CJP પ્રદર્શન દરમ્યાન વડા પ્રધાન મોદી વિરુદ્ધની અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે દાખલ કરી FIR, અકાઉન્ટધારકોની વિગતો આપવા આદેશ

જંતર-મંતર પરના કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય બંધારણીય પદ પરની વ્યક્તિઓ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક અને માનહાનિજનક પોસ્ટ્સ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની IFSO યુનિટે ધમકી, જાહેર ઉપદ્રવ અને માનહાનિની કલમો હેઠળ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસે ‘X’ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ આપી વડા પ્રધાનની છબીને નુકસાન પહોંચાડતી તમામ પોસ્ટ્સ અને વિડીયો તુરંત દૂર કરવા આદેશ આપ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી પોસ્ટ્સથી જાહેર વ્યવસ્થા ખોરવાઈ શકે છે. તેથી નોટિસ મળ્યાના 3 કલાકની અંદર સંબંધિત અકાઉન્ટ્સ અને URL બ્લૉક કે ડિલીટ કરવા જણાવવામાં આવ્યું છે.

પોલીસે ‘X’ પ્લેટફોર્મ પાસે વિવાદાસ્પદ સામગ્રી પોસ્ટ કરનારા એકાઉન્ટ ધારકોનું પૂરું નામ, સરનામું, સંપર્ક નંબર, ઇમેઇલ આઇડી અને લોગિન-લોગઆઉટ વિગતો માંગી છે. સાથે જ, ભવિષ્યની કાર્યવાહી માટે ભારતીય સાક્ષ્ય અધિનિયમની (BSA) કલમ 63(4) હેઠળનું પ્રમાણપત્ર અને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા સૂચના આપી છે.

500 અકાઉન્ટ્સ બ્લૉક કરવા આદેશ

સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમે વિરોધ પ્રદર્શન દરમિયાન AI-જનરેટેડ ડીપફેક અને વિવાદાસ્પદ કન્ટેન્ટ શેર કરનારા આશરે 500 અકાઉન્ટ્સ બ્લોક કરવા ભલામણ કરી છે. આ અગાઉ પોલીસે પાકિસ્તાનથી ઑપરેટ થતાં અને પ્રદર્શન વિશે અફવા અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવતાં 480થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ પણ શોધીને બ્લૉક કર્યાં હતાં.

NEET-UG પેપર લીકના મુદ્દે 20 જુલાઈના રોજ ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ મચાવેલા ઉત્પાત અને ઉપદ્રવને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ ઉપદ્રવ મામલે પોલીસે અનેક FIR દાખલ કરી છે. સરકારના આશ્વાસન અને શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ 25 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન સમેટી લીધું હતું.

આ આંદોલન દરમ્યાન અને ત્યારપછી સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ્સ વાયરલ થઈ હતી, જેમાં કોકરોચ પ્રદર્શનકારીઓ વડા પ્રધાન મોદીને મા-બેન સમાણી ગાળો ભાંડતા અને અશ્લીલ પોસ્ટરો લહેરાવતા જોવા મળ્યા હતા. આ મામલે હવે પોલીસે સંજ્ઞાન લીધું છે.