હોમપેજદેશનર્મદા પ્રોજેક્ટ સંબંધિત નાણાકીય વિવાદનો દાયકાઓ બાદ કાયમી અંત, ચાર રાજ્યો વચ્ચે...

નર્મદા પ્રોજેક્ટ સંબંધિત નાણાકીય વિવાદનો દાયકાઓ બાદ કાયમી અંત, ચાર રાજ્યો વચ્ચે થયા કરાર: મધ્ય પ્રદેશ ગુજરાતને ચૂકવશે ₹550 કરોડ– શું હતો સમગ્ર મામલો

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવાદનો કાયમી અંત. ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા.

- Advertisement -

નર્મદા નદી પર બનેલા મહત્વાકાંક્ષી સરદાર સરોવર પ્રોજેક્ટના ખર્ચ અને વળતર મુદ્દે ચાર રાજ્યો વચ્ચે છેલ્લા પાંચ દાયકાથી ચાલી રહેલા નાણાકીય વિવાદનો આખરે કાયમી અંત આવ્યો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક વન-ટાઇમ સેટલમેન્ટ (OTS) કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમ્યાન ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા.

આ કરાર હેઠળ નર્મદા પ્રોજેક્ટ સાથે જોડાયેલાં પશ્ચિમનાં ચાર રાજ્યો– ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે પુનર્વસન, જમીન વળતર અને બાંધકામ ખર્ચના હિસ્સાને લઈને ચાલી રહેલી લાંબી કાયદાકીય અને નાણાકીય ખેંચતાણનો સર્વસંમતિથી ઉકેલ આવ્યો છે. આ બેઠકમાં ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ વિવાદનો કાયમી નિકાલ કરવા માટે સહમતિ દર્શાવી હતી.

નવી દિલ્હીમાં આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર રીતે આ કરાર પત્ર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠકમાં કેન્દ્ર અને ચારેય રાજ્યોના જળ સંસાધન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

- Advertisement -

શાહે ગણાવ્યું ‘કો-ઑપરેટિવ ફેડરલિઝમ’નું ઉદાહરણ

બેઠક બાદ મીડિયાને સંબોધતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કરારને ભારતીય લોકશાહીમાં ‘કો-ઑપરેટિવ ફેડરલિઝમ’નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશની જળ સુરક્ષા મજબૂત કરવા અને રાજ્યો વચ્ચેના જૂના વિવાદોને સંઘર્ષના બદલે પરસ્પર સંવાદ અને સહકારથી ઉકેલવા સતત પ્રયત્નશીલ છે.

અમિત શાહે આગળ કહ્યું હતું કે, “પાણીનો ઉપયોગ ગમે તે રાજ્યમાં થાય પરંતુ તેનો અંતિમ લાભ ભારતના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જ મળે છે.” તેમણે રાજ્યોને અપીલ કરી હતી કે જળ સંસાધનોને રાજકીય વિવાદનો વિષય બનાવવાના બદલે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવાં જોઈએ કારણ કે પાડોશી રાજ્યની સમૃદ્ધિ આડકતરી રીતે સમગ્ર દેશને મજબૂત બનાવે છે.

શું હતો સમગ્ર વિવાદ

આ વિવાદના મુખ્ય કારણો પર નજર કરીએ તો, સરદાર સરોવર પ્રોજેક્ટના બાંધકામ ખર્ચની વહેંચણી અને ‘નર્મદા વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ’ (નર્મદા એવોર્ડ) હેઠળ ચૂકવવાપાત્ર રકમની ગણતરી અંગે રાજ્યો વચ્ચે લાંબા સમયથી મતભેદો હતા. આ પ્રોજેક્ટના કારણે ડૂબમાં ગયેલી જમીનનું વળતર કયા દરે ચૂકવવું, તે આ વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું.

વર્ષ 2002માં શરૂઆતી આંકડા મુજબ મધ્યપ્રદેશનાં 178 ગામોની 15,625 હેક્ટર જમીન સરદાર સરોવર ડેમના વિસ્તારમાં આવતી હતી. જોકે, વર્ષ 2019માં જ્યારે ડેમ તેની પૂર્ણ ક્ષમતા સુધી ભરાયો ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી હતી. ડેમની ઊંચાઈમાં 58 મીટરનો વધારો થવાને કારણે મધ્યપ્રદેશનાં 192 ગામોની 20,822 હેક્ટર જમીન કાયમી ધોરણે પાણીમાં ડૂબી ગઈ હતી.

આ વધારાની 5,000 હેક્ટરથી વધુ જમીન ડૂબમાં જવાને કારણે વળતરની ગણતરીનો વિવાદ ઊભો થયો હતો. મધ્ય પ્રદેશ સરકારે 2013ના નવા જમીન સંપાદન કાયદા અને 2019-20ના બજાર ભાવના આધારે ગુજરાત પાસે ₹7,669 કરોડના સુધારેલા વળતરની માંગણી કરી હતી. જ્યારે ગુજરાત સરકાર વર્ષ 2001ના જૂના દરો મુજબ માત્ર ₹281 કરોડ ચૂકવવા પર અડગ હતી.

બીજી તરફ, ડેમનું મુખ્ય બાંધકામ ગુજરાત સરકારે કર્યું હતું અને પ્રોજેક્ટ પર શરૂઆતમાં ખર્ચ પણ ગુજરાતે જ કર્યો હતો. પછીથી અન્ય ભાગીદાર રાજ્યો પાસેથી આ રકમ લેવાની હતી. પરંતુ પછીથી આ રાજ્યોમાંથી પણ અમુકે વળતરની માંગણી કરી, બીજી તરફ ગુજરાતને ચૂકવવાપાત્ર રકમ મુદ્દે પણ કોસ્ટ એક્સલેશન, વ્યાજ, કુલ ખર્ચ વગેરે બાબતોને લઈને વિવાદ થતા રહ્યા. ગુજરાત સરકારે મધ્ય પ્રદેશ સરકારને જણાવ્યું હતું કે ડેમના બાંધકામ અને જાળવણી ખર્ચ પેટે ₹5516.50 કરોડ બાકી નીકળે છે, જ્યારે એમપી ગુજરાત પાસે 7 હજાર કરોડની માંગણી કરી રહ્યું હતું. હવે આ પરસ્પર નાણાકીય દાવાઓનો અંત આણીને સેટલમેન્ટ કરી દેવામાં આવ્યું છે.

આ નવા સમજૂતી કરાર મુજબ મધ્યપ્રદેશ સરકારે ઉપરથી ગુજરાત સરકારને ₹550 કરોડ ચૂકવવા પડશે. આ રકમ જોકે દરેક રાજ્ય માટે નક્કી કરવામાં આવી છે, પણ મહારાષ્ટ્રનું કહેવું છે કે હવે તેમણે માત્ર ₹27 કરોડ ચૂકવવાના રહ્યા છે.

ગૃહમંત્રીએ આ તકે સરદાર સરોવર પ્રોજેક્ટના મહત્વ અંગે કહ્યું કે, આ પ્રોજેક્ટે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિશાળ વિસ્તારોના લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાને કારણે આ રાજ્યોમાં સિંચાઈ, પીવાનું શુદ્ધ પાણી અને વીજળીની ઉપલબ્ધતામાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે.

અમિત શાહે આ સંદર્ભમાં રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નર્મદાનાં નીર જ્યાં પણ પહોંચ્યા છે ત્યાંની ખેતી અને જમીનનો નકશો બદલાઈ ગયો છે અને રણ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં પણ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. મર્યાદિત પાણીના યોગ્ય વ્યવસ્થાપનથી રાજસ્થાનને કૃષિ ઉત્પાદનમાં મોટો ફાયદો થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અન્ય રાજ્યો વચ્ચેના જળ વિવાદો ઉકેલવા માટે લેવાયેલા પગલાંની પણ ગૃહમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે તાજેતરમાં જ રાજસ્થાન અને હરિયાણા વચ્ચેના 30 વર્ષ જૂના ‘યમુના જળ પ્રોજેક્ટ’ના વિવાદના ઉકેલ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યો વચ્ચે ‘કિશાઉ ડેમ પ્રોજેક્ટ’ અંગે થયેલા કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 29 જૂનના રોજ રાજસ્થાન અને હરિયાણાએ યમુના જળ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ 16 જૂનના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે કિશાઉ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ માટે સમજૂતી થઈ હતી, જે યમુના નદીના પુનરુત્થાન અને સિંચાઈ માટે મહત્વનો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નર્મદા પ્રોજેક્ટ પર થયેલો આ તાજેતરનો કરાર આંતરરાજ્ય જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિવાદોને ઉકેલવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ સમજૂતીથી ભવિષ્યમાં ચારેય રાજ્યો વચ્ચે પરસ્પર સમન્વય વધશે અને વિસ્થાપિત પરિવારોના પુનર્વસન તેમજ જમીન વળતરની બાકી પ્રક્રિયાઓને પણ ઝડપથી આખરી ઓપ આપી શકાશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં