સરકાર અને CJPની ત્રીજા રાઉન્ડની બેઠક સફળ: 49 દિવસ બાદ આંદોલન પરત ખેંચવાની જાહેરાત, તમામ મુદ્દે બની સહમતી

દિલ્હીના જંતર-મંતર પર NEET-UG પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ગડબડી સામે ચાલી રહેલું 49 દિવસનું આંદોલન સમેટાઇ ગયું છે. કેન્દ્ર સરકાર સાથેની ત્રીજા રાઉન્ડની વાટાઘાટો બાદ CJPએ આ વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

25 જુલાઈના રોજ CJPના બે સભ્યોના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંઘ સાથે ત્રીજી મુલાકાત કરી હતી. આ બેઠક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંના થોડા સમય બાદ જ યોજાઈ હતી. સકારાત્મક ચર્ચા બાદ CJPએ આંદોલનકારીઓને તાત્કાલિક શાંતિપૂર્વક ઘરે પરત ફરવાની અપીલ કરી હતી.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ જે. પી નડ્ડા, જિતેન્દ્ર સિંઘે CJPના પ્રતિનિધિઓ સાથે મળીને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. દરમિયાન CJPના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સરકારે તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપી છે. આ માંગણીઓમાં શિક્ષણ મંત્રીનું રાજીનામું, વિરોધ કરનારા વિદ્યાર્થીઓ સામેની તમામ FIR પાછી ખેંચવી અને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાનો સમાવેશ થાય છે.

વળતર અને ભવિષ્યનો રોડમેપ

જે.પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે સરકાર પીડિત પરિવારો પ્રત્યે સંવેદનશીલ છે અને નિયમો મુજબ શક્ય તેટલું મહત્તમ વળતર આપશે. વધુમાં CJPએ શિક્ષણ અને પરીક્ષા સુધારણા માટે 5-પોઇન્ટની માંગણી રજૂ કરી છે, જેના પર આગામી ચાર અઠવાડિયામાં ફરી બેઠક યોજાશે.

બેઠક બાદ મંત્રી નડ્ડાએ ખાતરી આપી હતી કે વિરોધ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. સરકાર ટૂંક સમયમાં પ્રદર્શનકારીઓને FIRની નકલો પૂરી પાડશે અને તમામ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ ઘટનાક્રમ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે છેલ્લા દસ દિવસની ઘટનાઓથી તેઓ દુઃખી હતા અને દેશની એકતાના હિતમાં આ નિર્ણય લીધો છે.

બીજી તરફ વડા પ્રધાન મોદીએ પેપર લીક કરનારાઓ સામે કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે એક ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી છે, જેમાં પેપર લીકમાં સામેલ ગુનેગારો માટે 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.