હોમપેજરાજકારણકોર્ટથી પણ પોતાને સુપ્રીમ સમજતા કોકરોચો

કોર્ટથી પણ પોતાને સુપ્રીમ સમજતા કોકરોચો

કોકરોચ પાર્ટીના બની બેઠેલા નેતાઓ કહી રહ્યા છે કે સરકાર તો ઠીક, જો સુપ્રીમ કોર્ટ પણ તેઓ ધારે છે એનાથી વિપરીત આદેશ આપે તો તેઓ સુપ્રીમ કોર્ટનું પણ નહીં માને.

- Advertisement -

મહિના સુધી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા બેઠેલા અને 20મી જુલાઈએ ‘સંસદ કૂચ’ના નામે ધિંગાણે ચડેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓએ હવે ફરી આંદોલન કરવાની ધમકી આપી છે. કારણ સુપ્રીમ કોર્ટના 28 જુલાઈના એક આદેશને બનાવવામાં આવ્યો અને દલીલ એવી કરવામાં આવી રહી છે કે સરકારે પ્રદર્શનકારીઓ વિરુદ્ધના કેસ પરત લેવાની વાત કરી હતી પણ સુપ્રીમ કોર્ટે FIR પર કાર્યવાહી ચાલુ રાખવા માટે સરકારને અને પોલીસને વ્યવસ્થા કરી આપી છે. એટલે જો આ કેસ પરત ન ખેંચાય તો ફરીથી આંદોલન કરવામાં આવશે.

ટૂંકમાં કોકરોચ પાર્ટીના બની બેઠેલા નેતાઓ કહી રહ્યા છે કે સરકાર તો ઠીક, જો સુપ્રીમ કોર્ટ પણ તેઓ ધારે છે એનાથી વિપરીત આદેશ આપે તો તેઓ સુપ્રીમ કોર્ટનું પણ નહીં માને. કોકરોચ જનતા પાર્ટીનો પ્રવક્તા સૌરવ દાસ X પર લખે છે, ‘ધ કોર્ટ્સ અનઇન્ફોર્મ્ડ ઓર્ડર ઇઝ ધેરફોર હોલ્લી અનએક્સેપ્ટેબલ.’ ગુજરાતીમાં– ‘કોર્ટનો આ અધૂરી જાણકારીભર્યો આદેશ અમને સ્વીકાર્ય નથી.’  

દાસનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશમાં ચોથો નિર્દેશ તેમને મંજૂર નથી, કારણ કે એનાથી સરકારને પ્રદર્શનો મામલે જે FIR નોંધવામાં આવી છે તેમાં તપાસ કરવાનો, કાર્યવાહી કરવાનો અધિકાર મળી જશે. જ્યારે સરકારે તો પ્રદર્શનકારીઓને આશ્વાસન આપ્યું હતું કે તમામ FIR પરત લેવામાં આવશે અને પ્રદર્શનકારીઓને ‘ટાર્ગેટ’ કરવામાં નહીં આવે. કોકરોચ પ્રવક્તાનું કહેવું છે કે આ આદેશની મદદથી કાર્યવાહી ચાલુ રાખવા માટે સરકારને મોકળો માર્ગ મળી રહેશે, જે તેમને મંજૂર નથી.

- Advertisement -

સૌરવે પ્રશ્ન કર્યો કે સરકારે આ આદેશનો કોર્ટમાં વિરોધ કેમ ન કર્યો અને કહ્યું કે આ વિશ્વાસભંગ છે. જેથી સરકારે કોર્ટ સમક્ષ આ બધી શરતો મૂકવી જોઈએ અને અગાઉ જે બાંહેધરી આપી હતી એ મુદ્દે પારદર્શિતા જળવાય રહે એવું કરવું જોઈએ.

આગળ કહ્યું, “જો સરકાર આમ નહીં કરે તો અમે અગાઉ કહ્યું હતું એમ કોકરોચ જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન શરૂ કરશે અને આખા દેશમાં ફરીથી વિરોધ શરૂ થશે.”

આ કોકરોચ પાર્ટી જેના મગજની ઉપજ છે એ પૂર્વ આપિયા અભિજિત દીપકેએ પણ આવી જ ધમકીઓ આપી છે. તે કહે છે કે આટલું લોહી વહેવડાવ્યા પછી પણ સરકારનું મન ન ભરાતું હોય તો અમે ફરીથી રસ્તા પર ઉતરીશું. આગળ એણે કહ્યું, “સરકાર જો ન સુધરે તો અમે ફરીથી આંદોલન કરીશું.”

ફાટીને ધુમાડે ગયેલા આ કોકરોચોની વાત પરથી ઘણું બધું સ્પષ્ટ થાય છે. એક: સરકારે તેમને આંગળી આપી એટલે હવે પહોંચો પકડવા જાય છે. બે: તેમણે પોતાને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે. ત્રણ: તેઓ હવે સરકાર તો ઠીક પણ સુપ્રીમ કોર્ટથી પણ પોતાને સુપ્રીમ સમજવા માંડ્યા છે અને એવી કાલ્પનિક દુનિયામાં રાચે છે કે વિદ્યાર્થીઓના, દેશના યુવાનોના ઠેકેદાર તેઓ પોતે છે અને આ બધા મુદ્દે એ જ થવું જોઈએ જે તેઓ કહે છે. ચાર: જો તેનાથી આમતેમ થયું તો તેઓ કોઈ પણ સંસ્થાની વાત નહીં સાંભળે અને ઉત્પાત મચાવતા રહેશે.

વાત જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશની છે, કોર્ટે બહુ સ્પષ્ટ વાત કહી છે. કોર્ટે કહ્યું કે અમુક આરોપો પ્રદર્શનકારીઓના છે કે તેમની ઉપર પોલીસ અને સુરક્ષાબળોએ બળપ્રયોગ કર્યો. અમુક આરોપો પોલીસ તરફથી છે કે પ્રદર્શનના નામે હિંસા આચરવામાં આવી, રાજધાનીને બાનમાં લેવાનો પ્રયાસ થયો. આ તમામ આરોપોની સ્વતંત્ર તપાસ થાય એ જરૂરી છે. એટલે સુપ્રીમ કોર્ટ આ તપાસ તરફ આગળ વધશે પણ તે પહેલાં સરકારનું, વિવિધ રાજ્યોમાં જ્યાં FIR થઈ છે એ રાજ્યોની સરકારનું શું કહેવું છે એ જાણવું જોઈએ. એટલે કોર્ટે આ તમામ સરકારોને નોટિસ પાઠવી છે.

કોર્ટની કામગીરીથી જેઓ વાકેફ હોય તેમને ખ્યાલ હશે કે આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. તમે અરજી લઈને જાઓ તો કોર્ટ પહેલી જ સુનાવણીએ મેરિટ ચકાસવા બેસતી નથી. કોર્ટ પહેલાં તમામ પક્ષોને ભેગા કરે છે, તેમના મત જાણે છે. મોટેભાગે પહેલી સુનાવણીમાં નોટિસો પાઠવાય છે. બહુ સામાન્ય પ્રક્રિયા છે.

સુપ્રીમ કોર્ટે બીજો નિર્દેશ એ આપ્યો કે આગલી સુનાવણી થાય ત્યાં સુધીમાં તમામ રેકર્સ સાચવવામાં આવે, ડિજિટલ ડેટા સાચવવામાં આવે અને ક્યાંય સાર્વજનિક ન થાય. પ્રદર્શનકારીઓના કોઈ અંગત ડેટા બહાર ન જાય. જેમની સામે FIR થઈ છે તે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હાલ પૂરતાં કોઈ કડક પગલાં ન લેવાય, પણ આમાંથી જેમનો ગુનાહિત ઇતિહાસ છે તેમને બાકાત રાખવામાં આવે અને તમામ રાજ્યો પ્રદર્શન દરમ્યાન પકડાયેલા અઢાર વર્ષથી નીચેનાં બાળકોને છોડી મૂકે.

અર્થાત્ આ શરૂઆતની પ્રક્રિયા છે, વચગાળાનો આદેશ છે. કોર્ટ સ્વતંત્ર તપાસ કરશે, તેમાં જે પરિણામો મળે તેની ચકાસણી કરશે અને ત્યારબાદ નિર્ણયો કરશે. પણ કોકરોચોની ગેંગ એક જ જીદ લઈને પકડી છે, જેટલી FIR થઈ હોય એ તમામ રદ કરવામાં આવે, બીજી કોઈ વાત નહીં!

જો ઉપદ્રવ મચાવનારા ભાજપ-આરએસએસના માણસો હોય તો કાર્યવાહી સામે કોકરોચોને શું વાંધો છે?

મજાની વાત એ છે કે આ જ કોકરોચો અને તેમના નેતાઓ જ્યારે પ્રદર્શન ચાલી રહ્યું હતું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું, પોલીસ પર હુમલા થયા ત્યારે એમ કહીને છટકી ગયા હતા કે જેઓ હિંસા આચરી રહ્યા છે એ બધા પોલીસના માણસો છે, ભાજપના માણસો પ્લાન્ટ કરવામાં આવ્યા છે. તો હવે પ્રશ્ન એ છે કે આ બધા જો ભાજપના અને આરએસએસના જ માણસો હોય તો તેમની સામે ભલે કાર્યવાહી થાય, તેમાં કોકરોચોને, પ્રદર્શનકારીઓને શું લેવાદેવા?

બંનેમાંથી એક જ વાત સાચી હોય શકે. કાં પ્રદર્શનકારીઓમાં જેમણે હિંસા આચરી હોય એ ભાજપના માણસો હોય શકે. એમ હોય તો CJPને તેમની વિરુદ્ધ કાર્યવાહી થાય એનાથી શું વાંધો છે. જો વાંધો હોય તો તેનો અર્થ એ થાય કે વિદ્યાર્થીઓના વેશમાં પ્રદર્શનકારીઓએ જ ઉત્પાત મચાવ્યો હતો અને હવે કાર્યવાહીનો ડર લાગી રહ્યો છે એટલે ધાકધમકી પર ઉતરી આવ્યા છે.

FIR પરત ખેંચવી ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે

વાસ્તવમાં ઉપદ્રવીઓ વિરુદ્ધની FIR પરત ખેંચવાનો ચીલો ચાતરી શકાય એમ નથી. કાલે ઉઠીને કોઈ પણ રાજધાનીને કે બીજા કોઈ શહેરને બાનમાં લઈને, હિંસા આચરીને પોતાની માંગ પૂરી કરાવી લેશે અને કોકરોચોની જેમ એમાં એક શરત ઉમેરી દેશે કે જેમણે હિંસા કરી, તોડફોડ મચાવી, સુરક્ષાબળો પર હુમલા કર્યા તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. FIR કરવામાં ન આવે. થઈ હોય તો પરત ખેંચી લેવામાં આવે. આવું જ ચાલ્યું તો જે બંધારણ લઈને આ ગેંગ ફરે છે તેનું મૂળ માળખું જ ધ્વસ્ત થઈ જાય એમ છે.

આ આખી ચર્ચાનો અર્થ એ થયો કે CJPના માણસો પણ સ્વીકારી રહ્યા છે કે પ્રદર્શનના નામે હિંસા થઈ હતી. જો હિંસા થઈ હોય તો હિંસા આચરનારાઓએ પરિણામો પણ ભોગવવાં પડે છે, કારણ કે કાયદો એવું કહે છે. કાયદો કહે છે કારણ કે બંધારણ પ્રમાણે દેશ ચાલે છે અને આ એ જ બંધારણ છે જેને સાચવવા માટે આ બધા રસ્તા પર ઉતર્યા હોવાની ફાંકા ફોજદારી થોડા દિવસ પહેલાં કરતા હતા!  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં