દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ-નવસારીમાં પૂરની સ્થિતિ: ગાંધીનગરમાં બેઠકોનો દોર, પીએમ મોદીએ સીએમ સાથે કરી વાતચીત

દક્ષિણ ગુજરાતમાં બે-ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, ડાંગ, સુરતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.

વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામમાં 35.67 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ નોંધાતા ચારેય તરફ પાણી-પાણી થઈ ગયાં છે. વાપીના ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન જેવા વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.

વલસાડ ઠપ, ઔરંગા 9 મીટરની સપાટી પર

વલસાડમાં સર્જાયેલી આકાશી આફત અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23 જુલાઈના રોજ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોમાં સંપૂર્ણપણે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓ-કોલેજોમાં પણ રજા પહેલેથી જાહેર કરી દેવામાં આવી હતી. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

મુશળધાર વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે, જેના પગલે કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ, વાપીના પટેલવાડી વિસ્તારમાં સોસાયટીઓમાં પાર્ક કરેલી કારો અડધીથી વધુ ડૂબી ગઈ હોવાનાં દ્રશ્યો પણ સામે આવ્યાં છે.

નવસારીમાં પણ પૂરની સ્થિતિ

નવસારી જિલ્લામાં પણ પૂરની સ્થિતિ વિકટ બની છે, જ્યાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીએ અથવા તેનાથી ઉપર વહી રહી છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં 1 લાખથી વધુ લોકો પૂરથી સીધી રીતે પ્રભાવિત થયા છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટને વટાવી 22 ફૂટે વહી રહી હોવાથી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે.

તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદથી વ્યારાથી ઉનાઈ જતો નેશનલ હાઈવે પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો છે. ડોલવણ નજીક રસ્તા પર પાણી ફરી વળતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન અંતાપુર ગામે રેસ્ક્યૂ માટે જઈ રહેલી SDRFની ટીમ પણ ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.

દાદરા અને નગર હવેલીના ખાનવેલ ક્ષેત્રના તલાવલી ગામે મધરાત્રે પૂરના પાણી ભરાતાં 10 નાગરિકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRFની 6 બટાલિયનની ટીમે મધરાત્રે જ અત્યંત મુશ્કેલ સ્થિતિ વચ્ચે સફળ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરીને 10થી લોકોને ઉગારી લીધા હતા.

અમદાવાદમાં પણ જળબંબાકાર

દક્ષિણ ગુજરાત સિવાય અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સવારે માત્ર એક જ કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં. સિંધુભવન રોડ, બોપલ, ગોતા, વસ્ત્રાપુર અને નવરંગપુરા જેવા પોશ વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.

ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. મીઠાખળી, પરિમલ, ઉસ્માનપુરા, અખબારનગર, મકરબા અને શાહીબાગ સહિતના અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વાસણા બેરેજના છ દરવાજા ખોલીને વધારાનું પાણી છોડવામાં આવ્યું હતું. AEC બ્રિજ, એસ.જી. હાઈવે, કર્ણાવતી ક્લબ વિસ્તાર અને અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાતા હજારો લોકો રસ્તા પર અટવાઈ ગયા હતા.

બીજી તરફ સાબરમાતી નદીનું જળસ્તર 129 ફૂટે પહોંચતાં નિકાલ માટે વાસણા બેરેજના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુરુવારે સવારે 10થી 11 વાગ્યા સુધી એક કલાકમાં શહેરના તમામ ઝોન મળીને સરેરાશ 257.58 MM એટલે કે 10.14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસાની ટ્રફ લાઈન સાથે એકસાથે ચાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયાં છે. બંગાળની ખાડી, રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલી આ મજબૂત સિસ્ટમોના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક અને અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં 61 તાલુકામાં એક ઇંચથી વધુ, 44 તાલુકામાં બે ઇંચથી વધુ અને 26 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ જેવા 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં બેઠકોનો દોર, પીએમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી

રાજ્યમાં સર્જાયેલી આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC) ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સંવેદનશીલ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક નજર રાખવામાં આવી રહી છે તેમજ કોઈપણ આપાતકાલીન સ્થિતિ માટે NDRF અને SDRFની ટુકડીઓને સાધન-સામગ્રી સાથે તૈનાત કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક યોજી હતી. દરમ્યાન સુરત, નવસારી અને વલસાડના અધિકારીઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવી અને જરૂર પડ્યે વધારાની NDRF ટીમો મોકલવા માટે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી હતી. વડા પ્રધાને કેન્દ્ર સરકાર તરફથી રાહત અને બચાવકાર્યમાં સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે.