હોમપેજગુજરાતGIFT સિટીમાં એવું શું છે કે દુનિયાની 100થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓ ત્યાં...

GIFT સિટીમાં એવું શું છે કે દુનિયાની 100થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓ ત્યાં પહોંચવા આતુર છે? આખરે કેવી રીતે બની રહ્યું છે ભારતનું ગ્લોબલ ફાઇનાન્સ હબ?

આ જ GIFT સિટીની સૌથી મોટી સફળતા છે. ઇમારતો તો વર્ષો પહેલાં ઊભી થઈ ગઈ હતી, પરંતુ હવે વિશ્વાસની ઇમારત ઊભી થઈ રહી છે અને વૈશ્વિક નાણાકીય દુનિયામાં કોઈપણ સ્કાયસ્ક્રેપર કરતાં વિશ્વાસનું મૂલ્ય હંમેશા વધારે હોય છે.

- Advertisement -

દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય કેન્દ્ર સ્થાપવું હોય તો અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અથવા હૉંગકોંગ જેવાં શહેરો સૌથી પહેલાં યાદ આવતાં. દાયકાઓથી વૈશ્વિક નાણાકીય જગતમાં આ શહેરોનું એવું પ્રભુત્વ રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, ફોરેક્સ, ટ્રેઝરી મેનેજમેન્ટ કે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ જેવી કામગીરી માટે કંપનીઓ લગભગ આપોઆપ ત્યાં જ પહોંચતી. પરંતુ હવે આ યાદીમાં એક ભારતીય શહેરનું નામ પણ ઝડપથી ઉમેરાઈ રહ્યું છે- ગુજરાતનું GIFT સિટી.

તાજેતરમાં બ્લૂમબર્ગના એક અહેવાલે આ ચર્ચાને નવી દિશા આપી. અહેવાલમાં જણાવાયું કે અમેરિકાની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક જેપીમોર્ગન મારફતે 100થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓ (MNCs) GIFT સિટીમાં કોર્પોરેટ ટ્રેઝરી અને બેન્કિંગ ઑપરેશન્સ શરૂ કરવાની સંભાવનાઓ તપાસી રહી છે. બેન્કના અંદાજ પ્રમાણે આગામી 12થી 18 મહિનામાં આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે GIFT સિટી પ્રત્યેનો વૈશ્વિક વિશ્વાસ સતત વધી રહ્યો છે અને તે ઝડપથી વિશ્વસ્તરીય ફાઇનાન્સિયલ તથા ફિનટેક હબ તરીકે ઉભરી રહી છે.

આ સમાચાર માત્ર એટલા પૂરતા હોત કે ‘100થી વધુ કંપનીઓ ગુજરાતમાં આવી શકે છે’ તો કદાચ તે એક સામાન્ય બિઝનેસ અપડેટ ગણાત. પરંતુ અહીં એક એવો સવાલ છે, જે આ આખી ચર્ચાનું કેન્દ્ર છે. GIFT સિટી તો આજે બની નથી. તેનો વિચાર વર્ષો પહેલાં આવ્યો હતો, ઇમારતો પણ વર્ષોથી ઊભી છે અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર તરીકે તેની કામગીરી પણ નવી નથી. તો પછી અચાનક હવે જ દુનિયાની આટલી બધી MNCs કેમ રસ દાખવી રહી છે? શું એકાએક દુનિયાને GIFT સિટીની યાદ આવી ગઈ કે પછી છેલ્લા કેટલાક વર્ષોમાં ખરેખર કંઈક એવું બદલાયું છે, જેના કારણે ભારત હવે વૈશ્વિક નાણાકીય નકશા પર ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે?

- Advertisement -

આ પ્રશ્નનો જવાબ શોધવા માટે થોડું પાછળ જવું પડશે. કારણ કે GIFT સિટીની આ સફળતા એક દિવસમાં લખાયેલી વાતો નથી. તેની પાછળ વર્ષોનું આયોજન, સતત બદલાતી નીતિઓ અને વિશ્વના નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવાની લાંબી તૈયારી છુપાયેલી છે.

હમણાં જ MNCs કેમ રસ દાખવી રહી છે?

