
એન્ડી બર્નહૈમ યુનાઇટેડ કિંગડમના નવા વડા પ્રધાન બન્યા છે. સોમવારે (20 જુલાઈ) પીએમ સ્ટાર્મરે ઔપચારિક રીતે રાજીનામું આપ્યું અને હવે બર્નહૈમને કિંગ ચાર્લ્સ સરકાર બનાવવા માટે નિમંત્રણ આપશે.
ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર બર્નહૈમ તાજેતરમાં જ પેટાચૂંટણીમાં જીત મેળવીને સંસદ પહોંચ્યા હતા. ત્યારબાદ લેબર પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દરમ્યાન નિવર્તમાન પીએમ સ્ટાર્મરે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી, જેથી બર્નહૈમનો વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો.
છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં છ વડા પ્રધાનો થઈ ચૂક્યા છે અને બર્નહૈમ સાતમા વડા પ્રધાન બનશે. તેઓ ટૂંક સમયમાં ચાર્જ લેશે.
બર્નહૈમે સોમવારે કિંગ ચાર્લ્સ સાથે એક બેઠક કરી હતી, જેમાં રાજાએ બર્નહૈમને સરકાર બનાવવા માટે નિમંત્રણ આપ્યું હતું. બકિંગહામ પેલેસ તરફથી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
શુક્રવારે (17 જુલાઈ) એન્ડી બર્નહૈમ લેબર પાર્ટીના નવા નેતા ચૂંટાયા હતા. જોકે તેમની સામે કોઈ હરીફ ન હોવાથી સીધા ચૂંટાઈ ગયા હતા. ત્યારબાદ સોમવારે સ્ટાર્મરે રાજીનામું આપીને બર્નહૈમ માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટનો માર્ગ મોકળો કરી આપ્યો.
કિંગ ચાર્લ્સને રાજીનામું સોંપતાં પહેલાં પીએમ સ્ટાર્મરે એક સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં જ્યારે પોતે સત્તા સંભાળી હતી ત્યારની બ્રિટનની સ્થિતિ હતી તેના કરતાં દેશ હાલ અનેકગણી સારી સ્થિતિમાં છે. તેમણે ઉમેર્યું કે પોતે જે કંઈ ઉપલબ્ધિઓ મેળવી તે બદલ તેમને ગર્વ છે અને હવે ગરિમાપૂર્ણ રીતે, સહર્ષ વિદાય લઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કીર સ્ટાર્મરે ગત મહિને જ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ તેમણે લેબર પાર્ટીને નવા નેતાની પસંદગી કરવા માટે જણાવ્યું હતું. આ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે અને નવા વડા પ્રધાનની પસંદગી થઈ ગઈ છે.

