
પહલગામના નુનવાન બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો શ્રી અમરનાથજીની પવિત્ર ગુફા તરફ રવાના થતાંની સાથે જ આ વર્ષની 57 દિવસીય પવિત્ર યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ચલો બુલાવા આયા હૈ, બાબા બર્ફાની ને બુલાયા હૈ’ ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ભક્તોમાં બાબા બર્ફાનીના દર્શન માટે અદભુત ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને નોડલ અધિકારી રાહુલ યાદવના જણાવ્યા મુજબ હળવા વરસાદ વચ્ચે પણ રસ્તાઓ સાફ રાખવામાં આવ્યા છે અને તમામ સુરક્ષા તથા ઈમરજન્સી શેલ્ટરની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં પણ વધુ સારી છે.
પીએમ મોદી શ્રદ્ધાળુઓને પાઠવી શુભેચ્છાઓ
આ પાવન અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના શ્રદ્ધાળુઓને પત્ર લખીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે અમરનાથ યાત્રામાં સામેલ થવું એ બહુ મોટું સૌભાગ્ય છે. આ યાત્રા ભારતની આધ્યાત્મિક પરંપરાનો એક અતૂટ હિસ્સો છે, જે દેશની ‘વિવિધતામાં એકતા’નું સુંદર સ્વરૂપ રજૂ કરે છે.
પીએમ મોદીએ યાત્રાના સફળ આયોજન માટે શ્રાઈન બોર્ડ, સુરક્ષાદળો, પોલીસ, સેના અને સફાઈ કર્મચારીઓનો આભાર માન્યો છે. આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક નાગરિકોની પણ પ્રશંસા કરી છે, જેઓ નિઃસ્વાર્થ ભાવે યાત્રીઓ માટે ભંડારા અને લંગર ચલાવીને તેમનું સ્વાગત કરે છે.
વડાપ્રધાને યાત્રા પર જઈ રહેલા તમામ ભક્તોને પાંચ વિશેષ સંકલ્પ લેવા આગ્રહ કર્યો છે. પ્રથમ સંકલ્પ તરીકે તેમણે યાત્રા દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા અને માર્ગને સાફ રાખવા જણાવ્યું છે. બીજા સંકલ્પમાં તેમણે પ્રશાસનના નિયમો માનવા અને વરસાદ દરમિયાન લપસણથી સાવચેત રહેવા કહ્યું છે.
बाबा बर्फानी के दर्शन से जुड़ी श्री अमरनाथ यात्रा हमारी आध्यात्मिक परंपरा और सांस्कृतिक एकता का शाश्वत अध्याय है। मेरी कामना है कि शिवभक्तों की यह यात्रा हर तरह से सुरक्षित और मंगलमय हो! इस पावन अवसर पर श्रद्धालुओं के लिए पांच संकल्पों से जुड़ा मेरा यह पत्र… pic.twitter.com/6Bc2Y9tXJC
— Narendra Modi (@narendramodi) July 3, 2026
ત્રીજા સંકલ્પમાં પીએમ મોદીએ ‘વોકલ ફોર લોકલ’ની ભાવના સાથે યાત્રીઓને પોતાના ખર્ચના ઓછામાં ઓછા 10 ટકા સ્થાનિક વસ્તુઓ ખરીદવામાં વાપરવા અપીલ કરી છે, જેથી ત્યાંના યુવાનોને રોજગારી મળે. ચોથા સંકલ્પમાં રક્ષાબંધન પર ભાઈ-બહેનને છોડ ભેટ આપી ‘એક પેડ મા કે નામ’ અભિયાનને આગળ વધારવા કહ્યું છે.
પાંચમા સંકલ્પ તરીકે વડા પ્રધાને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે દેશ પ્રત્યેની ફરજો ઈમાનદારીથી નિભાવી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું છે. તેમને પૂરો વિશ્વાસ છે કે આ પવિત્ર યાત્રા દેશની સાંસ્કૃતિક એકતા અને આસ્થાનો એક ભવ્ય ઉત્સવ બની રહેશે.
અંતમાં, વડા પ્રધાને બાબા બર્ફાનીની કૃપા સૌ પર બની રહે તેવી કામના કરી છે. તેમણે દરેક શ્રદ્ધાળુની યાત્રા સુરક્ષિત અને મંગલમય બને તેવી પ્રાર્થના કરી છે, જેથી આ યાત્રા ભક્તોના જીવનમાં નવી ઉર્જા, નવી ચેતના અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે.

