. પીડિત પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને જમ્મુ-કાશ્મીર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને (SHRC) મામલાની તપાસ શરૂ કરી. SHRCએ કેસ અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા અને તપાસને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પરંતુ, તે સમયે પણ સત્તામાં બેઠેલા લોકોએ આ નિર્દેશોને કોરાણે મૂકી દીધા અને કેસ ફરીથી ઠંડા કટોરે મૂકાઈ ગયો.

છતાં પીડિત પરિવારે હાર ન માની અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં રજૂઆત કરી. 2020માં રાજેન્દ્ર કૌલ પ્રેમીએ NHRC સમક્ષ ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદનો મુખ્ય મુદ્દો એ હતો કે 2012માં SHRCએ આપેલ નિર્દેશો છતાં પરિવારને યોગ્ય ન્યાય મળ્યો નહોતો. NHRCએ આ મામલે જમ્મુ-કાશ્મીર સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ માંગ્યો હતો.

NHRCએ પુન:તપાસ માટે કર્યો હસ્તક્ષેપ

NHRCના હસ્તક્ષેપથી સ્પષ્ટ થયું કે 1990માં બનેલો આ આતંકવાદી બનાવ માત્ર એક જૂની ફાઇલ નહોતો, પરંતુ ઇસ્લામી આતંકવાદ સામે સત્ય અને ન્યાયની લડાઈનો એક જીવંત પુરાવો હતો. કમિશને આ કેસની કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા પુનઃતપાસ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. NHRCના હસ્તક્ષેપ અને નિર્દેશોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે 1990માં નોંધાયેલી FIR માત્ર કોઈ જૂની ફાઇલ નહોતી, પીડિત પરિવાર સતત તેને ફરી તપાસમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

વર્ષ 2024માં પણ NHRCએ ફરી હસ્તક્ષેપ કર્યો અને અગાઉના આદેશોના અમલમાં થયેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ NHRCએ જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરીને આ કેસમાં માનવીય અભિગમ અપનાવીને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પરિણામે હવે વર્ષ 2026માં કેસની તપાસ SIAને સોંપવામાં આવી છે.

2026માં SIAને તપાસ સોંપાયા બાદ એક્શન શરૂ  

હવે મોદી સરકારના આતંકવાદ સામેના ઝીરો ટોલરન્સ એપ્રોચ હેઠળ જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) એક્શન મોડમાં છે. SIA છેલ્લા કેટલાક સમયથી 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને વણઉકેલાયેલા આતંકવાદી કેસોની ફાઇલો ફરી ખોલી રહી છે. જૂના કેસોમાં નવા પુરાવા, દસ્તાવેજો, સાક્ષીઓ અને અન્ય માહિતી શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેનો તાજેતરનો મહત્વનો દાખલો સરલા ભટ બળાત્કાર-હત્યા કેસ છે. 2024માં 1990માં થયેલી સરલા ભટની હત્યાનો કેસ SIAને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2026માં SIAએ 737 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં યાસિન મલિક સહિત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પાંચમાંથી ત્રણ આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે SIA હવે જૂના કેસોમાં પણ નવી તપાસ પદ્ધતિ અપનાવી રહી છે. એટલે કે વર્ષો પહેલાં થયેલી ઘટનાની જૂની તપાસને ફરીથી ખોલીને ઉપલબ્ધ સાક્ષીઓ, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની નવેસરથી તપાસ કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં નવા પુરાવા પણ એકત્ર કરવામાં આવે છે. સર્વાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્રનો કેસ પણ હવે આ પ્રક્રિયાનો ભાગ બન્યો છે.

SIAના જમ્મુ-કાશ્મીરમાં 9 સ્થાને દરોડા

આ જ કડીમાં 12 ઑગસ્ટ 2026ના રોજ SIAએ FIR 45/1990 હેઠળ જમ્મુ-કાશ્મીરમાં 9થી વધુ સ્થળોએ એકસાથે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરોડાનો મુખ્ય હેતુ 36 વર્ષ જૂના આ હત્યાકાંડમાં છુપાયેલા આતંકવાદીઓના કાવતરા, મદદગારો અને નવા પુરાવાઓને બહાર લાવવાનો છે.

જોકે, હજુ સુધી SIAએ આ સર્ચ દરમિયાન ચોક્કસ શું મળ્યું, કેટલા લોકોની પૂછપરછ કરી કે કોઈની ધરપકડ થઈ કે નહીં તેની સંપૂર્ણ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. આ કાર્યવાહીનું મહત્વ એટલા માટે પણ છે કે SIA અગાઉ પણ 1990ના દાયકાના કેટલાક જૂના કેસોમાં નવી તપાસ કરી ચૂકી છે. જેમ કે જસ્ટિસ નીલકંઠ ગંજૂ હત્યાકાંડ અને સરલા ભટ હત્યાકાંડમાં પુરાવા શોધવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની નીતિઓના પગલે હવે SIA વર્ષો જૂના પરંતુ ગંભીર આતંકવાદી કેસોને ફરી તપાસવાના અભિગમ સાથે આગળ વધી રહી છે.

36 વર્ષ પહેલાં થયેલી આ બર્બર હત્યામાં જૂના સાક્ષીઓ, પોલીસ રેકોર્ડ, અગાઉની તપાસના દસ્તાવેજો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓ ફરી તપાસવામાં આવી શકે છે. હવે આધુનિક ફોરેન્સિક ટેકનોલોજી, ડિજિટલ પુરાવા અને પુનઃતપાસ પ્રક્રિયાના કારણે જૂના કેસમાં પણ એવી કડીઓ મળી શકે છે જે 1990માં તપાસ દરમિયાન મળી નહોતી.

FIR 45/1990ની વાત માત્ર 1990માં થયેલી એક સામાન્ય હત્યાનો કિસ્સો નથી, પરંતુ તે ઇસ્લામી આતંકવાદ અને સિસ્ટમની ઘોર ઉપેક્ષા સામે એક પરિવારના 36 વર્ષ લાંબા અવિરત સંઘર્ષની ગાથા છે. પાછલી સરકારોએ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને તેમની ટાર્ગેટેડ હત્યાઓ પ્રત્યે હંમેશા કૂણું વલણ દાખવ્યું હતું અને પોતાના રાજકીય સ્વાર્થ ખાતર આ ગંભીર ગુનાઓને દબાવીને સંપૂર્ણપણે અવગણી દીધા હતા. વર્ષો સુધી ન્યાય માટે ભટકતા પરિવારે SHRC અને NHRC સુધી લડાઈ ચાલુ રાખી, પરંતુ અગાઉની સરકારોની ઇચ્છાશક્તિના અભાવે આતંકવાદીઓ ખુલ્લા ફરતા રહ્યા.

જોકે, સમય બદલાતા હવે આ જૂના અને દબાવી દેવાયેલા કેસો બહાર આવી રહ્યા છે. વર્ષ 2026માં જમ્મુ- SIAની કાર્યવાહીથી એટલું સ્પષ્ટ છે કે વર્તમાન વ્યવસ્થામાં આતંકવાદીઓ કે તેમના મદદગારોને બક્ષવામાં નહીં આવે. દાયકાઓ સુધી જે કેસો પર ધૂળ જામી ગઈ હતી તેને ખોલીને SIA હવે નવેસરથી પુરાવા એકત્ર કરી રહી છે. 36 વર્ષ સુધી રાહ જોયા પછી પીડિત પરિવારમાં ન્યાયની એક નવી આશા જાગી છે અને આ નવી તપાસથી એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કાશ્મીરી પંડિતો પર આચરવામાં આવેલા અન્યાયનો હિસાબ કરવાનો સમય હવે આવી ગયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં