‘ખેડૂત યુનિયન’ના નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવી ગયા છે. મોરબીમાં ખેડૂતોની સભા સંબોધવા આવ્યા હતા. મુદ્દો હતો ખેડૂતોની જમીન પરથી પસાર થતી વીજલાઈન અને તેના માટે મળતા વળતરનો. ખેડૂતો વધુ વળતરની માગણી કરી રહ્યા છે અને આ મુદ્દે આંદોલન પણ ચાલી રહ્યું છે. સરકાર સાથે વાતચીત થઈ રહી છે, સરકાર તરફથી નવી વળતર નીતિ પણ લાવવામાં આવી છે અને ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈને જૂની જંત્રી આધારિત વ્યવસ્થાની જગ્યાએ પ્રવર્તમાન બજાર કિંમતના બે ગણા સુધી વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે માર્કેટ રેટ કમિટી બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
એટલે વાત એવી નથી કે ખેડૂતોનો પ્રશ્ન છે અને સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે. ખેડૂતોની કેટલીક માગણીઓ અંગે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ખેંચતાણ છે, અસહમતિ છે, વધુ વળતરની માગણી છે અને વાતચીતનો રસ્તો ખુલ્લો છે. લોકશાહીમાં આ બધું થતું રહે છે. ખેડૂતો (કે કોઈ પણ વર્ગ) સરકાર સામે પોતાની વાત મૂકે, વધુ વળતર માગે, રસ્તા પર ઉતરે, સરકાર પર દબાણ કરે, આ બધું સમજાય તેવી બાબતો છે.
પણ પછી મોરબીમાં રાકેશ ટિકૈત આવે છે અને એવી-એવી વાતો કરીને જાય છે કે આખો મામલો જ બદલાઈ જાય છે.
ખેડૂતોના વળતરના પ્રશ્નના દાવા સાથે આવેલા ટિકૈત કહે છે કે ગુજરાતને ‘તાનાશાહી સરકાર’થી મુક્ત કરવાનું છે. તેઓ કહે છે કે ટ્રેક્ટર લઈને નીકળી પડો પછી બેરિકેડ-ડિવાઈડર બધું ઉછળતું જશે. 8 ઑગસ્ટે ભારત છોડો આંદોલન થયું હતું, હવે ‘આઝાદ ગુજરાત’ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘બેલગામ બાદશાહ’ જેવા શબ્દો વાપરે છે. ગુજરાતના લોકો ‘બંધનમાં’ છે અને હવે ગુજરાતને ‘મુક્ત’ કરવાનો સમય આવી ગયો છે, એવું કહે છે.
તે સિવાય ભાષણમાં તેઓ ખેડૂતોને એક થઈને સરકારને ઉખાડી ફેંકવાની આડકતરી વાત પણ ઘૂસાડી દે છે. ખેડૂતોના યુવાન પુત્રોને હાથો બનાવીને ટ્રેક્ટર લઈને સરકાર સામે પડવાની વાતો પણ થાય છે અને આ માટે હરિયાણા, યુપીમાં પણ તેના પડઘા પાડવાની વાતો કરવામાં આવે છે. ટિકૈત કહે છે કે જો ગુજરાતમાં ખેડૂતોને એક પણ લાકડી પડી તો તેના પડઘા યુપી, હરિયાણા અને પંજાબમાં પણ જોવા મળશે.
જોકે, સમજવું એ જરૂરી છે કે ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ નથી. સરકાર શાંતિપૂર્ણ રીતે વાતો સાંભળી રહી છે અને રસ્તા પણ શોધી રહી છે.
ટિકૈત વળી દિલ્હીની પણ વાત કરે છે અને 2020-21ના ‘ખેડૂત આંદોલન’ની યાદ અપાવીને ‘અમે તો મન પડે ત્યારે દિલ્હીને ઘેરી લઈએ’ જેવી વાતો સાથે ગુજરાતના ખેડૂતોને આંદોલન તેજ કરવાનો છુપો સંદેશ આપે છે. યુપી, હરિયાણાનો ઉલ્લેખ પણ ગુજરાતમાં અરાજકતા ઊભી કરવાના સ્પષ્ટ રાજકીય એજન્ડા અનુરૂપ હોવાના સંકેત આપે છે.
હવે જરા વિચારીએ. મોરબીમાં ખેડૂતોની જમીન પર વીજલાઈન નાખવા માટે કેટલું વળતર મળવું જોઈએ એ મુદ્દામાં ‘આઝાદ ગુજરાત’ ક્યાંથી આવી ગયું? કારણ કે ટિકૈતે એવું પણ કહ્યું છે કે હવે ‘આઝાદ ગુજરાત’ માટે કામ કરવું જરૂરી છે! અહીંથી જ અસલી એજન્ડા ઘૂસી જાય છે.
કોઈ ખેડૂત નેતા મોરબીમાં આવીને કહે કે ખેડૂતોને તેમની જમીનના યોગ્ય વળતર માટે લડવું જોઈએ, સરકાર સાથે વાતચીત કરવી જોઈએ, વધુ વળતર માટે દબાણ કરવું જોઈએ, આ એક વાત છે. પરંતુ એ જ મંચ પરથી આખા ગુજરાતને ‘બંધનમાં’ બતાવીને ‘આઝાદ ગુજરાત’ બનાવવાની વાત કરવામાં આવે, સરકારને ‘તાનાશાહી’ ગણાવવામાં આવે અને બેરિકેડ-ડિવાઈડર ઉછાળી દેવાની ભાષા બોલાય ત્યારે એ ખેડૂતના વળતરના પ્રશ્નની વાત રહેતી નથી. આ સીધો રાજકીય આંદોલનનો એજન્ડા બની જાય છે.
કદાચ આ જ રાકેશ ટિકૈતની મુલાકાતનો મૂળ હેતુ પણ છે. ખેડૂતોની સમસ્યાનું સમાધાન થાય તેમાં નહીં, પરંતુ ખેડૂતોના અસંતોષને વધુ લાંબા, વધુ ઉગ્ર અને વધુ રાજકીય આંદોલનમાં ફેરવવામાં રસ.
વળતરથી ‘આઝાદ ગુજરાત’ સુધી
રાકેશ ટિકૈત મોરબીમાં ખેડૂતોના પ્રશ્ન માટે આવ્યા હતા કે ગુજરાતમાં આંદોલનની જમીન તૈયાર કરવા આવ્યા હતા એ સમજવા માટે તેમનું ભાષણ જ પૂરતું છે. મોરબીમાં ખેડૂત મહાસભા નામના કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને કહ્યું કે, “તમારી બધાની લડાઈ હવે અમે લડીશું.” તેમણે કહ્યું કે તેઓ વારંવાર ગુજરાત આવશે. આગળ એવું પણ કહ્યું કે બધા આંદોલનકારીઓને જોડવા પડશે, ‘ફૌજ તૈયાર થશે.’ તેમણે દેશમાં ‘વૈચારિક ક્રાંતિ’ની વાત કરી અને કહ્યું કે આવી ફૌજ મળી જાય તો આંદોલન તો થશે જ.
આ બધું સાંભળ્યા પછી પણ જો કોઈને લાગે કે ટિકૈત માત્ર ખેડૂતોના વળતર માટે આવ્યા હતા તો એ વાત સમજવી મુશ્કેલ છે.
કારણ કે ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતથી આવી શકે છે. વળતર ઓછું લાગે તો વધુ વળતર માગી શકાય છે. સરકારની નીતિ ખોટી લાગે તો નીતિ બદલવાની માગણી કરી શકાય છે. કોર્ટનો રસ્તો પણ છે. પરંતુ ‘તાનાશાહી સરકાર’, ‘આઝાદ ગુજરાત’, ‘ફૌજ તૈયાર થશે’ અને ‘બેરિકેડ-ડિવાઈડર ઉછળી જશે’ જેવા શબ્દો કોઈ વળતર નીતિની ચર્ચાનો ભાગ નથી. આ આંદોલનને ઉગ્ર બનાવી અરાજકતા ઊભી કરવાની ભાષા છે. આ ખેડૂતોને ઉશ્કેરીને સરકાર સામે પાડવાનું કામ છે.
અને એમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ટિકૈત પોતે જ પોતાના જૂના મોડેલની વાત કરીને ગયા છે.
