
રથયાત્રાના માત્ર 13 દિવસ પહેલાં ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારના (3 જુલાઈ) રોજ ગુજરાત ATSએ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં એકસાથે ઑપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 શખ્સોની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ તમામ શખ્સો ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા.
ગુજરાત ATSને આ અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તમામ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ATS તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને તેમની પાસેથી આતંકી નેટવર્ક, સંપર્કો તથા સંભવિત ષડ્યંત્ર અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાત ATSએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મધ્યરાત્રિએ મેગા ઑપરેશન હાથ ધરી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું ગુજરાતમાં નેટવર્ક સક્રિય કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી હાથ ધરાયેલા ઑપરેશનમાં બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્ય પ્રદેશના દેવાસમાંથી કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા તમામ આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આવી છે અને હાલ તેમની સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથેના કથિત સંબંધોની દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં સંગઠનનું માળખું ઊભું થાય તે પહેલાં જ આ ઑપરેશન પાર પાડી સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે.
ઝડપાયેલા 8 આરોપીઓ કોણ?
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે.
આ તમામ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ તેમજ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણ હોવાના ગંભીર આરોપો હેઠળ તપાસ ચાલી રહી છે.
ATSની પૂછપરછ ચાલુ
ગુજરાત ATS દ્વારા તમામ આરોપીઓની કાયદેસરની કાર્યવાહી સાથે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસમાં તેઓ ગુજરાતમાં કયા લોકોના સંપર્કમાં હતા, સંગઠનને સક્રિય કરવા માટે કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા, કોઈ મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું હતું કે કે નહીં અને તેમની પાછળ અન્ય કોઈ આતંકી નેટવર્ક કાર્યરત છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી રાજ્યની પ્રસિદ્ધ રથયાત્રાના માત્ર 13 દિવસ પહેલાં કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ માટે આ સમયગાળો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને ATS દ્વારા આતંકવાદી નેટવર્ક સામે આ મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હાલ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા આગળની તપાસ ચાલુ છે અને પૂછપરછના આધારે વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

