કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવા બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓએ 20મી જુલાઈએ પરવાનગી વગર સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો અને દિલ્હી પોલીસે અટકાવ્યા ત્યારે ઉપદ્રવ મચાવ્યો. પોલીસ અને સુરક્ષાબળો પર પથ્થરમારો થયો, તોડફોડ કરવામાં આવી. પોલીસે બળપ્રયોગ કર્યો ત્યારે કાર્યવાહીના વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ સરકાર સાથે વાતચીત શરૂ કરી અને આ દરમ્યાન અમુક માગણીઓ કરી.
CJPના કોકરોચોની એક મુખ્ય માંગણી એ પણ હતી કે આંદોલનમાં સામેલ કોઈ પણ પ્રદર્શનકારી સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે. આમાં એવા લોકો પણ સામેલ હતા જેમણે પોલીસ પર હુમલો કર્યો, હોબાળો મચાવ્યો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ માંગણીનો સ્પષ્ટ હેતુ હિંસાથી સરકાર પર દબાણ લાવનારા લોકોને કાયદાકીય કાર્યવાહીથી બચાવવાનો હતો. પ્રદર્શન દરમિયાન એવી સ્થિતિ ઊભી થઈ હતી કે સુરક્ષા દળોએ બળપ્રયોગ કરવો પડ્યો હતો, જ્યારે દિલ્હી પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે ભીડમાં સામેલ ઘણા લોકો સામે પહેલાથી જ ગુનાહિત કેસો નોંધાયેલા હતા.
કેન્દ્ર સરકારે આ માંગણી પણ સ્વીકારી લીધી. સરકારના આ નિર્ણયથી કાયદાનું પાલન કરનારા સામાન્ય નાગરિકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. શું સરકાર પર દબાણ લાવીને અસામાજિક તત્વો પોતાની માંગણીઓ મનાવી શકે છે? શું જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને હિંસા કરનારા આરોપીઓને કોઈપણ કાયદાકીય કાર્યવાહી વગર છોડી મૂકી શકાય? કાયદાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો, શું સરકાર એવા કેસોની તપાસ અને કાયદાકીય પ્રક્રિયાને રોકી શકે છે જેમાં કાર્યવાહી પહેલાથી જ શરૂ થઈ ચૂકી છે? શું સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા બગડનાર આરોપીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવાનો અધિકાર છે?
કાયદાની જોગવાઈઓના આધારે આ સવાલોના જવાબો સમજીએ.
ગુનો માત્ર વ્યક્તિ સામે નહીં, પણ રાજ્ય સામે પણ ગણાય છે
ફોજદારી કાયદામાં (Criminal Law) કોઈ પણ ગુનાને માત્ર એક વ્યક્તિ સામે થયેલું કૃત્ય માનવામાં નથી આવતું પરંતુ તેને સમગ્ર સમાજ અને રાજ્ય સામેનો ગુનો ગણવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે આરોપી સામે કેસ ચલાવવાની જવાબદારી રાજ્યની હોય છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ પીડિતના અધિકારોનું રક્ષણ કરવાનો અને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે. આ જ સિદ્ધાંત હેઠળ એક નિયમ એ પણ છે કે એકવાર કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ જાય પછી તેને અદાલતની મંજૂરી વગર વચ્ચેથી રોકી શકાતી નથી.
કોઈ ગુનાના સંદર્ભમાં FIR નોંધાવવી એ કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાનું એક મહત્વપૂર્ણ ચરણ છે. એકવાર FIR નોંધાઈ ગયા પછી તેને સરકાર પોતાના સ્તરે રદ પણ ન કરી શકે અને પાછી પણ ન ખેંચી શકે. તેના માટે અદાલતની મંજૂરી જરૂરી હોય છે. આ વ્યવસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પ્રભાવશાળી કે શક્તિશાળી આરોપીના દબાણમાં આવીને પીડિત કાયદાકીય કાર્યવાહીમાંથી પીછેહઠ કરવા મજબૂર ન થાય.
