હિંદુ-બૌદ્ધ સંસ્કૃતિના સંગમ ગણાતા નેપાળના તરાઈ વિસ્તારમાં અચાનક સાંપ્રદાયિક હિંસાનો માહોલ ભડકી ઊઠ્યો છે. ભારતની સરહદને અડીને આવેલા નેપાળના સુનસરી જિલ્લામાં કાવડયાત્રા દરમિયાન હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 4 હિંદુઓનાં મોત થયાં છે અને 25થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે સુનસરી, સપ્તરી, ધનુષા અને સિરાહા સહિત દક્ષિણ નેપાળના 6 શહેરોમાં અનિશ્ચિતકાલીન કરફ્યુ લાદવાની નોબત આવી છે.
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અચાનક એવું શું બન્યું કે સરહદી વિસ્તારોમાં હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી? આ હિંસાનું મૂળ 26 જુલાઈના રોજની એક ઘટનામાં છે. મુહર્રમ અને કાવડયાત્રાના આયોજન માટે ઉપયોગમાં લેવાતા એક સામાન્ય જાહેર મેદાનમાં કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ લીલો મજહબી ઝંડો લગાવી દીધો હતો. સ્થાનિક હિંદુઓ અને કાવડિયાઓએ આ સામે વિરોધ નોંધાવ્યો અને ઝંડો હટાવવા વિનંતી કરી, પરંતુ કટ્ટરપંથીઓએ તે હટાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ વિવાદ હજુ શમ્યો ન હતો ત્યાં જ કાવડયાત્રા પર હુમલો થઈ ગયો.
કાવડયાત્રા દરમિયાન હુમલો થયો
જે દિવસે કાવડયાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ડીજે અને સ્પીકરના અવાજને નામે મુસ્લિમ ટોળાંએ યાત્રા પર પથ્થરમારો અને હુમલો શરૂ કરી દીધો. અચાનક થયેલા આ આક્રમણથી ભયનો માહોલ સર્જાયો. સ્થિતિને કાબૂમાં લેવા માટે જ્યારે પોલીસ કાફલો પહોંચ્યો ત્યારે તેમણે સ્થિતિ વધુ બેકાબૂ બનતાં ગોળીબાર કર્યો. આ હિંસા અને ત્યારબાદ થયેલા પોલીસ ફાયરિંગમાં ઓમ પ્રકાશ મહેતા, જય પ્રકાશ મહેતા અને ગણેશ યાદવ સહિત 4 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે અનેક સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
કાવડયાત્રા પર થયેલા આ હુમલાના સમાચાર વાયુવેગે સમગ્ર મધેશ અને તરાઈ વિસ્તારમાં પ્રસરી ગયા. હિંદુ સમુદાયમાં ભારે રોષ વ્યાપી ગયો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શનો વધતાં નેપાળ સરકારે સ્થિતિ સંભાળવા માટે સશસ્ત્ર પોલીસ દળ (APF) અને સેનાના જવાનોને તહેનાત કરવા પડ્યા. તણાવને જોતાં ભારત-નેપાળ સરહદ પર પણ ચેકિંગ સઘન બનાવી દેવાયું છે અને સરહદ પારથી આવતા લોકો માટે ઓળખપત્ર ફરજિયાત કરી દેવાયા છે.
બાલેન શાહ સરકાર બેકફૂટ પર
આ ઘટના બાદ નેપાળની બાલેન શાહ સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ હોવાનું કહેવાય રહ્યું છે. નેપાળના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન બાલેન શાહ અને ગૃહમંત્રી સુદન ગુરુંગે હિંસાના પ્રારંભિક દિવસોમાં કોઈ યોગ્ય રાજકીય પહેલ કરી નહોતી. વડા પ્રધાને ઘટનાના ચાર દિવસ પછી સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક તો છેક પાંચમા દિવસે બોલાવવામાં આવી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો અને સમુદાયના અગ્રણીઓ સાથે સમયસર સંવાદ ન થવાને કારણે આ તણાવ વધુ વકર્યો. પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ અને માનવાધિકાર કાર્યકરોએ પણ સરકારના નિષ્ક્રિય વલણની સખત ટીકા કરી છે અને હિંસા રોકવામાં સરકારના પ્રયાસોને સાવ અધૂરા ગણાવ્યા છે.
બીજી તરફ વડા પ્રધાન બાલેન શાહે દેશજોગ સંદેશમાં આ હિંસા અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.
જોકે, સ્થાનિક હિંદુ સંગઠનો અને નાગરિકો સરકારની માત્ર શાંતિ અપીલથી સંતુષ્ટ નથી. તેમનો આક્રોશ છે કે આ હુમલો અચાનક થયેલી તકરાર નહોતી પરંતુ આયોજનબદ્ધ કાવતરું હતું. હિંદુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે હિંસામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ‘શહીદ’નો દરજ્જો આપવામાં આવે અને હુમલાખોરો તેમજ કટ્ટરપંથી તત્વો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે.
દેવાનગંજ ગાઉંપાલિકાએ (સ્થાનિક સંસ્થા) પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા બે લોકોને સ્થાનિક સ્તરે ‘શહીદ’ જાહેર કર્યા છે, તેમજ નેપાળ સરકાર સમક્ષ તેમને સત્તાવાર રીતે શહીદનો દરજ્જો આપવાની ભલામણ પણ કરી છે. આ સાથે જ બંને પીડિત પરિવારોને 10-10 લાખ નેપાળી રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગંભીર રીતે ઘવાયેલા લોકોને 2 લાખ અને અન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર નેપાળી રૂપિયા આપવાની પણ જાહેરાત કરાઈ છે. આ હિંસામાં થયેલા સંપત્તિના નુકસાનનો અંદાજ લગાવીને સરકાર પાસે યોગ્ય વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે.
શું હિંસાનું કારણ માત્ર ડીજે પર વાગેલ ગીતો?
હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ હિંસા માત્ર ડીજે કે ઝંડા સુધી જ મર્યાદિત હતી? જિયોપોલિટિકલ અને સામાજિક વિશ્લેષકોના મતે આ હિંસા પાછળનું મૂળ કારણ નેપાળના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી બદલાયેલી ‘ડેમોગ્રાફી’ છે. ભારતની ઉત્તર પ્રદેશ અને બિહાર સરહદને અડીને આવેલા નેપાળના જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી પાણીના પોરાની જેમ વધી રહી છે.
આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા દસ-પંદર વર્ષોમાં નેપાળના તરાઈ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી 12-13 લાખથી વધીને આશરે 40 લાખથી વધુ થઈ ગઈ છે, જે નેપાળની કુલ વસ્તીના 5%થી પણ વધી ગઈ છે. એક સમયે જે ગામડાઓમાં હિંદુ વસ્તી 70%થી વધુ હતી, ત્યાં આજે હિંદુઓ ઘટીને 10થી 18% જેટલા લઘુમતી બની ગયા છે. આ વસ્તી પરિવર્તને સ્થાનિક સામાજિક તાણાવાણાને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે.
આ વસ્તી વધારાની સાથે જ ભારત-નેપાળ સીમાથી માત્ર 5થી 20 કિલોમીટરના અંતરમાં ગેરકાયદેસર મદરેસાઓ અને મસ્જિદોનું મોટું નેટવર્ક ઊભું થઈ ગયું છે. એક અહેવાલ મુજબ નેપાળમાં કોઈ અધિકૃત મદરેસા બોર્ડ ન હોવા છતાં આશરે 4,000થી વધુ મદરેસાઓ ચાલી રહી છે, જેમાંથી અડધાથી વધુ માત્ર ભારત સરહદને અડીને આવેલા 110થી વધુ ગામોમાં કેન્દ્રિત છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને ગુપ્તચર સંસ્થાઓના દાવા મુજબ આ મદરેસાઓ અને સંસ્થાઓને પાકિસ્તાન તેમજ મધ્ય-પૂર્વના દેશોમાંથી ‘હવાલા’ મારફતે અને કટ્ટરપંથી સંગઠનો દ્વારા કરોડો રૂપિયાનું ફંડિંગ મળી રહ્યું છે. આ નાણાંનો ઉપયોગ સીમાવર્તી વિસ્તારોમાં જમીનો ખરીદવા, ધર્માંતરણ પ્રોત્સાહિત કરવા અને હિંદુ બહુલ વિસ્તારોને મુસ્લિમ બહુલ બનાવવામાં થઈ રહ્યો છે.
નેપાળના સશસ્ત્ર પોલીસ દળે (APF) આ ખતરાને 3 વર્ષ પહેલાં જ ઓળખી લીધો હતો. APFએ સરકારને સુપ્રત કરેલા એક ગોપનીય રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તરાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ફંડિંગથી કટ્ટરવાદ વધી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે નાના-નાના વિવાદો ભવિષ્યમાં મોટા કોમી રમખાણોનું રૂપ ધારણ કરી શકે છે. પરંતુ અફસોસની વાત એ છે કે તત્કાલીન રાજકીય નેતૃત્વએ વોટબેન્કની રાજનીતિ હેઠળ આ ચેતવણીઓને નજરઅંદાજ કરી દીધી.
આ પરિસ્થિતિ માત્ર નેપાળ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અત્યંત ચિંતાજનક છે. ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી સરહદ છે, જ્યાં વિઝા વિના મુક્ત અવરજવર શક્ય છે. જો નેપાળના સરહદી ગામોમાં કટ્ટરપંથી આકાઓ મજબૂત બનશે તો તેનો સીધો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી અને અસ્થિરતા ફેલાવવા માટે થઈ શકે છે.
નેપાળમાં સપ્ટેમ્બર 2025ના રાજકીય અસંતોષ અને ત્યારબાદ બદલાયેલા માહોલમાં કટ્ટરપંથી તત્વોને વધુ મોકળું મેદાન મળી ગયું છે. કાવડયાત્રા પર થયેલો આ હુમલો એ વાતની સાબિતી છે કે જો સરહદી વિસ્તારોમાં ગેરકાયદે મદરેસાઓ, વિદેશી ફંડિંગ અને ડેમોગ્રાફિક ચેન્જ પર લગામ લગાવવામાં નહીં આવે તો હિંદુ રાષ્ટ્રમાંથી બિનસાંપ્રદાયિક બનેલું નેપાળ આવનારા દિવસોમાં વધુ મોટા મજહબી અને સામાજિક સંઘર્ષોનું કેન્દ્ર બની શકે છે.


