
ભારતીય નૌકાદળે એડનની ખાડીમાં દરિયાઈ લૂંટારુઓનો વેપારી જહાજ પર કબજો કરવાનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નૌકાદળના યુદ્ધજહાજ INS ત્રિકંદ અને તેના ખાસ માર્કોસ (MARCOS) કમાન્ડોએ સાથે મળીને ભારત આવી રહેલા એક મહત્વપૂર્ણ માલવાહક જહાજને સુરક્ષિત બચાવી લીધું છે.
અહેવાલ અનુસાર 1 જૂલાઈની રાત્રે ‘એમવી ગોલ્ડન આર્સેનલ’ જહાજ માલસામાન લઈને જઈ રહ્યું હતું ત્યારે તેના પર સશસ્ત્ર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. આ સમયે જહાજના કર્મચારીઓ તરત જ જહાજની અંદર બનેલા એક સિટડેલમાં (સુરક્ષિત રૂમ) જતા રહ્યા અને નજીકમાં સ્થિત ભારતીય નૌકાદળને તાત્કાલિક મદદ માટે સંદેશ મોકલી દીધો હતો.
કટોકટીનો સંદેશ મળતાંની સાથે જ આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ INS ત્રિકંદ ખૂબ જ ઝડપથી મદદ માટે પહોંચી ગયું હતું. ભારતના શક્તિશાળી યુદ્ધજહાજને પોતાની તરફ આવતું જોઈને ચાંચિયાઓ ગભરાઈ ગયા હતા અને જહાજ લૂંટવાનો પોતાનો ઈરાદો છોડીને ત્યાંથી ભાગી ગયા હતા.
Indian Navy warship INS Trikand thwarted a piracy attempt in the Gulf of Aden last night. The Indian Navy Marine Commandos (MARCOS) boarded the affected vessel MV Golden Arsenal, which had one Indian crew member on board. The vessel was carrying critical cargo for India. The crew… pic.twitter.com/9kDv7SuGmr
— ANI (@ANI) July 2, 2026
ચાંચિયાઓ નાસી ગયા પછી સ્થિતિને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડો જહાજ પર ઉતર્યા હતા. તેમણે આખા જહાજની ઝીણવટભરી તપાસ કરીને તેને સુરક્ષિત જાહેર કર્યું હતું. તાજા જાણકારી અનુસાર જહાજ પર સવાર એક ભારતીય સહિત તમામ કર્મચારીઓ એકદમ સુરક્ષિત છે.
નોંધનીય છે કે એડનની ખાડી અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં પાઇરેટ્સના હુમલાના બનાવોમાં ફરી વધારો જોવા મળ્યો છે. આ જ કારણસર ભારતીય નૌકાસેના આ વિસ્તારમાં સતત યુદ્ધજહાજો તૈનાત રાખીને દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવી રહી છે.
આ સફળ ઑપરેશન દર્શાવે છે કે પશ્ચિમ હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળ આંતરરાષ્ટ્રીય વેપાર અને જહાજોની સુરક્ષા માટે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે ઉભરી આવ્યું છે. આ પહેલા પણ ભારતીય નૌકાદળે આ જ રીતે અન્ય જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા હતા.