આ કેસમાં પણ ભલે સરકારે હિંસાના આરોપોનો સામનો કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવાનું આશ્વાસન આપ્યું હોય પરંતુ સરકાર પાસે સીધી રીતે આવું કરવાની સંપૂર્ણ સત્તા નથી. જોકે, કાયદામાં કેટલીક એવી જોગવાઈઓ ચોક્કસ છે કે જેના હેઠળ FIR પાછી ખેંચવાની કે ગુનાહિત કાર્યવાહી રોકવાની પ્રક્રિયા અપનાવી શકાય છે.
અદાલત બહાર સમાધાનની જોગવાઈ
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023માં કેટલાક ગુનાહિત કેસોને અદાલતની બહાર પરસ્પર સમજૂતીથી પતાવવાની જોગવાઈ છે. જોકે આ સુવિધા માત્ર અમુક પસંદગીના અને ઓછા ગંભીર ગુનાઓ માટે જ ઉપલબ્ધ છે. આવા ગુનાઓને કંપાઉન્ડેબલ (સમજુતીયોગ્ય) ગુના કહેવામાં આવે છે.
BNSની કલમ 359માં કંપાઉન્ડેબલ ગુનાઓની યાદી અને તેની સાથે જોડાયેલી જોગવાઈઓ આપવામાં આવી છે. સામાન્ય મારામારી, છેતરપિંડી, ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, ખોટી રીતે રસ્તો રોકવાના કેટલાક કેસ અને ચોરી જેવા ગુનાઓ આ શ્રેણીમાં આવે છે. જ્યારે હત્યા, દુષ્કર્મ, રમખાણ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ કંપાઉન્ડેબલ નથી હોતા. આમાંથી કેટલાક કિસ્સાઓમાં પક્ષકારો અદાલતની પરવાનગી વગર પણ સમજૂતી કરી શકે છે, જ્યારે કેટલાક કેસોમાં અદાલતની મંજૂરી જરૂરી હોય છે.
CJPના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના કેસોમાં સરકાર આ કાયદાકીય જોગવાઈનો આશરો લઈ શકે તેમ નથી. તેનું કારણ એ છે કે સુરક્ષાકર્મીઓ પર હુમલો, પથ્થરમારો, પોલીસ વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા આરોપો કંપાઉન્ડેબલ ગુનાઓની શ્રેણીમાં નથી આવતા. તેથી આવા કેસોનો ઉકેલ અદાલત બહાર સમજૂતી કરીને લાવી શકાતો નથી.
FIR રદ કરવા કે પાછી ખેંચવાની વાત
એકવાર FIR નોંધાઈ ગયા પછી સરકાર કે કારોબારી પોતાની મરજીથી તેને પાછી ખેંચી શકતી નથી. જેવી FIR નોંધાય છે કે તરત જ મામલો અદાલતના અધિકારક્ષેત્રમાં જતો રહે છે. ત્યારબાદ સરકાર પોલીસ સ્ટેશનને એવો આદેશ ન આપી શકે કે FIR પાછી ખેંચી લેવામાં આવે કે ન તો સંબંધિત અદાલત/મેજિસ્ટ્રેટને એમ કહી શકે કે તે FIR પર આગળની કાર્યવાહી ન કરે. આ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવી છે જેથી પીડિત વ્યક્તિ અને નબળા પક્ષ પર કોઈ શક્તિશાળી વ્યક્તિની વગ કે દબાણની અસર ન પડે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કાયદો સરકારને FIR પાછી ખેંચવાનો અધિકાર જ આપતો નથી, તો પછી સરકાર એવું વચન કેવી રીતે આપી શકે કે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચી લેવાશે?
વાસ્તવમાં આનો એક બીજો કાયદાકીય રસ્તો હોય છે. પોલીસ પોતાની તપાસ પૂરી કર્યા પછી જો તેને લાગે કે કેસ આગળ ચલાવવા યોગ્ય નથી તો તે અદાલતમાં ક્લોઝર રિપોર્ટ (Closure Report) દાખલ કરી શકે છે. ત્યારબાદ અદાલત તે રિપોર્ટ પર નિર્ણય લે છે. આ પ્રક્રિયા દ્વારા જ આરોપીને રાહત મળી શકે છે, કે તેને દોષમુક્ત કરી શકાય છે, આરોપોમાંથી મુક્ત કરી શકાય છે અથવા કેસ બંધ કરી શકાય છે.
