રાઈસિન જેવા ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના આતંકવાદી કાવતરાના કેસમાં અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટે મુખ્ય આરોપી આતંકી ‘ડૉક્ટર’ સૈયદ અહેમદ મોહિયુદ્દીનની જામીન અરજી ફગાવી દીધી છે. 10 ઑગસ્ટ 2026ના રોજ સ્પેશિયલ જજ હેમંગ આર. રાવલે આપેલા ચુકાદામાં કોર્ટને આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી સામગ્રી હોવાનું જણાયું અને UAPAની કડક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તેને જામીન આપવાનો ઇનકાર કર્યો.
કોર્ટના અવલોકન મુજબ આરોપી પોતે ડૉક્ટર છે, તેથી રાઈસિન જેવા ઝેરી પદાર્થની પ્રકૃતિ અને ગંભીરતાથી તે અજાણ હતો એવો દાવો પ્રથમદર્શી રીતે સ્વીકારી શકાય નહીં. તેના હૈદરાબાદના નિવાસસ્થાને લાઇસન્સ કે પરવાનગી વગર લેબોરેટરી હોવી, ત્રણ પિસ્તોલ અને 30 જીવતા કારતૂસની રિકવરી, કેસ્ટર ઑઇલ તથા હેન્ડલર સાથેનો સંપર્ક વગેરે બાબતો પણ કોર્ટે ગંભીરતાથી લીધી છે.
આ કેસમાં સૈયદ પર માત્ર રાઈસિન બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ નથી. NIAની તપાસ મુજબ સમગ્ર કાવતરાની કડીઓ વિદેશમાં બેઠેલા હેન્ડલર, મજહબી હેતુ માટેની પ્રવૃત્તિઓમાં મદદ કરવાની સંમતિ, શપથ, અન્ય લોકોને નેટવર્કમાં જોડવાનો પ્રયાસ, ભંડોળ, હથિયારો અને મોટાપાયે જાનહાનિ કરી શકે તેવા ઝેરી પદાર્થની તૈયારી સુધી પહોંચે છે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન આ જ મુદ્દાઓ NIAએ કોર્ટ સમક્ષ વિગતે રજૂ કર્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે સૈયદને નિર્દોષ ગણાવીને તેના પર લગાવવામાં આવેલા આરોપોનો ઇનકાર કર્યો હતો.
બચાવ પક્ષે શું કહ્યું?

સૈયદના વકીલે કોર્ટમાં મુખ્યત્વે એવો દાવો કર્યો કે આરોપીને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવ્યો છે. શપથ લેવા કે અન્ય લોકોને શપથ અપાવવાના આરોપથી આતંકવાદી પ્રવૃત્તિ સાબિત થતી નથી, રાઈસિન બનાવવાની પૂરતી જાણકારી કે મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડવાનો ઇરાદો આરોપી પાસે નહોતો અને તેની વાતચીતને કાવતરું ગણાવી શકાય નહીં એવી દલીલ પણ કરવામાં આવી. વકીલે એ પણ બચાવ કર્યો કે સૈયદે ગેરકાયદે પ્રવૃત્તિથી પોતાને દૂર કરી લીધો હતો અને ‘પાક માર્ગ’ તથા ‘માનવતા માટે સારું કામ’ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.
NIAએ કોર્ટમાં શું રજૂ કર્યું?
બચાવ પક્ષની દલીલો બાદ NIAના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કેસની ગંભીરતા કોર્ટ સમક્ષ મૂકી હતી.
NIAએ જણાવ્યું કે સૈયદ ગંભીર ગુનાનો સામનો કરી રહ્યો છે અને તેની પાસેથી કોઈ લાઇસન્સ વગર ત્રણ પિસ્તોલ તથા 30 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર સૈયદે પોતાના હૈદરાબાદના નિવાસસ્થાનને લેબોરેટરીમાં ફેરવી દીધું હતું, જ્યાં એરંડાના બીમાંથી રાઈસિન કાઢવાની પ્રક્રિયા સાથે જોડાયેલું કામ કરવામાં આવતું હતું. NIAએ આ તૈયારીને ભારતનાં શહેરોમાં મોટાપાયે જાનહાનિ કરનારા આતંકવાદી હુમલાની યોજના સાથે જોડી હતી.