‘સરકાર ટ્રેક્ટરથી ડરે છે’: ટિકૈતને 2020-21 યાદ છે, ગુજરાતે પણ યાદ હોવું જોઈએ
ટિકૈતના ભાષણનો સૌથી વિવાદિત ભાગ કદાચ ‘આઝાદ ગુજરાત’ નહીં, પરંતુ તે પહેલાં તેમણે જે રીતે ટ્રેક્ટરને આંદોલનના સાધન તરીકે રજૂ કર્યું તે છે. તેમણે 2020-21ના દિલ્હી આંદોલનનો ઉલ્લેખ કરીને કહ્યું કે ચાર લાખથી વધુ ટ્રેક્ટરો દિલ્હીમાં હતાં અને ‘આ સરકાર માત્ર ટ્રેક્ટરથી ડરે છે.’ તેમણે ખેડૂતોને કહ્યું કે આંદોલન કરવા જાઓ તો ટ્રેક્ટર લઈને જાઓ. પછી ઉમેર્યું કે બેરિકેડ અને ડિવાઈડર કંઈ દેખાશે નહીં, બધું ઉછળતું જશે.
આ કોઈ સંયોગ નથી. રાકેશ ટિકૈત માટે ટ્રેક્ટર માત્ર ખેડૂતનું વાહન નથી, તે રાજકીય દબાણ ઊભું કરવાનું સાધન છે.
2020-21ના ખેડૂત આંદોલન વખતે દિલ્હીની સરહદો પર મહિનાઓ સુધી રસ્તાઓ રોકાયા હતા. 26 જાન્યુઆરી 2021ની ટ્રેક્ટર માર્ચ દરમિયાન સ્થિતિ હિંસક બની હતી, પોલીસ સાથે અથડામણ થઈ હતી અને ટોળું લાલ કિલ્લા સુધી પહોંચી ગયું હતું. લાલ કિલ્લાની પ્રાચીર પર જ્યાં વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યાંથી પહેલી વખત રાષ્ટ્રધ્વજ સિવાયનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.
આખરે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા અને આંદોલન સમાપ્ત થયું. પરંતુ તે સમગ્ર પ્રકરણમાં ખેડૂત હિતના નામે ઊભા થયેલા આંદોલનની એક મોટી કિંમત પણ દેશે જોઈ, રસ્તાઓના લાંબા સમયના અવરોધથી લઈને 26 જાન્યુઆરીની હિંસા સુધી અને અંતે સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોને જ થયું.
આજે એ જ રાકેશ ટિકૈત ગુજરાતમાં આવીને ફરી કહે છે કે ટ્રેક્ટર લઈને આવો, સરકાર ટ્રેક્ટરથી ડરે છે અને બેરિકેડ-ડિવાઈડર ઉછળી જશે. તો ગુજરાતે પૂછવું જ જોઈએ કે આ કઈ પ્રકારની ખેડૂતની લડાઈ છે? ખેડૂતના હક માટેની લડાઈ અને સરકારને રસ્તા પર શક્તિપ્રદર્શનથી ઝૂકાવવાની લડાઈ વચ્ચે મોટો તફાવત છે. એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. બીજી અરાજકતાને આમંત્રણ આપે છે.
AAP-કોંગ્રેસની રાજનીતિ જ્યાં અટકી, ત્યાં આંદોલનજીવીઓની એન્ટ્રી
આ આખી વાતને સમજવા માટે મોરબીથી થોડું પાછળ જવું પડશે. કારણ કે આ મુદ્દો અચાનક રાકેશ ટિકૈતના આગમનથી રાજકીય બન્યો નથી. ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાતમાં પોતપોતાની રીતે મેદાનમાં ઉતરી ચૂકી છે અને નિષ્ફળ પણ જઈ ચૂકી છે.
અમદાવાદમાં કોંગ્રેસે ખેડૂતોને લઈને કિસાન અધિકાર યાત્રા કાઢી હતી અને તેમાં ટ્રેક્ટરો પણ જોડાયાં હતાં, જોકે સંખ્યા ભેગી ન થઈ એ અલગ બાબત છે. બીજી તરફ AAP પણ ખેડૂતોનાં નામે સતત કાર્યક્રમો કરતી રહી છે. એટલે રાજકીય પક્ષોએ ખેડૂતોના અસંતોષને રાજકીય મુદ્દો બનાવવાનો પોતપોતાનો પ્રયાસ કર્યો છે.
