હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભગવાન વિષ્ણુની યોગનિદ્રાથી લઈને ઋષિમુનિઓની પરંપરા સુધી: ચાતુર્માસ શું છે અને સનાતન...

ભગવાન વિષ્ણુની યોગનિદ્રાથી લઈને ઋષિમુનિઓની પરંપરા સુધી: ચાતુર્માસ શું છે અને સનાતન ધર્મમાં તેનું આટલું મહત્વ કેમ છે?

ભગવાન વિષ્ણુની યોગનિદ્રાની પૌરાણિક કથા હોય કે ઋષિમુનિઓની એક સ્થળે નિવાસ કરવાની વ્યાવહારિક પરંપરા, ચાતુર્માસનો મૂળ સંદેશ એક જ છે કે ભાગદોડ ભરેલી જિંદગીમાં થોડો વિરામ લઈ પોતાના મન, વિચાર અને આચરણને વધુ પવિત્ર, સાત્ત્વિક અને ઉન્નત બનાવવાનો પ્રયાસ કરવો.

- Advertisement -

આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં દરેક ઋતુ અને તિથિનું એક અનોખું અને આધ્યાત્મિક મહાત્મ્ય છે. એમાંય જ્યારે વર્ષાઋતુનું આગમન થાય છે ત્યારે એ આપણી સામે લઈને આવે છે એક અત્યંત પવિત્ર અને સાધનામય સમયગાળો- ચાતુર્માસ. ‘ચાતુર્માસ’ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે ચાર મહિનાનો સમયગાળો. જો તમે ભારતીય કે હિંદુ પરિવારમાંથી આવો છો તો ચોમાસાના આ દિવસોમાં ઘરમાં વ્રત-ઉપવાસ, કથા-વાર્તાઓ અને ખાનપાનના નિયમોનું પાલન થતું ચોક્કસ જોયું હશે. આ સમયગાળો માત્ર ધાર્મિક અંધશ્રદ્ધા કે કડક નિયમો નથી, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિનો એક અદભુત સંગમ છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલ છે.

હિંદુ પંચાંગ મુજબ આ ચાર મહિનાનો પવિત્ર ગાળો આષાઢ સુદ અગિયારસ અર્થાત દેવશયની એકાદશીથી શરૂ થઈને કાર્તિક સુદ અગિયારસ એટલે દેવઉઠી કે દેવપ્રબોધિની એકાદશી સુધી ચાલે છે. આ ચાર મહિનામાં મુખ્યત્વે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર યોગનિદ્રામાં પ્રવેશ કરે છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર હોવાથી તેમની યોગનિદ્રા દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ અને મુંડન જેવા માંગલિક કાર્યો વર્જિત મનાય છે.

યોગનિદ્રા પાછળનો આધ્યાત્મિક સંદેશ અને પૌરાણિક કથા

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુના આ ચાર મહિનાના વિશ્રામ પાછળ એક આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. વિષ્ણુનું ‘સૂઈ જવું’ એ સામાન્ય નિંદ્રા નથી પરંતુ મહાયોગનિદ્રાનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી જ્યારે ‘નવ-સૃષ્ટિ’ નિર્માણની પ્રક્રિયામાં વ્યસ્ત થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન પોતાના બાહ્ય કાર્યોમાંથી વિરામ લે છે. આ કાળ આપણને સંદેશ આપે છે કે મનુષ્યે પણ બાહ્ય ભોગવિલાસમાંથી મુક્ત થઈને આંતરિક વિકાસ, આત્મસાધના અને માનસિક શાંતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

- Advertisement -

આ સંદર્ભમાં પદ્મ પુરાણમાં રાજા બલિ અને ભગવાન વામનની એક સુંદર કથા પણ મળે છે. દાનવીર રાજા બલિએ જ્યારે ત્રણેય લોક પર વિજય મેળવ્યો ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કરી ત્રણ પગ જમીન માંગી. બે પગમાં આકાશ અને પૃથ્વી માપી લીધા પછી, ત્રીજો પગ રાજા બલિના મસ્તક પર મૂકી તેમને પાતાળ લોક મોકલી આપ્યા. રાજા બલિની નિશ્ચલ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન માંગવા કહ્યું. બલિએ માંગ્યું કે ભગવાન હંમેશા તેમની સાથે પાતાળમાં રહે.

ભક્તવશ ભગવાને પાતાળમાં વાસ કર્યો, પરંતુ તેનાથી લક્ષ્મીજી અને દેવો ચિંતિત થયા. લક્ષ્મીજીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધી ભાઈ બનાવ્યા અને ભેટમાં ભગવાન વિષ્ણુને માંગ્યા. પરંતુ પોતાના ભક્તનું વચન એળે ન જાય તે માટે ભગવાને વરદાન આપ્યું કે તેઓ દર વર્ષે આષાઢ એકાદશીથી કારતક એકાદશી સુધી પાતાળ લોકમાં રાજા બલિના દ્વારપાળ તરીકે રહેશે અને યોગનિદ્રા લેશે.

શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં ચાતુર્માસનું મહાત્મ્ય

ચાતુર્માસનો ઉલ્લેખ અનેક પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. ખાસ કરીને પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને વિવિધ વૈષ્ણવ પરંપરાના ગ્રંથોમાં આ સમયગાળાના વ્રત, દાન, જપ, પૂજા અને ઉપવાસનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે આ ચાર મહિનામાં કરવામાં આવતા જપ, તપ અને સાત્ત્વિક કાર્યોનું ફળ સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધુ પ્રાપ્ત થાય છે.

ઋષિમુનિઓની પરંપરા અને ચાતુર્માસનો ઇતિહાસ

ચાતુર્માસનો સંબંધ માત્ર ધાર્મિકતા સાથે જ નહીં પરંતુ પ્રાચીન ભારતીય જીવનશૈલી સાથે પણ જોડાયેલો છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ અને સંન્યાસીઓ વર્ષભર ગામડે-ગામડે ભ્રમણ કરતા હતા. પરંતુ ચોમાસામાં અતિશય વરસાદ, નદીઓમાં પૂર અને રસ્તામાં કાદવ-કીચડ હોવાથી લાંબી યાત્રા મુશ્કેલ બની જતી. વધુમાં પૃથ્વી પર જીવજંતુઓનો જન્મ થતો હોવાથી ચાલતી વખતે જીવહિંસા થવાનો ભય રહેતો. તેથી ઋષિમુનિઓ એક જ સ્થળે સ્થિર રહીને ધર્મપ્રવચન, શાસ્ત્રચર્ચા અને સત્સંગ કરતા, જે પરંપરા આજે પણ જીવંત છે.

જૈન ધર્મમાં ચાતુર્માસ અને તપ-સાધના

હિંદુ પરંપરા ઉપરાંત જૈન પરંપરામાં પણચાતુર્માસનું અત્યંત શિરોમાન્ય સ્થાન છે. ચોમાસા દરમિયાન જૈન સાધુ-સાધ્વીજીઓ સતત વિહાર (પ્રવાસ) કરતા નથી, પરંતુ એક જ સ્થાનકે સ્થિર વાસ કરે છે. આ ચાર મહિનામાં તેઓ પ્રવચન, સ્વાધ્યાય, મૌન અને કઠોર તપસ્યામાં સમય વિતાવે છે. જૈન ધર્મનો સૌથી પવિત્ર તહેવાર ‘પરીક્ષણ’ (પર્યુષણ) અને ‘સંવત્સરી’ પણ આ ચાતુર્માસ દરમિયાન જ આવે છે, જેમાં ક્ષમાપના અને આત્મશુદ્ધિને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવે છે.

