દક્ષિણ ગુજરાતમાં પૂર વચ્ચે કોસ્ટ ગાર્ડનું મેગા રેસ્ક્યુ ઑપરેશન, 170થી વધુ લોકોને બચાવ્યા: ગર્ભવતી મહિલા સહિત અનેકને એર-લિફ્ટ કરાયાં

દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરા-નગર હવેલીમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી સહિતના જળાશયોમાં પાણીનું સ્તર વધતાં નીચાણવાળાં ગામો, શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. રસ્તાઓ બંધ થઈ જવાથી હજારો લોકો જુદી જુદી જગ્યાએ ફસાઈ જતાં તેમની મદદ માટે તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું હતું.

આ આફતના સમયે ભારતીય કોસ્ટ ગાર્ડે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 22 જુલાઈની મધ્યરાત્રિથી હાથ ધરાયેલા કુલ 11 સફળ ઑપરેશન્સમાં અત્યાર સુધીમાં 170થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અત્યંત ખરાબ હવામાન હોવા છતાં કોસ્ટ ગાર્ડના જવાનોએ પોતાની જાનના જોખમે વિમાન અને બોટની મદદથી સ્થળાંતર કરાવ્યું હતું.

બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને કટોકટીમાં મુકાયેલા અનેક લોકોના જીવ બચાવાયા હતા. નવસારીના મેંદર ગામ અને ગણદેવીના ભાટ ગામ નજીક ઝીંગા તળાવની સાઇટ પર ફસાયેલા 60થી વધુ લોકોને હેલિકોપ્ટરથી એર-લિફ્ટ કરાયા હતા. આ ઉપરાંત અવધ સોસાયટીમાંથી 9 મહિનાની ગર્ભવતી મહિલા અને શ્વાસ તથા છાતીના દુખાવાથી પીડાતા ગંભીર દર્દીઓને પણ તાત્કાલિક એર-લિફ્ટ કરી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

પૂરના કારણે માર્ગ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ જતાં `ઔદ્યોગિક વિસ્તારમાંથી 60 જેટલા કર્મચારીઓ અને લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. આ સિવાય માછીમારો, વાપી-પારડી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નજીકના વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાતોરાત બચાવી લેવાયા હતા. પૂરમાં ફસાયેલી એક બસમાંથી પણ 7 લોકોને કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર અને બોટની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.