ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર સારનાથને UNESCO વર્લ્ડ હેરિટેજનો દરજ્જો, પીએમ મોદીએ ગણાવી ગૌરવની ક્ષણ

ઉત્તર પ્રદેશમાં આવેલા ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથને UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. UNESCOએ 25 જુલાઈએ આ જાહેરાત કરી હતી. આ સાથે સારનાથને વિશ્વસ્તરે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળ તરીકે સત્તાવાર માન્યતા મળી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે સારનાથ ભગવાન બુદ્ધના જ્ઞાન, કરુણા અને સમરસતાના શાશ્વત સંદેશ સાથે જોડાયેલું છે. આ માન્યતા ભારતની ગહન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની ઉજવણી કરે છે તેમજ વિશ્વભરના વધુ લોકોને સારનાથની મુલાકાત લેવા પ્રેરણા આપશે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે પણ આ નિર્ણયને ભારતની સાંસ્કૃતિક વિરાસત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સારનાથ શાંતિ, જ્ઞાન અને કરુણાનું શાશ્વત પ્રતીક છે અને ભારતીય સંસ્કૃતિએ માનવજાતને આપેલા આધ્યાત્મિક તથા દાર્શનિક યોગદાનનું પ્રતિબિંબ છે.