શરૂઆતના વર્ષોમાં GIFT સિટી પાસે આધુનિક ઇમારતો હતી, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને એક મોટું વિઝન પણ હતું. પરંતુ માત્ર આટલાથી કોઈ મલ્ટિનેશનલ કંપની પોતાનું અબજો ડૉલરનું નાણાકીય સંચાલન એક નવાં શહેરમાં લઈ આવતી નથી. તેના માટે સૌથી પહેલાં વિશ્વાસ જોઈએ. કંપનીઓ વર્ષો સુધી જુએ છે કે ત્યાંના નિયમો કેટલા સ્થિર છે, કરવેરાની વ્યવસ્થા કેવી છે, આંતરરાષ્ટ્રીય બેન્કો કેટલી સક્રિય છે, વિદેશી ચલણમાં વ્યવહાર કેટલો સરળ છે અને સરકાર લાંબાગાળે આ પ્રોજેક્ટને કેટલી ગંભીરતાથી આગળ ધપાવી રહી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં આ બધા મોરચે નોંધપાત્ર ફેરફારો થયા. GIFT IFSC ઓથોરિટીએ અનેક નિયમનકારી સુધારા કર્યા. બેન્કિંગ સંબંધિત નિયમોમાં વધુ સરળતા આવી. ટ્રેઝરી સેન્ટર સ્થાપવા ઇચ્છતી કંપનીઓ માટે પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવી. ટેક્સ સંબંધિત પ્રોત્સાહનો વધુ સ્પષ્ટ બન્યા. સૌથી મહત્વની વાત એ કે હવે GIFT સિટી માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ એક જીવંત નાણાકીય ઇકોસિસ્ટમ બની રહી છે, જ્યાં વિશ્વની અગ્રણી બેન્કો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ઇન્શ્યોરન્સ કંપનીઓ, ફંડ્સ અને ફિનટેક સંસ્થાઓ પહેલેથી જ કાર્યરત છે.

મોટી કંપનીઓ સામાન્ય રીતે ત્યાં જ જાય છે, જ્યાં પહેલેથી મજબૂત ઇકોસિસ્ટમ ઊભી થઈ ચૂકી હોય. કારણ કે તેમને માત્ર ઑફિસની જરૂર નથી હોતી, તેમને એવી જગ્યા જોઈએ જ્યાં બેન્કિંગ, કાનૂની સલાહ, ઓડિટ, ફોરેક્સ, ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય. GIFT સિટી હવે ધીમે-ધીમે એ તબક્કે પહોંચી રહી છે.

એક બીજી બાબત પણ એટલી જ મહત્વની છે. અત્યાર સુધી એશિયામાં કોર્પોરેટ ટ્રેઝરી માટે સૌથી મજબૂત વિકલ્પ તરીકે સિંગાપુર અને દુબઈને જોવામાં આવતું હતું. પરંતુ હવે ભારત પોતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. વિશ્વની ઘણી MNCsનો સૌથી મોટો વિકાસ હવે ભારતીય બજારમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની નાણાકીય કામગીરીનો એક ભાગ ભારતમાંથી જ સંચાલિત કરવાનો વિચાર સ્વાભાવિક રીતે મજબૂત બન્યો છે. GIFT સિટી એ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

એટલે બ્લૂમબર્ગનો અહેવાલ કોઈ શરૂઆત નથી, પરંતુ એક સંકેત છે. સંકેત એ વાતનો કે વર્ષોથી તૈયાર થઈ રહેલી વ્યવસ્થા હવે પરિણામ આપવાનું શરૂ કરી રહી છે.

માત્ર એક શહેર નહીં, ભારતનું આર્થિક વિઝન છે GIFT સિટી

ભારતમાં કોઈ કંપની બેન્ક ખોલે, શેરબજારમાં લિસ્ટ થાય, લૉન લે કે ઇન્શ્યોરન્સનો ધંધો કરે તો તેના માટે દેશના કાયદા અને નિયમો લાગુ પડે છે. પરંતુ જ્યારે કોઈ કંપનીનો વ્યવસાય એક દેશ પૂરતો મર્યાદિત ન રહે અને તે દસ-વીસ કે પચાસ દેશોમાં ફેલાઈ જાય ત્યારે તેની જરૂરિયાતો પણ બદલાઈ જાય છે. તેને એવા નાણાકીય માળખાની જરૂર પડે છે, જ્યાં અલગ-અલગ દેશોની કરન્સીમાં વ્યવહાર થઈ શકે, આંતરરાષ્ટ્રીય બેન્કો એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય અને વૈશ્વિક ધોરણો પ્રમાણે નાણાકીય સેવાઓ મળી રહે.