બોટાદમાં તો તેનું વધુ ગંભીર સ્વરૂપ પણ જોવા મળ્યું હતું. ઑક્ટોબર 2025માં AAP દ્વારા આયોજિત કિસાન મહાપંચાયત દરમિયાન હળદડ ગામમાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો થયો, પોલીસકર્મીઓ ઘાયલ થયા અને પોલીસે લાઠીચાર્જ તથા ટિયર ગેસનો ઉપયોગ કર્યો. બાદમાં AAPના નેતાઓની ધરપકડ પણ થઈ હતી.
અર્થાત્, ખેડૂતોના નામે રાજકીય આંદોલન ઊભું કરવાનો પ્રયાસ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. એક જગ્યાએ વાત હિંસા સુધી પહોંચી ગઈ. બીજી જગ્યાએ રાજકીય પક્ષો પોતાનાં બેનર હેઠળ લોકોને રસ્તા પર લાવવાનો પ્રયાસ કરતા રહ્યા. પરંતુ આ બધાથી એવું કોઈ મોટું, સતત અને રાજ્યવ્યાપી આંદોલન ઊભું થયું નથી કે જેના આધારે ગુજરાતના રાજકારણને હલાવી શકાય. ન તો લોકોએ તેમને ગંભીરતાથી લીધા.
ટૂંકમાં જે કામ કોંગ્રેસ અને AAP સીધા રાજકીય બેનર હેઠળ કરી શક્યા નહીં, તે હવે રાકેશ ટિકૈતના ખેડૂત નેતાનાં બેનર હેઠળ કરાવવાનો પ્રયાસ છે. રાજકીય પક્ષો જ્યાં સીધા આગળ આવીને નિષ્ફળ જાય ત્યાં આંદોલનજીવીને આગળ કરવાનો આ બહુ જૂનો રસ્તો છે. પક્ષ પાછળ રહે, ખેડૂત આગળ દેખાય અને બહારથી આવેલો આંદોલનકારી તેને રાષ્ટ્રીય સ્તરની લડાઈનું સ્વરૂપ આપે. મોરબીમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે તે કંઈક આવું જ લાગે છે.
2027 સુધી મુદ્દો સળગતો રાખવાનો ખેલ?
ગુજરાતની રાજનીતિમાં 2027 બહુ દૂર નથી. એટલે આગામી એક વર્ષ દરમિયાન જે કોઈ મુદ્દાને સરકારવિરોધી અસંતોષમાં ફેરવી શકાય, તેને જીવંત રાખવાનો પ્રયાસ થવાનો જ છે. ખેડૂતનો મુદ્દો તેના માટે સૌથી સરળ મુદ્દાઓમાંથી એક છે. કારણ કે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા મોટી છે અને જમીન સાથે જોડાયેલો કોઈ પણ પ્રશ્ન ઝડપથી રાજકીય બની શકે છે.
અને એમાં પણ સૌરાષ્ટ્ર. મોરબી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને આસપાસનો વિસ્તાર માત્ર ખેતીની દૃષ્ટિએ જ નહીં, ગુજરાતની ચૂંટણીના રાજકારણની દૃષ્ટિએ પણ મહત્વનો છે. ખેડૂતોનો અસંતોષ અહીં રાજકીય અસર પેદા કરી શકે છે. એટલે એક સ્થાનિક પ્રશ્નને અહીંથી મોટો બનાવવાનો પ્રયાસ થાય તો તેમાં રાજકીય ગણિત છે.
ટિકૈતના શબ્દો પણ આ જ દિશા બતાવે છે. તેઓ કહે છે કે, “બધા આંદોલનકારીઓને જોડવા પડશે.” તેઓ કહે છે કે, “ફૌજ તૈયાર થશે.” તેઓ કહે છે કે, “વૈચારિક ક્રાંતિ” થશે. તેઓ કહે છે કે તેઓ વારંવાર ગુજરાત આવશે. એટલે વાત માત્ર મોરબીની નથી. મોરબી તો શરૂઆતનું મેદાન છે. મુદ્દો હવે એ છે કે ખેડૂતનાં નામે સળગાવેલું આ આંદોલન હવે કેટલું મોટું થઈ શકે.
અને જો તેને 2027 સુધી ખેંચી શકાય તો એ જ આંદોલન રાજકીય પક્ષો માટે ચૂંટણીનું હથિયાર બની શકે. અમે પહેલાં પણ કહી ચૂક્યા હતા કે આ મુદ્દો 2027 સુધી ખેંચવામાં આવશે.
ખેડૂતોને પોતાના હક માટે લડવું છે કે કોઈની ‘ફૌજ’ બનવું છે?
ગુજરાતના ખેડૂતો કોઈ રાજકીય પક્ષની મિલકત નથી અને રાકેશ ટિકૈતની પણ નહીં. તેઓ પોતાના ખેતરમાં મહેનત કરતા લોકો છે. તેમના ખેતરમાં વીજળીનો ટાવર આવે છે તો યોગ્ય વળતર મળવું જોઈએ, તેમની જમીનને નુકસાન થાય છે તો તેનું યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ. આમાં કોઈ બેમત નથી.
પરંતુ ખેડૂતની આ ન્યાયસંગત માગણીને લઈને ગુજરાતને ‘તાનાશાહી’માંથી મુક્ત કરવાની વાત કરવી, ગુજરાતના લોકોને ‘બંધનમાં’ બતાવવા, ટ્રેક્ટરથી સરકારને ડરાવવાની વાત કરવી, બેરિકેડ-ડિવાઈડર ઉછાળી દેવાની ભાષા બોલવી અને અલગ-અલગ આંદોલનકારીઓને ભેગા કરીને ‘ફૌજ’ તૈયાર કરવાની વાત કરવી, આ બધું એક જ દિશામાં ઈશારો કરે છે.
મુદ્દો હવે વળતરનો નથી. મુદ્દો એ છે કે ખેડૂતોના અસંતોષને કોણ, કઈ દિશામાં અને કયા હેતુ માટે લઈ જઈ રહ્યું છે. 2020-21માં દેશે આંદોલનના નામે રસ્તાઓ રોકાતા જોયા, બેરિકેડ તૂટતા જોયા, ટ્રેક્ટરો રાજધાનીમાં ઘૂસતાં જોયાં અને અંતે લાલ કિલ્લા પર જે બન્યું તે પણ જોયું. આજે એ જ મોડલનો એક ભાગ ગુજરાતમાં આયાત કરવાની વાત ખુદ તેનો મુખ્ય ચહેરો કરી રહ્યો છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે દિલ્હી નહીં, ગુજરાત નિશાન પર છે.
અને એટલે રાકેશ ટિકૈતના મોરબીના ભાષણને માત્ર એક ખેડૂત સભાનું ભાષણ માનીને ભૂલી જવું ગુજરાત માટે મોટી ભૂલ હશે. કારણ કે તેણે પોતે જ કહી દીધું છે કે તે વારંવાર આવશે, લડાઈ તે લડશે, આંદોલનકારીઓની ‘ફૌજ’ તૈયાર થશે અને ‘વૈચારિક ક્રાંતિ’ થશે.
ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ વાટાઘાટોથી આવે છે, બેરિકેડ ઉછાળવાથી નહીં. સરકારની નીતિ બદલાવવા માટે લોકશાહી દબાણ થઈ શકે છે, પરંતુ આખા રાજ્યને ‘તાનાશાહી’ના બંધનમાં બતાવીને ‘આઝાદ ગુજરાત’ની વાત કરવી એ ખેડૂતના હકની લડાઈ નથી. તે ગુજરાતમાં એક મોટું રાજકીય આંદોલન ઊભું કરવાની તૈયારી છે.
અને આ વખતે ખેડૂતોને માત્ર એટલું જ નક્કી કરવાનું છે કે તેઓ પોતાના હક માટે લડવા માગે છે કે પછી કોઈ બહારથી આવેલી રાજકીય ‘ફૌજ’નો ભાગ બનવા.


