‘ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર, બંધારણનું રક્ષણ કરે છે’: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NCERTએ બદલી નાખ્યું જ્યુડિશરી પરનું પ્રકરણ, હવે દેખાશે માત્ર પ્રશંસા

ન્યાયતંત્ર પર વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને પાછું ખેંચવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના આશરે ચાર મહિના પછી સંસ્થાએ હવે સુધારેલી આવૃત્તિ બહાર પાડી છે. આ નવા પુસ્તકમાં ન્યાયતંત્ર પરના પ્રકરણને સંપૂર્ણપણે ફરીથી લખવામાં આવ્યું છે. આ પ્રકરણમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’, બેકલોગ અને સુપ્રીમ કોર્ટના કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓની ચર્ચાઓને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે.

આ વિવાદની શરૂઆત ફેબ્રુઆરી 2026માં થઈ હતી, જ્યારે પુસ્તકના ભાગ-2માં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ શીર્ષક હેઠળ ચેપ્ટર હતું. આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે 25 ફેબ્રુઆરીએ સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. તે જ દિવસે NCERTએ આ ‘અયોગ્ય સામગ્રી’ બદલ માફી માગી હતી અને પ્રકરણ ફરીથી લખવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ કોર્ટે આ પુસ્તકના ડિજિટલ અને ફિઝિકલ બંને સ્વરૂપોના વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

નવી સુધારેલી આવૃત્તિમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉના પુસ્તકમાં ભારતીય ન્યાયતંત્ર સામેના પડકારો, જજોની અછત અને ન્યાયતંત્રમાં ગેરરીતિઓ અંગે પૂર્વ ચીફ જસ્ટિસ બી.આર. ગવઈના નિવેદનનો ઉલ્લેખ હતો, જેને હવે કાઢી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66A રદ કરતો ‘શ્રેયા સિંઘલ કેસ’ અને ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને અમાન્ય કરતો ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) કેસ’ જેવી તાજેતરની ચર્ચાઓ પણ પુસ્તકમાંથી હટાવી દેવામાં આવી છે.

તેના બદલે નવા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય ભૂમિકા, ટ્રિબ્યુનલ્સ અને જાહેર હિતની અરજી (PIL) વિશે વિગતવાર માહિતી ઉમેરવામાં આવી છે. તેમાં હુસૈનઆરા ખાતૂન કેસ, એમ.સી. મહેતાના પર્યાવરણ સંબંધિત કેસ અને કાર્યસ્થળ પર જાતીય સતામણી અંગેના ઐતિહાસિક ‘વિશાખા જજમેન્ટ’નો સકારાત્મક ઉદાહરણ તરીકે સમાવેશ કરાયો છે.

‘ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર સંસ્થા, બંધારણનું રક્ષણ કરે છે’

નવા પુસ્તકમાં ન્યાયતંત્રને ‘નિષ્પક્ષપાતી’ અને ‘સ્વતંત્ર’ સંસ્થા તરીકે વર્ણવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું કે આ સંસ્થા નાગરિકોના અધિકારો અને બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરે છે. પુસ્તકમાં ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતને સમજાવીને લખવામાં આવ્યું કે ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભા કરતાં સ્વતંત્રપણે કામ કરે છે.

પુસ્તક કહે છે કે, “ન્યાયતંત્ર સમાજના દરેક વર્ગના અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યોના સંરક્ષણમાં અગત્યનો ભાગ ભજવે છે. ન્યાયતંત્ર સમયાંતરે જાહેરહિતની અરજીઓ સાંભળતું રહે છે અને સૌને સમાન ન્યાય મળે તે માટે પ્રયાસો કરવામાં આવતા રહે છે.”

ન્યાયતંત્રના પ્રકરણમાં કારોબારીના નિર્ણયોની સમીક્ષા કરવાના ન્યાયતંત્રના અધિકારની વાત કરીને કહેવમાં આવ્યું કે કારોબારી દ્વારા લેવામાં આવતા નીતિગત નિર્ણયો અને બંધારણીય સુધારા પર સમીક્ષા કરવાનો જ્યુડિશરીને પૂરેપૂરો અધિકાર છે અને બંધારણનું ઉલ્લંઘન કરતા કાયદાને રદ કરવાની પણ તેની પાસે સત્તા છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રચેલ નિષ્ણાત સમિતિએ આ પ્રકરણ ફરીથી તૈયાર કર્યું છે. આ વિવાદ બાદ શિક્ષણ મંત્રાલયે પૂર્વ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ એક ઓવરસાઇટ કમિટી પણ બનાવી હતી. NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે આ નવું પુસ્તક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ છે અને તે ભારતીય સાંસ્કૃતિક સંદર્ભને મજબૂત કરે છે.