ક્લોઝર રિપોર્ટ
પોલીસ પોતાની તપાસ પૂરી થયા પછી BNSSની કલમ 193 હેઠળ અદાલતમાં ક્લોઝર રિપોર્ટ અથવા ફાઇનલ રિપોર્ટ દાખલ કરે છે. આ રિપોર્ટ ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે પ્રથમ દૃષ્ટિએ પોલીસને એવો કોઈ પુરાવો ન મળે જેનાથી એ સાબિત થઈ શકે કે FIRમાં દર્શાવેલો ગુનો ખરેખર બન્યો છે. અથવા તો પોલીસ આરોપી સુધી પહોંચી શકતી નથી, અથવા તપાસમાં એવું સામે આવે છે કે ફરિયાદ ખોટી હતી.
પરંતુ માત્ર ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દેવાથી મામલો આપોઆપ બંધ થઈ જતો નથી. અંતિમ નિર્ણય અદાલતનો હોય છે. અદાલત એ જુએ છે કે પોલીસની તપાસ યોગ્ય અને પૂરી છે કે નહીં.
જો અદાલત પોલીસની તપાસથી સંતુષ્ટ થઈ જાય તો તે ક્લોઝર રિપોર્ટ સ્વીકારી શકે છે અને કેસ બંધ કરી શકે છે. આવી સ્થિતિમાં FIR રેકોર્ડમાં તો રહે છે પરંતુ તેના પર આગળ કોઈ કાર્યવાહી થતી નથી અને કેસ સમાપ્ત થઈ જાય છે. બીજી તરફ, જો અદાલતને લાગે કે તપાસ અધૂરી છે અથવા પોલીસના તારણો યોગ્ય નથી, તો તે કેસ અંગે ફરીથી અથવા આગળની તપાસ કરવાનો આદેશ આપી શકે છે.
વર્તમાન કેસમાં સરકારના ઈશારે પોલીસ હિંસક પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIRમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ આવું કરવું સરળ નહીં હોય. એનું કારણ એ છે કે આખા દેશે આ પ્રદર્શનોને હિંસક બનતાં જોયાં હતાં અને ઘણી ઘટનાઓ લોકોના મોબાઈલ કેમેરા તથા CCTV કેમેરામાં રેકોર્ડ પણ થઈ છે. આવી સ્થિતિમાં પોલીસ માટે એવું કહેવું મુશ્કેલ બનશે કે કોઈ પુરાવો મળ્યો નથી. આ સિવાય, છેવટે કેસ બંધ થશે કે નહીં તેનો નિર્ણય સંપૂર્ણપણે અદાલત પર નિર્ભર રહેશે.
કેસ પાછો ખેંચવો
FIR નોંધાયા પછી ગુનાહિત કેસને રોકવાનો બીજો કાયદાકીય રસ્તો પ્રોસિક્યુશન પરત ખેંચવાનો છે. BNSSની કલમ 360 હેઠળ સરકારી વકીલ અદાલત પાસે કેસ પાછો ખેંચવાની પરવાનગી માગી શકે છે. પરંતુ અહીં પણ અંતિમ નિર્ણય અદાલત જ કરે છે.
જ્યારે સરકારી વકીલ અદાલત પાસે આવી પરવાનગી માંગે છે ત્યારે તેણે પહેલાં એ જણાવવું પડે છે કે આ અંગે તેને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદ અદાલત એ વાતની તપાસ કરે છે કે કેસ પાછો ખેંચવાની માંગણી ઈમાનદારીથી કરવામાં આવી છે કે નહીં. આ સાથે અદાલત એ પણ જુએ છે કે આ નિર્ણય ન્યાયના હિતમાં લેવાયો છે કે નહીં, કોઈ રાજકીય દબાણ હેઠળ નથી લેવાયો અને કોઈ પ્રભાવશાળી વ્યક્તિને બચાવવા માટે તો નથી કરવામાં આવી રહ્યો ને!
જો કોર્ટને લાગે કે કેસ પાછો ખેંચવાથી ન્યાયનું હિત જળવાશે તો જ તે તેની પરવાનગી આપે છે.
પરંતુ આ કિસ્સામાં આવું કરવું સરળ નહીં હોય. પ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી ન કરવાનું નિવેદન, આ બંને બાબતો સાર્વજનિક રૂપે સામે આવી ચૂકી હતી. આવી સ્થિતિમાં સરકારી વકીલ માટે અદાલતને એ વિશ્વાસ અપાવવો મુશ્કેલ બનશે કે કેસ પાછો ખેંચવો એ ન્યાયના હિતમાં છે.
આ સિવાય કાયદામાં એક બીજો મહત્વપૂર્ણ પ્રતિબંધ પણ છે. BNSSની કલમ 360 હેઠળ સરકારી વકીલ એવા કેસોમાં કેસ પાછો ખેંચવાની પરવાનગી માગી શકતો નથી, જેમાં કેન્દ્ર સરકારની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. એટલે કે જે FIRમાં એવું નોંધાયું છે કે પ્રદર્શનકારીઓએ સરકારી કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે તેને આ જોગવાઈ હેઠળ પાછી ખેંચી શકાય નહીં.
FIR રદ કરાવવી
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ પાસે એવો વિશેષ અધિકાર હોય છે કે તેઓ જરૂર પડે ત્યારે કોઈ પણ FIR રદ કરી શકે છે. આ અધિકારનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કોર્ટને લાગે કે કાયદાની પ્રક્રિયાનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે અથવા તો ન્યાય સુનિશ્ચિત કરવા માટે આવું કરવું અત્યંત જરૂરી છે.
જોકે અદાલતો આ અધિકારનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત કેસોમાં કરે છે. આવું ત્યારે જ થાય છે જ્યારે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ જાય કે FIR રદ કરવી એ જ ન્યાયના હિતમાં છે અને તેનાથી મામલામાં પૂર્ણ ન્યાય થઈ શકશે.
પરંતુ વર્તમાન કેસમાં આવું થવાની શક્યતા લગભગ નથી. જે પ્રદર્શનકારીઓ પર ખુલ્લેઆમ હિંસા અને તોડફોડ કરવાના આરોપો છે, તેમની સામે નોંધાયેલી FIR રદ કરવી એ ન્યાયના હિતમાં ગણાશે નહીં. તેથી આવા કેસોમાં અદાલતમાંથી FIR રદ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે.
સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ
આ કેસમાં અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે CJPના વિરોધ પ્રદર્શન દરમ્યાન જેમણે કાયદો હાથમાં લીધો છે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોર્ટે વચગાળાના આદેશમાં અત્યાર સુધી નોંધાયેલી FIR મામલે તપાસ ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે, પણ આગામી સુનાવણી સુધી ગુનાહિત ઇતિહાસ ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે કોઈ કડક પગલાં ન લેવા માટે જણાવ્યું છે.
CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસ અને પ્રદર્શનકારીઓ બંને વિરુદ્ધ આરોપો લાગ્યા છે અને બંને આરોપોની સ્વતંત્ર તપાસ થાય એ જરૂરી છે. બીજી તરફ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપીને 18 વર્ષથી નીચેના પ્રદર્શનકારીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા.
જોકે CJPના કોકરોચોને સુપ્રીમ કોર્ટના આ આદેશ સામે પણ વાંધો પડ્યો હતો અને દલીલ કરી હતી કે સરકાર કોર્ટના આદેશનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવા ધારી રહી છે. પરંતુ હકીકત એ છે કે કાયદાનું શાસન ધરાવતા કોઈપણ સભ્ય સમાજમાં એ સ્વીકારી શકાય નહીં કે લોકો પરસ્પર સમજૂતી કે કોઈ રાજકીય વચનના આધારે કાયદામાંથી છટકી જાય. લોકશાહી ત્યારે જ મજબૂત રહે છે, જ્યારે કાયદો બધા માટે સમાન હોય અને કાયદો તોડનાર દરેક વ્યક્તિ–ભલે તે પ્રદર્શનકારી હોય કે સામાન્ય નાગરિક–પોતાના કૃત્યની જવાબદારી સ્વીકારે.


