મહિલા રેસલરોના યૌન શોષણના આરોપોના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ દોષમુક્ત, કોર્ટે બંધ કર્યો કેસ

મહિલા રેસલરોએ લગાવેલા યૌન શોષણના આરોપોના કેસમાં પૂર્વ ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના (WFI) પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંઘને દિલ્હીની કોર્ટે દોષમુક્ત કર્યા છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સોમવારે (3 ઑગસ્ટ) ચુકાદો પસાર કર્યો હતો. બ્રિજભૂષણ સિંઘ સાથે સહ-આરોપી વિનોદ તોમરને પણ દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે.

હાલ વિગતવાર આદેશની રાહ જોવામાં આવી રહી છે.

કેસની વિગતો એવી છે કે વર્ષ 2023માં અમુક મહિલા રેસલરોએ WFIના તત્કાલીન અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. આ મામલે પછીથી રેસલરોની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે સાંસદ અને અન્ય આરોપી વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

જૂન 2023માં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં IPC 354 (મહિલાનું અપમાન), 354A (અશ્લીલ ટિપ્પણીઓ), 354D (સ્ટૉકિંગ) અને 506(1) (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા.

આખરે 10 મે, 2024ના રોજ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી અને કોર્ટે IPC 354 અને 354A હેઠળ ચાર્જ ફ્રેમ કર્યા હતા. વિનોદ તોમર, જેઓ WFIના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી હતા, તેમની ઉપર એક પીડિતને ધાકધમકી આપવાનો આરોપ લાગ્યો હતો.

બે વર્ષ ચાલેલી ટ્રાયલ બાદ આખરે કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંઘને દોષમુક્ત કર્યા છે અને કેસ બંધ કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે એક સગીર રેસલરે પણ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. પરંતુ પછીથી તેણે પોતાની ફરિયાદ પરત લઈ લીધી હતી. જેના કારણે દિલ્હી પોલીસે કેન્સલેશન રિપોર્ટ દાખલ કરીને પોક્સો કેસ બંધ કરવા માટે અરજી કરી હતી. પછીથી કોર્ટે આ કેસ બંધ કર્યો હતો. જે બાકીના રેસલરોના કેસ ચાલી રહ્યા હતા તેમાં પણ હવે પૂર્વ સાંસદને રાહત મળી છે.

કેસનો ચુકાદો આવ્યા બાદ બ્રિજભૂષણ શરણ સિંઘે કહ્યું, “કોર્ટે અમને સહસન્માન દોષમુક્ત ઠેરવ્યા છે. પહેલા દિવસથી મેં કહ્યું છે કે મારી વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થાય તો હું પોતે ફાંસી માટે તૈયાર છું. પણ આજે કોર્ટે મને દોષમુક્ત કર્યો છે. મારા માટે અને સમર્થકો માટે આ આનંદની વાત છે. ઈશ્વર હંમેશા સાથે રહે છે.” જોકે જેમણે આરોપ લગાવ્યા હતા તેમના વિશે ટિપ્પણી કરવાની તેમણે ના પાડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ જ મામલે દિલ્હીમાં જંતર-મંતર પર રેસલરોએ દિવસો સુધી પ્રદર્શન પણ કર્યું હતું અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારબાદ કાર્યવાહી થઈ અને મામલો કોર્ટમાં પહોંચ્યો, જેનો ચુકાદો આવ્યો છે.