ચાતુર્માસ દરમિયાન ઉજવાતાં મહાપર્વો

આ ચાર મહિનાને ભારતીય ઉત્સવોની સૌથી સમૃદ્ધ ઋતુ ગણવામાં આવે છે. સાત્ત્વિકતા અને ઉત્સાહ જાળવી રાખવા માટે આ ગાળામાં અનેક મહત્વના પર્વો આવે છે:

  • શ્રાવણ માસ: શિવ ઉપાસના, ગુરુપૂર્ણિમા, નાગપંચમી, શીતળા સાતમ, કૃષ્ણ જન્માષ્ટમી અને રક્ષાબંધન.
  • ભાદરવો માસ: ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, પિતૃપક્ષ (શ્રાદ્ધ) અને નવરાત્રિનો પ્રારંભ.
  • આસો માસ: નવરાત્રિ, વિજયાદશમી (દશેરા), શરદ પૂર્ણિમા, ધનતેરસ અને કાળીચૌદશ.
  • કારતક માસ: દીપાવલી, બેસતું વર્ષ, ભાઈબીજ અને દેવઉઠી એકાદશી (તુલસી વિવાહ).

વ્રત, સંયમ અને દૈનિક આચરણના નિયમો

ચાતુર્માસ દરમિયાન ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ વિવિધ વ્રતોનું આચરણ કરે છે. કેટલાક લોકો એકટાણું કરે છે, કેટલાક અયાચિત એટલે કે માગ્યા વગર મળે તેટલું જ ખાવાનું વ્રત રાખે છે તો ઘણા પર્ણોજન એટલે કે પતરાળા પર જમવાનું અને જમીન પર શયન કરવાનો નિયમ લે છે. આ સિવાય દરરોજ વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા કે ભાગવતજીનું પઠન કરવું અને તુલસી પૂજન કરવું એ ચાતુર્માસના મુખ્ય દૈનિક નિયમો છે.

આપણા ધર્મશાસ્ત્રોમાં ચારેય મહિનામાં ચોક્કસ ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે:

  • શ્રાવણ માસ: લીલા શાકભાજીનો ત્યાગ કરવો.
  • ભાદરવા માસ: દહીંનો ત્યાગ કરવો.
  • આસો માસ: દૂધનો ત્યાગ કરવો.
  • કારતક માસ: દાળ અને કઠોળનો ત્યાગ કરવો.

તદુપરાંત સમગ્ર ચાતુર્માસ દરમિયાન ડુંગળી, લસણ, રીંગણ, મૂળા, કોળું, મસૂર અને માંસાહાર જેવા તામસિક પદાર્થોનો સંપૂર્ણ ત્યાગ કરવાનો વિધાન છે.

ચાતુર્માસ અને વિજ્ઞાન

સનાતન સંસ્કૃતિની મોટી ખાસિયત એ છે કે તેના દરેક ધાર્મિક નિયમ પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધવાને કારણે માનવ શરીરનો ‘જઠરાગ્નિ’ (પાચનશક્તિ) મંદ પડી જાય છે. આ સમયે ભારે, તળેલું કે વાસી અન્ન ખાવાથી પાચનના રોગો થાય છે. તેથી જ આ દિવસોમાં હળવો, સાત્વિક અને સરળતાથી પચી શકે તેવો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.

વરસાદના કારણે ચોમાસામાં પાણી અને હવામાં સૂક્ષ્મ જીવાણુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ ઝડપથી વધે છે. લીલા શાકભાજી પર કીડા થવાની શક્યતા વધુ હોય છે. તદુપરાંત, ડુંગળી અને લસણ ‘રાજસિક’ અને ‘તામસિક’ ગુણ ધરાવે છે, જે શરીરમાં ગરમી વધારે છે અને કામવાસના કે ક્રોધને ઉત્તેજિત કરે છે. ચાતુર્માસ એ મન શાંત રાખી ધ્યાન કરવાનો સમય હોવાથી તામસિક ખોરાક વર્જિત રખાય છે.

ચાતુર્માસનો પ્રારંભ અને અંત બંને ‘એકાદશી’થી થાય છે. વૈજ્ઞાનિક રીતે ચંદ્રમાનો પૃથ્વી અને માનવ શરીર પર ઊંડો પ્રભાવ પડે છે. માનવ શરીરમાં આશરે 60%થી 70% પાણી હોય છે. એકાદશીના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ખાસ ખગોળીય કોણ બને છે, જેથી ગુરુત્વાકર્ષણ બળની અસર બદલાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે અને મન એકાગ્ર બને છે.

પંઢરપુરની આષાઢી એકાદશી ‘વારી યાત્રા’

ચાતુર્માસની શરૂઆત સાથે જોડાયેલી એક અદ્ભુત સંસ્કૃતિ એટલે મહારાષ્ટ્રની ‘વારીયાત્રા’. આ આશરે 700થી 800 વર્ષ જૂની પરંપરા છે. આમાં ‘વારકરી સંપ્રદાય’ના લાખો ભાવિકો પગપાળા ચાલીને પંઢરપુરમાં વિઠોબાના દર્શને પહોંચે છે. સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ અને સંત એકનાથની પાદુકાઓને પાલખીમાં રાખીને ભજનો ગાઈને નીકળતી આ 21 દિવસની યાત્રા ચાતુર્માસના પ્રારંભને ભક્તિમય બનાવી દે છે.

માંગલિક કાર્યો પર વિરામ અને તેનું કારણ

ચાતુર્માસ દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, નવા વ્યવસાયનો પ્રારંભ કે અન્ય મોટા શુભ પ્રસંગો યોજાતા નથી. તેની પાછળ મુખ્ય કારણ ભગવાનની યોગનિદ્રાની માન્યતા અને દક્ષિણાયન સૂર્યનો સમયગાળો છે. જોકે આનો અર્થ એ નથી કે દૈનિક ધાર્મિક કે સામાજિક કાર્યો અટકી જાય છે, આ પરંપરા મુખ્યત્વે શુભ મુહૂર્તો સાથે જોડાયેલી છે જેથી મનુષ્ય ઉત્સવોના બાહ્ય આડંબરથી દૂર રહીને પોતાના અસ્તિત્વ તરફ લક્ષ્ય સાધી શકે.

આધ્યાત્મિક દૃષ્ટિએ ચાતુર્માસ એ આત્મશુદ્ધિનો સુવર્ણ અવસર છે. આ સમય દરમિયાન ક્રોધ, લોભ, અહંકાર, મોહ અને ઈર્ષ્યા જેવી નકારાત્મક વૃત્તિઓનો ત્યાગ કરીને દયા, ક્ષમા, સત્ય, સેવા અને પરોપકાર જેવા સદગુણો ખીલવવાનો સંદેશ આપવામાં આવે છે. માત્ર અન્નનો ત્યાગ કરવો એ સાચો ઉપવાસ નથી, પરંતુ મનમાંથી ખરાબ વિચારોનો ત્યાગ કરીને જીવનને પવિત્ર બનાવવું એ જ ચાતુર્માસનો સાચો ભાવ છે.

અંતમાં એટલું કહી શકાય કે ચાતુર્માસ એ માત્ર ચાર મહિનાનો ધાર્મિક સમયગાળો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા, સંયમ, પ્રકૃતિ સાથેનું સમન્વય અને આત્મચિંતનનો અનોખો ઉત્સવ છે. ભગવાન વિષ્ણુની યોગનિદ્રાની પૌરાણિક કથા હોય કે ઋષિમુનિઓની એક સ્થળે નિવાસ કરવાની વ્યાવહારિક પરંપરા, ચાતુર્માસનો મૂળ સંદેશ એક જ છે કે ભાગદોડ ભરેલી જિંદગીમાં થોડો વિરામ લઈ પોતાના મન, વિચાર અને આચરણને વધુ પવિત્ર, સાત્ત્વિક અને ઉન્નત બનાવવાનો પ્રયાસ કરવો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં