
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ભરૂચના દહેજ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2153 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. દહેજ સ્થિત ‘એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને અહીંથી જ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો.
આ કામગીરી દરમિયાન રાજ્યના 24 જેટલા વિવિધ એકમો દ્વારા કુલ 867 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 13,249. 127 કિલોગ્રામ ડ્રગ્સ અને 5,71,028 બોટલોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સફળ અભિયાનમાં ભરૂચ, સુરત, અમદાવાદ, વડોદરા સહિત વિવિધ જિલ્લાઓની પોલીસ ટીમ ઉપરાંત CID ક્રાઇમ અને ATS ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત GACL કંપની ખાતે આયોજિત કાર્યક્રમમાં તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે તૈયાર કરેલી ‘NDPS હેન્ડબુક’નું વિમોચન કરાયું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ડ્રગ્સ કેસોમાં કન્વિક્શન રેશિયો 65%ની આસપાસ છે, જેને આગામી સમયમાં 100% સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરાશે.
વધુમાં તેમણે કહ્યું કે પોલીસ ફસાયેલા યુવાનોનું કાઉન્સેલિંગ કરીને તેમને સાચી દિશા આપવાનું કાર્ય પણ કરી રહી છે. આ લડતમાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને જોડાવા અપીલ કરવાની સાથે રાજ્ય સરકારની ‘ડ્રગ્સ રિવૉર્ડ પૉલિસી’ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને ₹59.42 લાખના ઇનામથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ધારાસભ્યો, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

