
પુણેની હિંદુ યુવતી શ્રદ્ધા વાલકરના હત્યા કેસમાં ટ્રાયલનો સામનો કરતા આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ કોર્ટમાં એક અરજી કરતાં કોર્ટે 20 જુલાઈના રોજ યોજાનાર ટ્રાયલ રદ કરી દીધી છે. આફતાબે અરજી દાખલ કરીને માંગ કરી હતી કે 20 જુલાઈની સુનાવણીમાંથી તેને મુક્તિ આપવામાં આવે કારણ કે તે એમ.એની પરીક્ષા આપી રહ્યો છે અને 20મીએ તેની પરીક્ષા હશે. કોર્ટે અરજી સ્વીકારીને 20મી જુલાઈની સુનાવણી રદ કરી દીધી છે.
નવેમ્બર 2022માં ધરપકડ બાદથી આફતાબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. હાલ તેની સામે શ્રદ્ધાની હત્યાના કેસની ટ્રાયલ ચાલી રહી છે. કોર્ટે અગાઉ 20 જુલાઈથી 25 જુલાઈ દરમ્યાન દરરોજ સુનાવણી કરવા માટે તારીખો આપી હતી.
તાજેતરમાં આફતાબે કોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું કે તે એમ. એ સોશિયોલોજીની પરીક્ષા આપી રહ્યો છે અને તેના માટે 20 જુલાઈએ 2થી 5 દરમ્યાન તેનું પેપર હશે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના તિહાડ જેલના સેન્ટરમાં આફતાબ પરીક્ષા આપે છે.
કોર્ટે આ અરજી સ્વીકારીને 20 જુલાઈની ટ્રાયલ રદ કરી દીધી છે. હવે 21થી 25 જુલાઈ દરમ્યાન ટ્રાયલ ચાલશે. ઑગસ્ટ મહિનાની તારીખો હજુ નક્કી કરવામાં આવી નથી. આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
કેસ ક્યાં સુધી પહોંચ્યો?
કેસની સ્થિતિની વાત કરીએ તો પ્રોસિક્યુશન અનુસાર હજુ 8 સાક્ષીઓની ઊલટતપાસ બાકી છે. મે 2023માં કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યા હતા ત્યારથી ટ્રાયલ ચાલી રહી છે.
પ્રોસિક્યુશનનો કેસ એવો છે કે શ્રદ્ધા અને આફતાબ બંને દિલ્હીમાં એક ભાડાના મકાનમાં લિવ-ઇનમાં રહેતાં હતાં. મે 2022માં આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી અને લાશના ટુકડા કરીને રેફ્રિજરેટરમાં ભરી રાખ્યા હતા. ત્યારબાદ 18 દિવસ સુધી દરરોજ જંગલમાં જઈને ટુકડા ફેંકતો રહ્યો હતો.
છેક નવેમ્બર 2022 સુધી શ્રદ્ધાનો કોઈ સંપર્ક ન થતાં તેના પિતા શોધતા-શોધતા દિલ્હી પહોંચી ગયા હતા, ત્યાં આફતાબ ન મળતાં શંકા ગઈ હતી અને ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પછીથી આફતાબની ધરપકડ કરી લીધી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે.
શ્રદ્ધાના પિતા વિકાસ વાલકર 2025માં મૃત્યુ પામ્યા હતા.