ભારત પાસે લાંબા સમય સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી. પરિણામે ભારતીય કંપનીઓ પણ પોતાના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટે સિંગાપુર કે દુબઈનો સહારો લેતી. ભારતીય કંપનીનો વેપાર ભારતમાં થતો, કર્મચારીઓ ભારતમાં કામ કરતા, ઉત્પાદન ભારતમાં થતું, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા નાણાકીય વ્યવહારો દેશની બહારથી સંચાલિત થતા. વર્ષોથી ભારત આ સ્થિતિ બદલવા માગતું હતું.

આ જ વિચારમાંથી જન્મ થયો GIFT સિટીનો.

GIFT એટલે Gujarat International Finance Tec-City. નામમાં જ તેનો હેતુ છુપાયેલો છે. આ કોઈ સામાન્ય સ્માર્ટ સિટી નથી કે જ્યાં માત્ર ઊંચી ઇમારતો અને પહોળા રસ્તાઓ બનાવવામાં આવ્યા હોય. તેનો ઉદ્દેશ્ય હતો ભારતનું એવું આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર ઊભું કરવું, જ્યાં વિશ્વની મોટી બેન્કો, રોકાણકારો, ફંડ મેનેજમેન્ટ કંપનીઓ, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ એક જ ઇકોસિસ્ટમમાં કામ કરી શકે.

એટલા માટે જ GIFT સિટીમાં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) સ્થાપવામાં આવ્યું. આ શબ્દ સાંભળવામાં ભારે લાગે, પરંતુ તેનો અર્થ બહુ સરળ છે. કલ્પના કરો કે ભારતની અંદર જ એક એવી નાણાકીય વિન્ડો બનાવવામાં આવી હોય જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરના વ્યવહારો માટે અલગ પ્રકારના નિયમો અને સુવિધાઓ ઉપલબ્ધ હોય. એટલે જે કામ કરવા માટે પહેલાં કંપનીઓએ સિંગાપુર કે દુબઈ જવું પડતું હતું તે જ કામ હવે ભારતમાં પણ થઈ શકે.

તેનો અર્થ એવો બિલકુલ નથી કે GIFT સિટી ભારતના કાયદાથી અલગ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ માટે અહીં એવું નિયમનકારી માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક કંપનીઓ માટે વધુ અનુકૂળ બને. આ કારણે જ દુનિયાની અગ્રણી બેન્કો, જેમ કે જેપીમોર્ગન, HSBC, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ડોઇચ બેન્ક અને બેન્ક ઑફ અમેરિકા જેવી વિશ્વની અગ્રણી બેન્કોએ GIFT સિટીમાં પોતાની હાજરી નોંધાવી છે, આ ઉપરાંત વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ પણ અહીં પોતાની હાજરી નોંધાવી છે. કોઈપણ મલ્ટિનેશનલ કંપની માટે આ સૌથી મોટો વિશ્વાસનો આધાર બને છે. કારણ કે જ્યાં વિશ્વની મોટી બેન્કો પહોંચે છે, ત્યાં મોટી કંપનીઓ પણ પહોંચવામાં બહુ સમય લગાડતી નથી.

પરંતુ અહીં એક શબ્દ વારંવાર આવી રહ્યો છે- કોર્પોરેટ ટ્રેઝરી. બ્લૂમબર્ગના અહેવાલમાં પણ તેનો ઉલ્લેખ છે. આખરે આ ટ્રેઝરી છે શું? અને માત્ર તેના માટે જ દુનિયાની MNCs GIFT સિટીમાં આવવા કેમ ઉત્સુક છે? જો આપણે આ પ્રશ્નનો જવાબ સમજી લઈએ, તો GIFT સિટીની અડધા ઉપરની બાબતો આપોઆપ સમજાઈ જશે.

ટ્રેઝરી એટલે કંપનીનું ‘હૃદય’, જ્યાંથી આખો નાણાકીય પ્રવાહ નિયંત્રિત થાય છે

ધારો કે ટોયોટા આજે સવારે જાપાનમાં કોઈ સપ્લાયરને ચૂકવણી કરે છે. બપોરે ભારતની ફેક્ટરી માટે કાચો માલ ખરીદે છે. સાંજે યુરોપમાં પોતાની એક સહયોગી કંપની પાસેથી આવક મેળવે છે અને એ જ દિવસે અમેરિકામાં રોકાણ પણ કરે છે. આ બધો વ્યવહાર ચાર અલગ દેશોમાં, ચાર અલગ કરન્સીમાં અને ચાર અલગ સમય ઝોનમાં થઈ રહ્યો છે.

હવે સવાલ એ છે કે આ બધાનો હિસાબ કોણ રાખે? કઈ બેન્કમાંથી કેટલા પૈસા મોકલવાના? કઈ કરન્સીમાં મોકલવાના? ડૉલરનો ભાવ વધી જાય તો કંપનીને નુકસાન ન થાય તે માટે શું કરવું? ક્યાં દેશમાંથી આવતી રકમ ક્યાં દેશના ખર્ચ માટે વાપરવી? ક્યારે લૉન લેવી અને ક્યારે પોતાના નાણાંમાંથી ખર્ચ કરવો? આ બધું કંપનીનો કોર્પોરેટ ટ્રેઝરી વિભાગ નક્કી કરે છે.

સરળ શબ્દોમાં કહીએ તો કોઈપણ મોટી કંપનીનો ટ્રેઝરી વિભાગ શરીરમાં હૃદય જેવું કામ કરે છે. જેમ હૃદય શરીરના દરેક ભાગ સુધી લોહી પહોંચાડે છે, તેમ ટ્રેઝરી કંપનીના દરેક વિભાગ સુધી નાણાંનો પ્રવાહ પહોંચાડે છે. જ્યાં પૈસાની જરૂર હોય ત્યાં પૈસા પહોંચાડવા, જ્યાંથી આવક આવવાની હોય ત્યાંથી સમયસર વસૂલાત કરવી અને આખી કંપનીની નાણાકીય ગતિને સંતુલિત રાખવી, આ બધું ટ્રેઝરીનું કામ છે.

આગળનો પ્રશ્ન એ છે કે આવી કંપનીઓ સિંગાપુર કે દુબઈને બદલે GIFT સિટી કેમ પસંદ કરવા લાગી છે? માત્ર દેખાવના કારણે તો કોઈ MNC પોતાનું ટ્રેઝરી સેન્ટર સ્થળાંતર કરતી નથી. તેની પાછળ ખૂબ જ સ્પષ્ટ આર્થિક કારણો છે અને છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં થયેલા કેટલાક મોટા નીતિગત ફેરફારોએ આ નિર્ણયને સરળ બનાવ્યો છે.

સિંગાપુર કે દુબઈને છોડીને GIFT સિટી તરફ કેમ વળી રહી છે કંપનીઓ?

કોઈપણ મલ્ટિનેશનલ કંપની કરોડો કે અબજો ડૉલરની નાણાકીય કામગીરીનું કેન્દ્ર માત્ર એટલા માટે બદલતી નથી કે કોઈ નવું શહેર બની ગયું છે. આવી કંપનીઓ ભાવનાઓથી નહીં, પરંતુ આંકડા, નિયમો અને લાંબાગાળાના ફાયદા જોઈને નિર્ણય લે છે. GIFT સિટી માટે પણ એ જ થયું.

શરૂઆતમાં ભારત પાસે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા માટે માત્ર ઊંચી ઇમારતો પૂરતી નહોતી. તેમને એવી વ્યવસ્થા જોઈતી હતી, જ્યાં નાણાકીય વ્યવહારો ઝડપી થાય, કરવેરાનું માળખું સ્પર્ધાત્મક હોય, નિયમો વારંવાર બદલાતા ન હોય અને વિશ્વની મોટી બેન્કો પહેલેથી હાજર હોય. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે એક પછી એક એવા ફેરફારો કર્યા કે GIFT સિટી માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ વિકલ્પ તરીકે સામે આવવા લાગી.

સરકારે અહીં કાર્યરત સંસ્થાઓ માટે વિવિધ કરરાહતો આપી. કેટલીક આવક પર ટેક્સ સંબંધિત પ્રોત્સાહનો આપવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય ફંડ્સ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવામાં આવી. IFSC ઓથોરિટીએ નિયમોમાં સમયાંતરે ફેરફારો કરીને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે કંપનીઓને સિંગાપુર કે દુબઈની સરખામણીએ કોઈ વ્યવહારિક મુશ્કેલી ન પડે. આ સુધારાઓ એક દિવસમાં થયા નહોતા. વર્ષો સુધી ધીમે-ધીમે સમગ્ર માળખું તૈયાર કરવામાં આવ્યું અને હવે તેનું પરિણામ દેખાવા લાગ્યું છે.

એક મોટો ફેરફાર બેન્કિંગ ઇકોસિસ્ટમમાં પણ આવ્યો. આજે GIFT સિટીમાં વિશ્વની અનેક અગ્રણી બેન્કો કાર્યરત છે. કોઈ પણ કંપની માટે આ બહુ મોટો વિશ્વાસનો વિષય હોય છે. કારણ કે તેને માત્ર ઑફિસની જરૂર નથી હોતી, તેને એવી બેન્ક જોઈએ જે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા તેના ગ્રાહક, સપ્લાયર કે સહયોગી સાથે તરત વ્યવહાર કરી શકે. જો તેની મુખ્ય બેન્કો જ GIFT સિટીમાં હાજર હોય તો નિર્ણય લેવો વધુ સરળ બની જાય છે.

પરંતુ કદાચ સૌથી મહત્વની બાબત બીજી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત પોતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થયું છે. વિશ્વની ઘણી MNCs માટે ભારત હવે માત્ર એક બજાર નથી રહ્યું, પરંતુ વૃદ્ધિનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. આવી સ્થિતિમાં તેઓ વિચારે છે કે જ્યારે તેમનો બિઝનેસ, રોકાણ અને ભવિષ્યનો મોટો હિસ્સો ભારતમાં છે તો તેમની આંતરરાષ્ટ્રીય નાણાકીય કામગીરીનો એક ભાગ પણ ભારતમાંથી કેમ ન સંચાલિત થાય?

આ વિચાર જ GIFT સિટીની સૌથી મોટી તાકાત છે. તે માત્ર ટેક્સ બચાવવાની જગ્યા નથી અને માત્ર ચમકતી ઑફિસોનું શહેર પણ નથી. તે એવી વ્યવસ્થા છે, જ્યાં વૈશિક કંપની પોતાની એશિયાઈ અથવા વૈશ્વિક નાણાકીય કામગીરી માટે ભારતને ગંભીર વિકલ્પ તરીકે જોઈ શકે.

આજે JPMorgan જે 100થી વધુ MNCs સાથે વાતચીત કરી રહી છે, તે હકીકતમાં કોઈ એક પ્રોજેક્ટમાં રોકાણ કરાવવા માટે નહીં, પરંતુ તેમને સમજાવવા માટે છે કે હવે GIFT સિટીમાં એવી આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે, જ્યાંથી તેઓ પોતાના નાણાકીય વ્યવહારો વિશ્વના અન્ય મોટા ફાઇનાન્સિયલ હબની જેમ જ ચલાવી શકે.

અહીં એક રસપ્રદ બાબત સમજવા જેવી છે. આ 100 કંપનીઓ ગુજરાતમાં નવી કાર બનાવશે કે નવી મોબાઇલ ફેક્ટરી ખોલશે, એવું નથી. તેમનું રોકાણ દેખાતું ઓછું હશે, પરંતુ તેનું મહત્વ કદાચ કોઈ મોટી ફેક્ટરી કરતાં પણ વધારે હોય શકે. કારણ કે અહીં વાત ઈંટ-સિમેન્ટની નથી, પરંતુ વિશ્વના અબજો ડૉલરના નાણાકીય પ્રવાહની છે. જે શહેરમાંથી પૈસાનો પ્રવાહ નિયંત્રિત થાય છે, તે શહેર ધીમે-ધીમે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવી લે છે.

અને કદાચ આ જ કારણ છે કે GIFT સિટીને માત્ર ગુજરાતનો પ્રોજેક્ટ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે જોવામાં આવી રહી છે.

GIFT સિટી પોતાનું સ્થાન કેવી રીતે બનાવી રહી છે?

વિશ્વના નાણાકીય નકશા પર નજર કરીએ તો કેટલીક જગ્યાઓ એવી છે, જેમણે વર્ષો સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે. એશિયામાં સિંગાપુર લાંબા સમયથી કોર્પોરેટ ટ્રેઝરી અને વેલ્થ મેનેજમેન્ટનું કેન્દ્ર રહ્યું છે. મધ્ય પૂર્વમાં દુબઈએ પોતાને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને વૈશ્વિક વેપારના પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કર્યું છે. હૉંગકોંગ લાંબા સમય સુધી ચીન અને વૈશ્વિક મૂડીબજાર વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ કડી રહ્યું. આ શહેરો એક દિવસમાં ઊભાં થયાં નહોતાં. દાયકાઓ સુધી સ્થિર નીતિઓ, વિશ્વાસપાત્ર નિયમન અને વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ ઊભી કરીને તેમણે આ સ્થાન મેળવ્યું છે.

ભારતનો દાવો એવો નથી કે GIFT સિટી થોડાં વર્ષોમાં આ શહેરોને પાછળ છોડી દેશે. હકીકતમાં લક્ષ્ય કંઈક અલગ છે. ભારત એવી જગ્યા ઊભી કરવા માગે છે, જ્યાં ભારતીય અને વૈશ્વિક કંપનીઓને દરેક આંતરરાષ્ટ્રીય નાણાકીય કામ માટે દેશની બહાર જવાની ફરજ ન પડે. અત્યાર સુધી ભારતીય કંપનીઓ વિદેશી ચલણમાં બોન્ડ જારી કરવા હોય, આંતરરાષ્ટ્રીય ફંડ્સનું સંચાલન કરવું હોય કે વૈશ્વિક ટ્રેઝરી ઑપરેશન્સ ચલાવવા હોય તો ઘણી વખત તેમને સિંગાપુર કે દુબઈનો રસ્તો અપનાવવો પડતો. એટલે વ્યવસાય ભારતનો, પરંતુ નાણાકીય કેન્દ્ર વિદેશનું.

GIFT સિટી એ જ સમીકરણ બદલવાનો પ્રયાસ છે.

આ કારણસર તેની સફળતાનું મૂલ્યાંકન માત્ર એટલાથી નહીં થાય કે કેટલી ઊંચી ઇમારતો બની કે કેટલી કંપનીઓએ ઑફિસ ખોલી. સાચી સફળતા ત્યારે ગણાશે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં ભારતનો હિસ્સો સતત વધવા લાગશે, વધુ મૂડી દેશની અંદરથી સંચાલિત થશે અને વૈશ્વિક નાણાકીય નિર્ણયો લેવા માટે ભારત પણ મહત્વનું સરનામું બનશે.

આ પ્રક્રિયાની શરૂઆતના સંકેતો હવે દેખાવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં GIFT IFSCમાં બેન્કિંગ એસેટ્સ ઝડપથી વધ્યાં છે. વૈશ્વિક અને ભારતીય બેન્કોએ પોતાની હાજરી મજબૂત બનાવી છે. એસેટ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, લીઝિંગ, કેપિટલ માર્કેટ્સ અને ફિનટેક જેવી વિવિધ નાણાકીય પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. હવે જો JPMorgan જેવી વૈશ્વિક બેન્ક 100થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓને અહીં ટ્રેઝરી અને બેન્કિંગ કામગીરી સ્થાપવા માટે માર્ગદર્શન આપી રહી છે તો તે આ ઇકોસિસ્ટમ પર વધતા વિશ્વાસનો જ એક વધુ પુરાવો છે.

સામાન્ય ભારતીયને તેનાથી શું ફાયદો?

આખરે એક સામાન્ય માણસ એવો પ્રશ્ન પૂછે કે આ બધામાં તેને શું મળવાનું? GIFT સિટીમાં કોઈ અમેરિકન કે જાપાની કંપની પોતાનું ટ્રેઝરી સેન્ટર ખોલે તો તેની અસર અમદાવાદ, સુરત કે રાજકોટમાં રહેતી વ્યક્તિ પર કેવી રીતે પડશે? જવાબ સીધો છે કે વૈશ્વિક નાણાકીય કેન્દ્રો માત્ર પૈસાની હેરફેર કરતા નથી, તેઓ સમગ્ર અર્થતંત્રને ગતિ આપે છે.

જ્યાં આંતરરાષ્ટ્રીય બેન્કો આવે છે ત્યાં કાનૂની સેવાઓની જરૂરિયાત વધે છે. ઓડિટિંગ, ટેક્સ કન્સલ્ટિંગ, ફિનટેક, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, એકાઉન્ટિંગ અને નાણાકીય ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થાય છે. ઊંચી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા માર્ગ ખુલે છે. વૈશ્વિક મૂડીની હાજરી સ્થાનિક ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવે છે અને ધીમે-ધીમે સમગ્ર નાણાકીય ક્ષેત્ર વધુ સ્પર્ધાત્મક બને છે.

ભારત માટે કદાચ સૌથી મોટો ફાયદો એ છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓમાંથી ઊભું થતું મૂલ્ય હવે ધીમે-ધીમે દેશની અંદર જ સર્જાઈ શકે છે. જે આવક, કુશળતા અને નાણાકીય પ્રવૃત્તિઓ પહેલાં બીજા દેશોના ફાઇનાન્સિયલ હબને મળતી હતી, તેમાં ભારત પણ પોતાનો હિસ્સો વધારી શકે છે.

માત્ર એક શહેર નહીં, ભારતની નવી આર્થિક ઓળખ

GIFT સિટીની સફળતા માત્ર ગાંધીનગરની બાજુમાં ઉભેલાં એક આધુનિક શહેરની નથી. તે ભારતના આર્થિક આત્મવિશ્વાસની સફળતા છે. વર્ષો સુધી વિશ્વના નાણાકીય કેન્દ્રો તરફ જોનાર દેશ હવે પોતે પણ એવું કેન્દ્ર ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

અલબત્ત, પડકારો હજુ પણ છે. સિંગાપુર, દુબઈ કે હૉંગકોંગ જેવી દાયકાઓ જૂની વ્યવસ્થાઓ સાથે સ્પર્ધા કરવી સરળ નથી. વિશ્વાસ એક જ જાહેરાતથી ઊભો થતો નથી, તેને સતત સ્થિર નીતિઓ, પારદર્શક નિયમન અને વૈશ્વિક સ્તરની સેવાઓ દ્વારા વર્ષો સુધી કમાવવો પડે છે. GIFT સિટીને પણ હજુ લાંબી મઝલ કાપવાની છે.

પરંતુ બ્લૂમબર્ગના અહેવાલમાં દર્શાવાયેલી 100થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓની વધતી રુચિ એટલું તો ચોક્કસ દર્શાવે છે કે દુનિયા હવે GIFT સિટીને માત્ર એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે નથી જોઈ રહી. તે તેને એક એવા વિકલ્પ તરીકે જોવા લાગી છે, જે ભવિષ્યમાં એશિયાના નાણાકીય નકશામાં મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે.

કદાચ આ જ GIFT સિટીની સૌથી મોટી સફળતા છે. ઇમારતો તો વર્ષો પહેલાં ઊભી થઈ ગઈ હતી, પરંતુ હવે વિશ્વાસની ઇમારત ઊભી થઈ રહી છે અને વૈશ્વિક નાણાકીય દુનિયામાં કોઈપણ સ્કાયસ્ક્રેપર કરતાં વિશ્વાસનું મૂલ્ય હંમેશા વધારે હોય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં