ઉત્તરાખંડ પોલીસના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે CJPના મંચ પરથી આપ્યું ‘નકલી’ રાજીનામું, લાંબા સમય સુધી હતો જેલમાં: ગેંગસ્ટર સાથે સાંઠગાંઠ, જમીન પચાવવાના પણ આરોપ

સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉત્તરાખંડ પોલીસનો એક કોન્સ્ટેબલ પોલીસ યુનિફોર્મમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) મંચ પરથી રાજીનામું આપવાનું નાટક કરતો જોવા મળે છે.

મંચ પરથી પોતાને બાગી ગણાવતા કોન્સ્ટેબલ શેર સિંઘે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંઘનું નામ લીધું અને યુનિફોર્મ પરથી બિલ્લા ઉતારીને CJPના સ્થાપક અભિજીત દીપકેને સોંપી દીધા. તેણે સરકાર પર પેપર લીક અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતાં રાજીનામું આપ્યાનો ડ્રામા કર્યો.

જોકે, ઉત્તરાખંડ પોલીસે સમગ્ર ઘટનાક્રમની હકીકત સામે લાવી આ નાટકનો ભાંડો ફોડ્યો છે. કુમાઉં રેન્જના આઈજી નિવેદિતા કુક્રેતીએ શુક્રવારે (24 જુલાઈ) નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે શેર સિંઘ દ્વારા કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શેર સિંઘને રાજીનામું આપવાનો કોઈ અધિકાર જ નહોતો, કારણ કે તે પહેલાંથી જ પોલીસ સેવામાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યો હતો.

આઈજી કુક્રેતીએ જણાવ્યું કે શેર સિંઘ 28 જૂનથી પિથોરાગઢ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી વિના પોતાની ફરજ પરથી ગેરહાજર હતો. આ મામલે એસપી પિથોરાગઢે તેને નોટિસ પણ પાઠવી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતાં 20 જુલાઈએ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કોઈ મંજૂરી વિના જંતર-મંતર પહોંચ્યો અને વિદ્યાર્થીઓને ઉશ્કેરે તેવા નિવેદનો આપવા લાગ્યો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શેર સિંઘનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. તે સ્થાનિક કુખ્યાત ગેંગસ્ટર પ્રવીણ વાલ્મીકિ સાથે મળીને સંગઠિત ગુનાઓને અંજામ આપતો હતો. શેર સિંઘ અને તેના સાથીઓ લોકોમાં ડર ફેલાવી તેમની જમીનો પર ગેરકાયદેસર કબજો કરતા હતા. આ મામલે વર્ષ 2025માં હરિદ્વારમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ હતી, જે બાદ 15 જાન્યુઆરી, 2025ના રોજ તેની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આઈજી કુક્રેતીએ જણાવ્યું કે, “તે ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યો હતો અને હાલ જામીન પર બહાર છે. તેની સામે પોલીસ સેવામાંથી બરતરફ કરવાની વિભાગીય કાર્યવાહી પહેલાંથી જ ચાલી રહી હતી. હવે તેના દ્વારા આપવામાં આવેલા પાયાવિહોણા નિવેદનોને લઈને પણ કડક કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

આ સમગ્ર ખુલાસા બાદ સ્પષ્ટ થયું છે કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કેટલાક લોકો પોતાના કાળા કારનામા છુપાવવા માટે વિરોધ પ્રદર્શનોનો સહારો લઈ રહ્યા છે.