
અમેરિકાના રિપબ્લિકન સેનેટર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના રાજકીય સાથી લિન્ડસી ગ્રેહામનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તેમના કાર્યાલયે રવિવારે (12 જુલાઈ) આ માહિતી આપતાં જણાવ્યું કે શનિવારની (11 જુલાઈ) સાંજે ટૂંકી અને અચાનક આવેલી બીમારીના કારણે તેમનું નિધન થયું હતું. જોકે, તેમને કઈ બીમારી હતી તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમના પરિવારજનોએ આ મુશ્કેલ સમયમાં ગોપનીયતાની અપીલ કરી છે.
લિન્ડસી ગ્રેહામના અવસાન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “સેનેટર લિન્ડસી ગ્રેહામ એવા શ્રેષ્ઠ લોકો અને સેનેટરોમાંના એક હતા જેમને હું ઓળખતો હતો. તેઓ હંમેશા કામમાં વ્યસ્ત રહેતા અને સાચા અમેરિકન દેશભક્ત હતા. તેમની ખોટ હંમેશા અનુભવાશે.”
દક્ષિણ કેરોલિનાના રહેવાસી લિન્ડસી ગ્રેહામ 2003થી અમેરિકી સેનેટના સભ્ય હતા. તેઓ 2002માં પ્રથમ વખત સેનેટ માટે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2008, 2014 તથા 2020માં ફરી ચૂંટાયા હતા. 2026માં તેઓ પાંચમી વખત સેનેટમાં પહોંચવા માટે ચૂંટણી લડી રહ્યા હતા. સેનેટમાં તેમણે જ્યુડિશિયરી કમિટી અને બજેટ કમિટી સહિત અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં જવાબદારીઓ સંભાળી હતી. તે પહેલાં તેઓ 1995થી 2003 દરમિયાન અમેરિકી પ્રતિનિધિ સભાના (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ) સભ્ય પણ રહ્યા હતા.
કાયદાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ગ્રેહામે લગભગ છ વર્ષ સુધી અમેરિકી વાયુસેનામાં લશ્કરી વકીલ તરીકે સેવા આપી હતી. સક્રિય સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સાઉથ કેરોલિના એર નેશનલ ગાર્ડ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.
એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર ટીકાકાર રહેલા ગ્રેહામે 2016ની રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણી દરમિયાન ટ્રમ્પની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને પોતે પણ રાષ્ટ્રપતિપદની રેસમાં ઉતર્યા હતા. જોકે, બાદમાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ટ્રમ્પ પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચેના સંબંધોમાં મોટો ફેરફાર આવ્યો અને ગ્રેહામ તેમના સૌથી વિશ્વાસુ રાજકીય સાથીઓમાં સામેલ થઈ ગયા. તેઓ ટ્રમ્પની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક નિર્ણયોનું જાહેરમાં સમર્થન કરતા હતા.
તાજેતરના વર્ષોમાં લિન્ડસી ગ્રેહામ અમેરિકાની વિદેશ નીતિ અંગે સૌથી પ્રભાવશાળી અવાજોમાંના એક ગણાતા હતા. તેઓ ઈરાન સામે કડક કાર્યવાહી અને તેહરાન પર દબાણ વધારવાના સમર્થક હતા. બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા ઈરાન પરમાણુ કરારનો તેમણે વિરોધ કર્યો હતો અને અમેરિકા-ઈરાન સંબંધોમાં કડક વલણ અપનાવવાની સતત માંગ કરી હતી. ગયા વર્ષે તેમણે ભારત, ચીન સહિત રશિયન તેલ ખરીદતા દેશોની પણ ટીકા કરી હતી.
અહેવાલો મુજબ અવસાનના થોડા સમય પહેલાં જ ગ્રેહામ યુક્રેનની રાજધાની કીવની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરીને હવાઈ સુરક્ષા અને રશિયા સામેના પ્રતિબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

