
ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની સમાપન વિધિ સાથે રવિવારે (2 ઑગસ્ટ) પૂર્ણ થઈ હતી. સમાપન સમારોહ દરમિયાન સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સની બેટન અને ધ્વજ ભારતને સોંપ્યાં હતાં. હવે કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી આવૃત્તિ વર્ષ 2030માં અમદાવાદમાં યોજાશે.
બેટન હસ્તાંતરણ સમારોહમાં ભારત તરફથી ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાં (IOA) અધ્યક્ષ પીટી ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. સ્કોટિશ પ્રતિનિધિઓએ તેમને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન સોંપ્યાં હતાં.
સમાપન સમારોહમાં શરૂઆતમાં સ્કોટલેન્ડની સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પરંપરાઓને દર્શાવતી વિશેષ રજૂઆતો કરવામાં આવી હતી. ઇન્ડો-સ્કોટિશ ‘જુગલબંધી’ સમારોહનું મુખ્ય આકર્ષણ રહી હતી, જેમાં બંને દેશોના કલાકારો અને સંગીતકારોએ સંયુક્ત પ્રસ્તુતિ આપી હતી.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 39 ચંદ્રકો જીત્યાં હતાં. ભારતના ખાતામાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો આવ્યાં હતાં, જેના આધારે ભારત ચંદ્રક કોષ્ટકમાં ચોથા સ્થાને રહ્યું હતું.
અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાવા સાથે ભારત બીજી વખત આ સ્પર્ધાનું આયોજન કરશે. અગાઉ વર્ષ 2010માં નવી દિલ્હીએ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ સાથે ભારત, ઑસ્ટ્રેલિયા બાદ કોમનવેલ્થ ગેમ્સનું એકથી વધુ વખત આયોજન કરનાર વિશ્વનો બીજો દેશ બનશે.

