આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેટલીક મુલાકાતો એવી હોય છે, જે માત્ર બે દેશોના વડાઓ વચ્ચેની ઔપચારિક બેઠક બનીને નથી રહેતી, પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરતી ઘટના બની જાય છે. PM નરેન્દ્ર મોદીની જુલાઈ 2026ની ન્યૂઝીલેન્ડ મુલાકાત પણ એવી જ એક ઘટના બની છે. લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડા પ્રધાન ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે અને આ મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને એક નવા સ્તરે પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
આ મુલાકાત દરમિયાન ઓકલેન્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર જગતના પ્રતિનિધિઓને સંબોધ્યા, ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ મુલાકાત દરમિયાન બંને વડા પ્રધાનોએ ખાસ કરીને માર્ચ 2025માં થયેલી ક્રિસ્ટોફર લક્સનની ભારત મુલાકાતને યાદ કરી હતી. તે મુલાકાત દરમિયાન જ બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે વાટાઘાટો શરૂ થઈ હતી અને સંરક્ષણ, શિક્ષણ, કસ્ટમ્સ, બાગાયત, વન વિભાગ અને રમતગમત જેવા અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરારો થયા હતા. એટલે 2025માં જે પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, તેને 2026માં એક નવા અને વધુ મજબૂત સ્વરૂપમાં આગળ વધારવામાં આવી છે.
‘ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ: રોડમેપ ટુ 2030’
આ મુલાકાતનું સૌથી મોટું પરિણામ એ રહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડે પોતાના સંબંધોને સત્તાવાર રીતે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’માં ફેરવવાનો નિર્ણય કર્યો. તેની સાથે જ બંને દેશોએ ‘ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ: રોડમેપ ટુ 2030’ને પણ મંજૂરી આપી. સરળ ભાષામાં કહીએ તો આગામી ચાર વર્ષમાં કયા ક્ષેત્રમાં કેવી રીતે સાથે કામ કરવાનું, તેની સ્પષ્ટ યોજના બંને દેશોએ તૈયાર કરી છે. આ રોડમેપ હેઠળ સમયાંતરે સમીક્ષા પણ થશે અને દરેક નિર્ણયના અમલીકરણ પર નજર રાખવામાં આવશે.
18 મોટા કરારો
આ મુલાકાત દરમિયાન બંને દેશોએ કુલ 18 મોટા કરારો જાહેર કર્યા છે, જેમાં સંરક્ષણથી લઈને મેરિટાઇમ સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, વેપાર, કૃષિ, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇન્ડો-પેસિફિક સુધીના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કરારોને જોતા સ્પષ્ટ થાય છે કે બંને દેશો હવે માત્ર મિત્રતાની વાતો સુધી મર્યાદિત રહેવા માંગતા નથી, પરંતુ તેને જમીન પર ઉતારવા માટે વ્યવસ્થિત આયોજન પણ કરી રહ્યા છે.
રાજકીય સંવાદને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય
બંને વડા પ્રધાનોએ નક્કી કર્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્ક સતત જળવાઈ રહેશે. વડા પ્રધાનો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ નિયમિત રીતે એકબીજાની મુલાકાત લેશે. ઉપરાંત બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ નિયમિત સંવાદ શરૂ કરવામાં આવશે અને વાર્ષિક બેઠક દ્વારા ‘રોડમેપ 2030’ની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. તેનો હેતુ બંને દેશો વચ્ચેનો રાજકીય વિશ્વાસ વધારવાનો અને ભવિષ્યના નિર્ણયો ઝડપથી અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો છે.
માત્ર સરકારો વચ્ચે જ નહીં, પરંતુ બંને દેશોની સંસદો વચ્ચે પણ નજીકનો સંપર્ક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની સંસદમાં રચાયેલા ન્યૂઝીલેન્ડ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ સહિત બંને દેશોના સાંસદો વચ્ચે નિયમિત મુલાકાતો અને ચર્ચાઓ થશે. તેનો ઉદ્દેશ લોકશાહી સંસ્થાઓ વચ્ચે સમજણ વધારવાનો, એકબીજાના અનુભવોમાંથી શીખવાનો અને લાંબાગાળાના રાજકીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને વધુ વ્યાપક બનાવાશે
ભારત અને ન્યૂઝીલેન્ડે 2025ના સંરક્ષણ સહયોગ કરારને આગળ વધારતાં સૈન્ય સ્તરે નિયમિત ચર્ચા અને ભાગીદારી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત નિવેદનમાં દરિયાઈ માર્ગો પર થતી ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે રચાયેલી ‘કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ-150’ માં બંને દેશોના સફળ સહયોગની સરાહના કરવામાં આવી છે.
દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે ‘મેરિટાઇમ કોઓપરેશન અરેંજમેન્ટ’ (MCA) પર સહમતિ સધાઈ છે, જેનાથી નૌસેનાઓ વચ્ચે સંયુક્ત પ્રવૃત્તિઓ અને માહિતીની આપ-લે વધશે. આ સાથે જ હાઇડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફી ક્ષેત્રે થયેલા કરાર મુજબ સમુદ્રી સર્વેક્ષણ, નેવિગેશન ચાર્ટ્સ તૈયાર કરવા અને સૈન્ય તાલીમ જેવા કાર્યોમાં પરસ્પર મદદ કરવામાં આવશે.
આ મુલાકાતનો એક મોટો નિર્ણય ‘મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ અરેંજમેન્ટ’ને મંજૂરી આપવાનો છે, જે હેઠળ સત્તાવાર મિશન કે દરિયાઈ સૈન્ય અભ્યાસ દરમિયાન ભારતની નૌસેના અને ન્યૂઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ એકબીજાને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડી શકશે. ઉપરાંત, સમુદ્ર સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા દર વર્ષે ‘મેરિટાઈમ સિક્યુરિટી ડાયલોગ’ યોજાશે અને ન્યૂઝીલેન્ડ ‘ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ’ના (IPOI) મેરિટાઇમ સિક્યોરિટી ક્ષેત્રમાં પણ પોતાનો સક્રિય સહયોગ આપશે. બંને દેશોએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ ટેક્નોલોજી અને સંયુક્ત તાલીમ/અભ્યાસ વધારવા પર પણ ભાર મૂક્યો છે.
આતંકવાદ, સાયબર ક્રાઇમ અને સંગઠિત ગુનાઓ સામે સંયુક્ત કાર્યવાહી
ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદ, સાયબર સુરક્ષા, ડ્રગ્સની હેરાફેરી, નાણાકીય ગુનાઓ, માનવ તસ્કરી અને અન્ય સંગઠિત ગુનાઓ સામે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો સંબંધિત એજન્સીઓ વચ્ચે સહયોગ વધારશે અને કાઉન્ટર-નાર્કોટિક્સ તથા કાયદા અમલીકરણ માટે સત્તાવાર વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપશે. બંને દેશોએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટે પરસ્પર માહિતી અને અનુભવની આપ-લે વધુ મજબૂત બનાવવામાં આવશે.
વર્ષ 2030 સુધી વેપારને બમણો કરવા અને FTAને વહેલી તકે અમલમાં મૂકવા પર ભાર
વેપાર અને અર્થતંત્રના ક્ષેત્રમાં બંને દેશોએ સૌથી મોટો નિર્ણય એ લીધો કે વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને NZ$7 બિલિયન (આશરે ₹35,000 કરોડ) સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. બંને વડા પ્રધાનોએ સ્વીકાર્યું કે હાલના વેપારમાં હજુ પણ વિકાસની મોટી સંભાવનાઓ છે અને તેથી વેપારી સંસ્થાઓને વધુ નજીકથી જોડીને બંને અર્થતંત્રની વિશેષતાઓનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત બંને દેશોએ ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું (FTA) સ્વાગત કર્યું અને તેને વહેલી તકે અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સંયુક્ત નિવેદન અનુસાર આ કરાર વેપારની અડચણો ઘટાડશે, બંને દેશો વચ્ચે રોકાણ વધારશે અને આર્થિક સહયોગને નવી ગતિ આપશે. સાથે જ ન્યૂઝીલેન્ડે ભારતના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યમાં વેપાર, કૃષિ, કૌશલ્ય વિકાસ, નવીનતા, સ્વચ્છ ઊર્જા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં સહયોગ આપવાની પણ વાત કરી છે.
કૃષિ અને બાગાયતમાં ન્યૂઝીલેન્ડની ટેકનોલોજીનો લાભ
ન્યૂઝીલેન્ડ ડેરી, બાગાયત અને કૃષિ ઉત્પાદકતામાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. કરાર મુજબ, ન્યૂઝીલેન્ડ ભારતમાં કીવી, સફરજન અને મધના ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા માટે પોતાની ટેકનોલોજી શેર કરશે. આ માટે ભારતમાં ‘સેન્ટર્સ ઑફ એક્સેલન્સ’ની સ્થાપના પણ કરવામાં આવશે. આ ઉપરાંત પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં સહયોગ વધારવા માટે પણ સમજૂતી થઈ છે, જે ભારતના ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ફૂડ સેફ્ટી અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા બંને દેશોની સંસ્થાઓ સંયુક્ત એક્શન પ્લાન પર કામ કરશે.
ભારતીય સીફેરર્સ માટે નવી તકો ઊભી કરવાનો પ્રયાસ
ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ અને મેરિટાઈમ ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલા સંવાદને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંથી દરિયાઈ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ વધશે, સીફેરર્સની અવરજવર સરળ બનશે અને બંને દેશોના મેરિટાઇમ ઉદ્યોગને પણ તેનો લાભ મળશે.
પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિનો સંગમ
પ્રવાસન ક્ષેત્રે ભારત અને ન્યૂઝીલેન્ડે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoA) કર્યો છે, જે અંતર્ગત બંને દેશો વચ્ચે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જોડાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ બંને દેશોના વડા પ્રધાનોએ મુસાફરીને વધુ સરળ બનાવવા અને પ્રવાસીઓની અવરજવર વધારવા માટે એરલાઇન્સ કંપનીઓને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી નોન-સ્ટોપ હવાઈ સેવા શરૂ કરવા પ્રોત્સાહિત કરી છે.
રમતગમતના ક્ષેત્રમાં સંબંધો વધુ મજબૂત કરવાના ભાગરૂપે બંને દેશો ‘100 યર્સ ઑફ યુનિટી થ્રુ સ્પોર્ટ’ની ઉજવણી કરશે. આ માટે ‘સ્પોર્ટ્સ જોઈન્ટ એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ બિઝનેસ અને બંને દેશોની રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારીને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં આવશે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જોડવા માટે પણ બંને દેશોએ મહત્વના નિર્ણયો લીધા છે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને સાંસ્કૃતિક સહયોગના કરાર ઉપરાંત ભારતના લોથલ સ્થિત ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ અને ‘ન્યૂઝીલેન્ડ મેરિટાઇમ મ્યુઝિયમ’ વચ્ચે પણ સમજૂતી થઈ છે, જે બંને દેશોના સદીઓ જૂના ઐતિહાસિક દરિયાઈ સંબંધોને આંતરરાષ્ટ્રીય મંચ પર એક નવી ઓળખ આપશે.
શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન
શિક્ષણ, સંશોધન અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રને બંને દેશોએ પોતાના સંબંધોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો છે. આ અંતર્ગત કૃષિ, આબોહવા પરિવર્તન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વિજ્ઞાન અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં નવી ભાગીદારી વિકસાવવામાં આવશે. સાથે જ, વિદ્યાર્થીઓની અવરજવર સરળ બનાવવા, યુનિવર્સિટીઓ વચ્ચે પરસ્પર સંબંધો મજબૂત કરવા, જોઇન્ટ રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટને વધુ પ્રોત્સાહન આપીને 2025ના શૈક્ષણિક કરારને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવશે.
બીજી તરફ આબોહવા પરિવર્તનને એક સમાન વૈશ્વિક પડકાર ગણાવીને બંને દેશો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ન્યૂઝીલેન્ડની નેશનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) વચ્ચે થયેલા ખાસ કરારને કારણે કુદરતી આફતો સામે પૂર્વ તૈયારી, રાહત-બચાવ કામગીરી અને પુનઃસ્થાપન ક્ષેત્રે બંને દેશોની સંયુક્ત ક્ષમતામાં મોટો વધારો થશે.
ઇન્ડો-પેસિફિકથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધી વૈશ્વિક મુદ્દાઓ પર એકસાથે આગળ વધવાનો નિર્ણય
ભારત અને ન્યૂઝીલેન્ડે મુક્ત, ખુલ્લા અને શાંતિપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવવાની સાથે વૈશ્વિક પડકારો પર એકસાથે આગળ વધવાનો મક્કમ નિર્ણય કર્યો છે. સંયુક્ત નિવેદન અનુસાર બંને દેશો આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે અને આ માટે ‘જોઇન્ટ વર્કિંગ ગ્રુપ ઑઁ કાઉન્ટર-ટેરરિઝમ’ની (આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથ) સ્થાપના કરીને ગુપ્ત માહિતીની આપ-લે વધારશે.
આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા, FATF જેવા બહુપક્ષીય મંચો પર સહયોગ, સપ્લાય ચેઇનની સ્થિરતા તેમજ મધ્યપૂર્વ અને યુક્રેનની સ્થિતિ અંગે સંવાદ દ્વારા ઉકેલ લાવવા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા બંને દેશો સહમત થયા છે, જે દર્શાવે છે કે આ ભાગીદારી હવે માત્ર દ્વિપક્ષીય હિતો પૂરતી મર્યાદિત નથી રહી પણ વૈશ્વિક સ્તરે વિસ્તરી છે.
આ સમગ્ર મુલાકાત પરથી સ્પષ્ટ થાય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડે માત્ર કરારો કર્યા નથી, પરંતુ ભવિષ્યના સંબંધો માટે એક મજબૂત અને સ્પષ્ટ નકશો તૈયાર કર્યો છે. ‘વ્યૂહાત્મક ભાગીદારી’, ‘રોડમેપ 2030’ અને કુલ 18 મહત્વપૂર્ણ નિર્ણયો દર્શાવે છે કે બંને દેશો હવે પરંપરાગત રાજકીય મર્યાદાઓથી ઉપર ઊઠીને સંરક્ષણ, વેપાર, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ અને આબોહવા પરિવર્તન જેવા દરેક ક્ષેત્રમાં લાંબાગાળાના વ્યવસ્થિત આયોજન સાથે આગળ વધવા માટે સંપૂર્ણ તૈયાર છે. સંયુક્ત નિવેદન મુજબ આગામી વર્ષોમાં આ નિર્ણયોનું નિયમિત અમલીકરણ અને સમયસર સમીક્ષા બંને દેશોના સંબંધોને એક નવી અને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરશે.


