
ગુજરાતના જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર શનિવારે (11 જુલાઈ) વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા 12 વર્ષીય મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. પરિવારની નજર સામે જ સિંહ બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. બાદમાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર યાત્રાળુઓની અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
મૃતક બાળકના કાકા અનિલકુમારસિંહે જણાવ્યું હતું કે પરિવાર વહેલી સવારે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે 50 પગથિયાં ઉપર પહોંચ્યા ત્યારે અંધારામાંથી એક સિંહ અચાનક બહાર આવ્યો અને પાછળથી હુમલો કરીને મયુરસિંહને તેમના હાથમાંથી ખેંચીને જંગલ તરફ ભાગી ગયો. આ ઘટનાથી ત્યાં હાજર યાત્રાળુઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે શોધ દરમિયાન જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે.
ઘટના બાદ પરિવારજનોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે ગિરનારની મુખ્ય સીડીઓ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા નથી, જેના કારણે વહેલી સવારે અંધારામાં વન્યજીવોની હાજરી અંગે કોઈને જાણ થઈ શકતી નથી. તેમણે સમગ્ર માર્ગ પર પૂરતી લાઇટિંગ, નિયમિત અંતરે વન વિભાગના કર્મચારીઓની તહેનાતી અને યાત્રાળુઓ માટે વધુ સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા હોવાનું જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ વિસ્તારની સીડીઓની આસપાસ સિંહ જોવા મળી રહ્યો હતો. જોકે આ અંગે વન વિભાગ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઘટના બાદ વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી સિંહની શોધખોળ શરૂ કરી છે. ઘટનાસ્થળ નજીક પાંજરાં પણ ગોઠવવામાં આવ્યા છે જેથી સિંહને પકડી શકાય. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઘટનાની જાણ થયા બાદ રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) લગભગ બે કલાક પછી સ્થળ પર પહોંચ્યા હતા. જોકે આ દાવા અંગે વન વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
પોલીસે ગિરનારની મુખ્ય સીડી તરફ જતો વિસ્તાર હાલ પૂરતો બંધ કરાવ્યો છે અને યાત્રાળુઓને જટાશંકર તરફની જૂની સીડી મારફતે જવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું કહેવું છે કે સિંહ હજુ પણ આસપાસના વિસ્તારમાં હોવાની શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા 25 દિવસમાં સિંહ દ્વારા માણસ પર હુમલાની આ છઠ્ઠી ઘટના બની છે. આ ઘટનાએ ગિરનાર અને આસપાસના જંગલ વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા તથા વન્યજીવ વ્યવસ્થાપન અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