NIAએ સૈયદના મોબાઇલમાંથી ‘અબુ ખદીજા’ નામના ટેલિગ્રામ યુઝર સાથેનો સંપર્ક મળ્યો હોવાનું જણાવ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે અબુ ખદીજા ફરાર અને પ્રથમ આરોપી છે અને સૈયદ તેની સાથે એસિટોન, એરંડાના બી, હથિયારોની ખરીદી તથા રાઈસિનના ઉત્પાદન અંગે વાતચીત કરતો હતો. NIA મુજબ સૈયદે અબુ ખદીજાને મજહબી હેતુની પ્રવૃત્તિઓમાં મદદ કરવા સંમતિ આપી હતી અને આ માટે વ્યવસાય સ્થાપવા આશરે 4 લાખ અમેરિકન ડૉલરની નાણાકીય મદદ માગી હતી.
એજન્સીએ વધુમાં કહ્યું હતું કે આ મોટા કાવતરાના ભાગરૂપે સૈયદ ઑગસ્ટ 2025માં દિલ્હી ગયો હતો. ત્યાં તેણે એક અજાણ્યા સહયોગીને મળીને યોજનાઓ, ભંડોળ અને આગળની કામગીરી અંગે ચર્ચા કરી હતી. એટલે તપાસ એજન્સીનો દાવો માત્ર ઓનલાઈન સંપર્ક સુધી સીમિત નહોતો, પરંતુ નેટવર્ક માટે જમીની સ્તરે પણ કામગીરી થઈ રહી હતી.

આ પછી NIAએ શપથ સંબંધિત ગંભીર આરોપો પણ કોર્ટ સમક્ષ મૂક્યા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર સૈયદે હેન્ડલરના નિર્દેશ પર શપથ લીધા હતા. તેણે તેનો વિડીયો બનાવીને હેન્ડલરને મોકલ્યો હતો. એટલું જ નહીં, નેટવર્કનો વિસ્તાર કરવા માટે અબ્દુલ વાજિદ અને નાવેદ પામિડી નામના અન્ય લોકોને પણ સમાન શપથ લેવડાવવાનો પ્રયાસ કર્યો હતો. NIAએ કોર્ટને જણાવ્યું કે આ શપથનાં રેકોર્ડિંગ્સ મંજૂરી તથા નાણાકીય મદદ મેળવવા માટે શેર કરવામાં આવ્યાં હતાં.
એજન્સીએ વધુમાં એવો આરોપ મૂક્યો કે સૈયદે ઝેરી પદાર્થ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાના ફોટોગ્રાફ અને વિડીયો પણ હેન્ડલરને મોકલ્યા હતા. NIAના જણાવ્યા મુજબ તેણે રસાયણોની મદદથી એરંડાના બીમાંથી રાઈસિન તૈયાર કર્યું હતું.
NIAએ ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓની કડી પણ કોર્ટ સમક્ષ મૂકી હતી. તે મુજબ સૈયદ વર્ષ 2025માં ટેલિગ્રામ મારફતે ‘અબુ ખદીજા’ નામનો ઉપયોગ કરનાર શખ્સના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે હેન્ડલરને મજહબી હેતુ માટેની પ્રવૃત્તિઓમાં મદદ કરવાની સંમતિ આપી હતી અને વ્યવસાય સ્થાપવા માટે આશરે 4 લાખ અમેરિકન ડૉલરની નાણાકીય મદદ માગી હતી.
મોટા કાવતરાના ભાગરૂપે અને હેન્ડલરના નિર્દેશ પર સૈયદ ઑગસ્ટ 2025માં દિલ્હી ગયો હતો. ત્યાં તેણે તેના સહયોગી સાથે યોજનાઓ, ભંડોળ અને આગળની કામગીરી અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં તે અમદાવાદ આવ્યો હતો અને મહેસાણાના છત્રાલ નજીક અગાઉથી નક્કી કરાયેલા સ્થળેથી 1.90 લાખનું આતંકવાદી ભંડોળ મેળવ્યું હોવાનો NIAનો આરોપ છે.
NIA મુજબ સૈયદે એરંડાના બી, તેલ કાઢવાના સાધનો અને એસિટોન જેવા રસાયણો સહિતની સામગ્રી પણ મેળવી હતી. આ સામગ્રીનો ઉપયોગ એવી પ્રાયોગિક પ્રક્રિયા માટે કરવાનો હતો, જેમાં મોટાપાયે જાનહાનિ કરી શકે તેવો ઝેરી પદાર્થ તૈયાર થઈ શકે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર ઝેરી પદાર્થ તૈયાર થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં સૈયદે આ પ્રક્રિયા હાથ ધરી હતી.
ચાર્જશીટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હૈદરાબાદના પોતાના ઘરે બનાવેલી લેબોરેટરીમાં સૈયદે એરંડાનાં બીમાંથી રાઈસિન તૈયાર કર્યું હતું. NIAએ કોર્ટને જણાવ્યું કે રાઈસિન અત્યંત ઝેરી જૈવિક ઝેર છે અને કેમિકલ વેપન્સ કન્વેન્શનની અનુસૂચિ-1માં સામેલ છે. આ ઉપરાંત સૈયદે વધુ ભંડોળ અને સામગ્રી મેળવવાની વ્યવસ્થા કરી હતી અને નવેમ્બર 2025માં અમદાવાદ આવવાની યોજના બનાવી હતી, જ્યાં તેણે આતંકવાદી કૃત્ય માટે અદ્યતન હથિયારો મેળવ્યાં હોવાનો આરોપ છે.
ડૉક્ટર રાઈસિનની ગંભીરતાથી અજાણ હતો એવું માની શકાય નહીં: કોર્ટ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ હવે આ કેસની મૂળ બાબતો પર આવી.
કોર્ટે નોંધ્યું કે સૈયદ વિરુદ્ધ UAPAની કલમ 16, 17, 18, 18-B અને 20, BNSની કલમ 61(2) તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(A)(A) હેઠળ ગંભીર કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન તેની વિરુદ્ધ પ્રથમદર્શી સામગ્રી સામે આવી હોવાથી ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે.

કોર્ટનું સૌથી મહત્વનું અવલોકન આરોપીના વ્યવસાય સાથે જોડાયેલું હતું. કોર્ટે નોંધ્યું કે સૈયદ ડૉક્ટર એટલે કે જનરલ ફિઝિશિયન છે. તેથી તેણે તૈયાર કરેલા રાઈસિન નામના પદાર્થની પ્રકૃતિ અંગે તે સંપૂર્ણપણે અજાણ હતો એવું માની શકાય નહીં. રાઈસિન એક ઝેરી જૈવિક ઝેર છે અને તેમાં મોટાપાયે હત્યા કરવાની ક્ષમતા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.
આ ઉપરાંત કોર્ટે એવું પણ કહ્યું કે સૈયદના નિવાસસ્થાને કોઈ સક્ષમ સત્તાધિકારીની લાઇસન્સ કે પરવાનગી વગર લેબોરેટરી હોવી પણ મહત્વની કડી છે. કોર્ટના મતે આ બાબત પ્રથમદર્શી આરોપીના ખરાબ મલિન ઈરાદા તરફ સંકેત કરતી હતી.
કોર્ટે સૈયદની મુસાફરી અને તેની પાસેથી મળેલી સામગ્રીને પણ ગંભીરતાથી લીધી. કોર્ટના અવલોકન મુજબ આરોપી દિલ્હી અને અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ ગયો હતો, અન્ય લોકો સાથે મળ્યો હતો અને છુપાવી રાખવામાં આવેલા જથ્થા મેળવ્યા હતા. તેની પાસેથી ત્રણ પિસ્તોલ, 30 જીવતા કારતૂસ, ભારતીય તથા અમેરિકન ચલણી નોટો અને ચાર લિટર કેસ્ટર ઑઇલ ધરાવતી બોટલ મળી આવી હતી.
આ તમામ બાબતોને એકસાથે જોતાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીનો હેતુ કોઈ પાક અથવા માનવતાવાદી હેતુ માટેનો હતો એવું કહી શકાય નહીં.
‘પાક માર્ગ’નો દાવો પણ કોર્ટે ફગાવ્યો
બચાવ પક્ષે સૈયદને બચાવવા માટે તેની વોટ્સએપ ચેટનો આધાર લીધો હતો. દલીલ હતી કે તે ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાવા માગતો નહોતો અને તેણે ‘પાક માર્ગ’ તથા ‘માનવતા માટે સારું કામ’ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.
પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં. કોર્ટ મુજબ ચાર્જશીટના દસ્તાવેજો દર્શાવે છે કે સૈયદ ફરાર આરોપી નં. 1ના સંપર્કમાં હતો અને તેના નિર્દેશ મુજબ કામ કરી રહ્યો હતો. આ પ્રક્રિયાનાં પરિણામે રાઈસિન તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ પિસ્તોલ સહિતનાં હથિયારો મેળવવામાં આવ્યાં હોવાનો આરોપ હતો.
કોર્ટે કહ્યું કે સૈયદ પાસેથી હથિયારોની રિકવરી દર્શાવે છે કે આ હથિયારો કોઈ છુપા અથવા અયોગ્ય હેતુ માટે મેળવવામાં આવ્યાં હતાં. તેથી બેગમાં શું હતું તેની તેને જાણ નહોતી એવી બચાવ પક્ષની દલીલ કોર્ટે ફગાવી દીધી હતી.
આગળ કોર્ટ કહે છે કે ચાર્જશીટના દસ્તાવેજો પ્રથમદર્શી સૈયદ, ફરાર આરોપી નં. 1 અને સહઆરોપીઓ વચ્ચે કોઈ છુપા હેતુ અથવા ઇરાદા માટે કાવતરું ઘડાયું હોવાનું દર્શાવે છે. વધુમાં આરોપી નં. 1ના મોબાઇલમાંથી મળેલો વિડીયો પણ સૈયદના મલિન ઇરાદા તરફ સંકેત કરે છે અને તે એવું દર્શાવતો નથી કે આરોપી ‘પાક માર્ગ’ તરફ આગળ વધી રહ્યો હતો તથા માનવતા માટે સારું કામ કરી રહ્યો હતો.
UAPAની જોગવાઈઓને કારણે જામીન નહીં
આ તમામ બાબતો પછી કોર્ટ UAPAની કલમ 43D(5) પર આવી. કોર્ટના મતે આરોપો ગંભીર છે અને સૈયદ વિરુદ્ધ પ્રથમદર્શી સામગ્રી ઉપલબ્ધ છે. તેથી UAPAની કલમ 43D(5)ની કડક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તેની તરફેણમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે ઉપરોક્ત તમામ બાબતો તથા UAPAની કલમ 43D(5)ની કડક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અરજદાર-આરોપીની તરફેણમાં જામીન આપવાનો વિવેકાધીન અધિકાર વાપરવો યોગ્ય નથી. આથી સૈયદની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી. ખર્ચ અંગે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. ચુકાદો 10 ઑગસ્ટ 2026ના રોજ ઓપન કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટ ઓર્ડરની કોપી ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
શું હતો આખો રાઈસિન ટેરર પ્લોટ?
આ કેસની શરૂઆત નવેમ્બર 2025માં ગુજરાત ATSની કાર્યવાહીથી થઈ હતી. ચોક્કસ બાતમીના આધારે ATSએ અમદાવાદ-મહેસાણા માર્ગ પર અડાલજ ટોલ પ્લાઝા નજીક ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનને ઝડપી લીધો હતો. તેની કારમાંથી ત્રણ પિસ્તોલ, જીવતા કારતૂસ અને આશરે ચાર લિટર કેસ્ટર ઑઇલ સહિતની સામગ્રી મળી આવી હતી. ડિજિટલ ઉપકરણોમાંથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધતાં ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
ATSની તપાસમાં સામે આવ્યું હતું કે સૈયદ રાઈસિન તૈયાર કરવા માટે સંશોધન કરી રહ્યો હતો. તેના માટે તેણે રૉ મટીરીયલ, રસાયણો અને જરૂરી સાધનો મેળવવાની તૈયારી કરી હતી. બાદમાં હૈદરાબાદ સ્થિત તેના ઘરે ATSએ દરોડો પાડ્યો હતો, જ્યાંથી રસાયણો અને રૉ મટીરીયલ ભરેલા કાર્ટન સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં સૈયદનું નામ અફઘાનિસ્તાન સ્થિત અબુ ખદીજા નામના હેન્ડલર સાથે જોડાયું હતું. અગાઉના અહેવાલો મુજબ આ હેન્ડલર ISKP સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. સૈયદે ચીનમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી, જોકે ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે જરૂરી પરીક્ષા પાસ ન કરી હોવાથી તે નિયમિત રીતે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો ન હતો. તપાસ દરમિયાન તેના ઘરે આવતાં પાર્સલ અને રસાયણો અંગે પરિવારને તે વ્યાવસાયિક ઉપયોગ માટે હોવાનો વિશ્વાસ અપાવતો હોવાની માહિતી પણ સામે આવી હતી.
કેસ આગળ વધતાં તપાસ માત્ર રાઈસિન સુધી મર્યાદિત રહી નહોતી. એજન્સી મુજબ આરોપીઓએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હીની આઝાદપુર APMC મંડી અને લખનૌનાં RSS કાર્યાલય સહિતનાં સ્થળોની રેકી કરી હતી. ભીડવાળા સ્થળો, ધાર્મિક તથા સંગઠનાત્મક સ્થળો અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હોવાનો તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો.
આ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું હતું. અગાઉની તપાસ મુજબ આરોપીઓ હથિયારો મેળવવા માટે પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારમાં સક્રિય હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ડ્રોન મારફતે હથિયારોની ડિલિવરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. ટેલિગ્રામ અને અન્ય માધ્યમોથી હેન્ડલર્સ સાથે સંપર્ક, ભંડોળની વ્યવસ્થા અને ભરતી સહિતની બાબતો પણ તપાસ હેઠળ આવી હતી.
જાન્યુઆરી 2026માં કેસની તપાસ સત્તાવાર રીતે NIAને સોંપવામાં આવી. NIAએ તપાસ આગળ ધપાવી અને મે 2026માં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. તેમાં આ આતંકી નેટવર્કને ISISની વિચારધારાથી પ્રેરિત ગણાવવામાં આવ્યું હતું અને રાઈસિનના માધ્યમથી મોટાપાયે ઝેર ફેલાવીને જાનહાનિ કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. NIAની તપાસ મુજબ વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્ક, ભંડોળ, હથિયારો, રેકી અને રાઈસિનની તૈયારી, આ તમામ બાબતો એક જ આતંકવાદી નેટવર્કની કડીઓ હતી.
હવે એ જ કેસમાં NIAની સ્પેશિયલ કોર્ટે સૈયદની જામીન અરજી ફગાવી છે. એટલે અત્યાર સુધીની તપાસ અને ચાર્જશીટમાં સામે આવેલા આરોપો અંગે જામીનના તબક્કે કોર્ટે એટલું સ્પષ્ટ માન્યું છે કે આરોપી વિરુદ્ધ ગંભીર પ્રથમદર્શી સામગ્રી છે અને UAPAની કલમ 43D(5)નાં માપદંડો હેઠળ તેને જામીન આપવાનો આધાર બનતો નથી અથવા તો જામીન આપી શકાય તેમ નથી.
કોર્ટનો આ ચુકાદો એટલા માટે મહત્વનો છે કે સૈયદ તરફથી કરવામાં આવેલા બચાવમાં રાઈસિનની જાણકારી ન હોવા, હથિયારો અંગે અજાણ હોવા અને ‘પાક માર્ગ’ તથા ‘માનવતા માટે સારું કામ’ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ સામે રહેલી સામગ્રી, જેમ કે લાઇસન્સ વગરની લેબોરેટરી, રાઈસિન સાથે જોડાયેલી તૈયારી, હથિયારો અને જીવતા કારતૂસ, હેન્ડલર સાથેનો સંપર્ક, મજહબી હેતુ માટે મદદ કરવાની સંમતિ અને શપથ સહિતની બાબતોને એકસાથે જોતા આ બચાવ પ્રથમદર્શી રીતે સ્વીકારવા યોગ્ય ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
હાલ આતંકી સૈયદ સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેની જામીન અરજી NIA કોર્ટ દ્વારા નામંજૂર થઈ ચૂકી છે. કેસની ટ્રાયલ હાલ કોર્ટમાં છે.


