₹10 અને ₹20ની પોલિમર નોટોના ટ્રાયલને કેન્દ્રની મંજૂરી, હાલની કાગળની નોટો પણ યથાવત રહેશે

ભારતમાં પ્લાસ્ટિક જેવી પોલિમર કરન્સી નોટો દાખલ કરવાની પ્રક્રિયા લાંબા સમય પછી ફરી એકવાર શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના (RBI) ₹10 અને ₹20ની કિંમત ધરાવતી 2 અબજ (200 કરોડ) પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ સંબંધિત પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રાયલનો મુખ્ય હેતુ ભારત જેવા વિવિધ આબોહવા ધરાવતા દેશમાં પોલિમર નોટોનું ટકાઉપણું ચકાસવાનો છે.

પોલિમર નોટો પ્લાસ્ટિક કોટેડ નોન-પોરસ મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ નોટો પર ગરમી, ભેજ, ધૂળ અને સતત થતા ઘસારાની અસરો તપાસવામાં આવશે. રિઝર્વ બેન્કની ચલણી નોટો છાપતી સંસ્થા BRBNMPLએ આ ટ્રાયલ માટે 68,000 રીમ ઓપેસિફાઇડ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે ગ્લોટેન્ડર બહાર પાડીને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

હાલની નોટો પણ રહેશે ચાલુ

સરકારે સ્પષ્ટતા કરી છે કે નવી પોલિમર નોટો લાવવાનો અર્થ હાલમાં ચાલી રહેલી કાગળની નોટોને સંપૂર્ણપણે બંધ કરવાનો કે બદલવાનો નથી. આ પોલિમર નોટો ચલણમાં રહેલી કાગળની નોટોની સાથે જ વ્યવહારમાં રહેશે. આ ઉપરાંત આ પગલાંથી દેશની મજબૂત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. સરકારના જણાવ્યા મુજબ રોકડ અને ડિજિટલ પેમેન્ટ એ બંને એકબીજાના પૂરક માધ્યમો છે અને નવી નોટોના ઉપયોગથી ડિજિટલ વ્યવહારો પર પડનારી અસર નિયમિત ધોરણે નોટો છાપ્યા પછી જ જાણી શકાશે.

આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે કાગળની નોટોની સરખામણીમાં પોલિમર નોટોનું આયુષ્ય 2.5થી 4 ગણું વધુ હોય છે. ₹10 અને ₹20 જેવી નાની નોટો લોકોના હાથમાં વધુ ફરતી હોવાથી ઝડપથી ઘસાઈ જાય છે અને ફાટી જાય છે. પોલિમર નોટોના ઉત્પાદનનો શરૂઆતી ખર્ચ કાગળની નોટ કરતાં 20%થી 24% વધુ આવે છે, પરંતુ લાંબાગાળે નોટો વારંવાર બદલવી પડતી ન હોવાથી છાપકામ, પરિવહન અને નાશ કરવાનો પ્રક્રિયાકીય ખર્ચ ઘટે છે, જેનાથી RBIને હજારો કરોડ રૂપિયાની બચત થશે.

પર્યાવરણની દ્રષ્ટિએ પણ લાભદાયી

IMFના એક અહેવાલ અનુસાર પોલિમર નોટો કાગળની નોટોની સરખામણીમાં ગ્લોબલ વૉર્મિંગ પોટેન્શિયલમાં 32% અને પ્રાથમિક ઊર્જા વપરાશમાં 30%નો ઘટાડો કરે છે. આ નોટો હલકી હોવાને કારણે તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બને છે. ઑસ્ટ્રેલિયાએ 1988માં સૌથી પહેલા પોલિમર નોટો શરૂ કરી હતી અને આજે બ્રિટન, કેનેડા, થાઈલેન્ડ અને સિંગાપોર સહિત વિશ્વના 60થી વધુ દેશો પોલિમર નોટોનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં પોલિમર નોટો લાવવાનો વિચાર નવો નથી. આ યોજના સૌપ્રથમ 2012માં દેશના પાંચ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવાની યોજના બની હતી. હવે તેને ફરીથી જીવંત કરવામાં આવી છે. જો આ વખતની આ ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે તો આગામી સમયમાં પોલિમર નોટોનું મોટાપાયે નિયમિત ઉત્પાદન શરૂ કરવામાં આવશે.